રી-યુનિયન

ગદ્ય વાર્તા 3926

કોલેજનું કેમ્પસ આજે શણગારેલું હતું. વીસ વર્ષ પછી કોલેજની પહેલી બેચ એ જ કોલેજમાં ફરી મળવાની હતી. વર્ષો પછી સોશિયલ મિડિયાથી ભેગા થયેલા બધા હવે સદેહે મળવાના હતા. કોલેજના એ ખાટા-મીઠા સંસ્મરણો મમળાવવાના હતા! વિદેશમાં સ્થાયી થયેલા, સંજોગો વસાત ન આવી શકેલાં વિદ્યાર્થીઓ ‘ફેસબુક લાઈવ’નો લાભ લઈ શકે એ માટે એક લેપટોપ અને કેમેરાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.

મીત, ઋષિ, સુયશ, મેઘ, જ્યોત, જાન્હવી, મીતાલી, મોના તો ક્યારના આવી ગયેલા. બાકી રહેલી વ્યવસ્થામાં મદદ કરતાં સૌ ઉત્સાહિત હતાં. ધીમે ધીમે બાકી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આવી ગયા. બધા પોતપોતાના પરિવાર સાથે હતાં, બસ જ્યોત અને જાન્હવીને બાદ કરતાં. જ્યોત હજી પણ એકલો જ હતો, હા જાન્હવી વિશે કોઈને કંઈ ખબર નહોતી. કોણ ક્યાં સ્થાયી થયું છે અને શું કરે છે, એની વાતોમાં થોડો સમય સરકી ગયો. કેટલાક તો એક જ શહેરમાં હતાં ને છતાં પણ કોલેજ પછી ક્યારેય મળ્યા નહોતા. સેટ કરેલા કેમેરા પરથી ફેસબુક ‘લાઈવ’ થયું. ઘણા બધા એમાં જોડાયાં. કલાકેકની હોહા પછી ‘લાઈવ’ સેશન બંધ થયું.

વીસ વર્ષના સમયનો થર બધાની ઉપર જુદી-જુદી રીતે લાગ્યો હતો. કોઈનું પેટ વધી ગયેલું તો કોઈના લાંબા વાળ હવે શોલ્ડર કટની સ્ટાઈલમાં આવી ગયેલા. મણિબેન જેવી લાગતી એક બે છોકરીઓ થોડી સ્ટાઈલીશ અને પોલિશ્ડ લાગતી હતી. કેટલાકના માથામાં તો સફેદીનું સામ્રાજ્ય ફેલાવાનું શરુ થઈ ગયું હતું. કોઈ નોકરીમાં સેટ હતું તો કોઈ બિઝનેસમાં. સૌ પોતપોતાની જિંદગીમાં ગોઠવાઈ ગયેલાં હતા. અહીં મળીને બધા જાણે વીસ વર્ષ પાછા ચાલ્યા ગયા હોય એમ લાગતું હતું. આખું કેમ્પસ ફરી વળવા બધા અધીરા થઈ ગયા. કેન્ટિનથી આગળ લાઈબ્રેરી અને વોકવે પર થઈને આવતી ઓફિસ. આજુબાજુ લગાવેલા ગુલાબના છોડ હજીયે એમના સ્વાગતમાં ઊભા હતાં. નોટિસબોર્ડ, જ્યાં એન્યુઅલ ફંકશનની વિગતો, જેમના આઈ-ડી કાર્ડ ફાઈન માટે જ્પ્ત થયા હોય તે, કોલેજની જરુરી વિગતો, વિદ્યાર્થીઓની નાની-મોટી સિદ્ધિઓ લાગતી. ફાઇનલ એક્ઝામના રીઝલ્ટનાં પહેલાં બે નામ બધાને ખબર જ હોય : જ્યોત અને જાન્હવી.

આખો વર્ગ જૂનાં વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો. પહેલાં વર્ગમાં થતો એવો જ અવાજ અત્યારે હતો પણ અત્યારના અવાજો ઉત્સાહથી ભરપૂર, આનંદમિશ્રિત અવાજો હતાં. જૂનાં પ્રોફેસરો વર્ગમાં હાજર થયાં. એક પછી એક દરેકનું આદરપૂર્વક સન્માન થયું. પ્રોફેસરો અને કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. વાતાવરણ જરા ભારે થઈ ગયું! મીતે સ્ટેજ પર આવીને કેટલાક પ્રોફેસરોની મિમિક્રી કરી વાતાવરણને હળવુંફૂલ કરી દીધું. 

 કેન્ટીન જ્યાં કોલેજની ઘણી યાદો સંઘરાયેલી હતી ત્યાં બધાએ અડ્ડો જમાવ્યો. ભેગા થયેલાં બધા હવે નાના-નાના ઝુમખાઓમાં વહેંચાઈ ગયાં. કોઈ ટેબલ પર પોતાના કોલેજકાળના ક્રશની ચર્ચા હતી તો કોઈ ટેબલ પર ભવિષ્યના સપનાંની. કેન્ટિનના ખૂણાનું એક ટેબલ અને ટેબલ પર બેઠેલા બે જણ ચૂપ હતાં. જ્યોત અને જાન્હવી આખી કોલેજમાં જાણીતાં નામ હતાં. બન્ને સ્કોલર હતાં અને એકબીજાનાં સ્પર્ધક પણ ખરાં જ! ઘણાને તો એમ લાગતું કે બન્ને જણા એકમેકના પ્રેમમાં હશે. પણ ભણવામાં ફોકસ્ડ રહેલાં બન્ને માટે બીજુ કંઈ વિચારવું શક્ય જ નહોતું. પણ આજે એ બન્ને સ્પર્ધકો એક જ ટેબલ પર ગોઠવાયાં હતાં.

“એકલી જ આવી છે?”

“મારા પતિ એક અકસ્માતમાં માર્યા ગયા ને હું એમની વિધવા પત્ની છું.” જાન્હવી એક શ્વાસે બોલી ગઈ.

“પણ હવે તો એકલી જ છે ને! બાકીની જિંદગી એકલા શું કામ રહેવું?”

વર્ષો પહેલાંના બે હૃદયનું ‘રી-યુનિયન’ થયું! શણગારેલી કોલેજનું કેમ્પસ જ્યોત અને જાન્હવી માટે જાણે લગ્નનો મંડપ બની ગયું.

Avatar

Hiral Vyas (હિરલ વ્યાસ)

Made with by cridos.tech