LOVE YOU ‘જિંદગી’

ગદ્ય પ્રેરણાત્મક 4105

ઈમરજન્સી વોર્ડનો દરવાજો ખૂલે છે અને એક આછા-ભૂરા અને સોનેરી વાળવાળી યુવતી અંદર પ્રવેશે છે. હાજર રહેલ ડોક્ટરને કહે છે કે મને જલ્દીથી ફોર્ટવિન અને ફિનાર્ગન ઇન્જેક્શન આપી દો, હું સિકલ-સેલ એનીમિયાની ક્રાઈસીસમાં છું. હજુ ડોક્ટર કંઈ સમજે એ પહેલા એ બહેન રીપોર્ટસથી ખચાખચ ભરેલી બે દળદાર ફાઈલો ડોકટરના હાથમાં મૂકી દે છે. સામાન્ય રીતે ઉપર લખેલા ઇન્જેક્શન ખુબ જ ભારે કહેવાય અને એ ત્યારે જ આપી શકાય જયારે દર્દીને અસહ્યથી પણ વધુ અસહ્ય પેઈન થતું હોય. હાજર ડોકટરે એ યુવતીનું રૂટીન ચેક-અપ કરીને તેની હિસ્ટરી પૂછવાનું શરુ કર્યું.

 આ યુવતી મૂળ રાજકોટની હતી અને રાજકોટી બોલી પરથી તદ્દન કળાઈ આવતું હતું કે એને તકલીફ ઘણી જ છે પણ એ છતાં એક મંદ સ્મિત એના ચહેરા પર અંકિત જ હતું. એણે પોતાની ઓળખ આપતા શરુ કર્યું કે, મારું નામ ‘જિંદગી’ છે. મને થેલેસેમિયા મેજર છે, સિકલ-સેલ એનીમિયા છે, ઓસ્ટીઓ-મેલેસિયા છે. મારે દર પંદર દિવસે લોહી ચડાવવા અહીં અમદાવાદ આવવું જ પડે છે. હું ખુદ રાજકોટમાં ઓ.ટી. આસિસ્ટન્ટ છું. સ્પ્લેનેક્ટોમી, હિસ્ટ્રેકટોમી, ‘ની’ રિપલેસમેન્ટ, ‘હીપ’ રિપલેસમેન્ટ જેવા ટોટલ ૧૩ ઓપરેશન મારા શરીરમાં થઇ ચુક્યા છે. એ સિવાય પિત્તાશયમાં ૧૪ મીલીમીટરની પથરી લઈને ફરું છું. મારા હાથની એક પણ નસ હવે બાકી નહીં હોય જ્યાં નીડલથી પંચર ના પડ્યું હોય. ગળાના ભાગે નખાતી સી.વી.પી. લાઈન પણ હવે બાકી નથી. એના કારણે મને ડીપ વેઈન થ્રોમ્બોસીસ થયું છે અને એ મારા હૃદયમાં જઈને અટવાઈ ગયું છે.

આટલા બધા મેડીકલ નામો સાંભળીને ગભરાઈ ગયા ને? હવે બધા એક-એક વારાફરતી સમજીએ કે સાંભળવામાં પણ તકલીફ પડી જાય એ રોગોમાં આખરે હોય છે શું અને આ યુવતી એક સાથે આટલા બધા રોગ નો મોલ બનીને ફરે છે તો પણ કેમ હજુ સુધી એની જીવવાની આશા ટકી છે? એવું તો શું છે કે આ ‘ઈચ્છા-મૃત્યુ’ના દશકમાં પણ એને જીવવાની ઉત્કંઠ ઈચ્છા છે? કયું પરિબળ છે જે એને જીવનને મન ભરીને માણવાનું બળ પૂરું પાડે છે?

