લિખ દિયા નામ મૈને તેરા / હેન્ડ-રાઈટીંગ

ગદ્ય લેખ 4255

Your eyes aren’t the only windows into your soul.

Handwriting says a lot about you.

– Dr Darius Russin

હેન્ડ-રાઈટીંગ… લિખાવટ બડી અજીબ ચીજ છે. નાના હતા ત્યારે ટીચર પાટીમાં એકડા કે કક્કો લખી દેતા અને એના પર ઘૂંટતા રહેતા. જો કે, એમના લખેલા અક્ષરો ઘૂંટી-ઘૂંટીને શીખવા છતાં એમના કરતા તો આપણા અક્ષરો અલગ જ નીકળે છે અત્યારે! થોડા મોટા થયા એટલે શિક્ષકદિન પર શિક્ષક બનતા થયા. ત્યારે સમજાયું કે, નોટમાં લખવું અને બોર્ડ પર લખવું – બન્નેમાં કેટલો ફરક છે.

‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખેલું કે, “ખરાબ અક્ષરો એ અધુરી કેળવણીની નિશાની છે.” એવું ક્યારેક કોઈની ખરાબ હેન્ડ-રાઈટીંગવાળી નોટ આપણે કોપી કરવા લીધી હોય, એને કહેવાનું મન થઈ જાય. જયારે પરીક્ષામાં સવાલ ના આવડતો હોય, ત્યારે આપણે પેપર-ચેકરને ઘુમરે ચડાવવા કેવા અક્ષરો કાઢીને શું-શું લખીએ છીએ, એ તો કહેવાની જરૂર ખરી?  હેન્ડ-રાઈટીંગની વાત આવે એટલે એટલે બાપુ સિવાયની બે વાતો જરૂર યાદ આવે. એક તો ડોક્ટર અને બીજા કોઈ ટીવી સીરીયલ/ફિલ્મો/વાર્તામાં કોર્ટ-રૂમ ડ્રામામાં વિટનેસ બોક્સમાં ઉભો રહી ગવાહી આપતો ‘હેન્ડ-રાઈટીંગ-એક્સપર્ટ’. અક્ષરોની બાબતમાં ડોક્ટરો સૌથી બદનામ થયેલી પ્રજાતિ છે. ડોક્ટરોના અક્ષરો પર જેટલા જોક્સ બન્યા છે, એનાથી થોડા જ વધુ સરદારજી પર બન્યા છે. જોકે હવે રાહુલ ગાંધી અને મોદીજીએ આપણે ત્યાં જોક્સનું માર્કેટ ટેક-ઓવર કરી લીધું છે, એનો એક ડોક્ટર તરીકે મને સ્વાભાવિક રીતે જ અત્યંત આનંદ છે.

જયારે તમે નવી પેન ખરીદવા જાવ છો, ત્યારે સૌથી પહેલા ટેસ્ટીંગ માટે રફ-પેપરમાં શું લખો છો? તમારું નામ જ કે બીજું કંઈ? ૯૭% લોકો પોતાનું નામ જ લખે છે. બાકીના ૩%ને અલગ તારવવા સહેલા થઈ ગયા ને? એ જ તો મજા છે. શરૂઆતમાં જ કીધું એમ હેન્ડ-રાઈટીંગ માણસ વિશે ઘણુબધું કહી શકે છે. બધાને પોતાની યુનિક હેન્ડ-રાઈટીંગ-સ્ટાઈલ છે. ફોરેન્સિક મેડીસીનમાં કોઈ વ્યક્તિને ઓળખ માટેના (‘આધારકાર્ડ’ની સિવાયનાં. લોલ.) જે ૧૪ પોઈન્ટ આવે છે, એમાંનો એક પોઈન્ટ આ પણ છે. જો કે આલા દરજ્જાના ગુનેગારો ગમે એમ કરીને આ પુરાવાઓ પોતાનાથી છૂટે નહી, એનું બરાબર ધ્યાન રાખીને પ્લાનિંગથી જ બધું કરતા હોય છે.

ફિંગરપ્રિન્ટની જેમ જ હેન્ડ-રાઈટીંગની એક પેટર્ન હોય છે. એ એનો ગહન અભ્યાસ કરનારને જ ખબર પડે. (એટલે જ તો એમને ‘એક્સપર્ટ’ કહેવાય છે.) પણ આપણે એ વિશે ઉપરછલ્લો ખ્યાલ તો મેળવી જ શકીએ ને! હેન્ડ-રાઈટીંગથી વ્યક્તિની પર્સનાલિટી અને સ્વભાવ વિશે આછોપાતળો અભ્યાસ મેળવી શકાય છે. આ માટે લખવાની સ્પીડ, અક્ષરોની સાઈઝ, મરોડ, બે શબ્દો વચ્ચેનું સ્પેસિંગ, પેન પર દેવામાં આવતું વજન, ડાબી કે જમણી બાજુનો ઢાળ – વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે.

“ જેઓ લખવામાં ઉતાવળિયા હોય છે, એ લાઈફમાં પણ ઉતાવળિયા હોય છે, એમને સમય બગાડવો પસંદ હોતો નથી. ઉતાવળમાં તેઓ ભૂલ પણ કરી બેસે છે. ”

જયારે ગોકળગાયની ઝડપે લખનાર વ્યક્તિ કામ કરવામાં પરફેક્ટ હોય છે, ભલે તેઓ કામ કરવામાં સમય વધારે લેતા હોય. લખાણમાં ઉદ્ગારચિહ્ન તમે વારેવારે વાપરતા હોય તો તમે થોડા વધારે ઈમોશનલ ટાઈપના હોવા જોઈએ, એવું તારણો કહે છે.  

