મેજિક રીઅલિઝમ / વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યૂડ / જાદૂમાં વાસ્તવને રોપવાની કળા
૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકા દરમિયાન લેટિન અમેરિકાનાં થર્ડ વર્લ્ડ કંટ્રી કહેવાતા આર્જેટિના, કોલંબિઆ, બ્રાઝિલ, ચિલી અને પેરુ જેવા દેશોની રાજકીય અને સામાજીક પરિસ્થિતિથી અસર પામીને જન્મેલી સાહિત્ય ચળવળ, ‘લેટિન અમેરિકન બૂમ’એ એક નવાં પ્રકારની કથાશૈલીને પોષણ આપેલું જે આજે ‘મેજિક રિઅલિઝમ’ નામે જાણીતી છે.
‘મેજિક’ માને જાદૂ અને ‘રીઅલિઝમ’ માને વાસ્તવવાદ જેવા બે શબ્દોનું સંધાન પ્રથમ નજરે અસંગત લાગી શકે. ઘણી રીતે આ ટર્મને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો, મેજિક રીઅલિઝમ એટલે એવી કથાશૈલી, જે વાર્તાઓમાં બે દૃષ્ટીકોણ સ્વીકારે છે : એક દૃષ્ટિકોણ વાર્તાજગતમાં પાત્રો અને ઘટનાઓને વાસ્તવિક રૂપે જોવાનો, બીજો દૃષ્ટીકોણ આ જ વાર્તાજગતમાં જાદૂઈ અને સુપરનેચરલ બાબતોનાં અસ્તિત્વનાં સ્વિકારનો.
એવો પ્રશ્ન થવો સાહજીક છે કે ફેન્ટસી યાને કલ્પનાકથાઓ કરતા મેજિક રીઅલિઝમ કેવી રીતે જૂદું પડે છે? મેજિક રીઅલિઝમની વાર્તાઓ વાસ્તવવાદને વધારે અસરકારક બનાવવા માટે જાદૂઈ તત્વોનો સહારો લે છે અને વાર્તાઓ સંપૂર્ણપણે વાસ્તવિક વિશ્વમાં જ આકાર લે છે. સર્જક જ્યારે ફેન્ટસી એલિમેન્ટ્સનો ઉપયોગ કરે છે ત્યારે તે આવા જાદૂઈ તત્વો અંગે કશી ચોખવટ નથી કરતો. સર્જક જાદૂઈ તત્વોને પણ વાસ્તવિક તત્વો જેટલી જ સાહજીકતાથી દર્શાવે છે. જ્યારે ફેન્ટસી જોન્રા/કથાશૈલીમાં મોટાભાગે વાર્તાઓ વાસ્તવિક જગતને બદલે કોઈ કાલ્પનિક પૃષ્ઠભુમાં આકાર લે છે.
મેજિક રીઅલિઝમ શૈલીમાં ઘટનાઓની સચોટતા અંગે લેખક ઘણીવાર અસ્પષ્ટ વલણ દાખવે છે. ઘટના ખરેખર બની હતી એ વાંચકનાં મનમાં ઠસાવવા લેખક વધારે પ્રયત્ન નથી કરતાં. જ્યારે ફેન્ટસી વાર્તાઓમાં ઘટના બને એટલી સ્પષ્ટ અને જાદૂઈ રીતે રજૂ થાય એનું ધ્યાન રખાય છે જેથી વાંચક વાર્તાથી અભિભૂત થઈ શકે. ફ્રાન્ઝ કાફકાની ‘ધ મેટમોર્ફોસિસ’ આ કથાશૈલીની પ્રારંભિક કૃતિઓમાં સૌથી વધું પ્રખ્યાત છે, જેમાં કથાનું મનુષ્યપાત્ર અંતે વિશાળ જંતુ બની જાય છે. કથા એ રીતે રજૂ કરવામાં આવી છે જાણે, આવા બનાવો સામાન્ય હોય! ‘લાઈફ ઓફ પાઈ’ નવલકથા પણ મેજિક રીઅલિઝમ કથાશૈલીનો ઉપયોગ કરે છે. મધસાગરે ઘટેલી એક હોનારતને કારણે જહાજ ડૂબી જતાં પાઈ નામનો છોકરો લાઇફબોટમાં એક વાઘ સાથે ફસાઈ ગયો છે. આ વાર્તા વાસ્તવિક વિશ્વમાં આકાર લે છે જેમાં આવી દુર્ઘટના થવી સંભવ છે, પણ આગળ જઈને વાર્તા મેજિકલ એલિમેન્ટ્સ છતા કરે છે. પાઈ એક સમયે અંધ થઈ જાય છે, ભ્રાંતિની અવસ્થામાં સમુદ્રના અવાજો સાથે વાત કરે છે, સેંકડો મિરકેટ્સનું આવાસ એવા જાદુઈ ટાપુ પર આવી પહોંચે છે જ્યાં પરોપજીવી વનસ્પતિઓ બીજા સજીવોનું ભક્ષણ કરે છે.
ફ્રેન્ચ રેવલ્યૂશન પછી ચિત્રકળા અને સાહિત્યમાં એવા સર્જકોનો દોર શરું થયો હતો જે વાસ્તવવાદના તરફદાર હતાં. અગાઉનાં સર્જકોએ, ખાસ તો ચિત્રકારોએ એમની કૃતિઓમાં જે રીતે જીવન, પ્રકૃતિ અને સમાજના સુંદર પાસાઓની કલાત્મક રજૂઆતો કરીને દુ:ખ અને અસુંદરતા ધરાવતી મનુષ્યજીવનની વાસ્તવિકતાઓને અવગણી હતી, એનાં વિરોધમાં ઘણા ચિત્રકારોએ એવા ચિત્રો દોરવાની શરુંઆત કરી જે નિર્ભેળ સચ્ચાઈ રજૂ કરતાં હતાં. લેખનમાં પણ જ્યોર્જ ઈલિઅટે ‘મિડલમાર્ચ’ જેવી નવલકથા આપી હતી. આ મૂવમેન્ટ પછી કળાક્ષેત્રે ‘એક્સપ્રેશનિઝમ’ની બોલબાલ વધી જેમાં સર્જક અભિવ્યક્તિ માટે વાસ્તવની ભૂમિ છોડીને એબસ્ટ્રેક્ટનાં આકાશમાં પોતાને અભિવ્યક્ત કરવામાં મોકળાશ અનુભવતો. કૃતિઓમાં આ કારણે અર્થનું નાવિન્ય અને ઊંડાણ તો ઉમેરાયા પણ, સર્જક વાસ્તવ જગતથી દૂર થવા લાગ્યો.
આ મૂવમેન્ટની વ્યાપક અસરનાં વિરોધમાં એવા કેટલાક સર્જકો ઊભા રહ્યાં જે હજુ પણ માનતા હતાં કે વાસ્તવવાદમાં અભિવ્યક્તિની મજબૂત અને વિશાળ શક્યતાઓ છે. આમા મુખ્ય હતાં જર્મન કલાકારો જેમની આ ચળવળ ’ન્યૂ ઓબ્જેક્ટિવિટિ’ તરીકે ઓળખાઈ. લેટીન અમેરિકન સર્જકોએ આ ચળવળ પરથી પ્રેરણા લઈને પોતાની કથાઓ સર્રિઅલ બનાવી, પોતપોતાની સંસ્કૃતિમાંથી દંતકથાઓનાં તત્વો એમાં ઉમેર્યા. આ રીતે ‘મેજિક રીઅલિઝમ’નો જન્મ થયો. આ કથાશૈલીને પછી વિશ્વભરનાં સર્જકોએ પણ વધારી. સલમાન રશ્દીની નવલકથા ‘મિડનાઇટ ચિલ્ડ્રન’ પણ મેજિક રીઅલિઝમ માટે પ્રખ્યાત છે. વાર્તા મુજબ, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રીએ બારથી એક વાગ્યા વચ્ચે જન્મેલા બાળકો પાસે ખાસ પ્રકારની શક્તિઓ છે.
કોલમ્બિઅન લેખક ગેબ્રિએલ ગાર્શિઆ માર્કેઝ ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યૂડ’ નવલકથાને કારણે મેજિક રીઅલિઝમનાં પિતામહ ગણાય છે અને આ પુસ્તક આજે પણ વિશ્વની શ્રેષ્ઠતમ નવલકથામાં સ્થાન પામે છે. કથાનું ફલક મેકોન્ડો નામનાં કાલ્પનિક ગામનાં, એક જ પરિવારની સાત પેઢીઓનાં જીવન દરમિયાન ફેલાયેલું છે. આ કથાનાં પાત્રો વિદેશથી આવેલાં જીપ્સી પાસેથી મળતા નવા વૈજ્ઞાનિક જ્ઞાનનાં સાક્ષી બને છે, મેકોન્ડો ગામનાં પાત્રોને કોલમ્બિઆ દેશની નવી બનેલી સરકાર સાથે રાજકિય મતભેદો જન્મે છે, ગામ સુધી રેલ્વે આવે છે, ઉદ્યોગો નખાય છે જે મૂડીવાદકેન્દ્રીત સમસ્યાઓને જન્મ આપે છે. આગળ આવતી દરેક ઘટના કોઈને કોઈ રીતે વિશ્વનાં દરેક દેશનાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસની કોઈ ઘટનાનું મેટાફર બની રહે છે. આધુનિક માનવસભ્યતાનાં વિકાસને એક વિશાળ કથાનકમાં ગૂંથીને, એમાં જાદૂઈ તત્વોનું મિશ્રણ કરી, મનુષ્ય અને સમાજની કરુણ વાસ્તવિકતાઓને અસરકારક રીતે રજૂ કરતી આ નવલકથા સાહિત્યપ્રેમીઓ માટે ‘મસ્ટ રીડ’ છે. (ગુજરાતી અનુવાદ – ‘સો વર્ષ એકાંતના’ – ગુર્જર ગ્રંથ પ્રકાશન)
ઘણાં લેટીન અમેરિકન લેખકોએ મેજિક રીઅલિઝમ કથાશૈલી સાંપ્રત સરકારની નીતિઓ અને નાગરિકોનાં કષ્ટદાયી જીવન અંગેની સચ્ચાઈઓ અભિવ્યક્ત કરવા વાપરી છે. માર્કેઝે પણ ઘણી જગ્યાએ કોલમ્બિઆના રાજકિય અને સામાજીક ઈતિહાસની વરવી ઘટનાઓને કથામાં વણી લીધી છે. નવલકથામાં, ૧૯૨૮માં કોલમ્બિઆની ‘યુનાઇટેડ ફ્રૂટ કંપની’એ હડતાલ પર ઉતરેલા હજારો કારીગરોની સામુહિક હત્યા કરેલી એ ઘટનાનું દિલ ધ્રૂજાવી દેતું વર્ણન છે. આશરે બેથી ત્રણ હજાર કારીગરોને કંપનીએ સરકારી લશ્કરની મદદથી મશીનગન વડે, એમની સ્ત્રી અને બાળકો સહિત વીંધી નાખ્યાં હતાં.
નવલકથામાં આ જઘન્ય હત્યાકાંડમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવતી બચી જાય છે અને જ્યારે તે જાતે આ ઘટનની છાનબીન કરવા નીકળે છે ત્યારે, તેને આવું કશું બન્યાનાં પૂરાવા જ નથી મળતા. વધારામાં ગામનો દરેક વ્યક્તિ આવું કશું બન્યું હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે છે! માર્કેઝે લખેલી આ ઘટના વિશ્વનાં તમામ પ્રકારના હત્યાકાંડો અને એ પછી એમના પર થયેલા ઢાંકપિછોડાની પ્રવૃતિનું રૂપક બની રહે છે. આ રીતે મેજિક રીઝલિઝમ જાદૂઈ તત્વોનો ઉપયોગ કરીને વાસ્તવને તીવ્ર રીતે અભિવ્યક્ત કરે છે.
