“તમને મળ્યાનું યાદ – ડૉ. વિવેક ટેલરની કવિતા”
‘તમને મળ્યાનું યાદ’માં આજે મળીશું સુરતના કવિ ડૉ. વિવેક ટેલરને. વિવેકભાઈ વ્યવસાયે તબીબ છે. તેઓ કહે છે કે “મારો દર્દી એ જ મારું જીવન ને તોયે પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ. કવિતા મારી અહર્નિશ પ્રેયસી.”
‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ એમના પ્રકાશિત પુસ્તકો છે. ગઝલ સંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ ૨૦૧૨માં પુરસ્કૃત થયું હતું.
~ એક વેશ્યાની ગઝલ ~
રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
ભૂખ, પીડા, થાક ને અપમાનના અશ્વો લઈ
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
દુનિયાભરની વાત બેઠો છે દબાવીને છતાં,
હર્ફ ના ઉચ્ચારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?
જ્યાં કદી ના આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !
– ડૉ. વિવેક ટેલર
ગઝલનો પ્રથમ શેર જ આરપાર વીંધી નાખે એવો છે.
રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
રાત એટલે સૂર્ય આથમીને ફરી ઊગે તે દરમિયાનનો સમય. રાતને અંધારામાં ડૂબેલો સૂર્યરહિત સમય કહી શકાય. આમ સૂર્ય અને રાત એકબીજાના પ્રતિપક્ષી થયા. એ રીતે રાતને સૂર્ય ધિક્કારે એમાં કશું નવું નથી. પણ વાત દેખાય છે એટલી સરળ નથી. અહીં જે સૂર્ય છે એ બે સાથળ વચ્ચે આવેલા જનનાંગમાં ઉગતો સૂર્ય છે અને એ અંગ એક વેશ્યાનું છે! કેટલીક ઉપમાઓ કે રૂપકો આપણી ચેતનાને સ્પર્શી જતાં હોય છે. આ ગઝલમાં પણ કવિએ ‘વેશ્યાના જનનાંગ’ને સૂર્ય જેવી વિલક્ષણ ઉપમા આપીને કમાલ કરી છે. વેશ્યા પોતાના શરીરને વેચીને આજીવિકા રળે છે. પણ ખરીદનાર એ ભ્રમમાં હોય છે કે એણે શરીર સાથે પેલીની આત્મા પણ જાણે ખરીદી લીધી હોય! આ બે જાંઘ વચ્ચેનો સૂર્ય રાતને ધિક્કારે છે કારણ રાત એના શરીરને તો ઠીક આત્માનેય પીડે છે. પણ એનું ભાગ્ય એટલું નઠારું છે કે એ માત્ર રાત જ પામે છે. રાતને ઈચ્છવી એની લાચારી છે!
દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
એક વાતને કેટલી રીતથી પરિમાણી શકાય? જો એ કવિતા દ્વારા કહેવાઈ હોય તો અનેક રીતથી! વેશ્યાલયમાં સત્તર અચ્છોવાના થતાં હોય. સગી દીકરીઓની જેમ સારસંભાળ લેવાતી હોય. પણ તોય આ બધું કયા ભોગે? પંખીને પીંજરામાં પૂર્યા પછી ચણમાં મોતી આપવામાં આવે એનો અર્થ શો? દરરોજ સાંજ પડે લાલી પાવડરના ડબ્બા ખૂલી જાય. બારીમાં કતારબંધ રંગબેરંગી ચટક મટક કપડાં અને લટકા ચટકા કરતી આંખો અને હાથ દેખાય. રાત જેમ ઘેરી થાય, તેમ બે જાંઘ વચ્ચેના સૂર્યનો ઉત્સવ પણ રંગ પકડતો જાય. પરંતુ એ ઉત્સવ હોય ફક્ત શરીર ખરીદનાર માટે શરીર વેચનાર માટે નહીં. એના માટે તો દરેક રાત પીડાનો એક નવો અધ્યાય છે.
રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
ખણખણાટી અને હણહણાટી જેવા શબ્દ પ્રયોજીને કવિએ મેશ જેવી કાળી વેદનાને સહજતાથી કાગળ પર ઉતારી દીધી! રોજે રોજ નવો ખરીદાર, એની અવનવી ઈચ્છાઓ. ક્રૂર માંગણીઓ. પૈસા આપ્યા છે એટલે એ શરીર સાથે જાણે મનમાની કરવાનો અધિકાર પણ મેળવી લીધો એવું ખરીદનાર સમજે. હણહણાટી એટલે ઘોડાની ખૂંખારનો પ્રતિધ્વનિ. આખી રાત હણહણાટી વેઠ્યા પછી સવારના આ સૂર્ય હાંફી ન જાય તો જ નવાઈ!
ભૂખ, પીડા, થાક ને અપમાનના અશ્વો લઈ
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
પૌરાણિક માન્યતાઓ અનુસાર સૂર્યદેવ સાત ઘોડાવાળા અને એક પૈડાવાળા રથમાં સવાર છે. સૂર્યનો રથ એકાદ ક્ષણ માટે પણ જો અટકી જાય તો સૃષ્ટિ ખોટકાઈ પડે. અહીં અશ્વ છે, રથ છે અને સૂર્ય પણ છે. ભૂખ, પીડા, થાક અને અપમાનથી વિહ્વળ છે છતાં જીવનરથને ગતિશીલ રાખવા ગમે એવી વિષમ પરિસ્થિતિમાં પણ સૂર્યે સતત ગતિશીલ રહેવું પડે છે. અહીં કવિકર્મ જુઓ. દોડતી વખતે અશ્વનું ધ્યાન બીજે ક્યાંય ન જાય અને એ સતત દોડતો રહે એટલે આંખોની આજુબાજુ પુઠ્ઠાં બાંધી દેવામાં આવતા હોય. કવિએ ભૂખ, પીડા, થાક અને અપમાનને અશ્વો કહ્યા છે અને આ વારાંગનાઓના જીવનરથને તો એક્કેય પૈડું હોતું નથી. આ પૈડાં વગરનો રથ એણે હંકારવાનો છે!
દુનિયાભરની વાત બેઠો છે દબાવીને છતાં,
હર્ફ ના ઉચ્ચારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?
એક વેશ્યાએ પોતાની આત્મકથા લખવાનો વિચાર કર્યો તો શહેરના કંઈક નામી લોકોએ આત્મહત્યા કરી લીધી. એણે કેટકેટલા ભેદ ભીતરમાં ભંડારી રાખ્યા હશે કે માત્ર આ વિચાર વહેતો મૂકવાથી જ ભલભલાએ દુનિયા છોડીને જતા રહેવામાં શાણપણ માન્યું! આ તો ક્યાંક વાંચેલું યાદ આવ્યું. પણ આનાથી તદ્દન વિપરિત અહીં તો બધું જ ભીતર દાટી દઈને એક્કેય હર્ફ ન ઉચ્ચારવાની વાત છે. આ પ્રામાણિકતા! સૂર્ય એટલે પ્રકાશ પણ અને પ્રકાશનો પરિચય પામવામાં અંધારાનો ફાળો જેવો તેવો હોતો નથી!
જ્યાં કદી ના આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !
વિજ્ઞાન કહે છે કે સૂર્ય પૃથ્વી પરની ગંદકીમાંથી ઉઠતી દુર્ગંધ હરી લે છે. સૂર્ય ન હોય તો પૃથ્વી આખી ગંધાઈ ઉઠે. વેશ્યા વ્યવસાય આ જગતના સૌથી જુના વ્યવસાયોમાંથી એક છે એવું માનવામાં આવે છે. સંપૂર્ણ દુનિયાના કોઈ પણ દેશનો એક પણ શહેર એવું નહીં હોય જ્યાં વેશ્યાવાડો ન હોય. ગુગલ પર ‘રેડ લાઇટ એરીયા નીયર’ લખી આગળ કોઈ પણ શહેરનું નામ નાખીને ખાતરી કરી જોજો. ‘રેડ લાઇટ’ એક એવી શેરી છે જ્યાં રોજ રાત્રે બે જાંઘ વચ્ચે સૂર્ય ઉગે છે પણ અંધારું ક્યારેય આથમતું નથી! આ સૂર્ય ન જાણે શહેરની કેટલીય દુર્ગંધ હરી લેતો હશે. એ કદાચ ન હોય કે ન હોત તો આખી દુનિયા ગંધાઈ ઉઠત!
સમાજનું એક દૂષણ જેના વિષે જાહેરમાં વાત કરવામાંય જ્યાં સભ્યતા નડતી હોય એના પર આવી સુંદર કવિતા આપવા માટે કવિના જિગરને સલામ.
અસ્તુ.