મિલકત – ધારિણી સોલંકી
તને ખબર છે?
મારી મિલકતમાં શું છે?
એ બ્લેન્કેટ
જેમાં હજુ પણ
તારી હૂંફ
મને વીંટળાય છે
એ કોફીનો કપ
જેમાં હજું પણ
છલકે છે
તારા હોઠની ભીનાશ
બાલ્કનીમાં બેસવાની
તારી એ જીદ
હજુ પણ
જીદે ચડેલી છે,
તેં રોપેલા
મોગરામાં
અવાર-નવાર
ઉગતાં ફૂલ
આજે પણ
મારા શ્વાસ
મહેકાવે છે
અને
તેં ખરીદેલી
મોંઘીદાટ ખુશીઓ
જેનું કોઈ
વારસદાર નથી
- ધારિણી સોલંકી