“મિસકોલ”

ગદ્ય હાસ્યનિબંધ 2903

ભારત વર્ષોથી ‘રીતિરિવાજોનો દેશ’ રહેતો આવ્યો છે. પુરાણકાળથી ઘણી બધી પ્રથાઓ ભારતમાં જ શરુ થઈ અને ભારત માં જ પતી ગઈ! જેમકે દહેજ પ્રથા, બાળલગ્ન, પડદા પ્રથા વગેરે. આ બધી પ્રથાઓ બંધ કરાવવા પાછળ કોઈને કોઈ ‘ક્રાંતિ’ જવાબદાર રહી છે.

છેલ્લી જે પ્રથા મોટાપાયે નાબુદ થઈ એ પ્રથા હતી મિસકોલ-પ્રથા! હા, બીજી બધી પ્રથાઓની જેમ જ આ મિસકોલ-પ્રથા પણ મોટાપાયે નાબુદ થઈ જ ગઇ છે, પણ હજુ પણ દેશ ના કોઈના કોઈ ખૂણે માનવતાના દુશ્મનો હજુ પણ આ પ્રથા સાથે બંધાયેલા છે! 

આ મિસકોલ-પ્રથા બંધ કરાવવા પાછળ ડિજિટલ ક્રાંતિનો મસમોટો હાથ છે, જેનો મોટાભાગનો શ્રેય અંબાણી કાકાના ‘જીઓ’ને આપવો જ પડે. 

ઇસવીસન ૧૮૭૬ માં ટેલિફોનની શોધ થઈ ત્યારે બેલભાઇએ ક્યારેય વિચાર્યું નહી હોય કે મૂળપેદાશ કરતા આડપેદાશનો વધારે ઉપયોગ થશે. હા, ટેલિફોનનો મૂળ ઉદ્દેશ્ય તો બે વ્યક્તિ વચ્ચે વાત કરાવવાનો જ હતો. જો સામેલી વ્યક્તિ નિયત સમયમાં ફોન ના ઉપાડે તો કોલ ‘મિસ’ થયો કહેવાય એને નામ આપ્યું – ‘મિસકોલ’! જે એ જમાનામાં તો એક ખામી તરીકે જોવામાં આવતી. પણ પછી ઇસ. 1995 માં આપણે ત્યાં(ભારતમાં) ફોન આવ્યા. હવે જે દેશમાં પાણીની પાઈપમાં કાણું પડ્યુ હોય તો એ પાઈપને ફુવારા તરીકે વાપરતા હોય તો પછી આ તો મિસકોલ હતો! કહેવાનો મતલબ એ કે આપણને ખામીઓ માંથી પણ ખૂબીઓ શોધતા આવડે છે.  (BJP ચુંટણીપ્રચાર દરમિયાન “કોંગ્રેસ જીતશે તો રાહુલ ગાંધી આવશે” કહે છે, એ વાતને અને આ વાતને કોઈ સીધો સંબંધ નથી.)

 ‘મિસકોલ’ નો અર્થ ભારત અને બીજા બધા દેશમાં ઘણો એટલે ઘણો અલગ છે.  વિદેશમાં ફોન મિસ થાય છે જ્યારે આપણે ત્યાં ફોન મિસ કરાવડાવાય છે! ભલે મિસકોલ મારવું એક કંજુસાઈ કે નાનકડું કામ લાગતુ હોય, પણ એક ‘આદર્શ મિસકોલ’ મારવો પણ ખુબ અઘરી કળા છે! ‘આદર્શ મિસકોલ’ એટલે એવો મિસકોલ જેમાં સામેવાળી પાર્ટી ને દુ:ખ થવું જોઈએ કે સાલુ આણે તો ફોન જ કર્યો હતો પણ મારી આળસ કે ઢીલાશ ના લીધે કોલ,  મિસકોલમાં પરિવર્તિત થઈ ગયો!

મિસકોલ મારવા માટે માણસમાં સાહસ, સમયસૂચકતા, અનુભવ અને સામેના વ્યક્તિ પર વિશ્વાસ જેવા ઘણા બધા ગુણો હોવા અતિઆવશ્યક છે! મિસકોલ મારવો હોય તો તમારા ફોનનું બેલેન્સ દાવ પર લગાવવું પડે છે. એ સિવાય બે રિંગ વાગતા જ  ફોન કટ કરી દેતા આવડવું જોઈએ, જેથી રિંગ પણ સંભળાઈ જાય અને પેલો ફોન પણ ના ઉપાડી શકે. આ સિવાય સૌથી મહત્વનું પાસું છે ‘વિક્ટિમ’ (સામેવાળા માણસ)ને ઓળખવો! જો સામેવાળા માણસ ને ઓળખતા જ હોઈએ કે આનો ફોન ક્યા પડ્યો હશે અથવા ક્યાંય પડ્યો હશે તો મિસકોલ મારવામાં સરળતા રહે છે! 

આમ મિસકોલ થવાના બે કારણો હોઈ શકે છે. 

૧) તમે ચપલતાથી સમયસર એને કટ કરી દો.

૨) સામેવાળી પાર્ટી કોઈ કારણસર કોલ ઉપાડી ના શકે.

બન્નેમાં ફાયદો તમારો જ છે. આમ મિસકોલ એ ‘WIN-WIN SITUATION’ કહી શકાય.

આગળ કીધું એમ, આપણે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ અને એમાંય અમદાવાદીઓ દરેક વસ્તુ નો ‘જુગાડ’ શોધી જ કાઢે છે! જેમ્સ અંકલના પિક્ચરો જોઈજોઈને આપણે અમદાવાદીઓ એ અમુક કોડવર્ડ તૈયાર કર્યા હતા, એપણ મિસકોલ દ્રારા! 

ઉદાહરણ તરીકે, 

૧ મિસકોલ : અરજન્ટ નથી ફ્રી પડે તો ફોન કરજે. 

૨ મિસકોલ : જલ્દી ફોન કર.

૩ મિસકોલ : અડ્ડા પર આવી જા.

મિસકોલ મારવા માટે ફક્ત ઓછું બેલેન્સ જ કારણભૂત નથી હોતુ, ઘણીવાર મિત્ર પ્રેમિકા(એની પોતાની)  સાથે બેઠો હોય ત્યારે નિર્દોષ રીતે એને હેરાન કરવા પણ મિસકોલનો ઉપયોગ થાય છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલને એની મિસકોલ મારવાની ખાસ ટેવ ના લીધે ‘કંજુસ’ જેવી ઉપાધિ પણ મળી ચુકી છે. પણ ખૈર, આ સુખદ પ્રથાનો અંબાણીકાકાની મહેરબાનીથી દુઃખદ અંત આવી રહ્યો છે. પણ જ્યારે કોઈ જીઓના નંબર પરથી પણ મિસકોલ મારે તો દોસ્ત.. તમારે કોલર ટ્યુન બદલવાની જરૂર છે!

હવે એ દિવસો દૂર નથી જ્યારે આપણી જનરેશન આવનારી જનરેશન ને પોતે કેવી રીતે મિસકોલ મારી-મારી ને એક-એક રૂપિયો બચાવીને ઘર ચલાવતા હતા એના કિસ્સાઓ સંભળાવશે! 

 દર્શવાણી

 જે લોકો મિસકોલ નથી મારી શકતા એ લોકો વોટ્સએપ-કોલ કરતા હોય છે.

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech