ઝળહળતો દીવો – ગુજરાતના ઉદયનો (ભાગ-૨)

અન્ય ગદ્ય 4145

શબ્દ-સંપુટનાં ગયા પ્રથમ અંકમાં આપણે જોયું કે, એક ગોરો અંગ્રેજ યુવાન કે જેને ગુજરાતમાં વિકાસનું કાર્ય કરવું હતું, પરંતુ એ માટે ગુજરાતી શીખવું જરૂરી હતું. જેના માટે આપણાં જ એક સમર્થ સાહિત્યકારે એમને એ સમયે મદદ કરી. કોણ હતા એ ? અને કઈ રીતે તેઓએ ગુજરાતમાં ઐતિહાસિક કાર્યો અને સિદ્ધિઓને અંજામ આપ્યો? ચાલો, આ જ રોચક હકીકતને આજે આગળ વધારીએ.

અમદાવાદમાં પહેલવહેલી અંગ્રેજી શાળા આ ગોરા અંગ્રેજની જ ઉપસ્થિતિમાં ઈ.સ. ૧૮૪૬માં શરુ થઇ. જેમાં એક ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે ફરજ બજાવતા હતા. સૌ પ્રથમ તો આ યુવકે એમની પાસે ગુજરાતી શીખવાનું શરુ કર્યું. પછી તો ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરે પાસેથી ગુજરાતી શીખવાનું શરુ કરી જોયું, પણ એકેયમાં એમને પૂરતો સંતોષ મળ્યો નહિ. ભોળાનાથ કે જે અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા, એમની ભલામણથી એમને એક બીજું નામ મળ્યું ગુજરાતી શીખવા માટેનું ― એ ભાઈ હતા કવિ અને એ પણ વઢવાણના. તેથી તાબડતોબ ત્યાં તેડું મોકલવામાં આવ્યું. એ કવિશ્રી અમદાવાદ હાજર થયા તા. ૧ નવેમ્બર, ૧૮૪૮ના રોજ અને પોતાની કવિતા આ અમલદારને સંભળાવી, જે પસંદ પડતા ગુજરાતી શીખવાડવાની વાત પર સંમતિ સધાઈ. આમ કરતાં, વાત હવે અટકી કવિના પગાર ઉપર…! વઢવાણનો એ યુવાન કવિ અંદાજ આપતા કહે છે,  “અમે બે માણસ ને એક બાળકી છીએ, વર્ષે સો-સવાસો નો ખર્ચ છે…!” ત્યારે પેલો અમલદાર જવાબ આપે છે, “જુઓ કવેશર (કવિશ્વર).. મારા પગારમાંથી જ તમને પગાર આપવાનો છે. હું વાર્ષિક ૮૦૦ રૂપિયાનો પગાર મેળવું છું. તમને એમાંથી માસિક ૨૦ રૂપિયા આપી શકીશ..!” આમ પોતાની માંગણી કરતા બમણો પગાર (વાર્ષિક ૨૪૦ રૂપિયા) મેળવી એ વઢવાણનો યુવાન કવિ રાજી થઇને એ અમલદારને ગુજરાતી શીખવાડવા તૈયાર થઇ ગયો.

આ વઢવાણનો યુવક એ બીજું કોઈ નહિ પણ ઈ.સ. ૧૮૨૦માં વઢવાણમાં જન્મેલ કવિ શ્રી દલપતરામ હતા અને જે યુવકની આપણે વાત છેડી છે કે જેને ગુજરાતી શીખવવા દલપતરામ અમદાવાદ પધાર્યા, એ યુવક હતો – ઈ.સ. ૧૮૨૧માં જન્મેલ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બ્સ. આમ જોઈએ તો બંને સમવયસ્ક હતાં અને એજ કારણ આગળ જતા એમની પ્રગાઢ મૈત્રી માટે પૂરક બની રહ્યું!

ધીરે ધીરે એમની પાસેથી ફાર્બસ ગુજરાતી શીખી ગયા. પરંતુ, આ ગુજરાત અને ગુજરાતી સાહિત્ય કે જેના પ્રત્યે એમને બેહદ લગાવ અને પ્રેમ રહ્યો હતો, તેની જાળવણી અને વિકાસ કરવાનું પોતાના એકલાથી શક્ય નથી એમ લાગતાં તેઓએ એક સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું કે જે સામુહિક રીતે આ કામ કરી શકે, શાળા-પુસ્તકાલય, ખોલી શકે અને એમ કરતા આ કામ પોતાની બિનહયાતીમાં પણ આગળ ધપે! આવી ગુજરાતી ભાષા પ્રત્યેની લાગણીને કારણે જ તેઓ ‘ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી’નું બિરુદ પણ પામ્યા.

૨૬ ડિસેમ્બર, ૧૮૪૮ના રોજ તેઓએ પોતાના અંગ્રેજી અધિકારી મિત્રોની સભા યોજી. નાતાલના બીજા દિવસે આમ તો રજાના મૂડમાં હોય બધા.! પણ તેઓ ગુજરાતી ભાષાના અને સાહિત્યના વિકાસની ચર્ચા કરવા બેઠા! હા, બરાબર વાંચી રહ્યા છો તમે! આ અંગ્રેજો જ ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસની ચર્ચા કરવા બેઠાં અને સભામાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપવાનું વિચાર્યું! આ સોસાયટી બનાવવા હાજર સભ્યોમાં એકપણ સભ્ય દેશી/ગુજરાતી નહોતો, બધા જ અંગ્રેજ! અને રકમફાળો પણ બધા અંગ્રેજોએ જ આપ્યો. ધીમે ધીમે  સંસ્થા માટે ફાળો આપવાનું પણ આહ્વાન કરવામાં આવ્યું અને ૬૬૫૧ રૂપિયા જેવું દાન પણ એકત્ર થઇ ગયું. એક મિશનરીની જેમ ફાર્બસે આ કામ ઉપાડી લીધું હતું. 

સૌથી પહેલું કામ કર્યું આ સોસાયટીએ અમદાવાદમાં પુસ્તકાલય બનાવવાનું! જેમાં લોકોને પોસાય એ રીતે પુસ્તકો ઉપલબ્ધ કરાવવા અને લોકોને વાંચન પ્રત્યે જાગૃત કરવા, એ મુખ્ય ધ્યેય હતું. વાર્ષિક લવાજમ પણ નક્કી કરવામાં આવ્યું, ૧ રૂપિયા પ્રતિ વર્ષ. માત્ર અમદાવાદમાં જ નહિ પણ આખા ગુજરાતમાં શરુ થયેલ એ પ્રથમ જાહેર પુસ્તકાલય હતું.  નામ હતું – ‘નેટિવ લાયબ્રેરી’.  શરૂમાં તેમાં લગભગ ૪૫૩ પુસ્તકો હતાં. ૨૫૦ અંગ્રેજી, ૧૨૪ ગુજરાતી, ૪૪ મરાઠી, અને બીજા અન્ય ભાષાઓના પુસ્તક હતા. અને સભ્યોમાં મોટા ભાગના અંગ્રેજ જ હતા. અમદાવાદમાં જેલ ની બાજુમાં આવેલા એક મકાનના પહેલા માળે નાનકડા ઓરડામાં આ ગુજરાતની પ્રથમ જાહેર લાયબ્રેરી આવેલી હતી. આ વાત છે ઈ.સ. ૧૮૪૯-૫૦ની. ગાંધીજીના પણ જન્મ પહેલા કોઈ પરદેશી અંગ્રેજ વ્યક્તિએ પણ ગુજરાતની ધરોહર જાળવવા આટલા સઘન પ્રયત્નો કર્યા હશે, એ જ જણાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ છે.

ફાર્બસને પહેલેથી ગુજરાતી ભાષા અને રહેણી કરણી જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. જેના માટે એ દલપતરામ સાથે પગપાળા છેવાડાના ગામો સુધી સફર પણ કરતા. આ જ જિજ્ઞાસાને લીધે તેઓ ગુજરાતના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસને લગતું અને ઝીણવટભરી માહિતી આપતું, એક વાંચવા જેવું પુસ્તક ‘રાસમાળા’ લખી શક્યા, જે અંગ્રેજીમાં છપાયું હતું અને લંડનથી પબ્લિશ થયું. એ સમયમાં ગુજરાતના ઇતિહાસ ને લગતું આ પ્રથમ પુસ્તક હતું. કોઈ ગુજરાતીએ પણ આ વિષયમાં ખેડાણ કર્યું નહોતું! આ પુસ્તક ખુબ જ નામના પામ્યું અને બે ભાગમાં પબ્લિશ થયું. એ વખતે એમણે પુસ્તકનું નામ રાખ્યું હતું, “Raasmala or Hindoo Annals of the Province of Goozerat in Western India”. ગુજરાતના ઇતિહાસની ઘણી રોચક વાતોનો એમાં સમાવેશ થયો હતો. આજની તારીખમાં પણ એ ખુબ જ ઉપયોગી દુર્લભ પુસ્તક માનવામાં આવે છે. એ સમયે ગુજરાત બન્યાના લગભગ ૧૧૦ વર્ષ પહેલાથી જ આ પ્રદેશનું નામ ગુજરાત એમણે ભાખ્યું હતું એમ કહી શકાય! અન્ય એક પુસ્તક પણ એમણે ગુજરાતમાં પ્રવર્તતી ભૂત-પિશાચ અને અંધશ્રદ્ધાની રીત-રસમો પર લખ્યું, “Demonology and Popular Superstitions of Goozerat!”

૧૮૫૨માં ઇડરમાં તેઓએ પોતાના ખર્ચે એક મુશાયરો પણ યોજયો હતો જેમાં તેમણે ભારતભરથી ૩૦૦ કવિઓને પણ આમંત્રણ આપ્યું હતું.  નેટિવ લાયબ્રેરીની હાલત તથા સોસાયટીની ડામાડોળ સ્થિતિને પાટે ચડાવવા તેઓએ દલપતરામની ભલામણ કરી અને તે માસિક ૩૦ રૂપિયાના પગારે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. નેટિવ લાયબ્રેરીનું સ્થળાંતર એક સખીદિલ દાતા નગરશેઠ હિમાભાઈને લીધે સ્વતંત્ર મકાનમાં થયું જેનો તમામ ખર્ચો તેઓએ ઉપાડી લીધેલો અને જેનું નામ પછી ‘હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ રાખવામાં આવ્યું.

ત્યાર બાદ બીજી ઝુંબેશ એમણે શરુ કરી અમદાવાદમાં એક વર્તમાનપત્ર શરુ કરવાની. નામ હતું ‘વર્તમાન’. વર્તમાનપત્ર અમદાવાદથી પ્રગટ થનારું પહેલું અખબાર હતું. એટલું જ નહિ, બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાતી ભાષી પ્રદેશમાંથી પ્રગટ થનારું પણ તે પહેલું અખબાર હતું. મુંબઈ અને સુરતની સરખામણીમાં અમદાવાદમાં મુદ્રણ ઘણું મોડું આવ્યું, છેક ૧૮૪૫માં. એ વર્ષે બાજીભાઈ અમિચંદે અમદાવાદમાં પોતાનું લિથોગ્રાફિક પ્રેસ શરુ કર્યું. વર્તમાન આ પ્રેસમાં છપાતું. તે દર બુધવારે પ્રગટ થતું હોવાથી લોકોમાં ‘બુધવારીયું’ તરીકે પ્રચલિત થયું. પ્રથમ અંક ૧૮૪૯ ના એપ્રિલની ચોથી તારીખે પ્રગટ થયો. માત્ર ૧૨૫ નકલ જ શરૂમાં ખપતી! 

ઈ.સ. ૧૮૫૦ની આજુબાજુમા ફાર્બસને ખ્યાલ આવી ગયો હતો કે અહીં આભડછેટ અને કન્યા શિક્ષણનો પણ પેચીદો મુદ્દો છે. છોકરા છોકરીઓ સાથે ભણતા હોય એવી શાળામાં પોતાની છોકરીઓ મોકલવા મા-બાપ જલ્દી તૈયાર થતા નથી. જેને લીધે તેમને એક અલાયદી કન્યા શાળાનો  વિચાર સ્ફૂર્યો. શેઠ હઠીસિંગ કેસરીસિંગના વિધવા હરકુંવરબાઈએ એક વર્ષ માટે આવી એક શાળાનો બધો જ ખર્ચ ઉપાડી લીધો. અને ત્યાર બાદ ૧૮૫૦માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ એક અલગ કન્યાશાળા શરુ કરી.  માત્ર અમદાવાદમાં નહિ, આખા ગુજરાતમાં શરૂ થયેલી આ પહેલવહેલી કન્યાશાળા હતી. 

આ જ વર્ષે એપ્રિલમાં ૧૫ તારીખે સુરતમાં આસિસ્ટન્ટ જજ તરીકે ફાર્બસની બદલી થઇ. અમદાવાદની જેમ જ સુરતમાં ‘સુરત અષ્ટવિંશતિ સોસાયટીની’ સ્થાપના કરી.  આ જ વર્ષે જુલાઈની પહેલી તારીખે સુરતની પહેલવહેલી લાયબ્રેરી ‘એન્ડ્રુઝ લાયબ્રેરી’ ની સ્થાપના થઇ. સુરતના એક ન્યાયાધીશનુ નામ તેને આપવામાં આવ્યું હતું. આ જ વર્ષે સુરતમાં સરકારે ટાઉન્સ ઈમ્પ્રુવમેન્ટ એક્ટ, ૧૮૫૦ નો ૨૬ મો કાયદો લાગુ કરવાનું નક્કી કર્યું હતું, જેના અંતર્ગત શહેરમાં સુધરાઈને ઓકટ્રોય કર ઉઘરાવવાની સત્તા મળતી હતી. ફાર્બસને આ કામ સોંપવામાં આવ્યું. તેઓએ ગલી ગલીમાં ફરી સભાઓ યોજી, લોકોને આના ફાયદાઓ સમજાવ્યા અને અંતે સફળ પણ રહ્યા. અંતે ૧૮૫૨ ના એપ્રિલની ૨૩મી તારીખથી સુરતમાં મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી, જેનો શ્રેય પણ ફાર્બસને જાય છે. ઈ.સ. ૧૮૫૬ માં સ્વદેશ પરત થયેલા ફાર્બસે લંડનથી ‘રાસમાલા’ નામે પુસ્તક પ્રગટ કર્યું.


આમ, સતત ઉદ્યમશીલ, કર્તવ્યનિષ્ઠ એવા આ પરદેશી એ ગુજરાતની ભૂમિ પર રહી અનેક કામો ને અંજામ આપ્યો છે જેના માટે આજે પણ ઇતિહાસ એમને અચૂક યાદ કરે છે.

(વધુ આવતા અંકે)

Avatar

Dr Kartik Shah ડૉ. કાર્તિક શાહ

Made with by cridos.tech