જેમના હેન્ડ-રાઈટીંગમાં અક્ષરોની સાઈઝ નાની હોય છે, એ વ્યક્તિનો અંતર્મુખી / શરમાળ સ્વભાવ દર્શાવે છે. મોટા અક્ષરો બહિર્મુખી અને મોજીલો સ્વભાવ દર્શાવે છે. તમારા અક્ષર મીડીયમ સાઈઝના થાય છે? તો તમે બધા સાથે જલ્દી ભળી જાવ એવા હોવાના. તીક્ષ્ણ મરોડવાળા – શાર્પ અક્ષર કાઢનાર વ્યક્તિ એગ્રેસીવ નેચરનો હોય છે. જયારે બીજીબાજુ એવું જાણવા મળ્યું છે કે, પ્રમાણમાં ‘રાઉન્ડ-કર્વ’વાળા અક્ષર કાઢનાર વ્યક્તિ ક્રિએટીવ હોય છે, આર્ટ સાથે વધુ નિસ્બત ધરાવતો હોય છે. 

બે શબ્દો વચ્ચે વધુ સ્પેસ રાખીને લખનાર વ્યક્તિ જિંદગી પણ છૂટથી જીવતી હોય છે એને કંજુસાઈ ગમતી હોતી નથી. એને આઝાદી જોઈએ છે, વિચારોમાં તે મુક્ત હોય છે. ઓછી સ્પેસ રાખનાર વ્યક્તિ થોડા-વત્તા અંશે કન્ઝર્વેટીવ નેચરનો હોય છે અથવા તો એને વ્યક્તિઓનો ઘેરાવો હરહંમેશ પોતાની આસપાસ જોઈએ છે. પેન પર વધુ વજન દઈને લખતી વ્યક્તિ સ્વભાવે નીડર – સખ્ત હોય છે, ઉપરથી પોતાના વિરુદ્ધનું પચાવી શકતી નથી. જયારે સોફ્ટ હાથે લખનારી વ્યક્તિ સ્વભાવે પણ સોફ્ટ – નર્મદિલ હોય છે. તમે તમારી લિખાવટને ઢાળ ડાબી બાજુ આપો છો કે જમણી બાજુ? જો તમારો જવાબ ‘જમણી બાજુ’ છે તો તમે લોકોને તમારી લાઇફમાં ખુલ્લામનથી આવકારી શકો છો. પણ જો ‘ડાબી બાજુ’ છે તો તમે થોડા અકડુ છો. શું કીધું? તમે એકેય બાજુ ઢાળ નથી આપતા? એકદમ સીધા જ અપરાઈટ પોઝીશનમાં જ લખો છો? ઓહો. તો તો તમે બહુ પ્રેક્ટિકલ અને લોજીકલ છો.  

આ સિવાય તમે ‘i’  લખતી વખતે ઉપરનું ટપકું કેવી રીતે કરો છો, ‘y’ લખતી વખતે નીચેનો છેડો કેટલો અને કયા પ્રકારે ખેંચો છો, ‘t’ લખતી વખતે બન્ને આડી-ઉભી લાઈનને ક્રોસ કેવી રીતે કરો છો, ‘o’ લખતી વખતે પૂરું વર્તુળ કરો છો કે નહી –  એ બધાનું પોતાનું અલગ significance છે. અરે તમે અંગ્રેજી લખતી વખતે ‘I’ અથવા ગુજરાતી લખતી વખતે ‘હું’ કેટલો મોટો કરો છો, એના પરથી નક્કી કરી શકાય કે, તમે એરોગન્ટ છો કે નહી! 

છેલ્લે છેલ્લે અમુક રસ પડે એવી મસ્ત મસ્ત વાતો પણ કરી લઉં. વિશ્વપ્રસિદ્ધ કલાકાર લિઓનાર્દો-દ-વિન્ચી મોટેભાગે મિરર ઈમેજમાં એટલે કે ઉલટું લખતા. એમણે લખેલું વાંચવા માટે તમારે સામે અરીસો રાખવો પડે. યુએસના વીસમા પ્રેસિડેન્ટ જેમ્સ ગારફીલ્ડ પોતે બન્ને હાથથી લખી શકતા. આવી વ્યક્તિઓને AMBIDEXTROUS કહેવાય છે. જો કે એ તો નવાઈની વાત છે જ. પણ એથી વધુ આશ્ચર્ય ઉપજાવનારી વાત એ છે કે, એક હાથે તેઓ ગ્રીક, તો બીજા હાથે લેટિન લખતા! 

પાર્કિન્સન ડીસીઝ (એક પ્રકારનો કંપવા)માં અક્ષરો ખરાબ થઈ જાય છે. ‘ડીસગ્રાફિયા’ પણ એક એવી મેડિકલ કંડીશન છે, જેમાં હેન્ડ-રાઈટીંગ પર ગંભીર અસર થાય છે. અત્યારે નેપાળની ૧૩ વર્ષની બાળકી ‘પ્રકૃતિ મલ્લા’ના હેન્ડ-રાઈટીંગ વિશ્વના સૌથી સુંદર હેન્ડ-રાઈટીંગ ગણાય છે. વિશ્વમાં ૧૦% લોકો ડાબોડી / લેફટી છે, એટલે કે એમાંના જેમને લખતા આવડતું હશે એ બધા ડાબા હાથે લખતા હશે.

 

PACK UP :-

તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, દુનિયામાં એવા કેટલા દર્દીઓ હશે, જેમના મૃત્યુ ડોક્ટરના ખરાબ હેન્ડ-રાઈટીંગને લીધે થયા હશે?!

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech