એન્ડ્રોઇડ

ગદ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી 4034

એક સીધો અને સરળ સવાલ : “તમારા ખિસ્સામાં કાયમ રહેતા એન્ડ્રોઇડ વિશે તમે કેટલું જાણો છો?” બની શકે કે તમે થોડું ટેકનીકલ જ્ઞાન ધરાવતા હોવ તો એમ કહેશો કે એન્ડ્રોઇડ એ ગૂગલની ઓપરેટીંગ સીસ્ટમ છે, પણ જો તમે એમના વિષે ખૂબ ઓછું જાણતા હશો તો તમે કદાચ એમ જ કહેશો કે એન્ડ્રોઇડ એટલે ગૂગલ અને જરા આડકતરી રીતે જોઈએ તો એ જવાબ વધુ સાચો લાગશે, પણ એના માટે થોડા વિશ્લેષણની જરૂર પડશે.

એન્ડ્રોઇડ સીસ્ટમ વાપરનાર વ્યક્તિએ એનાં ટેકનીકલ પાસા વિશે સમજવાની જરૂર નથી પડતી, એ રીતે એન્ડ્રોઇડ સરળ છે. આજે કોઈ ટેકનીકલ વાતો કરીને તમારું માથું પણ નહી પકવું હું. મારે જરા એન્ડ્રોઇડના બિન-તકનીકી પાસા અને ઇતિહાસની વાત કરવી છે.

સૌથી પહેલા એક એવી વાત જે લગભગ બધા એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને ખબર જ છે કે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમના દરેક વર્ઝનના નામ અંગ્રેજી આલ્ફાબેટ મુજબ અને ચોક્કસ પણે કોઈ સ્વાદમાં મીઠી એવી ખાદ્ય વસ્તુના નામ મુજબ હોય છે. એન્ડ્રોઇડના નિર્માણના શરૂઆતના બે વર્ઝનને આલ્ફા અને બીટા એમ નામ આપ્યા પછી કપકેક, ડોનટ, ઇકલેયર, ફ્રોયો, જીંજરબ્રીડ, હનીકોમ્બમ, આઈસક્રીમ સેન્ડવિચ, જેલીબીન, કીટકેટ, લોલીપોપ, માર્શમેલો, નગેટ, ઓરીયો અને અત્યારનું લેટેસ્ટ વર્ઝન એટલે પાઈ.

હવે પછીનો આલ્ફાબેટ “Q” હશે અને એ નામ પરથી મીઠાઈના નામ ખૂબ ઓછા છે જેમ કે Quirbiya, Quindim, Queen of Puddings, Qottab, Quesito, Queijadinha અને Quirks. એમ છતાં જોઈએ કે ગુગલ એન્ડ્રોઇડના નામકરણ માટે પરંપરા જાળવી રાખે છે કે પછી બીજું જ કોઈ નામ અપનાવે છે.

