ચાલો પાછા જઈએ…

ગદ્ય લેખ 4023

નવું વર્ષ શરુ થઇ ગયું. આપણે સૌએ ભરપુર ઉજવણી પણ કરી હશે. સમય પોતાની ગતિએ વહેતો જ રહે છે. પણ આ એકવીસમી સદીમાં જાણે એ ખુદ ઉતાવળમાં છે. તમારી સૌની ખબર નહિ પણ મને લાગે છે કે વર્ષો ખુબ ઝડપથી વીતતા જાય છે. આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્ય ખુબ ઉજળું છે. સૌ મોટાં થઇ રહ્યા છે- ઉંમરમા, પદ-પ્રતિષ્ઠામાં. દેશ પણ મહાસત્તા બનવા જઈ રહ્યો છે. પણ અમુક સાવ મૂળભૂત વાતો માટે મને એમ થાય છે કે આપણે ખરેખર પાછળ જવાની જરૂર છે.

આ વખતે ટાઇમ મેગેઝીનનાં ‘પર્સન ઓફ ધ યર’નો એવોર્ડ એક twitterની મૂવમેન્ટને મળ્યો જેણે સ્ત્રીઓને (ઈનફેક્ટ પુરુષોને પણ) જાતીય શોષણ સામે અવાજ ઉઠાવાની હિંમત અને જગ્યા આપી. ખરેખર કહું તો આ હેશ-ટેગએ એવું કહેવાં માટે પ્લેટફોર્મ આપ્યું કે હું પણ એ લોકોનાં લીસ્ટમાં શામેલ છું જેમનાં પર શારીરિક કે માનસિક શોષણ થયું હોય. કેવી રીતે, ક્યાં, ક્યારે અને કોનાથી એ તો પછીની વાત છે. ખબર છે, નાનાં હતાં અને ગલીમાં ક્રિકેટ રમતાં ઝગડો થાય તો કેટલું સહેલાઈથી મમ્મી-પપ્પાને જઈને કહી દેતા હતા કે, ‘મને આણે માર્યું’! એ જ રીતે બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝગડો થાય તો તરત મમ્મીને કેહવાય જતું હતું. હજી પણ ‘મારો બોસ મારું લોહી પીવે છે’, ‘આ કંપની કામ કરાવીને તેલ કઢાવી નાખે છે’ વગેરે કહી જ દઈએ છીએ ને? તો આટલી મહત્ત્વની અને ધૃણાસ્પદ ઘટના આપણે કેમ પરિવારજનોને અને એનાથી બહાર દોસ્તો કે સમાજમાં નથી કહી શકતા?

આટલા મોડર્ન સમયમાં પોતાની સાથે થયેલા દુર્વ્યવહારની વાત કરવા માટે કોઈ એક વ્યક્તિએ ચળવળ શરુ કરવી પડે? અથવા એક વાર કોઈ એક વ્યક્તિ હિંમત દર્શાવે એના પછી લાંબુલચક લીસ્ટ બને કે કેટલા વ્યક્તિઓ સરખી પરિસ્થતિમાંથી પસાર થયેલા છે? ચાલો સમયમાં પાછાં જઈએ; બાળપણ કે ટીન-એજમાં, જ્યારે તરત દોડીને બધું મમ્મી કે બેસ્ટ ફ્રેન્ડને કહી દેતા હતા. મને ખરેખર ખબર નથી કે એક વખત કીધા પછી શું થઇ શકે, કેવી રીતે ન્યાય મળે અથવા શું પગલાં ભરી શકાય. પણ એકલા એકલા મગજમાં ઘૂંટીને દુખી થવું અથવા ફફડાટ સાથે જીવવું એના કરતાં તો ચોક્કસપણે સારું જ થશે.

