ડીયર ડાયરી : પ્રેમનો દિવસ

Uncategorized અન્ય ગદ્ય 4051

કેટલો વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે,

પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું હોય છે!

– હેમાંગ જોશી

ડીયર ડાયરી, 

આજે તને ડીયર કહેવાનું કેમ મન થયું! પ્રેમનો દિવસ આવી રહ્યો છે કદાચ એટલે? કેવો વિરોધાભાસ કહેવાય નહીં! કોઈ આપણા ખુબ વ્હાલું હોય, હૃદયની તદ્દન નજીક હોય, અને છતાં એની પ્રતીતિ ત્યારે જ થાય જયારે કોઈ એક સુરજ સ્વયં ‘પ્રેમનો દિવસ’ બનીને ઉગી આવે! 

આ સમયની બહાર- ઓફીસના દંભી બિલ્ડીગોમાં, ઘરની વાસી દીવાલોમાં, નકલી ફૂલોની શોભામાં, સોશિયલ મીડિયાના કાચા સંબંધોમાં, રોશનીની ઝાકઝમાળમાં, જે છે એ જિંદગી નથી.. એ તો સહુના ભાગે આવેલા સમયના ટૂકડાઓ છે. જિંદગી તો ત્યાં છે, જ્યાં હું ધબકી શકું, મારી અંદર જિંદગી માટેનો અબોલ પ્રેમ ધબકી શકે, જિદંગીના શોરમાં જયારે હૃદયને વાચા ફૂટે એ સાચી જિંદગી છે!

ખેર, એક મિત્રના આર્ટ શોમાંથી ચિત્ર ખરીદ્યું હતું. ગામના કાચા રસ્તાની કિનારીઓ પર ઉંધી પીઠે ચાલતી જતી પનિહારીઓ, આસપાસ લીલી હરિયાળીઓ, સવારનો સોનેરી સૂર્ય, અને ઝાકળમાં પોઢેલું સફેદ આકાશ. દિવાનખંડમાં ચિત્ર મૂક્યું અને આખો દિવસ આંખો એમાં જ મંડાયેલી રહી, જાણે ખુદને એ દ્રશ્યમાં ઝીલવા મથતી હોઉં.  

પછી એક સવારે.. એક સપનું જગાડી ગયું, જન્મદાતાના મૃત્યુનો પડઘો પાડીને! આંખો સપનામાં પણ રડી પડી. ગાલને જયારે એ ભીનાશનો પરિચય થયો તો, ખબર પડી કે સવાર પડી ગઈ હતી. વહેલી સવારે આવતા સપનાઓ સાચા પડતાં હોય છે એવી ભીતિમાં અગાસી પર દોડી ગઈ. સવાર જાણે કે મને જ સાદ આપતી હતી. ઝાકળમાં આળસ મરડતું આકાશ, સોનેરી સૂર્ય, અને સામે દેખાતા આસોપાલવના વૃક્ષ! 

ઘરની એક દીવાલ પર ફ્રેમમાં મઢાયેલું એક દ્રશ્ય કેટલી સહજતાથી મારી આંખો સામે જ ઉભું હતું.. કોઈપણ પ્રકારના ઉહાપોહ વિના, દ્રશ્યના જોવા-વેચાવાની પળોજણ વિના, રોજ સવારે એ મારા માટે ઉગતું અને આથમતું હતું.. મારા જ ઘરના આંગણે! ને પેલી પનિહારી એ ક્યાં? ક્યાંક એ જન્મદાતા જ,એ સપનું..!

 એ એક ચિત્ર, મૃત્યુનું સપનું અને એ જ ચિત્રનું પ્રત્યક્ષ થવું.. જાણે એક જ પળમાં જીવનને કોઈએ સ્ટેચ્યુ કહી દીધું! મન-શરીરની બધી જ ગ્રંથીઓ સ્થિર થઈ ગઈ અને એક જ સત્ય આખા અસ્તિત્વમાં ધબકવા લાગ્યું- લાગણીઓ ઉભરવા લાગી,  હું પ્રેમ કરું છું, મારી જન્મદાતાને, જેને મેં ક્યારેય આ સત્ય કહ્યું જ નથી! કારણ કે એ તો મારી સમીપ જ હતી, મારી પથારીની બાજુમાં, રોજ સવારે આંખ ખૂલે અને રસોડામાં દેખાતી, ઘર બહાર જઈએ ને ‘જમી લેજે’ ના રૂટીન શબ્દો કાને નાખતી, પોતાના શરીર પર ના સજેલા કપડાઓને અમારા શરીર પર જોઈને રાજી થતી, પોતાના આકાશમાં ના જોયેલા ખુશીઓના તારાઓને અમારા આકાશમાં જોઈને મનોમન ખુશ થતી, જેના ‘ના’ હોવાનો વિચાર જ હાસ્યપ્રદ લાગતો.. એ જ સહુથી નજીકની વ્યક્તિ જેને ‘હું પ્રેમ કરું છું, કે આઈ લવ યુ મા..’ એવું મેં, તમે આપણે કદી કહી નથી શક્યા કે કહેવાની જરૂર જ નથી લાગતી! એનું એક દિવસ આમ અચાનક ચાલ્યા જવું!?  

લતા હિરાણી એ કરેલ એક અંગ્રેજી કવિતાનું અનુવાદ ખુબ પ્રચલિત છે.. ‘હું મૃત્યુ પામીશ તો તું મારી કબર પર ફૂલો ચઢાવીશ..’ આ ‘તો’ માં જ આપણે બાકીની ફોર્માલીટી પૂરી કરી દઈએ છીએ ને.. કોઈ મૃત્યુ પામે તો આપણે એમનું સમ્માન કરી શકીએ, એમની તસ્વીર આગળ જઈને રડી શકીએ છીએ, આંખોમાં એમનો ભીનો ચહેરો લઈને આકાશ તરફ જોઈ ‘હું તને મિસ કરું છું..’ કહી શકીએ છીએ. શું માત્ર ત્યારે જ જો એ ‘ના’ હોય! રોજ એક ખરેલા દિવસમાંથી નવી સવાર ઉગે છે.. વ્યક્તિ ધીરે ધીરે ઘરડો બની નામશેષ થતો જાય છે, પાછળ શું બચે છે? માત્ર થોડીક જીવેલી યાદોમાં સચવાયેલી ક્ષણો! ને છતાં આપણે પ્રેમ આપવાથી જ ભાગીએ છીએ! 

જિંદગી જયારે પ્રેમ છીનવી લેને ત્યારે બદલામાં ઘણું આપે, મને પણ આપ્યું, દર્દ આપ્યું, શબ્દ આપ્યો, સંવેદના આપી ને હાથમાં કલમ.. ઘર ભરાતું ગયું, ને હૃદય ખાલી થતું ગયું. પ્રેમમાં પાંગરેલી અવ્યક્ત, અપ્રગટ સંવેદના શબ્દ બની કાગળ પર અવતરી.. કંઇક સર્જાયું, ખાલીપામાંથી ફૂલ ઉગ્યું જેનું નામ તું જ!

વેલેન્ટાઈન નામના સંતે તો પ્રેમ આપવાનો માર્ગ બતાવ્યો પણ આપણને પ્રેમ માગવાનું એક બહાનું મળી ગયું!

Meera Joshi (મીરા જોશી)

Meera Joshi (મીરા જોશી)

Made with by cridos.tech