માફી ; રાધિકા પટેલ

અછાંદસ પદ્ય 3851

બોલ શું કરું હું તારી માફીનું?

એને કુંડામાં નાખી ફૂલ ઉગાડી શકાય?

ચૂરણ બનાવી ફાકી જાવ તો ભૂખ ઉઘડે ખરી?

કે પછી અથાણું નાખું અને મુકું જીભ પર તો વિક્ષુબ્ધ થઇ ગયેલી સ્વાદગ્રંથિઓ જાગી જાય ખરી?

 

એમાંથી કલોરોફીન બને ખરું?

એમાંથી ઓક્સિજન બને ખરો?

લોહી બનાવી શકાય?

 

એના કેનવાસ પર ચીતરી શકાય? – વાદળ, વરસાદ, મેઘધનુષ્ય, સાંજ, નદી, પંખી, ચંદ્ર, બગીચો વગેરે… વગેરે.

એને બળદ સાથે જોતરી પૈડાંને અવળું ફેરવી શકાય?

 

આંખ નીચે ખોદેલા કુવામાં પુરાંત કરવા,

કૃશ થઇ ગયેલી ચામડી વચ્ચેની તિરાડો પુરવા,

કે ઢગલો થઈને બેસી ગયેલી બે ડુંગરીઓને ફરી બેઠી કરવા-

બોટોક્સ બનાવી શકાય એમાંથી?

 

એમાંથી પાવડર, આંજણ, લિપસ્ટિક આવું કશું બને ખરું?

બિંદી, ઝૂમખાં, વીંટી, માળા, કંગન, પાયલની જેમ પહેરી શકાય એને?

તારી માફીને હું પાલવની જેમ પહેરીને અરીસા સામે ઉભી રહું તો

અરીસો પડી જશે ફરી મારા પ્રેમમાં?

બોલ, પડી જશે મારા પ્રેમમાં?

 

– રાધિકા પટેલ

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech