માળો

ગદ્ય વાર્તા 4030

“બોલો બેન, ખાલી છાંટવાનું છે કે બધું જ કાપી નાખું? ઝાડ પર ચઢેલ કઠિયારાએ મને પૂછ્યું. 

“અરે, તું તારે બધું જ વાઢી નાખ… ખાલી થડ રહેવા દેજે. એક તો વરસાદ-પાણીના દિવસો… ને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે.” હું કંટાળેલા શબ્દોમાં બોલી. 

“પણ મમ્મી…એમાં કેટલા બધા પક્ષીઓ રોજ આવે છે, તને ખબર છે? વરસાદ પડે ત્યારે એ લોકો અહીં જ આશરો લે છે. અને પેલા બે કબૂતર તો આખો દિવસ અહીં જ હોય છે. એમાં એમણે માળો બનાવ્યો છે. આ ઝાડ એમનું ઘર છે મમ્મી. એને કાપીશું તો એ લોકો બિચારા ક્યાં જશે?” મારી છ વર્ષની દીકરી અચંબા ભર્યા શબ્દોએ બોલી ઉઠી. 

“તું છાની રહે… જોયું નહીં આ મચ્છરોથી જ તને તાવ આવ્યો. તારા માટે કરીને જ કપાવું છું આને..” હુંય એના કેટલુંય સમજાવવા છતાં એ દિવસે એકની બે ન થઈ અને ઝાડને ઉપરથી આખું જ વઢાવી નાખ્યું. 

“હાશ.. હવે જો અજવાળું ય કેટલું વધી ગયું. ને બર્યું ચોખ્ખું તો ખરું.. અરે સાંજ પડેને બારણા ખુલ્લા જ ના રખાય, એવો ત્રાસ થઈ ગયો હતો…” મેં દીકરીને કહ્યું. 

પણ એની નજર તો નીચે પટકાયેલી ઝાડની ડાળીઓમાં જ હતી. એનું મન પેલા કબૂતરના જોડા માટે વિચલીત થઈ ગયું હતું. હું એની લાગણીને સમજી શકતી હતી પણ મેં ય મારા બાળકને રોગથી બચાવવા માટે જ આવું પગલું ભર્યું હતું. 

સાંજ પડતાં જ બંને કબૂતર આવ્યા. તેમનો માળો નહીં પામીને તેઓના વર્તાવ જોઈ હું નવાઈ પામી. અજંપાભરી તેમની એકથી બીજા ઠેકાણેની ઉડાન હવે મને સમજાતી હતી.  પણ થાય શું? હવે તો માત્ર થડ જ રહ્યું હતું. આસપાસમાં બીજું કોઈ એવું ઝાડ પણ નહોતું કે તેઓ આશરો લઈ શકે. મારું માનવસહજ મન થોડીક વાર માટે વિચલિત થઈને પાછું મારા કામમાં વળી ગયું. 

બીજા દિવસે સવારે દીકરી ખુશખુશાલ થઈને કહેવા લાગી, “મમ્મી, જો પેલા બંને કબૂતર હવે આપણી બારીના છજા પર રહેવા લાગ્યા.” અને ખરેખર… દિવસ આખો ફર્યા કરે પછી સાંજ પડે એટલે બંને પાછા મારા ઘરની બારીએ આવી જાય. જો કે મેંય બહુ વાંધોના ઉઠાવ્યો. 

ઘણી વાર એમને જોઈને હું વિચારતી, “આ લોકોને ય સંસાર જેવું તો છે જ ને! નહીં તો કેમ આ બંને કબૂતર કાયમ સાથે જ હોય. કાલ ઉઠીને બચ્ચાંય થશે… પણ રાખશે ક્યાં?” મનમાં ને મનમાં ઘણીવાર હું મારા કર્યા પર અફસોસ કરતી, પણ એય પાછું થોડીક વાર માટે જ.   

દિવસો વિત્યા એમ એ કબૂતરો જાણે ત્રાસ વર્તાવવા લાગ્યા. દરરોજ એકાદ ઈંડું છજ્જા પરથી નીચે પટકાય. તીવ્ર વાસ અને સફાઈની ચીતરી સાથે હું અકળાઈ ઉઠતી. પાંચ-સાત ઈંડા ફૂટી ગયા પછી માંડ એકાદમાંથી વળી બચ્ચું જનમ્યું. મારી દીકરી ફરીથી હરખાઈ ઉઠી. દરરોજ આવતાં-જતાં એ પેલા બચ્ચાને જોયા કરતી. કંટાળો તો અત્યારે પણ મને આવ્યો જ, પણ દીકરીની ખુશી સામે હું ચૂપ રહી. 

એક દિવસ અચાનક તે ખૂબ રડી. પૂછવા પર ખબર પડી કે એક  બિલાડી પેલા બચ્ચાને લઈ ગઈ. આ વખતે પેલા કબૂતરોનો અજંપો જાણે જોવાતો નહોતો. પોતાના બચ્ચાંને તેઓ આસપાસના દરેક ઘરના છજા, ધાબા પર અને ઉંચે ઉડી ઉડીને શોધી આવ્યા. થોડીક નવી ફૂટેલી પેલા ઝાડની ડાળીઓ પર પણ જોયું… પણ શું વળે? સાંજ પડ્યે પાછા બંને પેલા છજા પર આવીને ગોઠવાયા. તેઓની મૂંગી વેદના જાણે ચીસો પાડી રહી હતી. નવી લહેરાતી ડાળીઓને બંને એકીટસે જોયા કરતાં. જાણે એકબીજાને આશ્વાસન આપતા હોય; “કાલ આ ઝાડ ઘટાદાર થશે ને ફરીથી આપણે સંસાર માંડીશું.”  

બેત્રણ દિવસોમાં તેઓ પોતાની દિનચર્યા મુજબ જ વર્તવા લાગ્યા. મારી બારીના છજા પર તેઓ માળો બનાવવાનો નાહક પ્રયાસ કરતા રહેતા. રોજ સળીઓ અને ડાળખીઓનો કચરો ઘરમાં થતો. તેઓના કારણે ઉદભવતી ગંદકીના કારણે વળી મેં એક નિર્ણય કર્યો. બારીના એ છજ્જા પર મેં એક કાંટાળી કારપેટ લગાવી દીધી. સાંજે જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે ટેવ મુજબ છજ્જા પર બેસવા ગયા અને પેલી કારપેટના લીધે પગ ઘવાયા. થોડીક વાર ત્યાં જ ફફડાટ કર્યા કર્યો પણ પછી તેઓ સમજી ગયા કે હવે આ ઘર પણ છીનવાઈ જ ગયું. 

તેમણે આવવાનું બંધ કર્યું અને સામેના ઘરની બારી પર જઈને વસવાટ કર્યો. હું મનોમન ખુશ થઈ. જાણે મોટી પળોજણ ટળી. પણ જાણે કેમ મને એવું થયા કરતું કે આ કબૂતરો મને માફ નહીં કરે. મનના એક ખૂણે હું મારો ગુનો કબૂલતી હતી. 

બીજા જ દિવસે સરકાર તરફથી ઘરે પત્ર આવ્યો.

“શહેરી વિકાસકરણ યોજના હેઠળ રસ્તાઓ પહોળા કરવાના હોવાથી આપનું મકાન કપાતમાં જાય છે. છ મહિનાની સમય અવધિમાં આપને મકાન ખાલી કરી આપવા માટેનું ફરમાન છે.” મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. 

“અરે… આમ અચાનક તો ઘર છોડીને કેમનું જવાય! કેટલી મહેનતે ઉભું કર્યું હોય ને કોક આમ ઓચિંતાનું જ ઘર તોડી નાખે!” મારી વ્યાકૂળતા વધતી ગઈ. 

સમય પણ પવનની જેમ વહેવા લાગ્યો. ખૂબ મહેનતે બીજું ઘર શોધ્યું. પણ આના જેવું તો નહીં જ. નિયત સમયે અમારો સામાન ખટારામાં ભરાવા લાગ્યો. જવાનો દિવસ પણ આવી જ પહોંચ્યો. ઘરને છોડીને જતાં છેલ્લી નજરે હું ધ્યાનથી હું તેના બારી-બારણાં, ઓટલો, હીંચકો  બધું જોઈ રહી હતી. એક નજર પેલા ઝાડ પર પણ ગઈ જ. હવે તો એય પાછું ભરાવદાર થઈ રહ્યું હતું. તેમાં બનાવેલ માળા માંથી બંને કબૂતર મને જોઈ રહ્યા હતા. 

“એમનો તો પહેલા હતો એવો જ માળો ફરીથી બંધાઈ ગયો અને મારો… રામ જાણે શું થશે!” વિચારીને હું ભારે પગલે નીકળી પડી.

Avatar

Parmi Desai (પાર્મી દેસાઈ)

Made with by cridos.tech