“સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ – ગંભીરતા અને આંકડાની અવળચંડાઈ”

Uncategorized ગદ્ય લેખ 4027

ધારો કે, તમારાથી એકાદ વર્ષ નાની એક કઝીન સિસ્ટર છે, જેની સાથે તમારે સારું બને છે. તમે એની સાથે બધું શેર કરી શકો છો અને એ પણ તમને કંઈ કહેતા અચકાતી નથી. તમે બન્ને કઝીન્સ કમ અને બેસ્ટ ફ્રેન્ડ વધારે છુઓ. એ જયારે એના એક બીજા ફેમિલી રીલેટીવ્સને ત્યાં વેકેશનમાં થોડા દિવસ ગઈ હતી (કે જેને તમે ઓળખતા નથી), ત્યારે એ રીલેટીવને ત્યાં એમનો બીજો એક રીલેટીવ છોકરો પણ ત્યાં વેકેશનમાં આવ્યો હોય છે, કે જે તમારી આ કઝીન કરતા છ-સાત વર્ષ મોટો છે. હવે રાતે બધા એક હોલમાં સુઈ જાય છે, ત્યારે પેલો અવાજ ના થાય એ રીતે ઉભો થઈને તમારી કઝીનને હોઠ પર એક ‘કિસ’ કરે છે અને પાછો સુઈ જાય છે. પેલીની ઊંઘ ઉડી જાય છે અને એ એને જતા જુએ છે. પણ કોઈને કહી નથી શકતી. બીજા દિવસે આ ઘટના ‘રીપીટ’ થાય છે. છતાં પણ પેલી કંઈ કરી નથી શકતી, કોઈને કંઈ કહી નથી શકતી. એક દિવસ એ આવીને તમને આ આખી વાત કરે છે અને તમે એને એવી સલાહ આપો છો કે, આમાં હવે કંઈ થઇ શકે એમ નથી. હવેથી એ રીલેટીવને ત્યાં જતી નહી.”

આઈ નો, આ મારી ભૂલ છે. ‘આમાં હવે કંઈ થઇ શકે એમ નથી’ – એ એપ્રોચ ખોટો છે. પણ ત્યારે એ એપ્રોચ સાચો હતો. કેમ કે, ત્યારે હું ચૌદ વર્ષનો અને મારી એ કઝીન તેર વર્ષની હતી. ત્યારે મને બીજું કંઈ સુજ્યું નહી, એટલે મેં એને આવો જવાબ આપેલો. અત્યારે એવડી કોઈ છોકરી મારી પાસે આવો કિસ્સો લઇને આવે તો, મારો અપ્રોચ અલગ હોય, સો ટકા અલગ હોય. એવું કરનારને હું એમ ને એમ તો ના જ જવા દઈ શકું. 

હવે આ આખો મુદ્દો ‘સેક્સ્યુઅલ અબ્યુઝ’નો છે. ને આ બહુ ગંભીર મુદ્દો છે. ‘રેપ’ એ આનો જ એક પેટાપ્રકાર છે, પણ ફક્ત ‘રેપ’ જ વિક્ટિમને ફિઝીકલી અને મેન્ટલી નુકશાનકારક છે, એવું સહેજ પણ નથી. તમે જ્યાં-જ્યાં નજર ફેરવો ત્યાં તમને ‘સેક્સ્યુઅલ અબ્યુઝ’ કોઈ પણ પ્રકારે જોવા મળે. પણ ‘દેખીતું’ નુકશાન બળાત્કારના કિસ્સામાં વધુ હોવાથી, આપણે સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટના અન્ય પ્રકારોને અનદેખા કરી દઈએ છીએ. એ વાત નોંધ કરવા જેવી જ છે કે, રેપને પણ ‘સેક્સ્યુઅલ અબ્યુઝ’ના હેડિંગ નીચે જ વર્ણવવામાં આવે છે, કેમ કે, સરવાળે, બધું એકસરખું જ નુકશાનકારક છે.

સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ ઘણી રીતે થઇ શકે છે. ‘અબ્યુઝમેન્ટ’ એટલે ઈચ્છા વિરુદ્ધનું ખરાબ કૃત્ય. આ ‘કૃત્ય’ ઘણા પ્રકારનું હોઈ શકે, ને કોઈ પણ ઉંમરની વ્યક્તિઓમાં થઇ શકે. નાના બાળકથી એને ‘ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ’ તરીકે ઓળખવામાં આવે છે, અને એ મોટી ઉંમરની વ્યક્તિઓ કરતા વધુ ખતરનાક છે, શું શું થઇ શકે સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટના નામ પર. બાળકોના કપડા ઉતારી એની સાથે ‘સેક્સ’ કરવું, એમને પરાણે પોતાના જનનાંગો બતાવવા અને એમના જનનાંગો સાથે અડપલા કરવા, એમને પરાણે ‘પોર્ન’ ફિલ્મો બતાવવી અથવા પોર્નોગ્રાફી માટે એનો યુઝ કરવો અથવા કોઈ પણ જાતની સેક્સ્યુઅલ એક્ટીવીટીમાં એનો યુઝ કરવો. 

