આતતાયીની નિશાનીઓ / બેક ટુ પ્રયાગરાજ / સંસ્કૃત પર અતિક્રમણ કેમ?

ગદ્ય લેખ 4014

શરૂઆત સાવ સરળ અને સ્પષ્ટ સવાલોથી કરીયે. ‘પ્રયાગરાજ’ કે પછી ‘કર્ણાવતી’ જેવા શબ્દમાં ખરાબ શું છે? જે જગ્યા માટે આ શબ્દો વપરાય છે, એમાં અસંબદ્ધ બાબત કઈ? રાજકારણ પોતાની જગ્યાએ છે. કોઈ સ્થળનું નામ બદલાય કે બદલાવનો વિરોધ થાય, એની પાછળ પોલિટિકલ મોટિવ રહેલો હોય એ સમજી શકાય. પરંતુ સંસ્કૃત ધાતુઓ જેનું મૂળ છે એવા શબ્દો પ્રત્યે આટલી નફરત અને અરુચિ શા માટે? ઉર્દૂ પણ ભારતમાં જન્મી છે અને ભારતની સંસ્કૃતિનો હિસ્સો છે. તેમ છતાં, એનાં પ્રત્યે અત્યંત પ્રેમ વ્યક્ત કરતા અમુક સૃજ્ઞજનો સંસ્કૃતનું નામ પડતા જ મોં શા માટે બગાડે છે? બંને ભાષા એક જ ધરતીની જનિત હોવા છતા એકની પ્રત્યે અણગમો અને ચિડ હોવાનું શું કારણ? શું ક્રિસ્ટફર નોલન મૂર્ખ છે, જેણે પોતાની ‘ઇન્ટરસ્ટેલર’ ફિલ્મનાં એક દૃશ્યમાં ભારતીય ડ્રોનની ડિજિટલ પ્રણાલીની ભાષા દેવનાગરી લિપિમાં દેખાડી હતી?

એક સમય એવો હતો જ્યારે સિંધુ ખીણ સંસ્કૃતિ જમીન તળે દટાયેલી હતી અને ઇતિહાસકારો માનતા હતા કે ભારતના અતીતનું આરંભ-બિંદુ બૌદ્ધયુગ છે. પરંતુ આજે જાણે ઘણા લોકો એવું સમજી બેઠા છે કે મુઘલકાળ પૂર્વેનો ભારતનો ઇતિહાસ શૂન્ય છે! ખલીફાતે આઠમી સદીમાં ભારતની ઉત્તર-પશ્ચિમે સિંધ પ્રાંતમાં પગ પસારવાનું શરૂ કરી દીધેલું. એને ભારતીય ઉપખંડમાં ઇસ્લામનું આગમન ગણાવી શકાય. વાસ્કો-દ-ગામા પંદરમી અને અંગ્રેજો સત્તરમી સદીમાં ભારત પધાર્યા. શું એ પહેલા ભારતના સ્થળોની પોતાની કોઈ ઓળખ ન હતી? એમના કોઈ ચોક્કસ નામ ન હતા? એમનો કોઈ સાંસ્કૃતિક વારસો ન હતો?

ટેક્સાસ અશ્વેતોની વસ્તીના મામલે અમેરિકામાં ચોથા નંબરનું રાજ્ય છે. એનું પાટનગર ‘ઑસ્ટિન’ છે. એ નામ ટેક્સાસના સ્થાપક સ્ટિવન ઑસ્ટિનની યાદમાં અપાયું છે. જુલાઇ, ૨૦૧૮માં અશ્વેત નગરજનોનું એક જૂથ શહેર અને શહેરની અન્ય ઘણી જગ્યાઓનાં નામ બદલવાની માંગ કરે છે. કેમ કે સ્વિવન ઑસ્ટિન અશ્વેત અમેરિકનોની આઝાદીના વિરોધમાં હતો. તેણે ગુલામીપ્રથા ટકાવી રાખવાં એડી-ચોટીનું જોર લગાવેલું. તેણે કહેલું કે, જો અશ્વેતોને આઝાદી મળી જશે તો તેઓ ઘરબાર વગરની ઉપદ્રવકારી અને જોખમી પ્રજા બની જશે! અમેરિકામાં ઘણા સ્વસ્થ મનનાં નાગરિકોને આજે પણ ભૂતકાળમાં અશ્વેતો સાથે થયેલા અત્યાચાર પ્રત્યે ઊંડો પસ્તાવો છે. બરાક ઓબામાંના પ્રેસિડેન્ટ બનવાની રાષ્ટ્રીય મહત્વની ઘટના હોય કે પછી ‘Moonlight’ અને ’12 Years a Slave’ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળવાની બાબત હોય, તેમનો આ પસ્તાવો પ્રગટ થતો રહ્યો છે. ‘SCHINDLER’S LIST’ જેવી નાઝી અત્યાચારની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મો પણ વિશ્વસ્તરે વખણાઈ છે અને વાંરવાર જોવાઈ છે.

