લાલ ડાયરી

ગદ્ય વાર્તા 3900

છેવટે પ્રતાપરાય થાક્યા. પેન વચ્ચે મૂકી એમની લાલ ડાયરી બંધ કરી. થાકેલી આંખોને સહેજ દબાવી અને ઘડિયાળ તરફ જોયું. સવારના સાડા ચાર થયેલા. આ નવલકથા લખવામાં તેઓ એટલા ગળાડૂબ થઈ ગયેલા કે સતત કલાકોના કલાક એની પાછળ કાઢી નાખતા. ‘આ વાર્તા એવી બનશે કે વાંચનારને મૂકવાનું મન નહીં થાય.’ મનમાં ખુશ થતા તેઓ સૂઈ ગયા.

સવારે લગભગ નવેક વાગ્યે ચાનો કપ લઈ તેઓ હીંચકે આવ્યા. હજુ માંડ એક ઘૂંટ પીધો હશે ત્યાં એમની નજર કોટની બહાર ઉભેલા એક વ્યક્તિ પર ગઈ. એક વાર તો નાકના ભવા ઉંચા થઈ ગયા. કેમકે અત્યંત  અસ્ત-વ્યસ્ત એ વ્યક્તિ માનસિક રીતે પણ અસ્ત-વ્યસ્ત હતો. કપડાં માત્ર નામના જ પહેર્યા હતા. વારે વારે ઉતરી જતું પેન્ટ ચઢાવતા તે પ્રતાપરાયની સામે જોયા કરતો હતો. એને ધ્યાનથી જોયા પછી પ્રતાપરાયને એની દયા આવી. તેઓ ઘરમાંથી એક જોડ કપડાં લઈ આવ્યા અને પોતાના હાથે પેલા માણસને પહેરાવ્યા. એ ખુશ થઈ ગયો. ઓટલે આવી હીંચકા પાસે ઉભા પગે બેસી વળી પાછો પ્રતાપરાયને ઘૂરવા લાગ્યો.

“નામ શું છે તારું?” પ્રતાપરાયે પૂછ્યું.

“બા…બા…બાબુ…” 

પ્રતાપરાયે નોંધ્યું કે એ બરાબર બોલી પણ નહોતો શકતો. એમણે બાબુને ચા-બિસ્કીટ આપ્યા. આમ પાગલ.. પણ એનું ખાસ કોઈ તોફાન નહોતું. પણ પોતાની જાતનુંય એને ખાસ ભાન તો નહોતું જ. ચા-બિસ્કીટ ખાઈને જાણે કેટલાય વખતથી રજા પર ઉતરેલ એની હોજરી કામે લાગી. અને એ ત્યાં ઓટલા પર જ સૂઈ ગયો. ‘ઊઠશે એટલે જતો રહેશે.’ વિચારીને પ્રતાપરાય અંદર ચાલ્યા ગયા. બપોરે બહાર નજર કરતાં જોયું કે બાબુ હજુય ત્યાં જ હતો. પ્રતાપરાય બહાર આવીને બોલ્યા,

“ચાલ હવે જા ભાઈ…”

પણ એ ત્યાંથી હાલ્યો જ નહીં. આસપાસ બણબણતી માખીઓ ઉડાડતો એ પ્રતાપરાયને જોયા જ કરતો હતો. પ્રતાપરાયે અનુભવ્યું જાણે એ કંઈક કહેવા માંગતો હતો. એની મૂંગી આંખો સતત પ્રતાપરાય સામે અપલક જોયા કરતી. દયા અને ગુસ્સાની મિશ્ર લાગણીથી પ્રતાપરાયે થોડું ખાવાનું આપ્યું. 

 “આ ખાઈને જતો રહેજે… શું?” સહેજ કડકાઈથી એ બોલ્યા.

સાંજે ફરીથી એનું એ જ… બાબુ જવાનું નામ જ નહોતો લેતો. શેરીમાં રમતા છોકરાઓને બોલાવીને કહ્યું,

“એલા છોકરાવ… આ ગાંડાને અહીંથી લઈ જાવ તો.” છોકરાઓ બે મિનીટ ઉભા રહીને પ્રતાપરાયને તાકી રહ્યા. પછી તેઓ પણ હસતા-હસતાં ત્યાંથી નીકળી ગયા. પ્રતાપરાયને અત્યારની પેઢી પર ગુસ્સો આવ્યો. હવે તેઓ બાબુ પર બરાબરના અકળાયા હતા.

 “ચાલ એય…જાય છે કે નહીં અહીંથી?”

મોટા ઘાંટે બોલ્યા પણ બાબુ તો હતો એમનો એમ જ. બસ સામે ટગર-ટગર જોયા જ કરે. એકાકી જીવન જીવતા પ્રતાપરાયને હવે સહેજ ડર લાગવા લાગ્યો. બાબુ જોડે આંખ મિલાવવાનું ટાળીને તેઓ અંદર જતા રહ્યા. મોડી રાત્રે થયું, ‘લાવ જોઉં, પેલો છે કે ગયો.. હવે તો ખાવાનું નહીં જ આપું. એ ખાવાનું આપ્યું એટલે જ અહીં ટકી ગયો.’ મનમાં બબડતા તેઓ બારીમાંથી ડોકિયું કરવા લાગ્યા. ઓટલા પર તો કોઈ દેખાયું નહીં. હજુ ઉંડો શ્વાસ લે એ પહેલા જ બારીની સાઈડ માંથી અચાનક બાબુ બારીની લગોલગ આવી ગયો. પ્રતાપરાય રીતસરનો ધબકારો ચૂકી ગયા. માથે પરસેવો છૂટી ગયો. તેમણે ફટાક કરતી બારી વાસી દીધી. બાબુના ડરથી તેઓ આખી રાત સૂઈ ના શક્યા. એ પછીનો આખો દિવસ તેમણે બારણું ઉઘાડ્યું જ નહીં. સાવ એકલો માણસ.. બંધ ઘરમાં પૂરાઈને રહેવું… પ્રતાપરાયને માટે બહુ અધુરૂં હતું. પણ બાબુથી છૂટવા માટે આ જ એક રસ્તો હતો.

ત્રીજા દિવસે પ્રતાપરાયને ખાતરી હતી કે હવે તો એ ગાંડો જતો જ રહ્યો હશે. તેઓએ બધા બારી-બારણા ખોલી કાઢ્યા. ચાનો કપ અને છાપુ લઈ તેઓ હીંચકે ગોઠવાયા. સવાર-સવાર સાયકલ ફેરવતા પેલા સોસાયટીના છોકરાઓ આવ્યા.

“ઓ દાદા… ગાંડાને ભગાડવો છે?”

અને ખડખડાટ હસીને તેઓ જતા પણ રહ્યા. પ્રતાપરાયની કપાળની નસો તંગ થઈ ગઈ. પણ હવે તેઓ મગજને સહેજ પણ કષ્ટ આપવા નહોતા માંગતા. પણ એમ કંઈ ધાર્યું થાય? બાબુ હજુય ગયો નહોતો. ઘરના ઝાંપા પાસે ઉભા રહી એ અપલક પ્રતાપરાયને જોતો રહ્યો. થોડીક વારે એણે બે હાથ ઉંચા કરી પ્રતાપરાયને  એક પુસ્તક જેવું બતાવ્યું. એ હાથને હલાવી-હલાવીને પ્રતાપરાયને એ પુસ્તક બતાવતો હતો. જાણે કે કંઈક કહેવા માંગતો હોય એમ… એના ચહેરાના હાવ-ભાવ તંગ થઈ ગયા. આંખોમાં પાણી આવી ગયા. એ સતત પ્રતાપરાયનું ધ્યાન પેલા પુસ્તક તરફ દોરતો હતો. પ્રતાપરાય ચોંકી ગયા. “આ પુસ્તક… આ તો મારી લાલ ડાયરી! આ તારી પાસે ક્યાંથી?” હજુ પ્રતાપરાય ઉભા થઈ એની પાસે જાય  એ પહેલા એ ત્યાંથી ભાગી ગયો. પણ જતાં-જતાંય એ ડાયરીવાળો હાથ હલાવતો ભાગ્યો. 

હવે વારો હતો પ્રતાપરાયના મનોમંથનનો.

“મારી લાલ ડાયરી એની પાસે ક્યાંથી જાય! એતો ઘરમાં આવ્યોય નથી.”

તેઓ પગલાને ફલાંગમાં ફેરવી પોતાની લાઈબ્રેરીમાં ગયા અને જતાંની સાથે જ સ્તબ્ધ થઈ ગયા. લાલ ડાયરી જેમ તેઓએ મૂકી હતી એ જ અવસ્થામાં ત્યાં પડેલી હતી. પ્રતાપરાય પોતાની સાથે શું બની રહ્યું છે એ સમજી જ નહોતા શકતા. તેઓ સોફા પર બેસી પડ્યા. આંખે હાથ મૂકી તેઓ સમજવા મથતા હતા કે આખરે આ થઈ શું રહ્યું છે. અચાનક કોક વિચારે એ સફાળા ઉભા થયા. પેલી ડાયરી હાથમાં લઈ લખાયેલા પાના ફટાફટ પલટાવવા લાગ્યા. દરેક પાનું ફેરવતા પ્રતાપરાયની આંખોમાં આશ્ચર્ય ઉભરાતું જતું હતું. આશ્ચર્ય અને આંગળીઓ વચ્ચે તાલ સાધી તેઓ અત્યાર સુધી લખાયેલ વાર્તાના તમામ પાનાં વાંચી ગયા. અને નવાઈની ચરમસીમા એ હતી કે, છેલ્લા ત્રણ દિવસોમાં બનેલી તમામ ઘટના એ વાર્તામાં લખાયેલી હતી.

“ઓહ.. ઓહ નો.. તો શું બાબુ….!”

અચાનક કોક વિચારે પ્રતાપરાયને વધુ સ્ફુર્તિમય બનાવી દીધા. તેઓ ઝડપભેર ખુરશી ખેંચી ફરીથી એ ડાયરીમાં પોતાની વાર્તા આગળ વધારવા બેસી ગયા. ‘આજે તો આ વાર્તાનો અંત લાવ્યે જ છૂટકો…’ વિચારી તેઓ ફરી એક વખત પોતાના લખાણમાં ઉંડા ઉતરતા ગયા. લખતાં-લખતાં બારીમાંથી બહાર નજર કરી. બાબુ પેલી ડાયરી છાતી સરસી ચાંપીને મુસકાતો સામે જોઈ રહ્યો હતો. ‘બસ બાબુ…. હવે થોડોક જ સમય.’ મનમાં બોલી પ્રતાપરાય ફરી વખત લખવા માંડ્યા.

“….. અને બાબુ હવે ગાંડપણમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયો હતો. પોતાનો ભાઈ વિદેશથી આવી તેને કાયમને માટે પોતાની સાથે લઈ ગયો. ફરી વખત બાબુ નવી જિંદગીને જીવવા આતુર હતો.” આ લાઈનો સાથે પ્રતાપરાયે પોતાની વાર્તાનો અંત આણ્યો. પેન પાછી મુકાઈ ગઈ. બારીની બહાર જોયું તો બાબુ ત્યાં નહોતો. તેઓ દોડતાં બહાર ગયા. “બાબુ… બાબુ….” અનેક બૂમો પાડવા છતાંય બાબુ ક્યાંય ના દેખાયો. એક મોટા હાશકારા સાથે તેઓ હીંચકે આવીને બેઠા. 

ટેક ઓફ થયેલું વિમાન ઘણું નીચેથી જતું હતું. પ્રતાપરાય અનાયાસે જ લાલ ડાયરી સામે જોઈ અને પછી વિમાન સામે જોઈ રહ્યા.

Avatar

Parmi Desai (પાર્મી દેસાઈ)

Made with by cridos.tech