શરુ કરીએ સિકલ-સેલ એનીમિયાથી. સામાન્ય રીતે આપણા શરીરમાં ફરતા લોહીના કણો ગોળાકાર આકારના અને બાઈ-કોન્કેવ હોય છે. જેના કારણે શરીરમાં લોહીના પરિવહનમાં તકલીફ પડતી નથી અને સરળતાથી બધું કામ ચાલતું રહે છે. સિકલ-સેલ એનીમિયામાં લોહીના કણો પહેલેથી જ ઓછા હોય છે જેથી શરીરને પુરતો ઓક્સિજન પહોંચાડી શકતા નથી એ ઉપરાંત આ રોગમાં લોહીના કણો અર્ધ-ચંદ્રાકાર આકારના થઇ જાય છે, જેના લીધે નાની કોશિકાઓમાં આ કણો ફસાઈ જાય છે અને એના લીધે લોહીનો પ્રવાહ અવરોધાય છે અને શરીરને પુરતો ઓક્સિજન મળી શકતો નથી. સિકલ-સેલ નો દુ:ખાવો અસહ્ય હોય છે, એના કારણે શરીરમાં અલ્સર્સ, હાડકા અને સાંધાના દુઃખાવા તથા એમાં મહત્તમ અંશે બગાડ થાય છે. હાથ-પગના સોજા આવી જાય છે. સિકલ-સેલના કારણે આપણા શરીરમાં ઇન્ફેકશન સામે લડત આપે છે એવું અંગ એટલે કે સ્પ્લીન (બરોળ) પણ ડેમેજ થાય છે. હવે આવે ઉપચારની વાત, તો આ રોગને મટાડી શકાતો નથી, બસ એ દુખાવામાં ઇન્જેક્શન આપીને રાહત કરી શકાય છે. પણ આપણે જો એક પથરીનો દુઃખાવો સહન ના કરી શકતા હોઈએ તો સિકલ-સેલ તો એનાથી ૧૦ ગણો વધુ દુઃખાવો આપે છે. તો વિચારો કે શરીરમાં સર્વાઈવલના વિચાર આવે કે નહીં?

હવે આવે છે થેલેસેમિયાની વાત, આ એક જીનેટિક રોગ છે એટલે કે આપણને વારસાગત રીતના મળે છે. આ રોગમાં લોહીમાં આવતું તત્વ હિમોગ્લોબીન એબ્નોર્મલ હોય છે. એનીમિયાનો જ એક પ્રકાર હોવાને કારણે લોહીના કણો તો પહેલેથી જ ઓછા જ હોય છે. થેલેસેમિયા રોગમાં પણ અલગ-અલગ પ્રકાર આવે છે પણ એ વિશે આપણે પછી જાણીશું. થેલેસેમિયા રોગમાં શરીરમાં આયર્ન વધી જવાના કારણે હ્રદય, લીવર અને એન્ડોક્રાઇન સિસ્ટમ ડેમેજ થાય છે. એ સિવાય શરીરમાં અવારનવાર ઇન્ફેકશન થાય છે. થેલેસેમિયા મેજર રોગને પણ સંપૂર્ણપણે મટાડી શકતો નથી. એની ટ્રીટમેન્ટમાં નિયમિતપણે લોહી ચડાવવું પડે છે. અને ઇન્ફેકશન વધુ ના ફેલાય તેના માટે દવા લેવાની હોય છે. 

બધા જ રોગો વિશે જાણવા જઈશું તો એક નાની પુસ્તિકા બની જાય, પણ સંક્ષેપમાં જાણીએ તો એના લગભગ બધા જ વેઇટ-બીયરીંગ જોઈન્ટ રિપ્લેસ થઇ ગયા છે, એટલે કે બન્ને ‘ની’ રીપ્લેસમેન્ટ સર્જરી, હીપ-જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી થઇ ચુકી છે. ગર્ભાશયની કોથળી, બરોળ જેવા અંગો કાઢી લેવાયા છે. એનો હાથ જોયો હોય તો બધે જ ઇન્જેક્શન આપ્યા પછીના લોહીના કાળા ગઠ્ઠા જ જોવા મળે. એની નસ શોધવી હોય તો એનેસ્થેટીક ડોક્ટરને પણ કપાળે પરસેવો વળી જાય. ગળામાં નાખવામાં આવતી સોઈને કારણે લોહીનો એક ગઠ્ઠો હૃદયની નળીઓમાં ફસાઈ ગયો છે. જેના લીધે લોહી પાતળું કરવાની દવા પણ નિયમિતપણે ચાલુ જ છે. આશ્ચર્યની વાત છે ને નહિ? એક તો લોહી ઓછું, ઉપરથી જે લોહી છે એના કણો પણ ખરાબ, ઉપરથી જે ઇન્ફેકશન સામે લડવાનું છે એ સામે રક્ષણ કરતું અંગ પણ શરીરમાં નથી. આટલી બધી તકલીફો સાથે કોઈ માણસ જીવનનું એક પણ વર્ષ કઈ રીતે કાઢી શકે?

તમને થશે કે વાત અહીં પૂરી થઇ. તો હવે સાંભળો એ યુવતીના માતા-પિતા બન્નેને પેરાલીસીસ છે. ઘરમાં કમાનાર આ એક જ વ્યક્તિ છે. અને એક નાનો ભાઈ છે એને ભણાવવાની જવાબદારી પણ ‘જિંદગી’ ઉપર જ છે. આટલી તકલીફો, આટલી જવાબદારીઓ સાથે પણ એ હસતું મોઢું રાખીને જીવન જીવે છે. અમદાવાદ તથા રાજકોટના લગભગ તમામ તજજ્ઞ ડોક્ટરને એ ઓળખતી હશે. જેટલા પણ ડોક્ટર એની હિસ્ટરી લે છે એની આંખોમાં તમે અત્યારે વાંચો ત્યારે છે તેવી જ ચમક, આશ્ચર્ય અને અહોભાવ હોય છે. ઘણા-બધા ડોકટરો એની સારવાર ફ્રીમાં જ કરે છે. એકાદ ડોકટરે તો એનો ફોટો પાડીને બીજા દર્દીઓને મોટિવેશન મળે એ હેતુથી પોતાની ક્લિનિકમાં પણ રાખ્યો છે.

આપણા બધાના જીવનમાં કંઇકને કંઇક પ્રશ્નો હશે જ! કમસે કમ એકવાર તો એવો વિચાર આવ્યો જ હશે કે,”યાર, આના કરતા મરી જવું સારું!” ‘જિંદગી’ની તકલીફો આપણા કરતા તો વધુ જ હશે એવું મારું માનવું છે, તમારું પણ હશે જ! ઇન્જેક્શન લીધા બાદ જિંદગી જે બોલી એ વાક્ય બધાએ યાદ રાખવા જેવું છે, “સાહેબ, ડોકટરોએ મને કીધું હતું કે હું ૨૦ વર્ષ સુધી જ જીવીશ, આજે મારા છવ્વીસ વર્ષ થયા અને સત્યાવીસમું ચાલે છે. અને હજુ મારે એંશી વર્ષ જીવવું છે, અને સાહેબ જેટલું મળે ને એટલું જીવી જ લેવું છે અને એ પણ પૂરી મોજથી! અને સાહેબ તમે કંટાળતા નહીં હો, હજુ તમારું બહુ બધું લોહી પીવાનું બાકી જ છે.” 

આફ્ટર-શોક 

લડાઈ મારી છે, આ રાતના અંધકાર સુધી,

મને બસ સાચવી રાખો તમે સવાર સુધી.

– ખલીલ ધનતેજવી

(સાચ્ચે આવા લોકો આપણી વચ્ચે વસે છે. ‘જિંદગી’ના નામ સિવાયની બધી વાત સત્ય છે. બીજા શબ્દોમાં આ સત્યઘટના છે..)

Anant Gohil (અનંત ગોહિલ)

Anant Gohil (અનંત ગોહિલ)

Made with by cridos.tech