તું એવી મોસમ લાવી દે! મુજને તારામાં વાવી દે!

ગદ્ય વાર્તા 3987

કંટાળી હવે હું સાવ. આ પાંચમો છોકરો જોવા માટે આવવાનો હતો. બસ એ જ રૂટીન હોય દર વખતે. ‘મહેમાન’ આવે એટલે અંદરથી ટ્રે લઈને પાણી આપવા આવવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રે ધ્રુજે નહી. પછી ‘જયશ્રીકૃષ્ણ’ કહીને પોતાની સંસ્કારિતાનો પરિચય આપવાનો. પાછું અંદર જઈને નાસ્તાની પ્લેટ્સ તૈયાર કરવાની અને બહાર બધાને આપવાની. સાથે ચા આપવાની, પાછું ખાસ ધ્યાન રાખવાનું કે, ટ્રે ધ્રુજે નહી. પછી મુખવાસ અને પાણી. પછી અંદરના રૂમમાં અમને એકલા ‘એકબીજાને કંઇક પૂછવા’ માટે મોકલે, ને ત્યાં એવી જ વાતો કરવાની, જે બાયોડેટામાં ઓલરેડી મેન્શન કરેલી હોય અથવા મમ્મી-પપ્પાએ શીખવાડી હોય. જેની સાથે તમારે આખી લાઈફ કાઢવાનું ડીસીઝન લેવાનું છે, એ ડીસીઝન લેવા માટે તમને પંદરથી વીસ મિનીટ આપવામાં આવે છે. બસ પછી તો એ લોકો જતા રહે છે અને તમને પૂછવામાં આવે છે કે, તમને એ છોકરો કેવો લાગ્યો અને સાથેસાથે તમને સમજાવવામાં પણ આવે છે કે, એ છોકરો તમારા માટે કેમ ‘બેસ્ટ’ છે. તમારા પર રીતસરનો ફોર્સ કરવામાં આવે છે અને છેલ્લે પાછું એમ પણ કહેવામાં આવે છે કે, “આખરી નિર્ણય તો બેટા તારો છે. આખી ઝિંદગી તો બેટા તારે કાઢવાની છે એ લોકો જોડે. અમે તો તને ખાલી કીધું તને. પછી તને જેમ ઠીક લાગે એમ.” 

બસ આવું જ થયું જયારે આગળના ચાર અને આ પાંચમો છોકરો જોવા માટે આવ્યો. નવું કંઈ હતું જ નહી. ખાલી છોકરાનો ચહેરો બદલાયો અને ફેમીલી મેમ્બર્સ બદલાયા. બાકી તો નાસ્તામાં આ વખતે પણ એ જ ‘પારસ’ના સ્પેશીયલ સમોસા જ હતા. 

એ જતો રહ્યો પછીની રામાયણ પણ એવી જ રહી. દર વખતે હોય છે એવી જ. “આવો છોકરો પછી નહી મળે. સારું ઠેકાણું છે. પચીસ તો થઇ ગયા તારા. ક્યાં સુધી આમ ઘરમાંને ઘરમાં બેઠી રહીશ? સાસરે જવાનું પણ છે કે નહી? કનુકાકા પાસે રીવ્યુ કઢાવ્યા છે. લોકો સારા છે. છોકરો કમાય પણ સારું લેય છે. પાછો એકનો એક છે. ને માબાપ તો અત્યારે ગામડે જ રહે છે. તું ઘરમાં રાણીની જેમ રહીશ. કોઈ કચકચ નહી.”

“પણ મને વિચારવાનો સમય તો આપો.”

“હા. વિચારી લે. તું માર્ગીને ત્યા થર્ટી-ફર્સ્ટની પાર્ટીમાં જવાની હતી ને. એનું શું થયું?”

“મૂડ નથી.”

હું બેડરૂમમાં ગઈ. દરવાજો બંધ કર્યો. આડી પડી. સવારે ઓફિસે જવાનું હોવાથી સાડા સાતનો એલાર્મ મુક્યો. માર્ગી અને બીજા ફ્રેન્ડસ કૉલ કરીને લોહી ના પીવે એટલે ફોન ફ્લાઈટમોડ પર નાખ્યો. સૂતા પહેલા છેલ્લો વિચાર કદાચ એ આવેલો કે, આ છોકરાને હા પાડી દેવી છે. ને આમેય વાતો પરથી તો એ જેન્યુઈન લાગે છે. જો કે વાતો પરથી તો મોટાભાગના જેન્યુઈન જ લાગતા હોય છે. પણ તોય હવે તો હા પાડી જ દેવી છે. બસ હવે વધુ નથી ખેંચવું.

બીજે દિવસે સવારે ઉઠી. ૨૦૧૮ નું વર્ષ શરૂ થઇ ગયું હતું. તૈયાર થવામાં કલાક લાગ્યો અને નવ વાગે ઓફિસ પહોંચી. લંચ-બ્રેકમાં મમ્મીનો કૉલ આવ્યો, 

“એ લોકોની હા છે પ્રાચી. તે શું વિચાર્યું છે?”

“હા કરી દો.” મેં થોડો ‘પોઝ’ લઇ જવાબ આપ્યો.

પછી મમ્મી ઘણું બધું બોલ્યા, પણ મારા ધ્યાનમાં આવ્યું નહી. મેં કૉલ મૂકી દીધો.

નિશાંત સાથે મારી સગાઈ ફિક્સ થઇ. એ પહેલા અમે બહુ મળી ના શક્યા. એ ઇન્દોર જોબ કરે ને હું અમદાવાદમાં. સગાઇ પછી પણ બહુ મળવાનું ના થયું. એણે હવે અમદાવાદમાં જ જોબ લઇ લીધી અને એક સારો ફ્લેટ પણ રાખી લીધો. પછી અમે એક વાર મળ્યા. થોડી વાતો કરી ઘરની. મમ્મી-પપ્પાની, કૉલેજની, જોબની, ખાધું-પીધું ને ઘરે આવતા રહ્યા. બહુ કંઈ ખાસ વાત ના થઇ. પણ મને એકંદરે એ છોકરો સારો લાગ્યો. અમારા લગ્ન લેવાયા, અહીં જ, અમદાવાદમાં જ. નિશાંતના મમ્મી-પપ્પા તો સગા-વ્હાલા સાથે ગૃહ-પ્રવેશ પછી તરત જ નીકળી ગયા. એમને ‘સીટી’ અનુકુળ નથી આવતું. હું એ રાત્રે બેડ પર સુઈ રહી હતી. મારા માટે આ બધું બહુ જલ્દી-જલ્દી થઇ રહ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ રીતે અરેન્જડ-મેરેજ કરીશ. પણ મારા અરેન્જડ-મેરેજ થઇ ગયા હતા, એ હકીકત હતી. મને ખબર ના પડી કે શું કરવું. હું બેઠી થઇ. નિશાંત હજી રૂમમાં આવ્યો ન્હોતો. મેં ‘મારી’ બેગમાંથી મારી ડાયરી કાઢી અને લખ્યું, “મેં એક અજાણ્યા છોકરા સાથે લગ્ન કર્યા.” આગળ હું કંઈ લખી શકી નહી. હું ગભરાયેલી હતી.

“હું એમને કહી દઉં કે, થોડા દિવસ રાહ જોઈ લઈએ?” મેં મને ને મને પ્રશ્ન કર્યો અને મેં ને મેં જ જવાબ આપ્યો,

“ના. પછી એ ગુસ્સે થઇ જશે તો?”

દરવાજો ખુલ્યો. એ અંદર આવ્યા. મારું હ્રદય જાણે છાતી ચીરીને બહાર આવી ગયું. મારા ધબકારા બહાર પણ સંભળાવા લાગ્યા. એ દરવાજા પાસે જ ઉભા રહી ગયા. મને ત્યાંથી જ તેમણે કહ્યું કે, 

“પ્રાચી. હું સોફા પર સુઈ જાવ છું. તું શાંતિથી બેડ પર સુઈ જા. એવું હોય તો અંદર બાથરૂમમાં જઈને કપડાં ચેન્જ કરી નાખ.”

હું અવાક થઇ ગઈ. આ એ જ ‘રાત’ છે, જેની બધા એટલા વર્ષોથી રાહ જોતા હોય છે! ને આ ‘ના’ કેમ પાડે છે! મારી નજર નીચે ઢળી ગઈ. મને મારા મમ્મીએ કીધેલ એ વાત યાદ આવી ગઈ,

“જો તમારો ઘરવાળો તમારી સાથે સુવા માટે તૈયાર નથી થતો, તો તમે એક ઘરવાળી તરીકે ‘કલંક’ છો.”

પણ એમણે મને ચુપ જોઇને ફરી કહ્યું,

“તું મારી વાઈફ છે. કૉલ ગર્લ નથી.”

મેં ઊંચું જોયું. એમના આ શબ્દોએ મારા મનમાં ઘણા સવાલ ઘડી કાઢ્યા, પણ હું એમાંનું કંઈ પૂછી શકી નહી. પણ એ બીજાના મનને વાંચી શકવાની શક્તિ ધરાવતા હોય એમ બોલ્યા કે,

“ચિંતા ના કર. હું ‘ગે’ નથી.” ને ખડખડાટ હસવા લાગ્યા. મને શું કહેવું એ સમજાયું નહી. હું ચુપ જ રહી. મને પપ્પા યાદ આવ્યા. “જયારે તારો ઘરવાળો કંઈ પૂછે ને તારી પાસે જવાબ ના હોય, ત્યારે સાવ ચુપ જ રહેવું.” મેં આજ્ઞાકારી દીકરીની ફરજ બજાવી. 

એમણે એમની વાત ચાલુ જ રાખી,

“જો આપણે એકબીજાને જાણ્યા વગર સાથે ખાલી સાથે સુઇએ, તો તારામાં અને કોલગર્લમાં શું ફરક? ભલે ટાઈમ લાગે, પણ આપણે એકબીજાને જાણ્યા પછી જ ‘સેક્સ’ કરીશું.”

હું આ વખતે પણ ચુપ જ રહી. હું કપડાં ચેન્જ કર્યા વગર જ સુઈ ગઈ. બીજે દિવસે ઉઠી તો એ સોફા પર ન્હોતા. હું રસોડામાં ગઈ તો એ ચા બનાવતા હતા. મને પાછા મમ્મી યાદ આવ્યા, “જો તમારા ઘરવાળાને ચૂલો સળગાવવો પડે, તો એક ઘરવાળી તરીકે તમે ‘કલંક’ છો.”

એમણે મને કપમાં ચા ભરીને આપી.

“મને ગમે છે રસોઈનું કામ.” ટોસ્ટરમાં બ્રેડ મુકીને એ બોલ્યા. 

પછી ધીમે ધીમે એમની જોડે વાત વધતી ગઈ. બહુ નહી. પણ વધતી ગઈ. 

એકવાર મેં એમને પૂછ્યું કે, “હું મારી ફ્રેન્ડસ જોડે બે દિવસ માટે સાપુતારા જાવ? ત્યાં હું કંઈ આડા-અવળું નહી કરું. પ્રોમિસ.” એમણે ગુસ્સાભરી નજરે જોયું. આવો ગુસ્સો મેં મારા પપ્પાની આંખમાં જોયેલો, જયારે મારા મમ્મીએ સોસાયટીની બહેનો સાથે બે દિવસ માટે દ્વારકા જવાની એમની પાસે રજા માગેલી. ગુસ્સામાંને ગુસ્સામાં પપ્પાએ ના પાડી દીધેલી.

“આવું મને શું કામ પૂછે છે? તારે મને ખાલી ઇન્ફર્મ કરવાનું હોય. પૂછવાનું ના હોય.” ગુસ્સામાંને ગુસ્સામાં એ ત્યાંથી જતા રહ્યા. 

એકવાર સાંજે જમીને અમે બેઠા હતા ત્યારે એમણે પૂછ્યું કે, “તે જોબ કેમ પાછી જોઈન ના કરી?”

“બહુ કંટાળાજનક હતી.”

“કોઈક સારી શોધી લે. હું હેલ્પ કરીશ.”

“ના ના. મને બહુ ઈચ્છા નથી.”

“અચ્છા. તારે બનવું શું હતું? તે મને ક્યારેય કીધું નહી.”

મેં કહ્યું, “રાઈટર.”

એમની આંખો ચમકી ગઈ.

“હું પણ રાઈટર બનવા જ માંગતો હતો, પણ બની ના શક્યો. એક કામ કરીશ? મારા વતી ને તારા વતી તું કંઇક લખીશ?”

હું પાછું કંઈ બોલી ના શકી. એ રાત્રે હું બેડ પરથી ઉઠીને એમના સોફા પાસે ગઈ અને એમને બાહોમાં લઇ લીધા. એમની આંખો ખુલી. એ મારી સામે જોઈ રહ્યા. મેં એમને પૂછ્યું કે,

“તમે ‘ગે’ તો નથી ને?”

“નહી. સાબિતી આપું?” ને અમે બન્ને હસવા લાગ્યા. 

અમે મનભરીને સુહાગરાત ઉજવી, લગ્નના પુરા અઢી મહિના પછી. 

એ સુઈ ગયા, પછી મેં પેલી ડાયરી ખોલી, લખ્યું હતું, “મેં એક અજાણ્યા છોકરા સાથે લગ્ન કર્યા.” મેં આગળ ઉમેર્યું, “ને મને એમની સાથે પ્રેમ થઇ ગયો.” હું પણ પછી સુઈ ગઈ. 

ઘડિયાળ સવારના સાડા સાત થઇ ગયા હતા ને અલાર્મ જોરજોરથી વાગી રહ્યો હતો. મેં હાથમાં મોબાઈલ લઇ અલાર્મ બંધ કર્યો. સ્ક્રીનમાં દેખાતી તારીખ પર નજર ગઈ. 

‘૧ જાન્યુઆરી, ૨૦૧૮’

વોટ ધ….. આ સપનું હતું?!

હું ઉઠીને ફ્રેશ થવા ગઈ, ત્યાં મમ્મીએ કીધું,

“એ લોકોની ના આવી છે. હમણાં જ ફોન હતો. એ લોકોને તું થોડી ઢીલી લાગી. ને હા, રસિકભાઈએ બાયોડેટા મોકલાવ્યો હતો એ છોકરો આવતા અઠવાડિયે જોવા આવવાનો છે.”

હું કંઈ બોલી ના શકી. ગઈ રાતનું મોઢામાં ભેગું થયેલું ‘થૂંક’ મેં વોશબેસિનમાં વહાવી દીધું.

 

SHUT DOWN

અડે અડે ત્યાં જ ઉઝરડા પડે છે સપનાંને,

હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,

તો થાય : મારા હાથ આ જ છે કે પેલા છે?

– રમેશ પારેખ 

(શીર્ષક-પંક્તિ : કુસુમ જય પટેલ)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech