“મૂળ ભારતીય / યે હમારે દેશકા નહી હૈ, યે તો રોંગ નમ્બર હૈ”

Uncategorized ગદ્ય લેખ 3199

મને યાદ છે, હું જયારે સાતમાં ધોરણમાં (૨૦૦૬-૦૭) ભણતો હતો, ત્યારે હેડલાઈનથી લઈને લગભગ આખું છાપું સુનિતા વિલિયમ્સથી જ ભરેલું આવતું. “સુનિતાએ આમ કર્યું, એમણે તેમ કર્યું.”; “મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સ.”; “ગુજરાતની પનોતી પુત્રી સુનિતા વિલિયમ્સ.”; “સુનિતા અવકાશમાં સમોસા અને ચટણી સાથે લઈને ગઈ.”; “સમોસા અને ચટણી હવે ખૂટી ગયા છે.”; “સુનિતા પોતાના ગુજરાતની મુલાકાતે.” હદ છે યાર… હવે વાત જાણે એમ છે કે, સુનિતાનો જન્મ પણ ઇન્ડિયામાં નહોતો થયો, એની માતા પણ ઇન્ડિયન નથી, ખાલી એના પિતા દિપક પંડ્યા મૂળ ગુજરાતી છે, કે જેમણે ઇન્ડિયાનો ‘સંપૂર્ણપણે’ ત્યાગ ૧૯૬૬ માં (સુનિતાના જન્મના એક વર્ષમાં) જ કરી દીધો હતો. 

પછી જયારે હું નવમાં-દસમાં ધોરણમાં હતો, ત્યારે વેંકટરામન રામક્રિશ્નન છાપાનું ‘મટીરીયલ’ બનેલા. મૂળ ભારતીય અને ગુજરાતમાં ભણેલા, એટલે “મૂળ ગુજરાતી એવા વેંકટરામનને બીજા બે વૈજ્ઞાનિકો સાથે ૨૦૦૯ નું કેમિસ્ટ્રી વિષય માટે નોબલ પ્રાઈઝ એનાયત થયું.”, એવી હેડલાઈન બધા વર્તમાનપત્રોમાં આવેલી. જે માણસે ૧૯૭૧ માં જ બરોડામાં બે.એસ.સી. ફીઝીક્સ પૂરું કરી નાખ્યું છે અને તરત જ આગળના અભ્યાસ માટે યુ.એસ. જતો રહ્યો છે અને ત્યાંની જ ફેસીલીટી અને ત્યાંની જ સ્કોલરશીપ લઈને જે માણસ ભણ્યો છે, આગળ વધ્યો છે, રીસર્ચ કર્યું છે, એ મૂળ મદ્રાસના માણસને જયારે નોબલ પ્રાઈઝ મળે છે, ત્યારે એનું ભારતીય અને ગુજરાતી ‘મૂળિયું’ ખોદી કાઢવામાં આવે છે, છાપે ચડાવી દેવામાં આવે છે અને ઇન્ડિયાના નામ પર એની ટીકીટ ફાડી નાખવામાં આવે છે, એને ૨૦૧૦ માં ભારતનો બીજા નંબરનો નાગરિક એવોર્ડ ‘પદ્મવિભુષણ’ પણ આપવામાં આવે છે. એમણે પોતાની ઇન્ડિયા-વિઝીટ દરમિયાન એવું કહેલું કે, “ઇન્ડિયાએ કોણ કેવા પ્રકારનું માંસ ખાય છે, એના પર ફોકસ કરવાને બદલે સાયન્સ અને ટેકનોલોજી પર ફોકસ કરવું જોઈએ. ચીન કરતા એ બાબતમાં અહીં લોકો ટેકનોલોજીમાં ઘણા પાછળ છે. જો હું ભારતમાં રહ્યો હોત તો, અહીં સુધી ના પહોંચી શક્યો હોત.”

નાસામાં ૪૦% સાયન્ટીસ્ટ અને રિસર્ચર ભારતીય છે, એવી મોટીમોટી વાતો કરવામાં આવે છે. પણ એમાંથી કેટલા ટકા સાયન્ટીસ્ટો અને રિસર્ચરોને અહીંથી ડાઈરેક્ટ કોલ-લેટર મળેલો? ટોપ ‘ટેક-કંપની’ઓમાં સારી સારી પોસ્ટ પર જે ઇન્ડિયન્સ છે, એનો પણ આપણે ખોટેખોટો ઘમંડ કરીએ છીએ. કેમ કે, સુંદર પિચાઈ (સી.ઈ.ઓ., ગૂગલ), સત્ય નંડેલા (સી.ઈ.ઓ., માઈક્રોસોફ્ટ), સંજયકુમાર જહા (સી.ઈ.ઓ., ગ્લોબલ ફાઉન્ડ્રીસ), શાંતનુ નારાયણ (સી.ઈ.ઓ., એડોબ), નિકેશ અરોરા (સી.ઈ.ઓ., સોફ્ટ બેંક ઈન્ટરનેટ), સંજય મેહરોત્રા (સી.ઈ.ઓ., સેન્ડિસ્ક કોર્પોરેશન), રાજીવ સૂરી (સી.ઈ.ઓ., નોકિયા).. કોઈ પણ નામ લઈ લો તમે… સારી પોસ્ટ પર જે ‘મૂળ’ ઇન્ડિયન્સ છે, એમણે ઇન્ડિયા બહાર એટલા વર્ષો વિતાવ્યા છે કે તેઓ હવે ‘ઇન્ડિયન નથી રહ્યા. એમણે એજ્યુકેશન અથવા હાયર એજ્યુકેશન ઇન્ડિયા બહારથી જ લીધેલું છે. ને એમાંના ઘણાને તો તમે એને ‘ઇન્ડિયન’ કહો, એનાથી પણ ચીડ છે.

ના. હું અહીં ‘દેશપ્રેમ’ વિષે સલાહો બિલકુલ નથી આપવાનો. દરેક માણસને જીવનમાં કંઈક બનવું છે, કંઈક મેળવવું છે, એટલે એને જ્યાં ‘તક’ દેખાય ત્યાં એ જતો રહે, એ સ્વાભાવિક છે. હું અહીંથી વિદેશ જઈને ભણીને, મહેનત કરીને આગળ આવેલા મૂળ ‘ભારતીય’ લોકોનો નહી, પણ અહીંની એજ્યુકેશન સીસ્ટમ, પોલીટીકલ રવૈયા, મીડિયાના વલણ અને લોકોની બુઠ્ઠી માનસિકતા વિરોધી છું. 

‘યોગા’ (‘યોગી’ નહી) જેવી બાબતમાં જયારે એક્ચ્યુલીમાં લેવાની હોય અને પેટર્ન કરાવવાની હોય ત્યારે આપણે હલતા પણ નથી, પણ બીજીબાજુ ખોટેખોટી વાતોમાં મોટીમોટી વાતો ફેંકવામાં અને ક્રેડીટ લઈ લેવામાંથી જ ઊંચા નથી આવ્યા. “પુષ્પક વિમાન દુનિયાનું સૌથી પહેલું વિમાન હતું, નહીં કે રાઈટ-બંધુઓએ બનાવેલું વિમાન.” – એવી ચર્ચાઓ કરવાને બદલે જલ્દી વાસ્તવિકતામાં આવી જવાની જરૂર છે. સૌથી પહેલા તો પેલી ચાર બંગડીવાળી કિંજલ દવેનું ‘અમે ગુજરાતી – લેરી લાલા’ ગીત બંધ કરાવી દેવાની જરૂર છે. Jokes apart, હકીકત એ છે કે, આઈ.આઈ. ટી અને આઈ.આઈ.એમ. જેવી જે સંસ્થાઓનો ગર્વ લઈએ છીએ, એની ગણના વિશ્વની ટોપ હન્ડ્રેડ યુનિવર્સીટી/કોલેજોમાં પણ નથી થતો.

શીખવાની વસ્તુ એ છે કે, બધા લોકો ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા નથી હોતા, કે અહીં ઓછી તકો હોવા છતાં અને વિદેશોમાંથી સારી સારી ઓફરો આવતી હોવા છતાં, હાડમારી સહન કરીને, સંઘર્ષ કરીને, અહીં રહે અને પોતે અને દેશ બન્નેને આગળ લાવે. બધાને પોતપોતાની પ્રાયોરીટી છે, પોતપોતાની લાઈફ છે. આફ્ટરઓલ, જિંદગી એક જ મળી છે બધાને. 

દેશના ડેવલોપમેન્ટ નહીં થવાના રીઝનમાં આપણે બહાર જઈને વસેલા મૂળ અહીંના ‘સુપરબ્રેઈન’ને જવાબદાર ના ઠેરવી શકીએ. એ માટે કોઈ જવાબદાર છે, તો એ છે અહીંની સીસ્ટમ. જેમને દેશ માટે અહીં રહીને કંઈક કરવું છે, એ લોકોને મદદ કરવાને બદલે આપણી આ મહાન ‘સીસ્ટમ’ એમના ટાંટિયા ખેંચે છે.  (યાદ છે ને રજનીકાંતનું ‘સિવાજી – ધ બોસ’ મુવી?) અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સાથે કનેક્ટેડ ‘યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર’ ખોલવામાં પણ એનું સપનું જોનારાઓને આંખે અંધારા આવી ગયા હતા. કોના પ્રતાપે? 

એવું અહીં શું નથી અને બહાર શું છે, કે લોકો અહીં રહેવા નથી માંગતા? કેમ અહીંની સીસ્ટમ અને ડેવલપમેન્ટ(હા, એ જ ‘વિકાસ’) પર ઘણા લોકોને ભરોસો નથી અને મોટાભાગના અકળાયેલા સ્કોલર સ્ટુડન્ટ ફટાફટ ફોરેન ભાગી જઈ, ત્યાં જ ભણી, ત્યાં જ સેટલ થઈ જાય છે? એ બધાની વાત પછી ક્યારેક.

 

PACK UP

હું નથી માનતો કે, આપણો દેશ વિશ્વમાં સૌથી મહાન દેશ છે. પણ એ જરૂર માનું છું કે, આપણા સૌમાં એ કાબેલિયત છે કે એને મહાન બનાવી શકીએ. 

ફિલ્મ ‘સ્વદેસ’માં યુ.એસ. થી ઇન્ડિયા આવેલા મોહન ભાર્ગવ(શાહરૂખ ખાન)ના મોઢેથી બોલાયેલ શબ્દો.

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech