એથી થોડું રડીને આવ્યા, હમણાં એને મળીને આવ્યા ! – નિનાદ અધ્યારુ

ગઝલ પદ્ય 3983

એથી થોડું રડીને આવ્યા,

હમણાં એને મળીને આવ્યા !

.

દર્પણ-ઘરમાં ગયેલાં લોકો-

બાહર કેવું ડરીને આવ્યાં !

.

કોને માટે ઘસ્યું આ કાજળ ?

કોને હૈયે વસીને આવ્યાં ?

.

એ ન્હોતાં તો બીજું શું કરીએ ?

એનાં ઘરને અડીને આવ્યા !

.

પાટાપિંડી કરો શું એની ?

જે માલીપા પડીને આવ્યાં !

.

ઉપર ગ્યા, તો પ્રભુએ પૂછ્યું: 

કાં ભૈ ખાડો કરીને આવ્યા ?

.

બચપણમાં બે-ઘડી શું ગ્યા’તા, 

ખિસ્સે વડલો ભરીને આવ્યા !

.

ઉકલે નહિ ખુદ તમારા અક્ષર ?

આ તે કેવું ભણીને આવ્યા ?

.

તારક તોડી શક્યા ના ‘નિનાદ’,

હાથે અબરખ ઘસીને આવ્યા !

 

– નિનાદ અધ્યારુ

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech