“એક છોકરીની આંખ…”
એક છોકરીની આંખ હવે ખુલતી નથી એના ઉંહકારા આભે અથડાય,
આછી ભીનાશ, પછી ઘાટી ભીનાશ એના શ્વાસ મને આવે ને જાય.
કોઈ ગાંઠ છૂટે ત્યાં ટેરવાના દરિયાને ઊની રેતીનો સ્પર્શ પહોંચે,
ક્યાંક વળી કોતર પર અથડાતા મોજાને અંધારું છેક લગી ખુંચે.
છેલ્લા કંઈ કેટલાય દિવસોથી ધરબેલા પારેવા ઉડતા દેખાય!
એક છોકરીની..
લીસોટા લાલ કોઈ પંખી તો પંજાથી પાકેલી કેરીમાં કોતરે,
ડાળી પણ વાયરાનું નામ લઈ વળતી ને છાના ઈશારાથી નોતરે,
ઝાડ હવે ઝાડ નહીં એકલી બખોલ જાણે આખ્ખુયે ઝાડ બની જાય!
એક છોકરીની..
– અક્ષય દવે