એક આદત, જો લાઈફ બદલ દે

ગદ્ય પ્રેરણાત્મક 3951

એક સારી ટેવ તમારા જીવનને, તમારી જીવનપદ્ધતિને બદલી શકવા સક્ષમ છે તેવી જ રીતે એક ખરાબ ટેવ તમને તથા તમારી આજુબાજુના લોકોના જીવનને પણ બદલી શકે છે. મનોવિજ્ઞાન મુજબ માણસને સારી વસ્તુઓની કે ક્રિયાઓની આદત પડતા જેટલો સમય અને મહેનત લાગે છે એના કરતા ઓછો સમય અને મહેનત તેને ખરાબ વસ્તુઓની અને ક્રિયાઓની આદત પડતા લાગે છે.

અંગ્રેજીમાં એક વાક્ય છે, “YOU WILL NEVER CHANGE YOUR LIFE UNTIL YOU CHANGE SOMETHING YOU DO DAILY.”  અર્થાત કે જ્યાં સુધી તમે પોતે રોજ જે ક્રિયા કરતા હો તેમાં બદલાવ નહીં લાવો ત્યાં સુધી તમે તમારું જીવન બદલી નહીં શકો. રોજ વાંચન કરવાની ટેવને લીધે આજે વોરન બફેટ સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં આવી ગયા છે, તેવી જ રીતે બીજા અનેકોનેક વ્યક્તિઓ કે જે પોતપોતાના ક્ષેત્રમાં શિરમોર છે તેઓ પાછળ એક નાનકડી સારી ટેવનો મહત્વનો ફાળો રહેલો છે.

ચાર્લ્સ ડ્યુહિગ નામના લેખક પોતાના પુસ્તક ‘THE POWER OF HABIT’ માં લિસા એલન નામની એક મહિલાની વાત નોંધે છે. આ લિસા એલન એક ૩૪ વર્ષની મહિલા છે, જેને ૧૬ વર્ષની ઉંમરથી જ દારૂ અને સ્મોકિંગનું વ્યસન લાગી ગયું હતું. નાની ઉંમરથી જ એને મેદસ્વીતાની સાથે સાથે બીજી ઘણી બીમારીઓ લાગુ પડી ગઈ હતી. પોતાની ખરાબ આદતોને લીધે તે પોતાનું કામ પણ વ્યવસ્થિત રીતે કરી શકતી નહોતી, તેના લીધે તેની કોઈ પણ જોબ ઝાઝું ટકતી નહીં. એની લાંબામાં લાંબી જોબ એક વર્ષ સુધી ટકી હતી, આ ઉપરાંત આ ખરાબ આદતને લીધે તેના ઉપર દસ હજાર ડોલરનું દેવું પણ થઇ ગયું હતું. એની આ આદતોથી કંટાળીને એના પતિએ એક દિવસ એને ડિવોર્સ આપવાનું નક્કી દીધા. લિસા આ બધું થયા બાદ ધીમે-ધીમે ડિપ્રેશનનો શિકાર થઇ રહી હતી.

લિસાને હંમેશાથી પિરામીડ જોવાની ખુબ ઈચ્છા હતી. એને સમજાતું નહોતું કે એની લાઇફમાં આખરે ચાલી શું રહ્યું છે? આટલી બધી મુઝવણમાં એ નક્કી કરે છે કે એક દિવસ એ ઈજીપ્તના પ્રવાસે જરૂરથી જશે જ! સવારે પોતાના રૂમમાં ઉઠીને જેવો તે સિગરેટ પીવા હાથ લંબાવે છે ત્યાં તેને કંઇક બળવાની સ્મેલ આવે છે જોવે છે તો એને ભૂલથી સિગરેટની જગ્યાએ પેન સળગાવી હોય છે અને એ સ્મેલ પ્લાસ્ટિક બળવાની આવતી હોય છે, આ જોઇને તે વધુ તણાવમાં આવી જાય છે કે આખરે એના જીવનમાં આગળ જઈને શું થવા ધાર્યું છે!

એ રાત્રે તેને એક સપનું આવે છે જેમાં તે અખૂટ અને વેરાન રણમાં ઉભી હોય છે અને અચાનક એને પોતાની અંદર કંઇક પીગળતું હોય એવું લાગે છે જાણે કે એને ખબર પડી ગઈ હોય કે એને જીવનમાં શું જોઈએ છે, એને આત્મજ્ઞાન થાય છે કે એને જીવનમાં એક ચોકકસ ધ્યેયની જરૂર છે, એક સાચી દિશાની જરૂર છે જેનાથી તે પોતાનો આ તણાવ ઓછો કરી શકે. સપનામાં જ એ કહે છે કે એક દિવસ જરૂરથી હું આ જગ્યાએ, આ રણમાં, આ પિરામીડો વચ્ચે પાછી ફરીશ અને ત્યારે આજે છું એના કરતા કંઇક અલગ બનીને આવીશ!

સવારે લિસા જયારે જાગે છે ત્યારે વિચારે છે કે એ મેદસ્વી છે, એકલી છે, એના પાસે કોઈ પૈસા નથી, ઉપરથી એ કયું રણ ને કયા પિરામીડ હતા એ પણ એને ખ્યાલ નથી કે એ ત્યાં જઈ શકશે કે કેમ એ પણ એના મગજમાં દ્વિઘા હતી. પણ, હવે એના પાસે એક ‘ગોલ’ હતો, એક ધ્યેય હતો!

બીજા જ દિવસથી એને આ માટે મહેનત કરવાની શરુ કરી દીધી, પોતાના સર્વાઈવલ માટે તથા પૈસાની બચત માટે થઈને તેને ‘સ્મોકિંગ’ને અલવિદા કહી દીધું. ‘સ્મોકિંગ’ની જગ્યાએ તેને રોજ ‘જોગીંગ’ કરવાનું શરુ કર્યું. એને એક ખરાબ આદતને સારી આદતથી રિપ્લેસ કરી નાખી. આ જોગીંગ કરવાને લીધે હવે તેની આખી લાઈફ-સ્ટાઈલ બદલાઈ ચુકી હતી. હવે તે રોજ વહેલા જાગતી, જોગીંગ કરવા જતી, પોતાની જાતને પહેલા કરતા વધુ ફીટ મહેસુસ કરતી.

બરાબર એક વર્ષ પછી તે ઈજીપ્ત જાય છે, એ જ અખૂટ અને વેરાન રણમાં જે તેનું સપનું હતું, હવે તે એકદમ બદલાઈ ચુકી હોય છે, તેની સમગ્ર જીવન-પદ્ધતિને એક સારી આદતે ધરમૂળથી ચેન્જ કરી નાખી હતી. થોડાક વર્ષોમાં તેણે પોતાનું વજન પણ ઉતારી નાખ્યું અને એક જવાંમર્દ યુવાન સાથે એન્ગેજમેન્ટ પણ કરી લીધી અને એક જ કંપનીમાં તે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહી હોય છે. આ બધી જ વસ્તુ માત્ર ને માત્ર એક સારી ટેવને કારણે થઇ.

કંઇક આવી જ વાત મહેશની પણ છે, અત્યંત સામાન્ય પરિસ્થતિમાં રહેનારો છોકરો, આર્થિક રીતે પણ કંઈ સદ્ધર નહિ અને ભણવામાં પણ એટલો બધો હોંશિયાર નહીં પણ એની એક જ સારી ટેવ એટલે કે સવારમાં વહેલા ૬ વાગે ઉઠીને બગીચામાં ચાલવા જવાની આદત! એક વાર એ વહેલા ઉઠીને ચાલવા જતો હતો એમાં બે આધેડ વયની વ્યક્તિઓની વાત સાંભળે છે કે આ સવારમાં ચાલીને અને કસરત કર્યા પછી ઘરે જઈને કકડીને ભૂખ લાગે છે. આ વાત સાંભળીને તેના મગજમાં વિચાર આવે છે કે કેમ ના અહીં કંઇક હેલ્થી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે! ઘરે જઈ તેને આ વાત પોતાની માતા અને બહેનને કરી. એમને તરત જ આ વાત વધાવી લીધી, પોતાના અમુક મિત્રો પાસેથી તેણે પૈસા ઉધાર માંગીને એને પોતાનો ધંધો શરુ કર્યો. શરુ-શરૂમાં એને બે-ત્રણ જાતના હેલ્ધી સૂપ વેચવાનું શરુ કર્યું, ધીમે-ધીમે જેમ કમાણી વધી તેમ-તેમ તે ઈડલી-વડા તેમજ થેપલા વેચતો પણ થયો, તેને પોતાનું દેવું પણ ઉતારી દીધું હતું, થોડા જ વર્ષોમાં એનો ધંધો એકદમ સેટ થઇ ગયો અને એને એકમાંથી બે લારી કરી નાખી. રોજનું વેચાણ હવે પાંચથી દર હજારનું થાય છે. એક સારી આદતે મહેશનું આખુ જીવન બદલી નાખ્યું. 

સફળ થવાનો બસ આ જ એક રસ્તો છે, પોતાની ખરાબ આદતો અને નબળાઈઓને શોધીને તેને સારી આદતોમાં બદલી નાખવી. એક નાનકડી એવી સારી આદત પણ ક્યારે આપણને સફળતાની સીડી ચડતા કરી દેશે ને એ આપણને ખુદને પણ ખબર નહિ રહે!

 

આફ્ટર-શોક

THE DIFFERENCE BETWEEN SUCCESSFUL PEOPLE AND VERY SUCCESSFUL PEOPLE IS THAT VERY SUCCESSFUL PEOPLE SAY ‘NO’ TO ALMOST EVERYTHING.

– WARREN BUFFETT

Anant Gohil (અનંત ગોહિલ)

Anant Gohil (અનંત ગોહિલ)

Made with by cridos.tech