પહેલી ગલતફેમી આ વિષયમાં (અને અન્ય વિષયોમાં પણ) એ છે કે, લોકો એવું માને છે કે, ખાલી સ્ત્રીઓ જ  બાપડી-બિચારી છે. ના, એવું નથી. સ્ત્રીઓને જે-જે સમસ્યાઓ સામે ઝઝૂમવું પડે છે, એ સામે પુરુષ-વર્ગને પણ ઝઝૂમવું જ પડે છે. ફર્ક ખાલી એના સાપેક્ષ પ્રમાણનો છે. પુરુષો અને સ્ત્રીઓ બન્નેને સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટનો શિકાર થવું જ પડે છે. ‘રેપ’ પણ ખાલી સ્ત્રીઓનો જ થાય છે, એવું પણ નથી.

બાળકો સિવાયના અસરગ્રસ્તોમાં મંદ બુદ્ધિના લોકો, અમુક શારીરિક ખોડખાંપણવાળા લોકો અથવા વૃધ્ધોમાં પણ સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ વધુ જોવા મળે છે. કેમ કે, એમની પાસે પ્રતિકાર કરવાની ક્ષમતા કે તૈયારી નથી હોતી. ઘરમાં પણ સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટનો શિકાર સ્ત્રીઓ થઇ શકે, જેને અલગથી ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ હેડિંગ નીચે વર્ણવવામાં આવે છે. આ એક ખૂબ જ લાંબો ટોપિક છે. એ પછી ક્યારેક. અત્યારે આપણે ખાલી ‘ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ’ વિષયે જ ચર્ચા કરીશું.

સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ બાળકો (છોકરો કે છોકરી)માં વધુ ખતરનાક હોવાનું રીઝન જ એ છે કે, બાળકો કાચી માટીના ઘડા છે. નાનપણથી જે ઘાવ દિલમાં ઘર કરીને બેસી જાય છે, એ ક્યારેય જતા નથી. તેઓ સાથે એ સમયે શું થઇ રહ્યું છે, એ તેઓ સમજી શકતા જ નથી, જે પણ કંઈ સમજે છે, એ તેઓ શરમ કે ડરને લીધે ખુલીને કહી શકતા નથી અને કહી શકે છે, તો કોઈ વાતને સીરીયસલી લેતા નથી. શક્ય છે, તમને એના લીધે આગળ જતા એને થવાવાળી શારીરિક અને ખાસ કરીને માનસિક સમસ્યાઓનો અંદાજ ના હોય.

કઈ કઈ જગ્યાએ થાય છે આ સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ, ખબર છે? તમે તમારા બાળકને નાનપણથી હોસ્ટેલમાં મુક્યો છે? ત્યાં એની સાથે શું થાય છે, એ ખબર છે? તમને વિશ્વાસ છે કે, જે જગ્યાએ તમે એને મુક્યો છે, એ એકદમ ‘વિશ્વાસ’ કરવા જેવી જ જગ્યા છે? હોસ્ટેલમાં નથી મુક્યો? કોઈ રીલેટીવના ઘરે મુક્યો છે? અથવા ક્યાંય ‘પર્સનલ’ ટ્યુશનમાં જાય છે? કોઈ રીલેટીવનો (થોડો મોટો) છોકરો કે છોકરી તમારા ઘરે રહીને ભણે છે અથવા સેટલ થવા માટે તમારા ઘરમાં આશરો લીધો છે? તમારા બાળકના બેસ્ટ ફ્રેન્ડના ઘરે તમારું બાળક વારેવારે જાય છે, એના મમ્મી-પપ્પા કે મોટા ભાઈ-બહેન પર તમને પૂરો વિશ્વાસ છે? તમારા બાળકને સ્કૂલે મુકવા માટે કોઈ ‘વેન’ જાય છે? સ્કૂલનાં ટીચર પણ ‘એક્સ્ટ્રા’ લેક્ચરના નામ પર ખાલી ભણાવે જ છે ને? તમે બહારગામ જાવ, ત્યારે તમારા બાળકની સ્કૂલમાં રજા ના પડે, એની તકેદારી માટે તમે એને કોઈ પાડોશી કે રીલેટીવના ઘરે એમના ભરોસે મૂકી નથી જતા? એ કેવાક માણસ છે? સારા છે? તમને બધા પર બહુ વિશ્વાસ છે? જો છે, તો કાઢી નાખજો.