બીજી એક ઘટના રિમેડીઓસ નામની યુવતી સાથે જોડાયેલી છે. મેકોન્ડો ગામનાં ઈતિહાસમાં સૌથી સુંદર યુવતી રિમેડીઓસ નગ્ન ફરતી અને પોતાનાં શરીર પ્રત્યે બેદરકાર રહેતી. રિમેડીઓસ એક મોડી બપોરે બહાર સૂકવેલી ચાદરો વાળતી વખતે પોતાનાં પરિવારનાં દેખતા આકાશ તરફ ઊડવાં લાગી અને જીસસ ક્રાઇસ્ટ જેમ સ્વર્ગારોહણ કરી ગઈ! જાદૂઈ લાગતા આ પ્રસંગ પાછળ વાસ્તવિક અને તર્કબદ્ધ સચ્ચાઈ એ છે કે આટલી સુંદર યુવતી ખરેખર કોઈના પ્રેમમાં પડી ભાગી ગઈ હતી. પરિવારે આબરું સચવાય અને રિમેડીઓસનાં દિવ્ય સૌંદર્ય પર લાંછન ન લાગે એ માટે સાચી વાત છૂપાવવા એ પ્રસંગને દૈવી ઘટના ગણાવી હતી.
માર્કેઝ આ પ્રકારની જાદૂઈ ઘટનાઓ અંગે સ્પષ્ટતા કરતા કહે છે, “અતિવાસ્તવ અમારી ગલીઓમાં વહે છે!” બહારનાં વિશ્વ માટે આ ઘટનાઓ તરંગી અને અવાસ્તવિક છે પણ જે સમાજ-જીવનમાં તેઓ ઊછર્યા છે ત્યાં આવી વાતો અને દંતકથાઓ સામાન્ય છે. લેટિન અમેરિકન સામાજવ્યવસ્થાનાં તળનાં માણસો વાસ્તવિક દુ:ખ ભૂલવાં, એનાં પર જાદૂઈ તત્વોનું આરોપણ કરીને પીડાઓને પણ રંગીન બનાવે છે.
માર્કેઝે આ કથાશૈલીમાં ઘણી ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમની એક વાર્તામાં રોમમાં પોતાની દીકરીનું કૉફિન લઈને ફરતા માણસની વાત છે. એની દીકરીનું શરીર કોહવાતું નથી એટલે તે ધર્મગુરુઓ પાસે માંગ કરે છે કે તેને સંતનો દરજ્જો આપવામાં આવે. વર્ષો સુધી આ માંગ સાથે ધર્મગુરુઓને મળવા શહેરની સડકો પર ફરતો રહેતો એ માણસ અંતે ખુદ જ સંતની કક્ષા પામે એ પ્રકારનો વાર્તાનો મર્મ છે. વાસ્તવમાં પનપતી વાર્તાઓને માર્કેઝ મેજિક રીઅલિઝમ કથાશૈલીથી રંગીને જીવનની જદ્દોજહત પ્રબળ રીતે રજૂ કરતા રહ્યા છે જેના કારણે તે સદીનાં મહાન સાહિત્યકારોમાં સ્થાન પામ્યા છે.
કૉફિ-સ્ક્રિપ્ટ
‘વસ્તુઓ પણ પોતાની રીતે જીવંત હોય છે.’ જીપ્સીએ કર્કશ અવાજે જાહેર કર્યું. ‘જરૂર છે માત્ર એમના આત્માને જાગૃત કરવાની.’
(વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યૂડ)