‘વોટ્સએપ’ જેવી ફ્રી એપ્લીકેશન પાછળની કહાની

ગદ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી 3870

દરેક સ્માર્ટફોનધારક સવારથી લઈને સાંજ સુધી એવી ઘણી ફ્રી એપ્લીકેશનનો ઉપયોગ કરે છે કે જે તમને એવી સુવિધા આપે છે કે કદાચ અન્ય પેઈડ એપ્લીકેશન પણ ના આપી શકે. આવા કેસમાં પહેલી દલીલ એ આવે કે એમાં શું નવાઈની વાત છે? આવી દરેક એપ્લીકેશન એડ્વર્ટાઈઝમેન્ટમાંથી પોતાની આવક ઉભી કરતી હોય છે. પહેલી નજરમાં તો દલીલ વ્યાજબી છે અને નાના પાયા પર ચાલતી એપ્લીકેશન આ રીતે જ પૈસા કમાય છે એ પણ સાચું. પણ ક્યારેય વિચાર્યું છે કે વોટ્સએપ જેવી એપ્લીકેશન એકદમ પ્રીમીયમ સુવિધાઓ તદ્દન મફતમાં આપે છે અને વોટ્સએપમાં તો વળી કોઈ એડ પણ નથી હોતી, શરૂઆતમાં એક વર્ષ માટે વોટ્સએપ ફ્રી અને ત્યારબાદ દર વર્ષે પંચાવન રૂપિયાના શુલ્કથી સર્વિસ આપવાની વાત હતી પણ હજુ સુધી મને કોઈ એવું નથી મળ્યું નથી એડ્વર્ટાઈઝમેન્ટ કે નથી તમે પૈસા ચૂકવતા તો વોટ્સએપ આ રૂપિયા કેવી રીતે કમાય છે? એક વાત વિચારવા જેવી છે કે વોટ્સએપ ખરીદવા માટે ફેસબુકે ૧૯ બિલીયન ડોલર એટલે કે આજના ભાવે ગણો તો લગભગ ૧૩,૨૯,૯૦,૫૦,૦૦,૦૦૦ રૂપિયા થાય. હવે સમજી શકાય એવી બાબત છે કે ફ્રી સેવા આપતી કંપનીને ખરીદવા ફેસબુક ૧૯ બિલીયન ડોલર તો ના જ ખર્ચે ને! તો સવાલ ત્યાં જ ઉભો છે કે શું નફો હશે વોટ્સએપને અને એ ખરીદવા પાછળ ફેસબુકને?

પહેલા ફેસબુકે વોટ્સએપ ખરીદી લીધું એ પછીના સમીકરણ જોઈએ ત્યારબાદ એ પહેલાની વાત કરીએ. ફેસબુક માટે વોટ્સએપને ખરીદવું ખરેખર જરૂરી બની ગયું હતું. આજના સમયમાં એડ્વર્ટાઈઝમેન્ટના ક્ષેત્રમાં ગુગલ અને ફેસબુક બન્નેને ટક્કર આપી શકે એવી કોઈ કંપની નથી પણ એડ્વર્ટાઈઝમેન્ટ કંપની ત્યારે જ ચાલી શકે જયારે એમની પાસે ઓડીયન્સ હોય કેમ કે એડ્વર્ટાઈઝમેન્ટનો એકમાત્ર ઉદ્દેશ્ય જે-તે પ્રોડક્ટને લાગુ પડતી ઓડીયન્સ સુધી પહોંચડવાનો હોય છે. હવે

બે કલાક તો તમે વોટ્સએપ પર મિત્રો સાથે ચર્ચા કરવામાં પસાર કરો છો મતલબ કે તમે ફેસબુકબો ઉપયોગ પહેલા કરતા ઓછો કર્યો છે અને એ સમય તમે વોટ્સએપને ફાળવ્યો છે. આ કેસમાં સીધી અસર ફેસબુકના ઓડીયન્સ પર પડે. ફેસબુક જેટલો વધુ સમય એમના યુઝર્સને ફેસબુક એપ્લીકેશન પર જાળવી રાખે એટલી વધુ સફળ કંપની ગણાય પણ આ જગ્યાએ વોટ્સએપ એમના ઓડીયન્સનો સમય લઇ રહી હતી એટલે આ સ્પર્ધા તોડવી જરૂરી હતી. એટલે ફેસબુકે ૧૯ બિલીયન ડોલર જેટલી માતબર રકમ આપીને વોટ્સએપ કબજે કરી. એટલે અહીં પહેલી જરૂરિયાત સ્પર્ધા ખતમ કરવાની હતી, જે ફેસબુકે કરી બતાવ્યું. અને ત્યારબાદ વોટ્સએપના ડેટાને તમારી ‘પરવાનગી’થી જ ‘બિગ-ડેટા’માં જોડી દીધો, એટલે એમણે ખર્ચેલ પૈસા વસૂલ.

તો એ પહેલા વોટ્સએપ કેવી રીતે કમાતું? સીધી વાત છે કે નહોતું કમાતું અને એમનો ઉદ્દેશ્ય કમાવાનો હતો પણ નહી. વોટ્સએપ ‘ફ્રીમિયમ’ બીઝનેસ મોડેલ ફોલો કરતું એટલે એમનો એકમાત્ર ઉદ્દેશ્ય શક્ય એટલા વધુ વપરાશકર્તાઓ બનાવવાનો હતો અને જયારે એ સંખ્યા ‘જરૂર જેટલી’ થઇ જાય ત્યારે એમના પર અતિ-સાધારણ ફી લગાવી દેવાની હતી એટલે એમની આવક શરુ થઇ જાય. પણ વોટ્સએપ એવું કરે એ પહેલા જ ફેસબુકે એમને એકસાથે ૧૯ બિલીયન ડોલરથી નવડાવી દીધા અને વોટ્સએપ ભવિષ્યમાં એક-એક ડોલર કરીને જે કમાવાનું હતું એ એણે એક દિવસમાં કમાઈ લીધું.

 ‘મીટ કંપની’માં કપાતા ભૂંડ વિષે વિચારો કે એમને જન્મથી જ ખાવાનું આપવામાં આવે છે અને બદલામાં એમની પાસે કોઈ કામ કરાવવામાં નથી આવતું, એક સમય સુધી ભૂંડને લાગતું હશે કે કેટલું સરસ કે ખાવાનું ખુદ આપણી સામે આવે છે અને બદલામાં એમને કશી મહેનત નથી કરવી પડતી. બસ એ જ હાલત આપણી છે જયારે આપણે આવી ફ્રી એપ્લીકેશનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ખરેખર આપણે જ પ્રોડક્ટ છીએ. જેને વોટ્સએપ અન્ય કંપનીઓને વેચે છે.

અહીં તરત જ કાઉન્ટર આર્ગ્યુંમેન્ટ કરવાનું મન થાય કે વોટ્સએપ તો કોઈ ડેટા વેચતું નથી એવું કહે છે અને એ સાચું પણ છે. બેશક એ ડેટા વેચતું નથી પણ ડેટાનો ઉપયોગ જરૂર કરે છે. તમારા દરેક ચેટનું ‘બિગ-ડેટા’ તરીકે પૃથ્થકરણ થાય છે અને એના પરથી તમારી પસંદ-નાપસંદ અને આદતો નક્કી થાય છે. અને એ ડેટાનો ઉપયોગ ફેસબુક તમારા ન્યુઝફીડમાં તમને લાગુ પડતી એડ્વર્ટાઈઝમેન્ટ બતાવવા કરે છે. આ વિષે એક સવિસ્તાર લેખ ‘પંખ મેગેઝીન’ના જુલાઈ માસના અંકમાં લખી ચૂક્યો છું. તળપદી ભાષામાં કહો તો ફેસબુક એમના ક્લાયન્ટ્સને બોરડી નથી બતાવતા, પણ બોર જરૂર વેચે છે. ફેસબુક એમના એડ્વર્ટાઈઝમેન્ટ ક્લાયન્ટ્સને એવું નથી કહેતી કે ક્યા યુઝરને શું ગમે છે, પણ ‘વુડલેન્ડ શૂઝ’ કોને-કોને ગમશે એ જરૂર જાણે છે! અને એટલે જ જયારે એક શૂઝ કંપની પોતાની જાહેરાત ફેસબુક પર કરે ત્યારે એ જાહેરાત એવા લોકોને જ દેખાશે જેમણે કાં તો એ શૂઝ કંપની વિષે લખ્યું હશે અથવા એ વિષે લખાયેલ પોસ્ટ પર કમેન્ટ કે લાઈક કે અન્ય કોઈ રીએક્શન આપ્યું હશે!

દરેક ‘ટર્મ એન્ડ કન્ડીશન’ની એક વ્યાખ્યા હોય છે અને આવી કંપનીઓએ વ્યાખ્યાના ઉલંઘન કર્યા વિના પણ તમારો ડેટા વાપરવાનો રસ્તો શોધી જ લે છે. હજી પણ કંઈ શંકા હોય તો ફરીથી સમજો કે વોટ્સએપ તમારો ડેટા નહી વેચે, પણ એનું પૃથ્થકરણ જરૂર કરશે. તમે કોઈ જગ્યા ભલે ના જોઈ હોય પણ એ સરનામે પોસ્ટકાર્ડ લખશો તો ટપાલી એ પોસ્ટ એ સરનામાં સુધી જરૂર પંહોચાડી આપશે! બસ આવું જ કામ ડેટા કલેક્ટ કરતી કંપનીઓ કરે છે. જયારે જાહેરાત આપવાવાળા ગ્રાહકો એમની પાસે આવે ત્યારે એ એમને આપણી માહિતી નથી આપતા પણ જે-તે પ્રોડક્ટની જાહેરાત આપણા સુધી પહોંચાડી આપે છે.! હજી આ વાતને સરળ બનાવવી હોય તો એમ સમજો કે જાહેરાત આપવાવાળી કંપની તમારો ડેટા ખરીદતી નથી, પણ ભાડે મેળવે છે!

આખી ઘટનામાં તમે આવી કંપનીઓ પર કોઈ કાનૂની કાર્યવાહી કરી જ ના શકો; કેમ કે આખરે તમે એમને શાબ્દિક માયાજાળ સ્વરૂપે લખેલ ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન’ નીચેના ‘આઈ એગ્રી’ બટન પર ક્લિક કરી ચૂક્યા હોવ છો અને તમે ઉપર જણાવેલ રીતો મુજબ તમારો ડેટા વાપરવાની છૂટ આપી ચૂક્યા હોવ છો.

મજાની વાત એ છે કે આખી પ્રક્રિયામાં આપણને ખરેખર કોઈ ફર્ક નથી પડતો કેમ કે આપણા એકનો ડેટા આપણા માટે કે જે-તે કંપની માટે ખાસ અગત્યનો નથી, આ ડેટા ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે એ લાખો લોકોનો હોય. એટલે વોટ્સએપ કે અન્ય કોઈ ફ્રી એપ્લીકેશન વાપરવાથી આપણી અંગત જિંદગીમાં કોઈ દેખીતો ફર્ક નથી પડતો પણ જે લોકો આ ડેટા વાપરે છે એ ખાસ્સી રોકડી કરી લેતા હોય છે.

Vipul Hadiya (વિપુલ હડિયા)

Vipul Hadiya (વિપુલ હડિયા)

Made with by cridos.tech