ફકીરી અહેસાસ

અન્ય ગદ્ય 4002

તન તરકટ, તન તીર છે

મન મરકટ, મન મીર

તનમનને ફેંકી ફરે

તેનું નામ ફકીર!

– મકરંદ દવે

ડીયર ડાયરી,

આ પંક્તિના સ્મરણથી સવાર જાગી. તન-મનનો કોઈ અંદેશ ના હોય જેને એ જ ફકીર. પણ તનને સુંદરતાનો મોહ છે, અને મનને પ્રેમનો મોહ છે, તો શું શરીરનું કોઈ મોહવિહીન બોલકું અસ્તિત્વ છે!?

જયારે જાત સાથે એકાંત ગાળું ત્યારે એકાંતની પળો મને વિના પૂછે વળગે છે, મારી જાણ બહાર કુદરતના તરંગો મને અદ્ભુત એવી શાંતિની અનુભૂતિ આપે છે. મારા મતે આત્માની સાચુકલી અનૂભૂતિ આ જ હશે. આપણી જાત સાથેની મૈત્રી, જયારે જાત સાથેની દોસ્તી તૂટે ત્યારે આપણું હંગામી મૃત્યુ થાય છે, આયુષ્ય ઘટે છે! ક્યારેક લાગે છે કે આપણે નિયમોની દુનિયામાં જીવતા આવ્યા છીએ, જાણે કોઈ રોબોટ! એક જ પ્રણાલીમાં વિચારવાનું, એક જ રીતે વર્તવાનું જેમ કે ટોળામાં શ્વસતતું માનવીય મશીન! ભૂલાયેલા ફકીરની જેમ જીવવાનું શું કોઈને મન નહિ થયું હોય? અસંખ્યને પ્રેમ કરવો કે વિચાર્યા વિનાનો, પ્લાનિંગ કર્યા વિનાનો એક દિવસ જીવવો એ ઈચ્છા શું ખરેખર આપણી જાતથી બાકાત રહી ગઈ છે?

પક્ષીનું ગીત સાંભળવાનું વિસ્મય, નદીના વહેણને સ્પર્શવાનું વિસ્મય, પવનને સાંભળવાનું વિસ્મય, શબ્દોના અર્થ બહારનું સંવેદન પામવાનું વિસ્મય, સ્મિતની અટકણોને જાણવાનું વિસ્મય, ફોટા પાછળની વાર્તાને જાણવાનું વિસ્મય, બસની અંદર સફર કરતી સામાન્ય જિંદગીને ઓળખવાનું વિસ્મય, બધે જ વિસ્મય છે, જીવન ખુલ્લી કિતાબ છે, આસપાસ હવામાં તરવરતી સંવેદનાથી ભરપૂર જિંદગી છે, હા જીવન સંપૂર્ણ વિસ્મયથી ભરેલું છે અને આપણે એને કિતાબોમાં, વિડીઓમાં-ફોટાઓમાં, મોબાઈલની એપ્સમાં અને કોમ્પ્યુટરના ડબ્બામાં લોક કરીને મૂકી દીધું છે! આપણે ઘરને ભરવાના બદલામાં મનને ખાલી કર્યું છે, અંદરથી શૂન્ય થઈને બહાર ભવ્યતા દેખાડવાનો આજે શોખ નહિ પણ અપડેટ રહેવાનો જાણે નિયમ છે! ક્યારેક પ્રશ્ન થાય, શું આપણે મશીન અને ટેકનોલોજીથી જ જીવીએ છીએ?!

ખેર, ઘરની અગાસીમાં ખુબ દૂર એક તારો ચમકે છે, જાણે કે એ મારો અનંત છે, એ જ્યાં સુધી દેખાશે ત્યાં સુધી હું અનંતમાં જીવીશ, બંધાઈને નહી પરંતુ મુક્તિના સરવાણીથી પ્રેરાઈને.. એ તારો રોજ રાત્રે અગાસીના આકાશમાં ખીલે છે, કોઈ એને જુએ કે ના જુએ, તે રોજ ઉગે છે, લાગે છે જાણે એ આપણી શાંતિનું સરનામું છે! 

આજે પણ ખુબ સહજતાથી એની શીતળતા મને સ્પર્શી રહી છે, દૂર હોવા છતાં એ ખુબ નજીક છે, હાથવેંત જ. બસ એની શીતળ શાંતિને અનુભવી શકું, એ ક્ષણ ઓળખવાની છે! 

આંખોને મશીન વિનાના દ્રશ્યો જોવાનું કર્ફ્યું લાગે,

 ચાલ, એ પહેલા કુદરતને ખૂંદી જોઈએ!

 છાલક

બાળક, પતંગિયુ અને શાંતિને પકડવા જઈએ તો તેઓ આપણને થકવી નાંખે. પણ, જો માત્ર ધરપત રાખી બેસી જઈએ તો તેઓ સ્વયં ખોળામાં આવીને ગેલ કરે.

– અજ્ઞાત

Meera Joshi (મીરા જોશી)

Meera Joshi (મીરા જોશી)

Made with by cridos.tech