“મિનિમલિઝમ / સરળ-સચોટ-સુંદર / નવી જીવનશૈલી”

Uncategorized અન્ય ગદ્ય 2924

૨૦૧૫માં ગૂગલે, તો છેક ૨૦૧૨માં જ માઇક્રોસોફ્ટે પોતાનો લોગો બદલી નાખ્યો હતો. નીચે બંને ટેક-જાયન્ટ કંપનીઓનાં નવા અને જૂના લોગો જૂઓ. ટીવી, ટેલિફોન, રેડિયો, ઘડિયાળ, કેમેરા ઇત્યાદિ જેવી વર્ષો પહેલાની ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને આજના યુગની પ્રોડક્ટ સાથે સરખાવો. (અલબત્ત આ દરેક ચીજો આજે સારી ગુણવત્તાના સ્માર્ટફોનમાં આરામથી સમાઈ ગઈ છે!) એક વાત આંખે ઊડીને વળગશે કે મોડર્ન એજમાં ટેક્નોલોજીની ઉત્ક્રાંતિ સાથે પ્રોડક્ટની ડિઝાઇનમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. વસ્તુઓ ફક્ત કાર્ય કરવાની બાબતે જ સ્માર્ટ નથી બની. એમનાં ‘લૂક એન્ડ ફીલ’ પણ સુંદર, સરળ અને પ્રભાવી બન્યાં છે. આ પરિવર્તનને ઓળખ આપવા માટે એક શબ્દ વપરાય છે, ‘મિનિમલિઝમ’.

૧૯૬૦ના દશકમાં ચિત્રકળા અને શિલ્પકળામાં ન્યૂ-યોર્કમાંથી ઊઠેલી આ લહેરખી આજે ફોટોગ્રાફી, સંગીત, ભાષાશાસ્ત્ર, આર્કિટેક્ચર, ઇન્ટિરિઅર, ડિઝાઇનિંગથી લઈને જીવનશૈલી સુધી વિશ્વભરમાં દરેક ક્ષેત્રને પ્રભાવિત કરી ચૂકી છે. કળા ક્ષેત્રે મિનિમલિઝમનો સરળ અર્થ છે, દરેક નકામી બાબતો રદ કરીને ઓછા ઘટકોના ઉપયોગથી શક્ય એટલી પ્રભાવી રીતે કૃતિનો અર્ક રજૂ કરવો. કળાનાં ક્ષેત્રમાં પાંગરેલી મિનિમલિઝમ ચળવળને એ પછીના દશકોમાં નવ-વિકસિત ઇલેક્ટ્રોનિક સાધનોનાં બજારે અને જાહેરાતનાં માધ્યમોએ આગળ ધપાવી. પ્રોડક્ટની કાર્યક્ષમતા અને ગુણવત્તા સાથે એમનો દેખાવ, કદ અને સુંદરતાનું પણ સમાન ધ્યાન રાખવામાં આવ્યું. ‘લેસ ઇઝ મોર’ ડિઝાઇનિંગ ક્ષેત્રનું નવું સૂત્ર બનવા લાગ્યું. એપલ આઇપોડની ડિઝાઇન અને ગૂગલની દરેક ઓનલાઇન સર્વિસનાં ઇન્ટરફેસ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

 જો કે, મિનિમલિઝમ એટલે ફક્ત સરળતા જ નહીં. દરેક સિમ્પલ આર્ટ મિનિમલિસ્ટિક ન ગણી શકાય. આ સમસ્યા ટાળવા માટે ઘણા કળા-નિષ્ણાંતો જે-તે કૃતિ પાછળનો હેતુ અને તેની જરૂરિયાતને પણ સમજવા આવશ્યક ગણે છે. બજારવાદની અસર મિનિમલિઝમ શૈલીને એનાં મૂળ ઉદ્દેશથી ઘણે દૂર લઈ આવી છે અને મિનિમલિઝમનાં નામે પ્રગટ થતી સેંકડો અભિવ્યક્તિઓ ‘સિમ્પ્લિસિટિ’ની વધારે નજીક સરવા લાગી છે, જ્યાં દરેક બાબત પાછળ ગ્રાહક કે દૃષ્ટાની સુવિધાઓ અને લોકભોગ્યતા પહેલા જોવામાં આવે છે.

 મિનિમલિઝમનો મૂળ ઉદ્દેશ દૃષ્ટા/વપરાશકર્તાના દિમાગ પર ઓછા ઘટકો અને ખાલી અવકાશ વડે એક તીવ્ર અસર જન્માવવાનો છે. ચંચળ મનમાં ઘણું બધું એક જ સમયે ચાલતું રહે છે. એ દરેક પ્રક્રિયાનાં ઘોંઘાટમાં એક શાંત અને મધુર સંગીત પ્રસરાવીને કળાકૃતિ કે પ્રોડક્ટ જે કોઈ મૂળભૂત વિચાર સાથે રજૂ કરવામાં આવી છે, મિનિમલિઝમનો ઉદ્દેશ એ વિચારને પામવામાં મદદ કરવાનો છે. ‘સિમ્પ્લિસિટિ’ એટલે સરળ અને ઊંડાણ વગરનું; જ્યારે ‘મિનિમલિઝમ’ એટલે સરળ, શુદ્ધ, લાવણ્યસભર અને ગહન.

 અહીં ઝેન ફિલોસોફિનાં સંદર્ભે પણ વાત સમજી શકાય. ઘણે અંશે અન્ય કળા-શૈલીઓ જ્યાં કૃતિનાં અર્કને ગૂઢ અને વિસ્મયભર્યા સ્તર નીચે ઢાંકીને રાખે છે, ત્યાં મિનિમલિઝમ શૈલી આકાર અને રંગોની સરળતા વડે એ અર્કને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. અન્ય શૈલીઓમાં સર્જકનો એક અંશ કૃતિમાં અભીન્ન રીતે વ્યક્ત થતો જોવા મળે છે. કિંતુ મિનિમલિઝમ શૈલીમાં મહદંશે સર્જકના વ્યક્તિત્વનો પડઘો એની કૃતિમાં નથી પડતો.

જાપાન પોતાની સંસ્કૃતિમાં સદીઓથી મિનિમલિઝમના વિશુદ્ધ સિદ્ધાંતને પોષતું આવ્યું છે અને તેની અસર પણ આ શૈલી ઉપર ખુબ પડી છે. ‘માહ’ નામક જાપાનની એક કળા સંકલ્પના ‘રિક્ત અવકાશ’/‘આકાશ’ તત્વનો મહિમા કરે છે. આ રિક્ત અવકાશનો અર્થ સપાટીઓ કે વસ્તુઓ વચ્ચેની ફક્ત ખાલી જગ્યાઓ એવો નથી થતો. ‘માહ’ એ પ્રકારનાં ખાલી અવકાશની વાત કરે છે જેમાં નજર સામે કશું હાજર ન પણ હોય તેમ છતા, આંતરદૃષ્ટી વડે કુદરતની અદૃશ્ય અભિવ્યક્તિઓને જોઈ શકાય છે. મિનિમલિઝમ કળાકૃતિઓમાં આ પ્રકારના ખાલી અવકાશનું ઘણું મહત્વ છે.

ભાષાશાસ્ત્રમાં નોઅમ ચોમ્સ્કીએ મિનિમલિઝમનાં વિચારને  લાગુ કરીને નેવુંના દાયકામાં ‘મિનિમલિસ્ટ પ્રોગ્રામ’ નામથી એક કાર્ય શરૂ કર્યું હતું. ચોમ્સ્કીની ધારણા વિશ્વની તમામ ભાષાઓને સાંકળીને વ્યાકરણને લગતી એક વૈશ્વિક પ્રણાલી વિકસાવવાની હતી. આ વ્યાકરણ પ્રણાલી પોતાનામાં વિવિધ ભાષાઓ સમાવી લે એવી હોય અને જેમાં અમુક પ્રકારના ફેરફાર કરવાથી બાકીની બધી ભાષાઓનું વ્યાકરણ ઉત્પન્ન કરી શકાય.

ચોમ્સ્કીનો આ વિચાર એક પ્રકારનાં ‘સાર્વત્રિક વ્યાકરણ’ની સંભાવના રજૂ કરે છે. આ વ્યાકરણની પૂર્વધારણા વડે ચોમ્સ્કી સમજાવવા માંગે છે કે, મનુષ્ય કેવી રીતે પોતાની માતૃભાષા શીખવા સક્ષમ બને છે. ચોમ્સ્કી કહે છે કે, વિશ્વની જુદી-જુદી ભાષાઓનાં કોમ્પ્લેક્સ જણાતા વ્યાકરણનાં મૂળમાં એક સરળ માળખું રહેલું છે. એ સરળ અને પાયાગત માળખું સમજી લીધા પછી એમાં અમુક નાના એવા ફેરફાર કરવાથી અન્ય ભાષાઓના વ્યાકરણનું માળખું સરળતાથી રજૂ કરી શકાય છે. ટૂંકમાં ચોમ્સ્કી એક એવી ‘માસ્ટર-કી’ની વાત કરે છે, જે કોઈ વ્યક્તિને અન્ય ભાષાઓ પર પ્રભુત્વ મેળવવાનાં કાર્યની જટીલતાઓને ઉકેલીને એને સરળ બનાવી આપે. આ માટે દરેક ભાષાઓનાં વ્યાકરણમાં જે ભીન્ન પ્રકારની સંકૂલતા છે, એ બધી સંકુલતાઓને વિસ્થાપિત કરવા માટે એક જ ગ્રામેટિકલ સિસ્ટમ વિકસાવવી જરૂરી બને છે.

