અમારા વિશે

 

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

૨૦૧૫ની દિવાળી આસપાસનો સમય હતો. ત્યારે અમે વીસ વર્ષના હતા. મને એ ખબર નથી કે, એવા કયા ‘ફ્લો’ માં આવીને મેં અને કેયુરે કોઈ મેગેઝીન ચાલુ કરવાનો વિચાર કર્યો અને મનોરી સાથે વાત કરી. પછી અમે એવા મેમ્બર શોધ્યા કે જેમને સાહિત્ય માટે થોડી લાગણી હોય. એ વાત જાહિર છે કે, અમારા વાંચનના શોખ અને થોડુંઘણું લખવાના હોંશ સિવાય સાહિત્ય સાથે કે એના વર્તુળો સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન્હોતો. એટલે અમે અમારા સ્કૂલ અને કોલેજના મિત્ર-વર્તુળોમાં જ નજર દોડાવી હોય અને એમાંથી જ અમુક લોકો પસંદ કર્યા હોય. કોઈ financial બેકઅપ હતું નહી, આથી હાર્ડકોપીમાં મેગેઝીન છપાવવાનું સાહસ જ અમારાથી થઈ શકે એમ નહોતું. એટલે ‘E – Magazine’ જ અમારા માટે અંતિમ વિકલ્પ હતો. મેગેઝીનનું નામકરણ અને એની કોલમો પછી નક્કી થઈ. પછી અમુક વ્યક્તિગત સમસ્યાઓને લીધે અમુક મેમ્બર નીકળતા ગયા, નીકળતા રહ્યા છે, ઘણા નવા ઉમેરાતા રહ્યા છે. હવે આ વેબસાઈટની રચના વખતે ૬ મેમ્બર ફિક્સ થયા છે. બધાને પોતપોતાનો રોલ અપાયો છે. ટૂંકમાં આડેધડ ચાલતું કામ હવે પહેલા કરતા વ્યવસ્થિત રીતે થાય, એવું આયોજન થયું છે.

‘પંખ’ ખાલી દર મહિને જાહેરમાં મુકાતી મેગેઝીનની એક પીડીએફ ફાઈલ સુધી સીમિત નથી. સોશિયલ મીડિયામાં વૈવિધ્યસભર પોસ્ટ કરવાની સાથે અમુક ઓનલાઈન અને ઓફલાઈન ઈવેન્ટ્સ પણ અમે ભાવકો માટે લઈને આવીએ છીએ. ઘણા લેખકો, કવિઓ, ભાવકો, ફોટોગ્રાફરો અને કલાકારો ‘પંખ’ સાથે નિઃસ્વાર્થપણે જોડાયા છે. જો ના જોડાયા હોત તો ‘પંખ’ ડગમગી ગયું હોત. એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એક હકીકત એ પણ છે કે, જો ‘પંખ’ ઈ-મેગેઝીનને બદલે હોત તો અમે એટલું વ્યાપક કામ ક્યારેય ના કરી શક્યા હોત. ‘પરિવર્તન સંસારનો નિયમ છે’ – એ ઉક્તિ અહીં પણ સાચી જ પડે છે. જૂની પરંપરાને સાથે રાખીને કે પછી ક્યારેક ત્યજીને પણ નવી પરંપરા માટે જગ્યા કરવી જ પડે; સમય સાથે બદલાવ કરવો જ પડે. જો બંધિયાર રહીએ તો સાહિત્ય કે કલાની હાલત પણ દેવવ્રત ભીષ્મ જેવી થાય, એવું મારું માનવું છે. આજના સમય પ્રમાણે આ ઓનલાઈન માધ્યમ જ વિનિયોગનું યોગ્ય માધ્યમ બની શકે એમ છે. ને આપને આ માધ્યમનો શક્ય એટલો હકારાત્મક ઉપયોગ કરીએ એ ઈચ્છનીય છે.
‘પંખ’નો ઉદ્દેશ્ય સાહિત્યની મોટી-મોટી વાતો ફેંકી એના પર બોજ વધારવાનો નથી. ‘પંખ’ ગુજરાતી ભાષાનું મેગેઝીન નથી. ‘પંખ’ ગુજરાતી મેગેઝીન છે. ‘પંખ’ કોઈ સાહિત્યિક પ્રવૃત્તિ નથી. પણ સાહિત્યનો વ્યાપ વધારવા પોતાનાથી શક્ય એટલું યોગદાન આપવા કટિબદ્ધ છે ખરું! ‘પંખ’ ગુજરાતી પ્રવૃત્તિ છે, ગુજરાતી હોવાનો એક ઉત્સવ છે. આ વેબસાઈટની રચના એટલે જ કરવામાં આવી છે, જેથી તમે ‘ગુજરાતી’ હોવાનો ઉત્સવ ‘પંખ’ સાથે એક જ સરનામે ઉજવી શકો! આપના સહકારની અપેક્ષા. આપના સૂચનો આવકાર્ય છે.

- યાજ્ઞિક વઘાસિયા, એડિટર, ‘પંખ’


ટીમ 'પંખ'


Yagnik Vaghasiya

યાજ્ઞિક વઘાસિયા
Yagnik Vaghasia

Founder, Editor, Proof-Reader, Coordinator

મૂળ અમરેલીનો અને અમદાવાદનો રહેવાસી યાજ્ઞિક જામનગરની એમ.પી.શાહ કોલેજમાંથી એમ.બી.બી.એસ કરીને અત્યારે પોસ્ટ-ગ્રેજ્યુએશનની મથામણમાં છે.

પોતે વાર્તા અને આર્ટીકલ્સ લખે છે; કલાનો કદરદાન છે. પણ લેખક પહેલા એ એક સમજદાર વાંચક છે. ક્યારેક introvert તો ક્યારેક extrovert એવા આ ‘Creative Medico’ નો ટ્રેડમાર્ક છે – ‘કોન્ટ્રોવર્સી’ અને ‘કટાક્ષ’. કોઈને પણ મોઢા પર સંભળાવી મોઢું તોડી શકે છે, તો ક્યારેક બગડેલું સંભાળી પણ જાણે છે. શોર્ટ ફિલ્મોનો ચાહક છે.

એને પોતાના લખાણ અને સાહિત્ય દ્વારા સામાજિક બદલાવની ઝંખના છે. ‘પંખ’માં બધું કામ ચીવટપૂર્વક થાય, એનું સતત ધ્યાન રાખે છે.

Keyur Dudhat

કેયુર દુધાત
Keyur Dudhat

Founder, Marketing & Designing Head

રમતા જોગી જેવો આ એન્જિનીયરીંગ લંડનથી માર્કેટિંગમાં માસ્ટર્સ કરીને ગુજરાત પરત ફરી અમદાવાદમાં સોલાર બિઝનેસ સફળતાપૂર્વક સંભાળે છે.

જોખમ ખેડવામાં, સાહસ કરી ઝંપલાવવામાં અને એમાંથી આબાદ બહાર નીકળવામાં કેયુરનો જોટો જડે એમ નથી. પોતે બહુ Cool અને Calm છે. શાંત રહીને જ બધું સારી રીતે હેન્ડલ કરી શકે છે.

પોતાના પરિવાર અને સમાજ માટે કંઈક યોગદાન આપવા હંમેશા તત્પર એવો કેયુર પંખમાં ડિઝાઇન, લે-આઉટ અને ઓનલાઇન માર્કેટિંગ સંભાળે છે.

Manori Shah

મનોરી શાહ
Manori Shah

Co-Founder, Finance & Management Head

એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં એમ.બી.એ કરી ચૂકેલી આ યુવતી પોતે પણ એનર્જીથી ભરપૂર છે અને અત્યારે મુંબઈમાં એક કોર્પોરેટ કંપની સાથે સંકળાયેલી છે. બાળપણમાં માતા તરફથી મળેલો વાંચનનો શોખ અને પિતા તરફથી મળેલો મળતાવડો સ્વભાવ એની અત્યાર સુધીની સફરમાં પાયારૂપ રહ્યા છે.

મનોરી એક  સ્વતંત્ર વિચારો ધરાવતી વ્યક્તિ છે, જે સારું નહીં પણ સાચું બોલવાનો આગ્રહ રાખે છે. સાહિત્ય ના ભાગરૂપે ભાષા કે શબ્દોનો પ્રયોગ કદાચ એકદમ શુદ્ધ  ન લાગે, પણ વિચારોની તીક્ષ્ણતા અને સ્પષ્ટતા બાબતે કદી એણે બાંધછોડ નથી કરી.

વાતો કરવાની અને સારું-સારું ટેસ્ટી ખાવાની શોખીન એવી મનોરી ‘પંખ’માં ફાયનાન્સ અને મેનેજમેન્ટનું કામ કરે છે.

Anant Gohil

અનંત ગોહિલ
Anant Gohil

Social Media Content Head

જન્મ, ઉછેર અને અભ્યાસ - આ આખી સફર અમદાવાદમાં ખેડી ચૂકેલો આ પાક્કો અમદાવાદી યુવાન અત્યારે મેડિકલ ઓફિસરની જોબ સાથે પબ્લિક હેલ્થમાં માસ્ટર્સ કરે છે. અમારું સોશિયલ મીડિયાનું કન્ટેન્ટ સંભાળે છે.

‘વાંચન’ અને ‘ચા’ માટે એનો પ્રેમ અનન્ય છે. એની જેની સાથે વાત થઇ રહી હોય એના જેવા થઇ જવાની ખાસિયત, એનું આ પ્રવાહીપણું પંખ માટે હંમેશા સવાયું સાબિત થયું છે. મહિનાના અમુક દિવસોમાં એ પૂરેપૂરો ફિલસૂફ હોય અને અમુક દિવસોમાં સંપૂર્ણપણે મસ્તીખોર! અનંતને પોતે પણ બહુ વાંચવું છે અને આજના 'યુથ'ને પણ વાંચતા કરવું છે.

Viral Joshi

વિરલ જોશી
VIRAL JOSHI

Public Relations Officer, Social Media Handler, Event Planning Head

અમદાવાદની એલ.ડી એન્જીનીયરીંગ કોલેજ માંથી એન્વાયરમેન્ટ એન્જિનીયરિંગનો અભ્યાસ કરી અત્યારે દિલ્હીમાં અર્બન ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરી રહી છે.

પોતે પ્રકૃતિ-પ્રેમી છે, ચુલબુલી છે. હંમેશા હસતી રહે છે.  લોકો સાથે જલ્દી ભળી જાય છે અને તરત બધાને પોતાના બનાવી લે છે. ઇવેન્ટ મેનેજ કરવી, તેમાં ભાગ લેવો અને પોતાને ગમતા સાહિત્ય વિશે ચર્ચા કરવી - આ બધા તેના ઘણા ગમતા કામોમાંથી અમુક છે.

થોડી આળસુ છે પણ એકવાર મસ્ત ધક્કો મારો તો ચોક્કસ તમને મંઝિલ સુધી પહોંચાડી દે. સાહિત્યરસિકો અને સાહિત્યકારો સાથે જોડાયેલી વિરલ સોશિયલ મીડિયા પર મસ્ત-મસ્ત પોસ્ટ કરતી રહે છે અને અવનવી ઇવેન્ટ માટેના આઈડિયા લઈને આવતી રહે છે.

હોઝેફા અગવન

હોઝેફા અગવાન
Hozefa Agvan

Photography & Videography Head

જેમ ચારિત્ર્ય એ વ્યક્તિના મૂલ્યવાન વાઘા છે, એમ કોઈપણ મેગેઝીનના કવરપેજ એ તેમની અંદરના કન્ટેન્ટના પ્રતિબિંબ છે. પોતે સારો ફોટોગ્રાફર છે. પંખ ટીમમાં હોઝેફાની જવાબદારી એની જેવા જ બીજા તરવરીયા યુવાનો પાસેથી બેસ્ટ ફોટોગ્રાફ્સ લાવી આપવાની તથા ફોટો અને વિડીયો માધ્યમ દ્વારા પંખને  વધુમાં વધુ લોકો સુધી આકર્ષક રીતે પહોંચાડવાની છે.

મૂળ દરિયાની નજીક એવા મહુવાનો રહેવાસી અને અમદાવાદમાં એન્વાયરમેન્ટ એન્જિનીયરીંગનો અભ્યાસ કરી ચૂકેલ હોઝેફા નાની ઉંમરથી જ થીયેટર ડ્રામા અને સાહિત્યમાં રસ ધરાવે છે. વધતી ઉંમર સાથે આ પ્રેમ ફોટોગ્રાફી તથા સિનેમેટોગ્રાફી તરફ રૂપાંતરિત થયો. એની ફોટોગ્રાફીની સમજ પંખને એવા ફોટોગ્રાફ્સ આપે છે, જ્યાં સમય થંભી ગયો હોય, કેમેરામાં કેદ થઈ ગયો હોય અને એક ફોટોગ્રાફ પણ લાંબા-લચક લખાણની ગરજ સારતો હોય.

Made with by cridos.tech