બીજી બાબત જે સમયમાં પાછાં જવાલાયક છે એ છે લોકો સાથે વાત કરવાનું માધ્યમ અથવા રીત. એક તો આપણે સૌએ સોશિયલ મીડિયાને સર્કસ બનાવી દીધું છે, જાતે જ પોતાની પર્સનલ વાતો અને બનાવોની જાહેરાત કરવા પૂરતું જ એને વાપરીએ છીએ અને એ પણ આખો-આખો દિવસ. Even જયારે આપણે પરિવાર સાથે છીએ, દોસ્તો સાથે કે કોઈ પ્રસંગમાં છીએત્યારે પણ મોબાઈલ ચાલુ ને ચાલુ જ. ઘણીવખત તો આપણે એવું પણ કરી દઈએ કે જ્યાં ગયા હોઈએ ત્યાં મોબાઈલ પર ચેટ કરીશું અને આજુબાજુ બેઠેલા વ્યક્તિઓ સાથે હાઈ-હેલ્લો પણ નહિ. એવી જ રીતે ઘણી વખત સામેવાળું કંઇક બોલી રહ્યું છે અને આપણું ધ્યાન મોબાઈલમાં જ છે. માન્યું અમુક વાર આવા મેળાવડામાં મજા નથી આવતી અથવા સાથે કોઈ પોતાની ઉંમરની કંપની નથી હોતી. જયારે મોબાઈલ નહોતા ત્યારે આવી પરિસ્થિતિ આવતી જ હતી ને? ત્યારે નાછૂટકે વાતો સાંભળતા હતા અથવા પોતાની ઉંમરનાં વ્યક્તિઓ શોધી રમવાં કે વાત કરવા લાગી જતા હતા. એ જ રીતે મુસાફરી કરતી વખતે બસ કે ટ્રેનમાં આજુબાજુનાં મુસાફરો સાથે દોસ્તી થઇ જતી. હવે તો ખબર પણ નથી હોતું બાજુમાં કોણ છે!

ચાલો સમયમાં પાછાં જઈએ અને જે આજુબાજુ ખરેખર હાજર છે એમની સાથે સમય પસાર કરીએ; ભલે અમુકવાર કમને કરીએ, પણ કરીએ. ખરેખરા લોકો સાથે ખરેખરી વાતો કરીએ અને ધ્યાનપૂર્વક સાંભળીએ. ભલેને ઓટલે બેસીને પંચાત જ કેમ ના કરીએ. (આપણી પેઢી એ જ કામ ફેસબુક અને whatsapp માં કરે છે!)

ત્રીજી અને ખૂબ વધારે જરૂરિયાત છે કે આપણે દરેક વસ્તુમાં પોતાનો મત નહિ આપવા વાળા સમયમાં પાછાં જતાં રહીએ. અત્યારે સોશિયલ મીડિયામાં દરેકને પોતાનો મત આપવો છે. કશી જાણકારી નથી, કંઈ જ ખબર નથી તો પણ ઓનલાઈન થનારાં યુદ્ધોમાં ભાગીદાર બનવું છે અથવા તો યુદ્ધો શરુ કરી દેવા છે. પ્રસિદ્ધ હસ્તીઓના લગ્ન, મરણ કે કારકિર્દી વિશે; દેશનાં ભવિષ્ય, વિદેશનીતિ અને દેશ કેમ ચલાવવો એના વિશે; કોણે શું પહેરવું, શેનાં વિશે ફિલ્મ બનાવવી અને એમાં શું દર્શાવવું એના વિશે; કોણે એક વ્યક્તિની already કરી દીધેલી કોમેન્ટ પર શું કહેવું એના વિશે દરેકને બોલી લેવું છે.

એ સમય સારો હતો જયારે ભલે તરત બધી જાણકારી નહોતી મળતી. એક કે બે અખબારો અને સામયિકોમાં જ માહિતી પ્રકાશિત થતી હતી અને આપણે એમાંથી વાંચીને, સમજીને પોતાનું જ્ઞાન વધારતાં હતા. પણ વારે-તહેવારે લોકો વચ્ચે સાવ નબળી માનસિકતાના આધારે યુદ્ધો તો ન્હોતા થતા! પોતાનો જે કંઈ મત હોય એ આપણે સમજી વિચારીને અમુક જ લોકો આગળ મૂકતા અને એ લોકો સાથે જ અર્થપૂર્ણ ચર્ચા થતી. કદાચ પોતાની વાતની રજૂઆત કરવાનાં ઓછાં માધ્યમો હતા એટલે આપણે એક વાર વિચારીને, ફિલ્ટર કરીને વાતો રજૂ કરતા હતા. ભલે જ્ઞાન મેળવવાનાં માધ્યમો વધારતાં જઈએ પણ આપણો મહામૂલો અભિપ્રાય આપવાનાં માધ્યમો જૂના સમયના રાખવામાં જ ભલાઈ છે.

સાદું જીવન, સરળ લોકો, સાદો આહાર, ભણતર કરતાં પણ સારું ગણતર તથા વ્યવહાર કુશળતા અને લોકોની ખરેખરી એકબીજા માટેની લાગણીઓ. મારે પોતે તો આ બધાં મુદ્દે પણ પાછળ જવું છે, પણ એના પહેલાં આ જે લખ્યાં છે એવાં સરળ અને તરત થઇ શકે એવા ઉપાયો તો અજમાવી જોઈએ.

Manori Shah (મનોરી શાહ)

Manori Shah (મનોરી શાહ)

Made with by cridos.tech