જીવનશૈલીની બાબતે મિનિમલિઝમ કંઈક જૂદા અર્થ અભિવ્યક્ત કરે છે. નવી સદીનો મનુષ્ય જરૂરી/બિનજરૂરી વસ્તુઓ, સુવિધાઓ અને વિષયોથી ઘેરાયેલો છે. એમાંની ઘણી બધી બાબતોથી મુક્ત થઈને મનુષ્ય પોતાનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરથી બચી શકે છે. મિનિમિઝમ જીવનશૈલી વ્યક્તિને પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરીને એમાં બંધ ન બેસતી નકામી બાબતો દૂર કરવાનું સૂચવે છે. આ બાબતો એટલે કે ભૌતિક વસ્તુઓ, ટેવ, સ્વભાવ, સંબંધો, પ્રવૃત્તિઓ વગેરે. વ્યક્તિએ એ જ બાબતોને અંગત જિંદગામાં પ્રવેશ આપવો જે તેને ખપ પૂરતો આનંદ અને ખુશી આપે, ગરિમા, ઉદ્દેશ અને સ્વાતંત્ર પૂરા પાડે તથા મૂલ્યોનું સિંચન કરે. અને સૌથી મહત્વની વાત કે કોઈ પણ બાબતમાં અતિરેક ન થવો જોઈએ. આ જીવનશૈલીમાં વ્યક્તિની નૈતિક પસંદગીઓનું મહત્વ છે. વ્યક્તિ અતિરેકભરી જિંદગી માણવા સક્ષમ હોવા છતા તે એવું નહીં કરે. આ બધા મુદ્દાઓ ફક્ત મિનિમલિઝમ જીવનશૈલીના માર્ગદર્શક છે, સાર્વત્રિક સિદ્ધાંત નહીં.

આ જીવનશૈલીને સમજવા આપણી પાસે મહાત્મા ગાંધીનું ઉદાહરણ હાથવગું છે. તેઓ સાબરમતીનું વિપુલ જળ સુલભ હોવા છતા ખપ પૂરતું પાણી વાપરવાના આગ્રહી હતા. વર્તમાન સમયની વાત કરીએ તો, પાછલા વર્ષોમાં મિનિમલિઝમ જીવનશૈલીને લોકપ્રિયતા અપાવનાર બે શખ્સ છે, જોશુઆ મીલબર્ન અને રાયન નિકોડિમસ. ૨૦૧૦થી બંને અમેરિકન મિત્રો આ જીવનશૈલીને અનુસરી રહ્યા છે. તેમણે પોતાના અનુભવ પહેલા ઇન્ટરનેટ પર અને પછી પુસ્તક વડે વિશ્વ સમક્ષ પ્રગટ કર્યા છે. બંને આ જીવનશૈલીના કેન્દ્રમાં ‘મુક્તિ’ને જૂએ છે. તેઓના મતે આ જીવનશૈલીનો ઉદ્દેશ છે – ડર, ચિંતા, દોષભાવના અને તાણ જેવા વિકારમાંથી મુક્ત થવું. ૨૦૧૩માં બંનેએ ‘મિનિમલિઝમ’ નામક એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કર્યું હતું જેને પણ ખાસ્સી વખાણવામાં આવેલી.

મિનિમલિઝમ જીવનશૈલી કળાના નામે ત્યાગનો શો-ઓફ કરવાની બાબત જરા પણ નથી અને વસ્તુઓ તથા સુવિધાઓનો ઉપભોગ કરવો પણ કોઈ ખરાબ વાત નથી. ધનવાન કે ગરીબ, કોઈ પણ પોતાની રીતે આ જીવનશૈલીનાં અર્થને અપનાવીને વ્યક્તિગત સ્તર પર એનું અનુકરણ કરી શકે છે, જ્યાં સુધી આ મૂળ હેતુ જળવાઈ રહેતો હોય – ‘વ્યક્તિએ અપનાવવી પડતી બાબત એના જીવનમાં કોઈ પ્રકારના અર્થ અને મૂલ્ય પૂરા પાડે.’ આજનો મનુષ્ય ‘હ્યુમન’ ઓછો અને ‘કન્ઝ્યુમર’ વધારે બનતો જાય છે ત્યારે ઉપભોક્તાવાદની માઠી અસરો પર્યાવરણ અને મનુષ્યનાં સ્વાસ્થ્ય પર પડી રહ્યી છે. એના પરિણામે ‘બેક ટુ નેચર’ પ્રકારની ચળવળ જન્મી છે. વર્તમાનમાં મિનિમલિઝમ જીવનશૈલીને પણ આ સમસ્યાઓના અસંખ્ય ઉકેલમાંથી એક ઉકેલ જેમ જોવામાં આવી રહ્યી છે.

કૉફિ-સ્ક્રિપ્ટ

આરાઓ પૈડાની ધરીએ એકઠા થાય છે

છતા પૈડાને અસ્તિત્વ આરાઓ વચ્ચેની જગ્યાથી મળે છે

માટલું કહેવાય છે માટીનું બનેલું

છતા અંદરનો અવકાશ માટલાને એનો અર્થ પ્રદાન કરે છે

બારી અને બારણાવાળી દીવાલોથી મકાન રચાય છે

છતા દીવાલો વચ્ચેની જગ્યામાં એ બાંધકામ ઘરની ઓળખ પામે છે

(‘માહ’નો અર્થ સમજાવતું ‘લાઓ ત્સુ’નું કાવ્ય)

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Made with by cridos.tech