“અમેરિકન ગોડ્સ / નવો યુગ, નવા ઈશ્વર / શ્રદ્ધા એટલા દેવ!”

Uncategorized અન્ય ગદ્ય 3383

મોડર્ન કલ્ચર અને તેનાં કારણે બદલાતી ટેવોએ મનુષ્યજીવન અને સમગ્ર માનવસભ્યતા પર શું અસર કરી છે તે મુદ્દા પર કમેન્ટ કરતી ઘણી વાર્તાઓ લખાઈ છે. ‘ફાઇટક્લબ’ મૂવિ અને ‘મિસ્ટર રોબોટ’ ટીવી સીરિઝનાં નાયકો મનિ-ફૉકસ્ડ કન્સ્યૂમરિઝમ સામે જંગે ચડે છે જ્યારે ‘સેવન’ જેવી મૂવિમાં ખલનાયક માણસના સ્વભાવની મૂળભૂત બદીઓ – લોભ, વાસના, ઘમંડ અને ઈર્ષ્યા વગેરેને ટાર્ગેટ કરી એક પછી એક હત્યા કરતો જાય છે. ઇનશોર્ટ આ દરેકનો વ્યક્તિગત સૂર એવો કે, દુનિયા/સમાજ ખોટા માર્ગે ચડી ગયા છે અને તેમને સીધાદોર કરવા ઠોસ કદમ લેવા જરૂરી છે.

નીલ ગૈમન આ થીમ સબ્જેક્ટને આંખ સામે રાખી, એક સ્ટેપ આગળ વધી ૨૦૦૧માં ‘અમેરિકન ગોડ્સ’ નોવેલ લખે છે જેમાં લડાઈ માણસો વચ્ચે નહીં પણ ઈશ્વરો વચ્ચે છે, નવા યુગના ઈશ્વરો અને પરંપરાગત જૂના ઈશ્વરો વચ્ચે! આ નોવેલનું પ્રિમાઇસ (તર્કબદ્ધ કથન) છે, ‘લોકો વિશ્વાસ કરે છે એટલે ઈશ્વરનું અસ્તિત્વ છે.’ આ પ્રિમાઇસનો ટેકો લઈ નીલ ગૈમન જે કથા આરંભે છે એમાં એ પ્રકારની વાત પણ સમાવી લેવાઈ છે કે જેમ લોકોની અમુક ઈશ્વર પર શ્રદ્ધા ઓછી થાય એમ તે ઈશ્વરોની શક્તિ ક્ષીણ થતી જાય. આ નોવેલની કાલ્પનિક કથાની વાત થઈ પણ વાસ્તવમાં નીલ ગૈમને જે પ્રિમાઇસનો આધાર લીધો છે તેને તર્કવાદીઓ કે બુદ્ધિવાદીઓ ન સ્વિકારી શકે તોયે સ્પિરિચ્યુઅલ રીતે એ વિધાનમાં અમુક રીતની સચ્ચાઈ ખરી. 

 વસાહતીઓના દેશ અમેરિકામાં વિશ્વની વિભિન્ન પ્રજાઓ આવીને વસી છે અને તેઓ એમનું કલ્ચર, આસ્થા અને ઈશ્વર પણ સાથે લઈ આવેલા. કથામાં આવા જ હ્યુમન-ફિગર ઈશ્વરો પાત્રરૂપે રજૂ થયેલા છે. બે પ્રકારના ઈશ્વરો છે, નવા ઈશ્વરો અને જૂના ઈશ્વરો. જૂના ઈશ્વરોમાં છે સૌપ્રથમ ગણાધિપતિ, જર્મેનિક લોકોની નોર્સ માઇથોલોજિના દેવતા ઓડીનનો અવતાર મિસ્ટર વેન્સડે; પ્રેમ અને સેક્સની દેવી બિલકીસ જેનો ઉલ્લેખ બાઇબલમાં ‘શેબાની રાણી’ તરીકે આવે છે; કરોળિયાનું સ્વરૂપ ધારણ કરી શકતા વેસ્ટઆફ્રિકન દેવતા અનાન્સી, જે જ્ઞાન અને વાર્તાઓનાં દેવ ગણાય છે; વસંતની દેવી ઈસ્ટર; કાળ અને વિનાશની દેવી કાલી; ઉપરાંત જીઝસ અને લોકી જેવા બીજા ઈશ્વર પણ નાના-મોટા પાત્રરૂપે સમાવેલા છે. 

વાત રસપ્રદ, નવા ઈશ્વરોની. મિસ્ટર વર્લ્ડ નવા ઈશ્વરોના ગણાધિપતિ છે, જે ગ્લોબલાઇઝેશનને રિપ્રેઝન્ટ કરે છે. મિસ્ટર વર્લ્ડ એક રીતે કેપિટલિઝમનાં દેવતા છે જે ઇન્ટરનેટ એજમાં સર્વેલન્સ વડે લોકોની દરેક વાતો જોઈ અને સાંભળી શકે છે. જ્યોર્જ ઓરવેલે આ જ પ્રકારની એક તાકતને સન ૧૯૪૯માં રજૂ કરેલી નોવેલ ‘1984માં ‘બીગ બ્રધર’ નામે ઓળખાવી હતી જે સતત દરેક નાગરીક પર નજર રાખે છે, લોકો ભૂલી ન જાય એ માટે તેમને વાંરવાર યાદ કરાવવામાં આવે છે, ‘બીગ બ્રધર ઇઝ વોચિંગ યુ.’ કોઈને આ પાત્રની પ્રેરણા ‘ઇલ્યૂમિનાટિ’ જેવી સંસ્થાઓ પરથી લેવાઈ હોય એમ પણ લાગે જે જગત પર એકહથ્થુ નિયંત્રણ ઈચ્છે છે. જો કે આજના સમયમાં ઇલ્યૂમિનાટિ જેવી સંસ્થાઓ વાસ્તવિકતા છે કે ગપ્પુ એ પણ મહાપ્રશ્ન છે. 

 એક રેડ્ડીટ યુઝર ‘મિસ્ટર વર્લ્ડ’ને આજની જાયન્ટ કંપની ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ સાથે સરખાવે છે જેમની પાસે વિશ્વના કરોડો લોકોનો દરેક પ્રકારનો ડેટા પડ્યો છે. મિસ્ટર વર્લ્ડનો મુખ્ય પાવર જ છે ડેટા/ઇન્ફર્મેશન, જેના વડે તે ગણતરીની ક્ષણમાં સ્ટોકમાર્કેટ કડકભૂસ કરી શકે છે, પરમાણુ મિસાઇલ લોન્ચ કરી દુશ્મન દેશો વચ્ચે લડાઈ કરાવી શકે છે, ગમે તે રીતે વિશ્વની વ્યવસ્થામાં ભાંગફોડ કરી શકે છે. બીજા ક્રમે છે, ‘ટેક્નિકલ બોય’ જે કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો દેવતા છે. ટીનએજર જાડીયો છોકરો, ચહેરા પર ખીલના ડાઘ, ડાયેટ કોકની બોટલ ચૂસતો, લીમોમાં ફરતો ટેક્નિકલ બોય નેવુંના દાયકાના ગિક છોકરાઓનું રિપ્રેઝન્ટેશન છે. ટીવી સીરિઝમાં આ પાત્રનાં લૂકમાં આજના સમય મુજબ ફેરફાર કરાયો છે. બીજા પાવરફુલ ગોડ્સ સામે આ હજુ બચ્ચું છે પણ એની શક્તિને નજરઅંદાજ કરી શકાય એમ નથી. સ્વભાવે બળવાખોર અને જક્કી ટેક્નિકલ બોય જોશમાં આવી ગમે તે કરી બેસે છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોની તાકતને આ ટેક્નિકલ બોય સાથે જોડી શકાય. વોલ્ટર આઇઝેક્શન ‘સ્ટીવ જોબ્સ’માં લખે છે કે અમેરિકાનાં પશ્ચિમનાં (સિલિકોન વેલિનાં, જે ઇન્ટરનેટ/ટેક્નોલોજિ કલ્ચરનું પારણું ગણાય છે) આ છટકેલ દિમાગના યંગ્સ્ટરો પૂર્વનાં ધનપતિઓને (ન્યૂયોર્ક વગેરે શહેરોમાં કેન્દ્રિત ફાઇનાન્સર, જેમણે આવા ભેજાબાજોના આઇડિયા પાછળ રોકાણ કરેલું) અંગત રીતે પસંદ નથી. બસ આ પ્રકારનો અણગમો મિસ્ટર વર્લ્ડને આ ટેક્નિકલ બોયની હરકતો પ્રત્યે દેખાય છે.

ટીવી/સિનેમા/માસકમ્યુનિકેશની દેવી છે મીડિયા. રંગ અને રૂપ વડે રીઝવવાની કળામાં નિષ્ણાંત મીડિયા દેવી મેર્લિન મનરોનું સ્વરૂપ લઈને કહે છે, ‘સ્ક્રીન મારી યજ્ઞવેદી છે. લોકો એમાં મને ભોગ ચડાવે છે. તેઓ એકબીજા જોડે બેસે છે, એકબીજાની અવગણના કરે છે અને પોતાની જાત મારામાં હોમી દે છે. હવે તો તેઓ હથેળીમાં સમાય એવી સ્ક્રીન રાખતા થયા છે, ખોળામાં રખાય એવી સ્ક્રીન વાપરતા થયા છે. સમય અને એકાગ્રતા પશુના બલી કરતા પણ તાકતવર છે.’ વિશ્વ જેમ સ્ક્રીનનો ઉપભોગ વધારતું જાય છે તેમ આ મીડિયાની દેવી ઓર શક્તિશાળી બનતી જાય છે. 