હવે આ સામાન્ય જાણકારી પાછળના ઇતિહાસની થોડી વાત કરવી છે. એન્ડ્રોઇડનો પાયો નાંખનાર વ્યક્તિ એન્ડી રૂબીનનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું છે. એન્ડ્રોઇડ પર કામ કરતા પહેલા એન્ડી રૂબીન એપલ, એમ.એસ.એન અને ડેન્જર ઇન્ક જેવી કંપનીઓ માટે કામ કરી ચૂક્યા હતા. ‘એન્ડ્રોઇડ’ શબ્દનો સરળ અર્થ થાય છે ‘માણસ જેવા દેખાવવાળો રોબોટ’. એપલ કંપનીમાં એન્ડી રૂબીન રોબોટની માફક કામ કરતા એટલે એમના સહકર્મીઓ એમને ‘એન્ડ્રોઇડ’ એવા નીકનેમથી બોલાવતા. અને એ શબ્દ જ આજના એન્ડ્રોઇડનો પ્રેરણાસ્ત્રોત રહ્યો. આ સાથે એન્ડી રૂબીન જમ્યા પછી ‘ડેઝર્ટ’નાં શોખીન હતા એટલે દરેક વર્ઝનનું નામ કોઈને કોઈ ડેઝર્ટ પરથી હોય છે એવું કહેવાય છે, પણ એવું માનવાની જરૂર કે કારણ નથી કેમ કે કોઈને કોઈ નામ રાખવા પાછળ કોઈ ખાસ લોજીકલ કારણ જવાબદાર હોય જ એ જરૂરી નથી. એપલ પોતાની ઓપરેટીંગ સીસ્ટમના નામ કોઈને બિડાલ કૂળના જંગલી પશુના નામ પરથી રાખે છે તો ભારતમાં આવતા વિનાશક વાવાઝોડાને કોઈને કોઈ સ્ત્રીનું નામ અપાય છે, આ પરંપરા છે, નિયમ નથી! આખરે ‘Z’ પછી ગૂગલે આ પરંપરા બદલવી જ પડશે કેમ કે અંગ્રજીમાં Z સુધીના ૨૬ મૂળાક્ષરો જ છે. જો કે એન્ડ્રોઇડના શરૂઆતના બે વર્ઝનના નામ પણ ‘એસ્ટ્રો’ અને ‘બેન્ડર’ હતા પરંતુ પેટન્ટની તકલીફના લીધે માત્ર ‘A’ અને ‘B’ એવું નામ રાખવામાં આપ્યું. આલ્ફા અને બીટા કોઇપણ સીસ્ટમ ડેવલોપમેન્ટ દરમિયાન આપવામાં આવતા નામ છે જેના માટે કોઈ પેટન્ટની જરૂર નથી.

એન્ડી રૂબીને એન્ડ્રોઇડની શરૂઆત ૨૦૦૩ માં કરી ત્યારે તેઓ ડેન્જર કોર્પોરેશન માટે કામ કરતા હતા. જુલાઈ ૨૦૦૫ માં ગૂગલને એન્ડ્રોઇડના ભવિષ્યનો ખ્યાલ આવતા ગૂગલે આશરે પચાસ મીલીયન ડોલર આપીને એન્ડ્રોઇડ કંપની ખરીદી લીધી. એ પછી એન્ડ્રોઇડ એક સ્વતંત્ર કંપની મટીને ગૂગલની એક પ્રોડક્ટ બની ગઈ.

માત્ર ગૂગલની પ્રોડક્ટ જ નહી પણ ગૂગલનો એક મહત્વનો ભાગ બની ગઈ એમ કહો તો ચાલે. એટલો મહત્વનો ભાગ કે આજે એન્ડ્રોઇડ વિના આજે ગૂગલનું કદ ઘણું વામણું થઇ જાય છે. તમારા હાથમાં આવતા સેલફોનમાં એન્ડ્રોઇડ ઇન્સ્ટોલ કરવા માટે મોબાઈલ ઉત્પાદકોએ ગૂગલને કોઈ લાઈસન્સ ફી ભરવી નથી પડતી, જયારે નોકિયામાં વપરાતી ઓપરેટીંગ સીસ્ટમ માટે નોકિયાએ ઈ.સ ૨૦૨૧ સુધી સીમ્બીયન સાથે કરાર કરેલ. એક તરફ મફતમાં મળતી અને અનલિમિટેડ સુવિધાઓ ધરાવતી એન્ડ્રોઇડ કે જેમાં જે-તે કંપની પોતાની જરૂરીયાત મુજબ ફેરફારો કરી શકે તો બીજી તરફ પૈસા ખર્ચીને મળતી સીમ્બીયન, કે જેમાં સુવિધાઓ પણ મર્યાદિત અને સુધારાની પણ કોઈ ગુંજાઇશ નહી, આ સ્પર્ધામાં સીમ્બીયન ટકી શકી નહી અને આખરે એન્ડ્રોઈડે નોકિયાનો ભોગ લીધો એમ કહી શકાય

એન્ડી રૂબીને વાવેલ એન્ડ્રોઇડરૂપી વડલાની માત્ર શાખાઓ જ નહી મૂળ પણ ધાર્યા કરતા વધારે ઉંડા છે. એન્ડ્રોઇડના ખભે બંદૂક રાખી આજે ગૂગલ તમારી પાસે એ કરાવી શકે છે જે એન્ડ્રોઇડ વિના ગૂગલે કલ્પના પણ નહી કરી હોય. શક્ય એટલા અઘરા અને ટેકનીકલ શબ્દો ટાળીને ઉદાહરણ આપું તો આજે આપણે ગૂગલ મેપ પર લાઈવ ટ્રાફિક જોઈ શકીએ છીએ એ માત્ર એન્ડ્રોઇડને લીધે શક્ય બન્યું છે એમ કહીએ તો બિલકુલ ખોટું નથી.

મોબાઈલમાં ગૂગલની પોતાની ઓપરેટીંગ સીસ્ટમ છે એનો અર્થ એ થયો કે ગૂગલ તમારા ફોન દ્વારા જે ધારે તે કરાવી શકે, બસ એમને પોતાની ‘ટર્મ્સ એન્ડ કંડીશન્સ’માં માત્ર એક લાઈન ઉમેરવાની રહે કે અમે તમારી પરમીશન વિના પણ આ કે તે ફીચર્સ સાથે ધારીએ તે કરીશું જે આપણે નવો મોબાઈલ ખરીદીને શરુ કરીએ ત્યારે વગર વાંચ્યે માત્ર ‘એક્સેપ્ટ’ બટન પર ક્લિક કરીને સ્વીકારી લઈએ છીએ! ગૂગલ કોઈ એક વિસ્તારમાં ભેગા થયેલા અને ‘ગતિ’ કરતા મોબાઈલની સંખ્યા જાણી જે-તે વિસ્તારમાં કેટલી ટ્રાફિક છે એ જણાવે છે. અને આપણે એવું સમજીએ છીએ કે ગૂગલ કેટલી ઉતમ સેવા પૂરી પાડી રહ્યું છે! જોઈ કોઈ ચોક્કસ વિસ્તારમાં મોબાઈલ જામર મૂકી દેવામાં આવે અથવા (ધારી લો કે) જે-તે રોડ પર હાજર બધા લોકો પોત-પોતાના ફોન બંધ કરી દે તો ગૂગલ એ વિસ્તારમાં રહેલ ટ્રાફિક વિષે સાચી જાણકારી આપી શકે નહી. એટલે ખરેખર અહીં ગૂગલ તમને ટ્રાફિક વિષે માહિતી નથી આપતું પણ તમે ગૂગલને માહિતી આપો છો કે તમે જે વિસ્તારમાં છો ત્યાં કેટલી ટ્રાફિક છે. ભવિષ્યમાં એવું પણ બને કે આ ટ્રાફિક ડેટાનો ઉપયોગ કરી ગૂગલ જાહેરાત કંપનીઓને કહેશે કે એમને ક્યા સમયે ક્યા વિસ્તારમાં ફ્લાયર અને બિલ્લીબોર્ડ લગાવવા જોઈએ.

પોતાની ઓપરેટીંગ સીસ્ટમ હોવાને લીધે ગૂગલ તમારા ફોનમાં બેંક તરફથી આવતા ક્રેડીટ અને ડેબીટના મેસેજ વાંચીને તમારી આવક અને ખર્ચનું અનુમાન કરી શકે છે અને એ મુજબ તમને સર્ચ રીઝલ્ટ બતાવશે. તમારે શું જોઈએ એ વાતની ગૂગલને ખબર છે કેમ કે તમે એન્ડ્રોઇડ સીસ્ટમ ધરાવતો ફોન ઉપયોગમાં લો છો. તમે તમારા મોબાઈલમાં સેવ કરેલા મિત્રો અને સગા સબંધીઓના મોબાઈલ નંબર ગૂગલ જાણે છે પછી ભલે તે

લોકો એન્ડ્રોઇડ ફોનધારક હોય કે ના હોય! સપ્ટેમ્બર મહિનાના અંકમાં ફ્રીમાં મલ્ટી સર્વિસની આવક વિષે જણાવતા કહ્યું હતું કે જયારે તમે કોઈ સેવા માટે કોઈ જાતની ચૂકવણી નથી કરતા ત્યારે તમે ઉપભોક્તા નહી પણ ઉત્પાદન જ છો, એવું સમજીને જ તમને ટ્રીટ કરવામાં આવે છે.

Vipul Hadiya (વિપુલ હડિયા)

Vipul Hadiya (વિપુલ હડિયા)

Made with by cridos.tech