શિલ્પથી નમણી તું પંડે પાતળી છે, હોઠ પર લીધી તો લાગ્યું વાંસળી છે. – સ્નેહી પરમાર
શિલ્પથી નમણી તું પંડે પાતળી છે,
હોઠ પર લીધી તો લાગ્યું વાંસળી છે.
.
આંખ,પાંપણ બહાર ક્યાય પગ ન મુકે,
કેટલી તારા વગર એ પાંગળી છે!
.
એક નજરે આખું ઘર જોતું રહે છે,
તું ગરીબ ઘરમાં બચેલી તાંસળી છે.
.
જોઇને સહસા તને ઝૂક્યું છે મસ્તક,
તું તિલક કરવા ઉઠેલી આંગળી છે.
.
પીઠ ફેરવતી પીડા ઉભી રહી ગઈ,
માર્ગમાં તું જ્યાં મને સામે મળી છે.
.
હાથ જોડી મેં બધી નદીઓ વળાવી,
સ્નેહી ! મારી પ્યાસ તો ગંગાજળી છે.
- સ્નેહી પરમાર