“જીવન એટલે શું?”

Uncategorized ગદ્ય લેખ 3249

ચાર્લ્સ સ્વીન્ડ્લે જીવનની ખૂબ સરળ વ્યાખ્યા કરી છે, જે કંઈક આ મુજબ છે, “જીવન એટલે, ૧૦ ટકા તમારા સાથે શું થાય છે એ અને ૯૦ ટકા તમે એના સામે શું ‘રિએક્ટ’ કરો છો તે!” વાત સો ટચના સોના જેવી સાફ છે. જાણે-અજાણે આખો દિવસ આપણે કેટલો ભાર આપણા માથા પર લઈને ફરતા હોઈએ છીએ? સવારમાં ઉઠતાવેંત આપણા વિચારોની મેરેથોન શરુ થઇ જતી હોય છે. અહીં જવાનું છે, આ કામ પતાવવાનું છે, લાઈટ-બીલ ભરવાનું છે, શાકભાજી લેવા જવાનું છે, એસાઈમેન્ટ સબમીટ કરાવવાના છે, બાળકોને સ્કૂલે મુકવા જવાના છે, ઘરનું ભાડું ભરવાનું છે, આવા કંઈ-કેટલાય વિચારો સાથે આપણી સવાર નીકળી જાય છે. સૂર્યોદય નીરખવાનું, પક્ષીઓના કલરવ સાંભળવાના બધાને કોડ હોય પરંતુ આ ચિંતામાં ને ચિંતામાં આપણી બપોર ક્યારે પડી જાય છે એ આપણને ખબર પણ નથી રહેતી!

જેમ જીમ રોહ્ન કહે છે તેમ, “ખુશી એ નથી કે જે આપણે ભવિષ્ય માટે પાછી ઠેલતા રહીએ છીએ, ખુશી એ છે કે જે આપણે વર્તમાન માટે તૈયાર કરીએ છીએ.” દિવસ-રાત આપણે વધુ પૈસા કમાવાની લ્હાયમાં ને લ્હાયમાં આપણું વર્તમાન નષ્ટ કરી નાખીએ છીએ. જે સમય આપણને લાગે છે કે આપણે આપણી આવનાર પેઢીના સારા ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ, એ જ સમય ક્યાંકને ક્યાંક આપણા સંતાનોને આપણી વિરુદ્ધ કરી મુકે છે. અને જયારે આપણને એવું લાગે છે કે હવે સમય આવી ગયો છે બધી એકઠી કરેલી ખુશીઓને જીવવાનો ત્યારે જ ભાગ્યનું ચક્ર ફરે છે અને આપણી સઘળી ખુશીઓને હણી લે છે, ત્યારે જ પસ્તાવો થાય છે કે કાશ એ પળોમાં હું જીવી શક્યો હોત!

પહેલાના વખતમાં લોકો આશીર્વાદ આપતા કે, ‘શતમ્ જીવમ શરદ’ અર્થાત્, ‘સો શરદ(વર્ષ) જીવો’. હાલના સમયમાં કોઈ આવા આશીર્વાદ આપે તો એને ટોકીને કહેવામાં આવે છે કે, “એટલું બધું નથી જીવવું, બસ પચાસ-સાઠ વર્ષ તંદુરસ્ત, રોગમુક્ત અને સાહજિક જીવવા મળે તો બસ છે!” એવું નથી કે લોકોનો જીવવા પ્રત્યેનો મોહ ઓછો થઇ ગયો છે પણ, માણસ એટલી બધી અનિશ્ચિતતાઓ, ચિંતાઓ, વિચારો, સ્પર્ધાઓ વચ્ચે જીવે છે કે એને એમ થઇ જાય છે કે અહીંથી ક્યાંક ભાગી છુટું. એ અઢળક ધન તો કમાય છે પરંતુ એને વાપરવા માટેનો અમૂલ્ય સમય વેડફી નાખે છે. જે સમય એમણે ઘરે પોતાના પરિવાર સાથે વિતાવવો જોઈએ એ સમય પોતાની ઓફિસમાં કોમ્યુટર સામે આંખો ફાડી-ફાડીને વિતાવે છે, પરિણામ એ આવે છે કે સમાજમાં ગૃહ-વિચ્છેદના કિસ્સા નોંધપાત્ર રીતના વધતા જાય છે. સંયુક્ત કુટુંબનો ખ્યાલ ધીરે પણ મક્કમ રીતે નાશ પામતો જાય છે.

જે માણસ ‘વસુધૈવ કુટુમ્બકમ’ લખેલા પોસ્ટર લઈને રેલીમાં નીકળે છે, એ જ માણસ પોતાની સાથે કામ કરનાર યુવાનને પોતાના કરતા વહેલું પ્રમોશન મળે એ સહન કરી શકતો નથી. પડોશીના ઘરે નવું ફ્રીજ, એર-કંડીશનર આવ્યું હોય તો, ‘બે-નંબર’ના પૈસાનું છે એમ કહીને આપણે એની કૂથલી કરવામાંથી બાકાત રહી શકતા નથી. આપણો ‘ટોલરન્સ-પાવર’, આપણી સહનશીલતા દિવસે ને દિવસે ઘટી રહી છે. કોઈ માણસનું સારું થતું આપણે હજમ કરી શકતા નથી. અયાન હિરસી અલી કહે છે કે, “ઇનટોલરન્સ ને ટોલરેટ કરવું એ કાયરતા છે.” આ ઇનટોલરન્સ આપણે જાણે-અજાણે જાતે જ ‘ક્રિએટ’ કરીએ છીએ, અને જાતે જ એ વાતથી પીડાતા રહીએ છીએ.

સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખસ્વામી મહારાજે કહેલું છે કે, “બીજાના સુખમાં આપણું સુખ.” મધર ટેરેસા પણ કંઇક આવું જ કહે છે, ‘જો આપણા જીવનમાં શાંતિ નથી તો એનું એ જ કારણ છે કે આપણે એકબીજાના પૂરક છીએ, એવું આપણે ભૂલી ગયા છીએ.” ‘ઈન્ટુ ધ વાઈલ્ડ’ નામના મૂવીમાં એકલો નીકળેલો નાયક મરતા પહેલા એવું કોતરીને જાય છે કે, “HAPPINESS IS ONLY REAL WHEN SHARED”.  ખુશીઓ વહેંચવાથી વધે છે, જ્ઞાન વહેંચવાથી વધે છે જયારે દુ:ખો વહેંચવાથી ઓછા થાય છે. એટલે જ તો નરસિંહ મહેતાએ લખ્યું છે કે, “વૈષ્ણવજન તો તેને કહીએ જે, પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે!”

બીજા માટે જીવેલું જીવન જ ખરેખરમાં અર્થપૂર્ણ રહે છે, જયારે આપણી અંતિમ વેળા ગણાતી હોય ત્યારે આપણા બેન્કના ખાતામાં કદાચ કરોડો રૂપિયા હશે પણ એ કામમાં નહીં આવે, ઘરના પાંચ સ્વજન અને દસેક સાચા સગા-સ્નેહીઓ આપણી પાસે, આપણી સારવારમાં હશે તો મૃત્યું પણ મધ જેવું મીઠું લાગશે. “પૈસા જીવનને ખરીદી શકતા નથી.” બોબ માર્લેના આ અંતિમ શબ્દો હતા! ‘એલેક્ઝાંડર – ધ ગ્રેટ’ કહેવાતા સિકંદરે પોતાની આખરી પળોમાં કહ્યું હતું કે, “મારા શરીરને દાટી દેજો પણ એના પર કોઈ સ્મારક ના બનાવતા. મારા હાથ બહાર રહેવા દેજો જેથી વિશ્વ જાણી શકે કે, જે માણસે આખું વિશ્વ જીત્યું હતું એ માણસ મરે છે, ત્યારે એના હાથ ખાલીખમ છે!” આ બધી જ વાતોનો નિચોડ મહાત્મા ગાંધી તેમની એક જ વાતમાં આપી દે છે. ગાંધીજી કહે છે કે, “ખુશી ત્યારે જ છે, જયારે તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો, એ ત્રણેય એક સંવાદિતતા(હાર્મની)માં થાય!” અને અંતમાં ગાંધીજીનું જ એક વાક્ય છે, “મનુષ્ય જેવું વિચારે છે, તે એવો થઇ જાય છે.” આપણા વિચારો સારા હશે તો આપણું જીવન પણ ખુશહાલ અને સમૃદ્ધ હશે!

આફ્ટર-શોક

ઉમ્ર-એ-દરાઝ સે માંગ કે લાયે થે ચાર દિન, દો આરઝૂમેં ગુઝર ગયે, દો ઇન્તેઝાર મેં હૈ,

કિતના બદનસીબ ‘ઝફર’ દફન કે લિયે, દો ગઝ ઝમીં ભી ના મિલી કૂ-એ-યાર મેં. 

– બહાદુર શાહ ઝફર

Anant Gohil (અનંત ગોહિલ)

Anant Gohil (અનંત ગોહિલ)

Made with by cridos.tech