લખમીલાભ
પત્નીના અવસાન પછી આ પ્રથમ તહેવારે દીકરીના ઘેર જવા ઉતાવળ કરતો અમરકાન્ત ધનતેરસની પૂજા કરી રહ્યો હતો. ત્યાં સાવરણો હલાવતી લખમી બોલી. “બાપુ લાગો દયો. પસે તમે હાયલા જાસો બેનબાને ન્યા..”
અમરકાન્ત આંખ આડો હાથ રાખી બોલ્યો, “મહાલક્ષ્મીની મહાપૂજામાં તારું કપાતર મોઢું દેખાડવા ક્યાં આવી? દસની નોટ ઉપાડ ને હાલતી થા.”
પાંચ દિવસ દિકરીના ઘેર રહી આવેલો અમરકાન્ત દરવાજો ખોલતાં જ આભો બની ગયો. તિજોરીના દરવાજા ખુલ્લા ને ઘર અસ્ત વ્યસ્ત જોઈ એ ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યો.
દરવાજો ખુલ્લો જોતાં લખમી દોડતી આવી. તેના હરખાતા મુખ માથે પાટો, એક હાથમાં પ્લાસ્ટર અને બીજા હાથમાં પોટલી જોતાં અમરકાન્ત સજલનેત્રે લખમીને તાકી રહ્યો.