“દરિયો”

Uncategorized ગદ્ય લેખ 3216

એક સાંજે હું દરિયા પર જાઉં છું. સાંજના મનોરમ્ય આકાશને પોતાના બાહુમાં ભરતો હોય એમ એ ઉછળે છે. લાલ-કેસરી રંગોથી દિવસના અંતને સુંદર બનાવતી રાત ઉગે છે. સરકતી ભીની રેતી જયારે મારા પગની ચામડીને સ્પર્શે છે ત્યારે તે મૃદુ સ્પર્શ આખા અસ્તિત્વને જાણે કે જીવંત કરે છે. ભીની રેતીના સ્પર્શના સ્પંદનો મનની સપાટી પર થઈ આત્માને ઝંકૃત કરે છે. માછીમારો, ફેરિયાઓ બધા પોત-પોતાના સ્થાને જવા નીકળે છે. ત્યારે એક વિચાર ઝબકે છે.

સમયની કેડી ઉપર આપણે બધા જ એક સરખી ગતિથી ચાલીએ છીએ. એક દિવસ દરેકનું અસ્તિત્વ મટી જશે, આ રેતી ઉપર ચાલી રહેલા પ્રાણી-જીવો, માણસો, વૃદ્ધો અને બાળકો બધી જ આંખો જે આજે અહીં આ દરિયાને જોઈ રહી છે તે ક્યારેક નહિ હોય, પણ આ દરિયો! આ ઉછળતા અફાટ મોજાઓ, આ રેતીની ભીનાશ અને આ કિનારા. એ તો અહીં જ રહેશે હંમેશા. શું એમની કોઈ સફર યાત્રા નથી? જિબ્રાનની જીવનવાટિકામાં વાંચ્યું હતું – તમારા દિલનું હિમકણ એક મહાન સમુદ્રને મળવા જઈ રહ્યું છે! હરેક જીવન ક્યાંક જઈ રહ્યું છે. કોઈ મહાન પ્રવાસ કરવા નીકળ્યું છે.

શું આપણે પણ પ્રવાસ કરવા જ નીકળ્યા છીએ? તો આ દરિયાને માણ્યા બાદ પરત આપણા ગંતવ્ય સ્થાને કેમ ચાલ્યા જઈએ છીએ? એ સંવેદના, એ દરિયાઈ સ્પર્શ, એ ભીનાશ બધું જ અહીં મૂકીને? દરિયાની શાંતિ, એ સુંદરતા તો સાથે લઈ જઈએ છીએ પરંતુ કિનારાઓ પર આપણા શ્વાસમાં ઉમટેલી ઉષ્માનું અંશ મૂકતા જઈએ છીએ. આપણા વિચારોમાં દરિયાના મોજા થકી આવેલી સંવેદનાનો હ્રદય સાથે મેળાપ કરતા જઈએ છીએ. સમુદ્ધ ચિરંજીવી એટલા માટે જ હશે કારણ દરેકની સંવેદનાઓના શ્વાસથી એ જીવે છે, કદાચ કોઈક માનવીય સત્યની શકિતથી જ એ અમર છે.

વર્ષો પર્યંત સુધી એ લાગણી ત્યાં જીવંત રહેશે જયારે આપણે પ્રિયજનના હાથમાં હાથ ભેરવીને અનંત સમુદ્રને નિહાળતાં એના કિનારાઓ પર ચાલતા હોઈશું.. વર્ષો બાદ આ પૃથ્વી પર આપણે નહિ હોઈએ, પણ આપણા પ્રિયજનનું આછેરું અસ્તિત્વ ત્યાં સ્થગિત થયું હશે, રેતીમાં પાડેલ પગલાંઓ તો ભૂંસાઈ ગયા હશે પણ પ્રેમના પગલાંઓ એ ભીની રેતીના સ્પર્શમાં અનંત સમય સુધી અંકિત થઈ ગયા હશે, અને સમુદ્ધ તેના મોજાઓથી જાણે આપણા પ્રેમ-પગલાંઓને વહાલ કરી સાચવતો હશે..!

કહેવાય છે કે દુનિયાની સૌથી સુંદર વસ્તુઓને પામી નથી શકાતી, માત્ર અનુભવી શકાય છે.. જેમ કે આકાશ, સમુદ્ર, સમુદ્રની રેતીનો મૃદુ સ્પર્શ, અરણ્યની સુવાસ, ફૂલોની સુગંધ, ચાંદનીની શીતળતા, પહાડોનું ગીત અને પ્રેમનું સંગીત! પરંતુ બૌદ્ધ દર્શન મુજબ જો તમને ગુલાબનું ફૂલ ગમતું હોય તો તમે ક્યારેક કોઈક જન્મમાં ગુલાબ હશો, તો જ તેની સુગંધ તમને મહોરી શકે, તીવ્રતાથી સ્પર્શી શકે.. કોઈકનો અવાજ અતિપ્રિય છે તો ક્યાંક ક્યારેક એ અવાજ તમારી ખુબ નજીક રહ્યો હોય શકે! તો આ અગાધ સમુદ્ર શું માત્ર પાણીનો સંગ્રહ છે? જીવનનો અર્ક સમાન દીસતી એ દરિયાઈ હવા જેની પળે-પળને અનુભવી શકાય છે, એ અશરીરી સમુદ્ર માત્ર પાણીનો જથ્થો તો ના જ હોય શકે.. એમાં સંવેદનો છે, શ્વાસના લય છે, જીવનનો અર્થ છે, એ દરિયો અસંખ્ય જીવોને જીવાડતો આધાર છે, હા એ તારણહાર પણ છે અને ભક્ષક પણ છે.. પણ એક સત્ય હંમેશા એ ઉછળતા મોજાઓમાં, તેની હવાઓમાં ઉમટે છે, કે દરિયો માત્ર આપે છે, ભરપુર આપે છે. ને આપણે માત્ર એની પૂજા કરીએ છીએ, દૂરથી જોઈને આંખોને તૃપ્ત કરીએ છીએ.. તો ક્યારેક ધોધમાર થઈ, દરિયો થઈને જ દરિયાને મળીએ તો?!

હું તને ચાહી શકું મારા સરળ પ્રકારે

ચાહવાનો એટલો સહેલો પ્રકાર થઈ જા

હુંય લીલોછમ અડીખમ ને સળંગ ભીનો,

તુંય મુશળધાર થઈ જા, ધોધમાર થઈ જા..

– અનિલ ચાવડા

Meera Joshi (મીરા જોશી)

Meera Joshi (મીરા જોશી)

Made with by cridos.tech