BE THE CHANGE

ગદ્ય પ્રેરણાત્મક 3534

કોઈ એક શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ એના અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. જેટલા પણ નજીકના લોકો તેને ઓળખતા હતા એ બધા જ એ વ્યક્તિ પાસે પોતાની સહાનુભૂતિ પ્રકટ કરવા આવી રહ્યા હતા. એમાંના એક માણસે એ વૃદ્ધ વ્યક્તિને પ્રશ્ન કર્યો કે, ”તમારી આ અંતિમ વેળા છે તો અમને જીવનમાં આગળ કઈ રીતે વધવું એ સલાહ આપો. આપ વડીલે તો જીવનમાં ઘણા તડકા-છાંયડા જોયા છે. તો તમારા અનુભવનો લાભ અમે લઇ શકીએ એવું કંઇક શીખવો.”

ઘણો જ વિચાર કર્યા પછી એ વૃદ્ધ વ્યક્તિ બોલ્યા, “હું જયારે ૨૦ વર્ષનો હતો ત્યારે હું ખૂબ જ ઉત્સાહી હતો અને શક્તિથી ભરપૂર હતો. હું વિચારતો કે હું દુનિયા બદલી શકું એમ છું અને એના બધા જ પ્રોબલ્મસ હું હલ કરી શકું એમ છું. અને મેં એના માટે કમર કસવાની શરુ કરી દીધી.

સમયના વહાણ વહેતા ગયા અને હું હવે ૩૦ વર્ષનો થઇ ચુક્યો હતો અને મેં જોયું કે દુનિયા હજુ પણ એવીને એવી જ હતી જેવી ૧૦ વર્ષ પહેલા હતી. આનાથી મને સત્યનું ભાન થયું કે મારા એકલાથી તો આ દુનિયા બદલી શકે તેમ નથી કેમ ના હું જ મારો ગોલ નાનો કરી નાખું! એ પછી મેં વિચાર્યું કે ભલે દુનિયા નહીં પરંતુ મારો દેશ તો હું બદલી શકું તેમ છું જ! આટલું વિચારી મેં એ દિશા ભણી મારા પગ ઉપાડ્યા!

સમય ખુબ ઝડપથી વિતી રહ્યો હતો અને સાથે સાથે મારી ઉંમર પણ ૪૦ વર્ષની થઇ ચુકી હતી. મને ભાન થયું કે પોતાના દેશના લોકોને બદલવા નીકળવું એ બીજું કંઈ નહિ પણ મારા સમયની બરબાદી જ હતી, કેમ કે કરોડો લોકોના ટોળાને બદલવો એ અત્યંત મુશ્કેલ અને કઠીન કામ હતું, ફરીથી મેં આત્મમંથન કર્યું અને વિચાર્યું કે મારો ગોલ હજુ ઘણો મોટો છે કેમ ના એને હજુ થોડો ઘટાડી નાખું! એ પછી મેં નક્કી કર્યું કે ભલે હું આખો દેશ ના બદલી શકું પરંતુ મારું શહેર તો હું બદલી જ શકું એમ છું તો હું હવે એ જ વસ્તુનો પ્રયત્ન કરું. પરંતુ મારા આ નિશ્ચયમાં પણ હું ઉણો ઉતર્યો, કોઈ પણ વાત મારા ધાર્યા પ્રમાણે ના થઇ શકી, કોઇપણ બદલવા માટે તૈયાર નહોતું, હું નિરાશ થઇ ચુક્યો હતો.

હવે હું વૃદ્ધ થઇ ગયો હતો, મારી ઉંમર પણ ૬૦ વર્ષને આંબવા આવી હતી, મને હવે થયું કે હું દુનિયા, મારો દેશ કે મારું શહેર તો બદલી ના શક્યો પણ હજુ કંઈ મોડું નથી થયું. હું મારા પરિવારને તો બદલી જ શકું છું, જો હું આટલું પણ કરી શક્યો તો મારા જીવનને ધન્ય માનીશ. આમ તો મને આ કામ સહેલું લાગતું હતું, કેમ કે પરિવારના બધા જ મને આદર આપતા હતા, મારું કહ્યું માનતા હતા. પરંતુ મારા કમભાગ્યે મને અહીં પણ અસફળતા જ મળી. અંતે સાબિત થયુ કે મેં મારી જેટલી શક્તિ અને સમય બીજાને બદલવામાં નાખ્યો હતો એ બધો જ વેસ્ટ ગયો હતો.

અત્યારે મારી મરણપથારીએ મને સમજાય છે કે જો એ સમયે મેં બીજાએ બદલવા કરતા મારી જાતને બદલવાના પ્રયાસ કર્યા હોત, મારી ખામીઓને શોધીને એને સુધારવાના પ્રયાસ કર્યા હોત તો, કદાચ મને જોઇને મારા પરિવારના સદસ્યોને જરૂર પ્રેરણા થાત અને એ મારી જેમ બનવાના પ્રયાસ ચોક્કસથી કરત! અને જો કદાચ એવું થઇ જાત તો શહેરમાં મારા પરિવારના સભ્યોનું સારું વાણી-વર્તન જોઇને બીજા પરિવારોને પણ પ્રેરણા મળેત અને એ પણ પોતાનામાં બદલાવ લાવવાનો પ્રયાસ કરેત. અને જો આખું શહેર બદલાઈ ગયું હોત તો નિઃશંકપણે શહેરનો વિકાસ પણ ખૂબ જ થયો હોત અને એ જોઇને કોઈક દિવસ મારા દેશના લોકોને પણ પ્રેરણા મળત અને કોને ખબર કે કદાચ કોઈક દિવસ આખી દુનિયા પણ આ બદલાવને સ્વીકારી લેત! અત્યારે મને એટલું સમજાય છે કે ઉદાહરણ આપીને બદલાવ લાવવા કરતા ઉદાહરણરૂપ બનીને બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો હોત, તો હું મારા કાર્યમાં ૧૦૦ ટકા સફળ થાત! 

કોઈપણ જગ્યાનો વિકાસ એ એકમ થી શરુ થાય છે. જેમ કે અંક છે તો હંમેશા એક અંક આવે પછી દશક અને પછી સો આવે. કોઈ પણ તત્વમાં સૌપ્રથમ એક અણુ હોય અને પછી એ જોડાઈને આખું તત્વ બનાવે છે, કોઈ પણ સજીવ હોય તો સૌ પ્રથમ એક કોષ હોય છે અને પછી તેમાં વિકાસ થઈને આખું સજીવ શરીર બને છે એમ જ કોઈ પણ રાષ્ટ્રનો મૂળભૂત એકમ નાગરિક છે. ઉપરોક્ત પરિસ્થતિને તમે કોઈપણ જગ્યાએ લાગુ પાડી શકો છો. અને મજાની વાત તો એ છે કે આટલા નાના-નાના બદલાવથી પણ સમગ્ર રાષ્ટ્ર ઉન્નતિને પામી શકે છે.

તમે જ વિચારો કે દેશમાં જયારે આઝાદીની માંગ એની ચરમસીમા પર હતી, બધા જ આંદોલનો હિંસક થઇ રહ્યા હતા ત્યારે એક જ માણસે અહિંસાને પોતાનું શસ્ત્ર બનાવ્યું અને એ પછી જે થયું એ આપણને બધાને ખબર જ છે. એક માણસે એવું વિચાર્યું હતું કે ભારતને મિસાઈલ ક્ષેત્રે આગળ વધારવું છે અને એ જ કલામ સાહેબે આપણને આજે વિશ્વમાં મહાસત્તા બનવાની હરોળમાં સાવ નજીક પહોંચાડી દીધા છે. એક ૧૫ વર્ષની બાળકીએ તાલીબાન સામે બાંયો ચડાવી, ગોળી પણ ખાધી છતાં પોતાનો ધ્યેય ના બદલ્યો તો આજે એના જન્મદિનને લોકો ‘વિશ્વ મલાલા દિન’ તરીકે ઉજવે છે. બદલાવ હંમેશા પોતાનાથી જ શરુ થાય છે અને પછી જ એ વિશ્વવ્યાપી બને છે.

આપણને દેશ અને દુનિયા સામે ઘણી-બધી તકલીફો હશે કે કેટલો ભ્રષ્ટાચાર છે, જાતિવાદ છે, કેટલા સ્કેમ્સ અને સ્કેન્ડલ્સ થાય છે. રોજ કેટલી નિર્દોષ બાળકીઓના બળાત્કાર થાય છે. શિક્ષણના નામ પર કેટકેટલા ડોનેશન લેવાય છે. અને બીજું કંઈ-કેટલું, પણ શું ચાર રસ્તે કોઈ પોલીસવાળો પકડે તો એના પાસે આપણે સરકારી મેમો ફડાવીએ છીએ કે ચા-પાણીના આપીને નીકળી જઈએ છીએ? કોઈના રેપના સમાચાર સાંભળી શું આપણે બહારથી મીણબત્તી જ સળગાવીએ છીએ કે આપણી અંદર પણ કંઈ બળીને ખાક થઇ જાય છે? આવા તો અનેકોનેક પ્રશ્નો છે જે આપણી સામે આવશે તો આપણું માથું શરમથી ઝુકી જશે. આ બધામાં બદલાવ આવશે, જરૂરથી આવશે, પણ ક્યારે? જયારે આપણે ખુદમાં બદલાવ લાવવાની શરૂઆત કરીશું, BE THE CHANGE! 

STEPHEN COVEY પોતાના પુસ્તક ‘7 HABITS OF HIGHLY EFFECTIVE PEOPLE’ માં  પાંચમી હેબીટમાં કહે છે કે “SEEK FIRST TO UNDERSTAND, THEN TO BE UNDERSTOOD” પહેલા સમજણ કેળવો, અને પછી કોઈ બીજાને સમજાવવાની કોશિશ કરો. ગાંધીજીનું આ વાક્ય, “ BE THE CHANGE THAT YOU WANT TO SEE IN THE WORLD “ બદલાવનું સૂચક છે, પ્રગતિનો રાજમાર્ગ છે, અંતઃપ્રેરણા નો સ્ત્રોત છે.

 

આફ્ટર-શોક

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં?

વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

– અકબરઅલી જસદણવાળા

Anant Gohil (અનંત ગોહિલ)

Anant Gohil (અનંત ગોહિલ)

Made with by cridos.tech