બીજા વિશ્વયુદ્ધમાં નાઝી સૈન્યએ પાશવી રીતે પોલેન્ડના નાગરિકોની કતલ કરીને એ દેશને તહસ-નહસ કરી નાખેલો. એ પછી નાઝીઓએ પોલેન્ડના શહેરો-જગ્યાઓના નામ પણ પોલિશ ભાષામાંથી બદલીને જર્મનાઇઝ્ડ કરી નાખેલા. એ પછી નાઝી સત્તાનાં પતન પછી સ્વતંત્ર થયેલા પોલેન્ડે જગ્યાઓના જર્મનાઇઝ્ડ નામ બદલીને એ સ્થળોના મૂળ નામ શોધવા અને નક્કી કરવા માટે એક અલાયદુ કમિશન નિયુક્ત કરેલું. પોલેન્ડે વર્ષો પહેલા જર્મનાઇઝ્ડ થઈ ચૂકેલા નામ પણ બદલી નાખેલા. અને હા, પિપલ્સ રિપબ્લિક કહેવાતો આ નવો દેશ જમણેરી નહીં પણ માર્ક્સિસ્ટ વિચારધારામાં માનતો હતો! વર્તમાન સમયમાં પણ પોલેન્ડમાં સ્થળોના નામ-નિર્ધારણ માટે એવા બે કમિશન અસ્તિત્વ ધરાવે છે.

કિંતુ, ભારતના કિસ્સામાં વિદેશી આક્રમણકારોની વાત આવે ત્યારે એક ચોક્કસ વર્ગના ઇતિહાસકારો એમની કાળી બાજુઓને ધૂંધળી કરીને એવું ચિત્ર રજૂ કરવા મથતા રહે છે કે તેઓ જાણે ભારતમાં સેવા-પરોપકારની પ્રવૃત્તિ અને દાનધર્માદો કરવા આવેલા! વિદ્વાનો જણાવે છે કે અકબર દરેક વાતે મહાન હતો, કળા વગેરેનો પ્રેમી હતો. પરંતુ એવી દલીલ કરનારા લોકો એમ નથી બોલતા કે હિટલરે ભલે ગમે એવા કુકર્મો કર્યા હોય, પણ એ સારો ચિત્રકાર તથા પોલાદી અને કુશળ રાજનેતા હતો! અકબર મહાન હતો, તો શું એની સામે પોતાના રાજ્યની રક્ષા કરનાર રજપૂતો, શીખો વગેરે રાક્ષસ હતા? ૩૦,૦૦૦ રજપૂતોની હત્યા કરનાર, ૧૩,૦૦૦ સ્ત્રીઓને જોહરની આગમાં કૂદવા મજબૂર કરનાર અકબરના પક્ષે ઊજળી વાતો લખનારા ઇતિહાસકારોએ સામા પક્ષની પીડા અને યાતનાને વાચા આપવાનું કેમ વાજબી ન સમજ્યું?

ચાલો, એક ક્ષણ માની લઈએ કે અકબરમાં કશી પણ ખરાબી ન હતી અથવા તો એ પોતાના કર્મથી બંધાયેલો હતો, તો શું તેના સેનાપતિઓ અને સૈન્ય પણ તેની જ પ્રતિકૃતિ હતા? શું અકબરની જાણ બહાર તેઓએ સામાન્ય લોકોની હત્યા, લૂંટ અને શોષણ કર્યા નહીં હોય? એમણે શહેરો અને દેવસ્થાનો તોડ્યા નહીં હોય? અકબરનું સામ્રાજ્ય વિરોધીઓનાં દમન વગર જ ખડું થઈ ગયેલું? કોઈ કેમ સ્વસ્થ મને વિચારતું નથી કે શાળા-કોલેજોમાં ભણાવાતી હિસ્ટ્રીનો એકતરફી સિલેબસ કોના લખેલા પુસ્તકોમાંથી લેવામાં આવે છે? એમના દૃષ્ટીકોણ પ્રત્યે કેમ ક્યારેય સવાલ નથી ઉઠાવવામાં આવતો?

મુદ્દો અહીં ઇસ્લામ કે એમાં માનતા વ્યક્તિઓના વિરોધનો નથી, ઇસ્લામી સંસ્કૃતિ આજે ભારતનો એક અવિભાજ્ય ઘટક બની ચૂકી છે. પશ્ચિમિ વિચારધારા અને જીવનશૈલીના ઘટકો પણ ભારતીય સમાજમાં ભળી ચૂક્યા છે. મુદ્દો છે ઇસ્લામની ઓથ લઈને હિંસા અને લૂંટના બદઇરાદાથી આવેલા આક્રમણખોરોની હકીકતનો, વેપારની મંછા વ્યક્ત કરીને ગુલામીની બેડીઓ પહેરાવનાર વિદેશીઓની હકીકતનો. મુદ્દો છે એ હકીકતોને ખુલ્લાં મને સ્વીકારવાનો.

નામની વાતે અપભ્રંશ થયેલા શબ્દો વિશે પણ વિચારવું રહ્યું. આઝાદી પછી જાન્યુઆરી, ૧૯૪૯માં એ સમયના મદ્રાસ રાજ્યે પોતાની હદમાં આવતા ‘કાલીકટ’નું નામ બદલીને ‘કોઝિકોડ’ કરેલું. કળા અને ભાષાપ્રેમી બંગાળે જાન્યુઆરી, ૨૦૦૧માં ‘કલકત્તા/Calcutta’નું ‘કોલકાતા/Kolkata’ કર્યું. નોન-બંગાળી માટે કદાચ આ ફેરફાર સાવ મામૂલી હોઈ શકે, પણ બંગાળીઓ માટે જરાય નહીં. નોંધવા જેવી વાત- આ નામપરિવર્તન સુધારાવાદી કમ્યૂનિસ્ટ મનાતા સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યે કરેલું. ના, તેઓ પણ જમણેરી ન હતા! આ ઉપરાંત કેમ્બેનું ખંભાત, બરોડાનું વડોદરા થયેલું. મુંબઈ અને બેંગલુરુના બદલાવ તો તાજા છે જે દરેકને યાદ હશે.

વિદેશીઓ અને દેશીઓ પોતાની કૂલ સ્ટાઇલમાં યોગને ‘યોગા’ કહે છે. ઘણા લોકો એનાથી પણ આગળ જઈને ગંગાનો ‘ગેન્જિઝ’ જેવો બેહૂદો અને વિચિત્ર ઊચ્ચાર કરે છે. અંગ્રેજો/અન્ય વિદેશીઓને શબ્દ બોલતા ન ફાવ્યા કે ખોટા સાંભળ્યા એ એમની સમસ્યા હતી. તેઓ એ સમસ્યા સાથે જ ૧૯૪૭માં વતન ચાલ્યા ગયા. આપણે એમની સમસ્યા પીઠ પર ઊંચકવાની જરૂર નથી. રાજા-રજવાડાઓ પણ ચાલ્યા ગયા અને સલ્તનત-સૂબાઓ પણ અતીત થઈ ગયા. જે તે પ્રદેશ-નગર-સ્થળ પોતાની સાંસ્કૃતિક ઓળખ સદીઓથી સાચવીને બેઠા હોય એ એને પરત થવી જોઈએ. આ વાત સમજવા માટે રાષ્ટ્રવાદી-રાઇટિસ્ટ-લિબરલ-લેફ્ટિસ્ટ કશુંયે થવાની જરૂર નથી. આ વાત સમજવા માટે ફક્ત ખુલ્લાં મને વિચારવાની જરૂર છે.

અલ્લાહાબાદનું પ્રયાગરાજ એક પોલિટિકલ મૂવ છે અને સાહજિક છે કે વિરોધીઓ વિરોધ કરવાના. પરંતુ રાજકારણને બાજુ પર રાખીને વિચારીએ તો આ નિર્ણયમાં ખરેખર એ શહેર બહારના લોકોને કશી ચંચૂપાત કરવાની હોતી નથી, એમને હક જ નથી. અમદાવાદનું કર્ણાવતી કરવાની વાત આવે ત્યારે પણ અમદાવાદીઓનો નિર્ણય જ અંતિમ હોય. બહારનો માણસ વધુંમા વધું પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે. પોતાનાં નગરને નગરજનો ઇલાહાબાદ, અલ્લાહાબાદ કે પ્રયાગરાજ, જે કહે એ એમની મરજી. લેટ ધેમ ડિસાઇડ!

 

કૉફિ સ્ક્રિપ્ટ

“અકબરે એ પછી પ્રયાગ તરફ આગેકૂચ કરી અને બનારસ તરફ આગળ વધ્યો, જે તેણે લૂંટ્યા કેમ કે નગરજનોએ દ્રાર બંધ કરવાનું દુસ્સાહસ  કરેલું. એ જૌનપુર તરફ ગયો અને કારા નદીને પાર કરી. એ તો દેખીતું છે કે ઝમાન ખાનના સતત એકધારા બળવાથી અકબર ક્રોધે ભરાયેલો અને તે બળવા સામે ખાસ કંઈ દયા દેખાડવાના મિજાજમાં ન હતો.” – વિંસેટ સ્મિથના ‘અકબર ધ ગ્રેટ મુઘલ’ પુસ્તકમાંથી.

(આ ઘટના ઇ.સ. ૧૫૬૭ની છે, અકબરે ‘ઇલાહાબાસ’ વસાવ્યું એ પહેલાની. અકબરને પ્રયાગ-બનારસ જેવા ધાર્મિક સ્થળો પ્રત્યે જરાય દયા ન હતી, એને તો અલ્લાહ પ્રત્યે પણ ખાસ ભાવ ન હતો. સદીઓથી દરેક સામ્રાજ્યનું મહત્વનું ધાર્મિક નગર રહ્યું હોવા છતા પ્રયાગમાં ૧૫૬૭ પહેલા કોઈ સેટલમેન્ટ નહીં હોય એ માનવામાં આવતું નથી. ભારતના બીજા નગરોને આક્રમણકારોએ જે રીતે ધ્વંસ કરીને ત્યાંની સંસ્કૃતિ-રહેણીકરણી કચડી નાખેલા, બિલકુલ એવું જ પ્રયાગના કિસ્સામાં થયું હોવાની સંભાવના છે.)

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Made with by cridos.tech