આ ઉપરાંત નવા ઈશ્વરોમાં સ્ટોકમાર્કેટને કંટ્રોલ કરતા ભેદી ઈશ્વર ઇન્ટેન્જિબલ્સ પણ છે. દરેક નવા ઈશ્વરો મોડર્ન કલ્ચરના પ્રતાપે જન્મેલી વિવિધ તાકતોનું પર્સોનિફિકેશન છે. નીલ ગૈમન શેડો નામના માણસથી કથા શરૂ કરે છે જે ધીમે ધીમે નવા અને જૂના ઈશ્વરો વચ્ચે આકાર લઈ રહેલા યુદ્ધ અંગે જાણતો થાય છે. આ પાત્રને નીલ ગૈમન પોતાની સાથે આઇડેન્ટિફાય કરીને કહે છે કે તેઓ બહારના માણસ બનીને અમેરિકા આવવાના જાતઅનુભવ અને અમેરિકા બહારના માણસના કલ્ચરને ખાઈ જાય છે, તે વાત બયાન કરાવા માંગતા હતા. નોવેલનું નામ ‘અમેરિકન ગોડ્સ’ હોવા છતા આ પૂરા વિશ્વમાં વ્યાપ્ય સમસ્યાની રજૂઆત છે, જ્યાં-જ્યાં મોડર્ન કલ્ચર તે સ્થળોની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખોને હાની કરી રહ્યું છે.

જોનરવાઇઝ જોઈએ તો આ નોવેલ અર્બન ફેન્ટસિ છે, આધુનિક પરીકથા. નોવેલનાં પ્રિમાઇસ મુજબ આ ઈશ્વરોની શક્તિ મનુષ્યોની શ્રદ્ધા પર આધાર રાખે છે. કથાઓ સ્વરૂપે આ શ્રદ્ધા પેઢી દર પેઢી મનુષ્યોને વારસામાં મળતી જાય છે. પણ સમય સાથે જેમ આ કથાઓ વિસરાતી જાય અને આખરે જે-તે ઈશ્વરની વાર્તા જાણનારો છેલ્લો મનુષ્ય મૃત્યુ પામે, એ સાથે તે ઈશ્વરનો પણ નાશ થઈ જાય! સામા પક્ષે આધુનિક મનુષ્યોએ પોતાનું કોન્સન્ટ્રેશન અને વિશ્વાસ મિસ્ટર વર્લ્ડ, ટેક્નિકલ બોય અને મીડિયા જેવા દેવતાઓ સમક્ષ સાષ્ટાંગ કરી ધરી દીધા હોય એટલે તેઓ વધારે સ્ટ્રોંગ થતા જાય! 

પહેલા જ કહ્યું તેમ, ઉપરની વાત રેશનલ લોકોને હવાબાજી લાગી શકે પણ સામે છેડે સારાહ જોન્સ નામની લેખક આ જ વાર્તાનાં સંદર્ભમાં પ્રિમાઇસનું હકારાત્મક અર્થઘટન આપે છે કે, અતાર્કિક નિર્ણયોનું અનુસરણ માણસના સ્વભાવમાં ઊંડે સુધી અસ્તિત્વ ધરાવે છે તથા ઈશ્વર પર વિશ્વાસ, આશા અને પ્રેમ પણ રેશનલ નથી. કોઈ અવ્યક્ત શક્તિ પ્રત્યેની આ લાગણીને મનુષ્યો ઈશ્વરનું સ્વરૂપ આપે છે. પરંપરાગત ઈશ્વરની માન્યતાને ન સ્વીકારનાર તર્કવાદી મનુષ્યો પણ આ પ્રકારના મોડર્ન ગોડ્સના ઉદ્ભવને ગંભીરતાથી લઈ રહ્યા છે. ના, મોડર્ન ઈશ્વરોના મંદિર નથી બનતા કે એમના પર ધર્મગંથો નથી લખાતા પણ કવિતાની ભાષામાં કહીએ તો, મોડર્ન હ્યુમન દિવસમાં સેંકડોવાર લેપટોપ અને મોબાઇલના સ્ક્રિન આગળ સર ઝૂકાવી સજદા કરતો હોય છે એ નવા ઈશ્વરોની ઇબાદતથી કંઈ કમ છે?! મિસ્ટર વર્લ્ડ, ટેક્નિકલ બોય અને મીડિયા જેવા પાત્રોને ઈશ્વરનું નામ ન આપો તો પણ આ પરિબળો મનુષ્યનાં જીવન અને વિશ્વમાં ગંભીર અસરો કરી શકે એવી પ્રચંડ તાકતો બની ગઈ છે એ હકીકત છે.

 

કોફિ-સ્ક્રિપ્ટ

હવે એ તો ચવાઈ ગયેલો વિલાપ છે કે જે ગતિએ વૈજ્ઞાનિક જ્ઞાન વિકસી રહ્યું છે તેની સામે માણસની નૈતિક ઉન્નતિ ધીમી છે. આપણે મનુષ્યો જેટલા બુદ્ધિશાળી છીએ એટલા જ નૈતિક રીતે સદ્ધર નહીં હોઈએ તો આપણે ટેક્નોલોજીનો વિનાશક ઉપયોગ જ કરવાના. ખામી આપણા સાધનોમાં નથી, આપણામાં છે. 

જ્હોન ગ્રે (બ્રિટિશ પોલિટિકલ ફિલોસોફર અને ફિલોસોફી એનાલિસ્ટ)

 

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Made with by cridos.tech