જે થાય છે એ સારા માટે જ થાય છે

ગદ્ય પ્રેરણાત્મક 4011

જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે,
તૂ મહોબ્બત સે કોઈ ચાલ તો ચલ, હાર જાને કા હૌસલા હૈ મુઝે
-અહમદ ફરાઝ

માણસ ફક્ત આશા, અપેક્ષા અને અરમાનો ઉપર જ જીવતો હોતો નથી. માણસ આશ્વાસન ઉપર પણ જીવતો હોય છે. નિષ્ફળતા અને અઘરા સમયમાં માણસને બે વસ્તુની સૌથી જરૂર પડે છે. એક છે સહાનુભૂતિ અને બીજું આશ્વાસન. સફળતા અે જિંદગીની હકીકત છે તો નિષ્ફળતા એ પણ જીવનનું સત્ય છે. કોઈ માણસ ક્યારેય હંમેશાં સફળ થતો હોતો નથી. કોઈ નિષ્ફળતા પણ કાયમી હોતી નથી. કોઈ પણ મહાન માણસની કિતાબ લઈને વાંચી જુઓ, એ ક્યારેક તો નિષ્ફળ ગયો જ હોય છે. કોઈના વિશે જાણીએ ત્યારે પણ સરવાળે તો આપણે આશ્વાસન જ મેળવતાં હોઈએ છીએ. જોયું, એ કેવી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે? એને પણ સંઘર્ષ કરવો પડ્યો છે.

દરેક માણસે પોતાની લડાઈ લડવાની હોય છે. કોઈની લડાઈ સહેલી હોય છે, તો કોઈની અઘરી. કોઈની લડાઈ ટૂંકા ગાળાની હોય છે તો કોઈની લોંગ ટર્મની. લડાઈ તો હોવાની જ છે. યાદ રાખવા જેવી વાત એ જ હોય છે કે કોઈ લડાઈ અંતિમ હોતી નથી. એક લડાઈ હારી ગયા એટલે કંઈ ખતમ થઈ જતું નથી. કોઈ પણ કલાકારની વાત લઈ લ્યો, બધી ફિલ્મો કોઈની સફળ ગઈ નથી. કોઈ ખેલાડીનું પફોર્મન્સ એકસરખું રહ્યું નથી. સચીન તેંડુલકર પણ અનેક વખત ઝીરોમાં આઉટ થયાે છે. આપણે આપણી નિષ્ફળતાને કઈ રીતે લઈએ છીએ તેના ઉપર આપણા ભવિષ્યનો આધાર હોય છે.

હા, ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે બધું ખતમ થઈ ગયું છે. હવે હું કંઈ કરી શકીશ નહીં. મારું કોઈ ફ્યૂચર નથી. હું ક્યારેય સફળ નહીં થાઉં. મારી કરિયરનું પૂર્ણવિરામ આવી ગયું છે. આવું આપણને ફિલ થતું હોય છે પણ એવું હોતું નથી. એ કામચલાઉ જ હોય છે. આપણે નિષ્ફળ જઈએ ત્યારે આપણા તરફ સાંત્વના કે સહાનુભૂતિ બતાવનારા એવું આશ્વાસન આપતા હોય છે કે જે થતું હશે એ સારા માટે જ થતું હશે. બધું સમુંસૂતરું થઈ જશે. ગોડ મસ્ટ હેવ બેટર પ્લાન્સ ફોર યુ.

એક યુવાનની વાત છે. તેને ખોટા આક્ષેપો કરી નોકરીમાંથી કાઢી મુકાયો. તેનો કંઈ વાંક ન હતો. એ હતાશ થઈ ગયો. સારા અને મહેનતુ માણસની આ દુનિયામાં કોઈ કદર જ નથી. મને કાઢી મુકાયો છે એ ખબર પડ્યા પછી હવે મને કોઈ નોકરી પણ નહીં આપે. એ એટલો બધો ડિપ્રેસ થઈ ગયો કે તેણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું. એ આપઘાત કરવા જતો હતો. ટ્રેન નીચે કપાઈને મરી જવાનું તેણે નક્કી કર્યું. પાટા સુધી પહોંચે એ પહેલાં તેને એક સાધુ મળ્યા. સાધુ પારખી ગયા કે આ યુવાન કંઈક મુશ્કેલીમાં છે. તેમણે યુવાનને પૂછ્યું કે શું થયું? યુવાને બધી વાત કરી કે તેને નોકરીમાંથી કાઢી મુકાયો છે અને પોતે આપઘાત કરવા જઈ રહ્યો છે. સાધુએ કહ્યું કે, હતાશ ન થા. જે થતું હશે એ સારા માટે થતું હશે. યુવાન કોઈ વાત માનવા તૈયાર ન હતો. સાધુ સમજી ગયા કે હવે બીજો કોઈ રસ્તો અપનાવવો પડશે. સાધુએ કમંડળમાંથી એક ફૂલ કાઢ્યું. યુવાનને આ ફૂલ આપ્યું અને કહ્યું કે આ તારી પાસે રાખ. જોજે થોડા સમયમાં કોઈ ચમત્કાર થશે. મરવાની ઉતાવળ ન કર. મરવું હોય તો પછી ક્યાં નથી મરાતું. તું થોડીક રાહ જો. મારા આ ફૂલનો ચમત્કાર જોજે. આ યુવાને આપઘાત કરવાનું માંડી વાળ્યું. સાધુ પણ ચાલ્યા ગયા.

થોડા સમય પછી તેને એક જોબની ઓફર આવી. નોકરી આપનારાએ સામેથી કહ્યું કે અમે તારા વિશે તારી જૂની કંપનીમાં તપાસ કરાવી હતી. અમને ખબર પડી કે તને ખોટી રીતે કાઢી મુકાયો હતો. તારો કંઈ વાંક ન હતો. હવે તું અમારે ત્યાં નોકરી કર. અગાઉની જોબ કરતાં વધુ પગારની અને ઊંચી પોસ્ટની જોબ તેને મળી. એને થયું કે આ સાધુએ આપેલા ફૂલનો જ ચમત્કાર છે. એ ફૂલની સુકાઈ ગયેલી પાંદડીને પોતાની સાથે જ રાખતો હતો. રોજ તેને માથે ચડાવતો અને જાણે તેના પ્રતાપે જ બધું થયું હોય એવું માનતો હતો.

એક વખતે એ પોતાની જોબ પર જતો હતો ત્યારે અચાનક જ તેને ફૂલ આપનાર સાધુ સામે આવી ગયા. સાધુને જોઈને એ તો એમના પગે પડી ગયો. ગળગળો થઈ ગયો. સાધુને ફૂલ બતાવીને કહ્યું કે આ તમે અાપેલા ફૂલનું જ પરિણામ છે. સાધુએ ફૂલ હાથમાં લીધું અને એ સૂકા ફૂલને બાજુમાંથી પસાર થતી ગટરમાં ફેંકી દીધું. યુવાનના મોઢામાંથી હાશકારો નીકળી ગયો. અરે મહારાજ, તમે આ શું કર્યું? મહારાજે કહ્યું કે, તારો ભ્રમ ભાગવા માટે જ આ ફૂલ ગટરમાં નાખી દીધું છે. કોઈ ચમત્કાર બમત્કાર નથી. એ તો માત્ર આશ્વાસન હતું.

તું આપઘાત કરવા જતી વખતે મને મળ્યો એ પહેલાં હું એક બગીચામાં બેઠો હતો. ત્યાં એક ફૂલ પડ્યું હતું. મને ગમ્યું એટલે મેં કમંડળમાં નાખી દીધું. બગીચામાંથી નીકળ્યો ત્યાં તું મળી ગયો. તને આપઘાત કરતો અટકાવવા મેં ફૂલ આપ્યું અને ચમત્કારની વાત કરી. આ વાત સાવ ખોટી હતી. આ ફૂલ તો રખડતું હતું. સાચી વાત એ છે કે તું તારી નિષ્ફળતાથી ખોટો ડરી ગયો હતો. દરેકની જિંદગીમાં સારો-નરસો સમય આવતો હોય છે. તું હારી ગયો હોત અને આપઘાત કરી લીધો હોત તો? સાચી વાત એ છે કે આપણે નિષ્ફળતાને સ્વીકારી કે સમજી શકતા નથી. હતાશ થઈ જઈએ છીએ. હારી જઈએ છીએ. ડરી જઈએ છીએ અને માનવા લાગીએ છીએ કે હવે બધું ખતમ થઈ ગયું છે.

બધું હંમેશાં સારું જ નથી થતું.  જિંદગીમાં ક્યારેક ખરાબ પણ થતું હોય છે. આપણે એવું આશ્વાસન જ લેતા હોઈએ છીએ કે જે થતું હોય છે એ સારા માટે જ થતું હોય છે. સારું થાય ત્યારે એવું પણ બોલતા હોઈએ છીએ કે એ ખરાબ ન થયું હોત તો આજે જે સારું છે એ થયું ન હોત. એવું પણ હોતું નથી, ખરાબ થયું હોય છે ત્યારે એ ખરાબ જ હોય છે, નિષ્ફળતા છેવટે તો નિષ્ફળતા જ હોય છે. સમજવાનું એટલું જ હોય છે કે કોઈ નિષ્ફળતા હંમેશનથી રહેવાની. સફળતા હોય જ છે. એની થોડી રાહ જોવાની હોય છે. નિષ્ફળતાથી ડરવાનું નહીં તેને સમજવાની જરૂર હોય છે. ઠીક છે, નિષ્ફળ થયા તો થયા, નસીબે સાથ ન આપ્યો તો ન આપ્યો, આપણા પ્રયાસો અધૂરા હતા તો હતા, આપણે ધાર્યું હતું એવું ન થયું તો ન થયું, હજુ જિંદગી છે જ? સફળતાનો પીછો ન છોડો, જો એવું કરવા જશો તો નિષ્ફળતા તમને પકડી જ રાખશે!

જો તમે કોઈ પણ કામમાં હજાર વાર નિષ્ફળ નીવડો તો વાંધો નહીં, હજુ એક વાર પ્રયત્ન કરો, તમે ચોક્કસ સફળ થશો. 

– સ્વામી વિવેકાનંદ

Krishnakant Unadakat (કૃષ્ણકાંત ઉનડકટ)

Krishnakant Unadakat (કૃષ્ણકાંત ઉનડકટ)

Made with by cridos.tech