૨૦૧૦માં ડેવિડ ફીન્કેલહર (ડાઈરેક્ટર, ક્રાઈમ અગેઈન્સ્ટ ચિલ્ડ્રન રીસર્ચ સેન્ટર) એ કરેલા એક સર્વે મુજબ ૧૮ વર્ષ સુધીમાં ૫ છોકરીઓમાંથી ૧ છોકરી અને ૨૦ છોકરામાંથી ૧ છોકરો ફીઝીકલ સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટનો શિકાર બને છે. ને આ તો ખાલી ‘દેખીતો’ આંકડો છે. કેમ કે, આ કિસ્સામાં પૂરું રીપોર્ટીંગ શક્ય જ નથી. આનો સીધો અર્થ એ છે કે, અત્ર તત્ર સર્વત્ર શિકારીઓ છે.

વિચાર કરો, તમે તમારા સંતાનોને કેવા સમાજની અંદર ખુલ્લા મુકો છો? તમે કોઈના માબાપ છુઓ? તમારા સંતાને ક્યારેય એવું ખુલીને તમારી સામે કબૂલ્યું કે એની સાથે આવું કંઇક થઈ ગયું એમ? તમે એની વાત ગંભીરતાથી સાંભળેલી? તમે એ વાતની ગંભીરતા સમજેલી? તમારામાં એટલી તૈયારી છે કે, તમારું સંતાન કે કોઈ પણ બાળક આવી વાત લઈને આવે તો, તમે એનો ડર દૂર કરી શકો? (કેમ કે, આવું ભોગ બનનાર બાળક લગભગ વધુમાં વધુ ફક્ત એકવાર જ તમારી પાસે ફરિયાદ લઈને આવશે.) તમારામાં એટલી આવડત છે કે, તમારું બાળક તમને ડર્યા વગર આવી વાત કરી શકે, એવું વાતાવરણ તમે ઘરે ઉભું કરી શકો?

યાદ રાખજો કે, સંતાનોને ભૌતિક સુખસુવિદ્યા આપવી સહેલી છે. એ માંગે, એ વસ્તુ ભલે હાજર કરી દેતા હોઉં, પણ જયારે ખરેખર મેન્ટલી સપોર્ટ આપવાની વાત આવે છે, ત્યારે ક્યાંકને ક્યાંક આપણે એક માબાપ કે વડીલ તરીકે ટૂંકા પડીએ છીએ. બાળકોને એક પ્રકારની ટ્રેઈનીંગ આપો, ‘કઈ’ જગ્યાએ કોઈ ‘ટચ’ કરે તો એ ખરાબ કહેવાય, અને ‘કેવી’ પરિસ્થિતિમાં ડર્યા વગર જાણ કરવી. હું તો ત્યાં સુધી કહું છું કે અગાઉથી જ તમારા ફેમીલીમાંના ‘સસ્પેક્ટેડ’ મેમ્બર્સનું લીસ્ટ બનાવી નાખો. જેના ઈરાદા ‘નેક’ ના લાગતા હોય, એવાને આપણા બાળકની નજીક ફરકવા જ નહી દેવાના. જો કે, જેના ઈરાદા ‘નેક’ લાગતા હોય, એ પણ હંમેશા ‘નેક’ નથી હોતા. ને આમેય… અગાઉ કહ્યું એમ, સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ ક્યારેક બાળકના સગા બાપ દ્વારા પણ થાય છે. આથી ALWAYS BE AWARE.

PACK UP

અમારા ‘ફોરેન્સિક મેડીસીન’ વિષયના ‘હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ (HOD), (કે જે અત્યારે રિટાયર થઇ ગયા છે), તેઓ ‘સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટ’ વિશેના લેક્ચર્સ દરમિયાન છોકરીઓને એવું કહેતા કે, “કોઈ પર વિશ્વાસ કરવાનો જ નહી. કોઈ પણ પ્રોફેસરની કેબીનમાં જર્નલ સાઈન કરાવવાની હોય કે કંઈ પણ કામ હોય તો પણ એકલી છોકરીએ ક્યારેય જવું જ નહી.” એ તો એ હદ સુધી કહેતા કે, “મારી કેબીનમાં પણ મીનીમમ બે છોકરીઓએ જ આવવું. મારા પર પણ વિશ્વાસ ના કરવો.” 

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech