“સ્વાધીન”
સુમીએ ફરી બેઠા થવા પ્રયત્ન કરી જોયો, પણ થઈ શકી નહિ. નાછૂટકે એણે બેલ મારી નર્સને બોલાવી.
“પ્લીઝ.. મને વોશરૂમ સુધી લઇ જાઓ ને..”
નર્સે ના પાડી, “તમને ડોકટરે બેડમાંથી ઉઠવા જ ના પાડી છે, તો તમે સમજતા કેમ નથી?” એનો અવાજ જરા ઉંચો થયો.
“પણ સિસ્ટર, મારે એક પગે તો એક પગે, પણ ચાલી જોવું છે.” એણે રડમસ અવાજે કાલાવાલા કર્યા.
“નો, કેથેટર છે જ.. ને પછી તમે આમ જીદ કર્યા કરશો, તો મારે સરને બોલાવવા પડશે.”
સિસ્ટર એનું કામ પતાવી જતી રહી. હોસ્પીટલની રૂમની ચાર દીવાલો વચ્ચે એ ફરી એકલી પડી. હમણાં ‘રવિ હોત તો..! પણ.. એ ક્યાં હતો અહીં?’ એણે ચાદર ઢાંકેલા શરીર સામે જોયું. જમણી સાઈડના ભાગે, કમરથી નીચે ખાલીપણું અનુભવાતું અને દેખાતું પણ હતું. એ શૂન્યમનસ્કપણે, રૂમના ઝાંખા પ્રકાશમાં છતને તાકી રહી. રવિ અને એના સાસરીયા એક-બે વાર દેખાયા પછી ધીમે ધીમે આવતા બંધ થયા. ફોન પર જ ખબર પૂછાઈ જતી, ને ન આવવાના બહાના કહેવાઈ જતા. એ બધું સમજતી, પણ…
ડીસ્ચાર્જ મળ્યા પછી એને લેવા પણ કોઈ આવ્યું નહિ, તે જોઈ હોસ્પીટલ સ્ટાફ તેને ઘરે મૂકી ગયો. બેડમાંથી ધીમે ધીમે એ વ્હીલચેરમાં શીફ્ટ થઇ ને પછી આવી કાખઘોડી. એ જાણે ઘર નહિ કોઈ ધર્મશાળામાં હોય એવું અનુભવતી. એનું ઘર તો સરસ હતું પણ એનો રૂમ એટલે, એકદમ સસ્તા ભાડાનો હોય એવો, પથારી અને છૂટક જરૂરી સામાન.. બસ,બીજું કઈ નહિ! કોઈ ભાગ્યે જ વાત કરતું. એક રાતે એણે હિંમત કરીને મનમાં ઘુંટાતો પ્રશ્ન રવિને કરી જ દીધો, “રવિ, આ તો એકસીડન્ટ હતો. એમાં મારો શું વાંક? તું મને.. આમ..” એ ડૂમો ગળી ગઈ અને બોલી, “તું મારી જગ્યાએ હોત તો?”
“તને તો ખબર જ છે, મને સ્વાધીન રહેવું જ ગમે. આમ મારે જો કોઈને પરાધીન થઇ જીવવું પડે તો હું આત્મહત્યા જ કરી લઉં!”
અને એ જતો રહ્યો. ‘તો શું મારે પણ.? ના..ના. એ તો કાયરનું કામ છે. ને હું કાયર થોડી છું!’ એ સ્વગત બબડી. એને ફરી વિચાર આવ્યો, ‘જયપુર ફૂટ’ છે ને! ‘માય ફૂટ…’ એને જોરથી ચીસો પાડવાનું મન થયું. ને એણે પાડી પણ ખરા. પછી શાંત થઈને આંખો મીચાઈ ત્યાં સુધી વિચારતી રહી.
એ હતી અનાથ, અને ફરી અનાથ જ રહેવું પસંદ કર્યું. મહિનાઓ વીત્યા. એની એકલતા હવે એક ઢાંચામાં ઢળી ગઈ હતી! એ નાની સરખી કંપનીમાં જોબ કરતી થઇ, આખરે રવિ કહેતો હતો તેમ, ‘પરાધીન ક્યાં હતી હવે?’ એક બાજુ કાખઘોડી અને બીજી બાજુ પર્સ લટકાવી રોજ એ ઓફીસ જતી. બધા સ્ટાફને એના માટે સહાનુભુતિ. અને કેમ ન હોય? એ વિચારતી, “બધાને બે હોય ને મારે એક જ પગ, તો સહાનુભુતિ તો થવાની જ!”
પણ, ‘મીત’ને એનાથી પણ કંઈક વધુ હતું, એવું એની અનુભવી નજરને લાગતું હતું. એને થતું, ‘કદાચ… એ મારો વહેમ પણ હોય તો?’ પણ ના, એ વહેમ તો નહોતો જ! એવું એક વાર સાબિત થઇ ગયું. એક દિવસ એ, એની સાથે કેન્ટીન ગઈ. બે-ત્રણ ચૌદશીયા લોકોએ એના લંગડી હોવા પર કોઈ કમેન્ટ કરી. સાંભળીને પગની જગ્યાએ જાણે હૃદય પર કરવત ચાલી હોય એવું એને ફીલ થયું, પણ એણે જતાવા ન દીધું. છતાં મીત સાંભળી ગયો અને જોરદાર બોલાચાલી થઇ. છેવટે એ બધાએ સુમીની માફી માંગવી પડી. એ મનોમન મીત અને રવિની તુલના કરી રહી. રવિ જો મારો પગ ન હોવા વિશે બોલી શકતો હોય તો આ તો એવા લોકો છે જેમને સામાજિક જવાબદારીનું કોઈ ભાન જ નથી. ‘માનસિક પંગુ લોકો, શારીરિક પંગુતાને શું સમજી શકવાના હતા?’ એવું સમજી એમને માફ કર્યા. પણ મીતનો એના માટે છલકાતો પ્રેમ જોઈ એ મનોમન ખુશ થઇ!
એ બોલ્યો, “તારા એક પગની સાથે જાણે તારું સ્મિત પણ તારા સુંદર ચહેરા પરથી કપાઈ ગયું હોય એવું લાગે છે!”
કોણ જાણે કેમ ‘સ્મિત’ અને ‘સુંદર’, એ બંને શબ્દો સાંભળીને અનાયાસે એના બંધ હોઠ સ્મિતમાં પરિવર્તિત થઇ ગયા. આજે મહિનાઓ પછી ‘સુંદર’ શબ્દ કાને પડ્યો. એ તો ભૂલી જ ગઈ હતી કે પોતે કેટલી સુંદર છે! કેન્ટીનના ફિક્કા બટાકાવડા પણ આજે ટેસ્ટી લાગ્યા. એણે એ જ સ્માઈલ સાથે મીતને થેંક યુ કીધું!
એના સૂના પડેલા મન-ઉપવનમાં ફરી કૂંપણ ફૂટવા લાગી. રવિના મૌન શબ્દો યાદ આવ્યા, “આ શરીરને કેવી રીતે પ્રેમ કરાય?”
ફરી એ વિચારી રહી, ‘મારું તન, મારું મન. કંઈક તો એ પણ ઝંખતું હતું! પણ, શું?’
… ને આ ચોમાસે એના મનની અતૃપ્ત ધરતી પર, મનનો મીત મન મૂકી વરસી પડ્યો! ધરતી જાણે તૃપ્ત થઇ. સુમીના સુંદર ચહેરાનું સ્મિત, સતત સ્મિત કરતુ રહેતું! એક દિવસ કોણ જાણે એના હૈયાને ધરપત ન રહી અને એણે એના મનની વાત મીત સમક્ષ મૂકી જ દીધી. એમ પણ ન વિચાર્યું કે, ‘હું સામેથી આવું કહીશ તો કેવું લાગશે?’ બસ, એણે તો એની ‘હા’ કહેવાની અદા જોવી હતી.
“મીત.. હું શું કહેતી હતી… મારે તો ઘરમાં કોઈ છે નહિ, પણ તારે તો ફેમીલી છે.”
“હા.. તો..?” એ સુમી સામે પ્રશ્નાર્થભાવે તાકી રહ્યો.
“તો તું ઘરે આપણી વાત કોઈને કહી શકે ને? એ લોકો હા પાડશે તો જ…”
“તો જ શું?” આ વખતે એણે પૂછ્યું.
“તો જ આપણે મેરેજ કરી શકીશું ને?”
“વ્હોટ? તું ગાંડી થઇ લાગે છે. મેરેજ ને તારી સાથે? તે આવું વિચાર્યું પણ કઈ રીતે? ને હું ઘરે શું કહું? કે જુઓ.. હું તમારા માટે એક લંગડી વહુ પસંદ કરી લાવ્યો છું. એમ? ઠીક છે. આ તો તારી ને મારી બંનેની જરૂરત હતી એટલે…”
અને એ ચાલ્યો ગયો. ‘મારી જરૂરત? મેં ક્યારે તને મારી જરૂરત વિશે કઈ કીધું છે?’ એણે જોરથી ચીસ પાડી! પહેલા એકવાર પાડી હતી એમ ! પણ, અહીં ક્યાં કોઈ સાંભળવાવાળું હતું? અનરાધાર વરસી રહેલો મેઘ અને સાથે થોડી થોડી વારે ગર્જના કરતી વીજળી? ફક્ત એ જ જાણતી હતી કે, એના પર કેવી વીજળી પડી અને એના અસ્તિત્વને જ સળગાવી ગઈ !
સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.રાતના અનરાધાર વરસાદ પછી આકાશ સાફ અને શાંત દેખાતું હતું. સુમી દૂર આકાશે તાકી રહી, જ્યાંથી સૂર્યના આછા કિરણો એના સુધી પહોચવા ડોકાઈ રહ્યા હતા!
એ પણ તો ‘ફીનીક્સ’ પક્ષી જેવી જ હતી ને! રાખમાંથી ફરી બેઠી થઈ ગઈ! એક આત્મવિશ્વાસ સાથે, ફરી એણે પર્સ અને કાખઘોડી લીધી અને ઓફીસ જવા રવાના થઇ!
એલચી
“આત્મવિશ્વાસ તમારા ઈરાદાને અને ઈરાદા તમારી જિંદગીને મજબૂત કરે છે.”