યંગિસ્તાન / અભી ના જાઓ છોડકર

ગદ્ય લેખ 3888

‘Gangs of Wasseypur’ ને યાદ કરું, ત્યારે મને સૌથી વધારે યાદ આવતો ડાયલોગ છે – ‘હિન્દુસ્તાન મેં જબ તક સિનેમા રહેગા, લોગ *** બનતે રહેંગે. ને જયારે આ દેશની કરંટ સિચ્યુએશન પર વિચાર કરું, ત્યારે આ ડાયલોગનું મોડીફાઈડ (‘મોદીફાઈડ’ નહી) વર્ઝન યાદ આવે. “હિન્દુસ્તાન મેં જબ તક પોલિટીક્સ રહેગા, લોગ *** બનતે રહેંગે.”

જુન મહિનાના અંકમાં આ જ કોલમમાં મેં ‘મૂળ ભારતીય’ શબ્દ પ્રયોજીને કઈ હદે કોઈકની સફળતાની ક્રેડીટ ખોટેખોટી દેશના નામ પર ચડાવી દેવામાં આવે છે, એની વાત કરેલી. તમે એ આર્ટીકલ ના વાંચ્યો હોય અને હવે વાંચવાની ઈચ્છા હોય તો, અમારા ફેસબૂક પેજ પર એ ઉપલબ્ધ છે, અથવા મને મેઈલ કરીને પણ મંગાવી શકો છો. એમાં મેં છેલ્લે એવો પોઈન્ટ મુકેલો કે, એવું અહીં શું નથી અને બહાર શું છે, કે લોકો અહીં રહેવા નથી માંગતા? કેમ અહીંની સીસ્ટમ અને ડેવલપમેન્ટ(હા, એ જ ‘વિકાસ’) પર ઘણા લોકોને ભરોસો નથી અને મોટાભાગના અકળાયેલા સ્કોલર સ્ટુડન્ટ ફટાફટ ફોરેન ભાગી જઈ, ત્યાં જ ભણી, ત્યાં જ સેટલ થઈ જાય છે?

ભારતમાં આશરે કુલ વસ્તીની ૭૦ ટકા વસ્તી ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમરની છે. રાષ્ટ્રીય યુવા નીતિ અનુસાર ૧3 વર્ષથી ૩૫ વર્ષ સુધીની વ્યક્તિઓને યુવા ગણવામાં આવે છે, જે આશરે કુલ વસ્તીના આશરે ૪૦% છે. નવાઈની અને ખૂબ આઘાત લગાડનારી વાત એ છે કે, દેશની કૂલ વસ્તી માટે મધ્યસ્થ ઉંમર (median age) ૨૫ વર્ષ છે, પણ દેશના નેતાઓની મધ્યસ્થ ઉંમર ગણવામાં આવે તો એ આશરે ૬૫ ઉંમર થાય છે. આથી કુલ વસ્તી અને નેતાઓની મધ્યસ્થ ઉંમરનો તફાવત ૪૦ વર્ષ છે. આનો સીધો અર્થ એ થયો કે, દેશના માળખા પ્રમાણે દેશના યુવાઓનું પ્રતિનિધિત્વ કરવાવાળા ‘યુવા’નેતા આંગળીના વેઢે ગણાય એટલા જ છે. જનરેશન ગેપને લીધે સ્વાભાવિક છે કે, ઘરમાં પણ કુલેહો થતા હોય, તો આવડા મોટા દેશમાં યુવાનો પોતાની જિંદગીના બધા નિર્ણયો આવા (અભણ) બુઢ્ઢાઓના ભરોસે કઈ રીતે મુકે? યુ.એસ.માં કુલ વસ્તી અને નેતાઓની મધ્યસ્થ ઉંમરનો તફાવત ૨૩ વર્ષ અને જર્મનીમાં તો ખાલી ૧૦ વર્ષ છે. આથી સ્પષ્ટ છે કે, આપણા દેશમાં યુવાઓ ‘compromised’ થાય છે. કોઈ પણ ચળવળ તમે લઈ લો, એ ભલે આપણી આઝાદીની લડત હોય કે પછી અમેરિકામાં થયેલી સિવિલ રાઈટ્સની ચળવળ, એ શરુ કરનાર બધા યુવાનો જ હતા. 

હકીકત એ છે કે, કોઈ ચેન્જ લાવી શકે એમ છે તો એ કેવળ ને કેવળ યુવાનો જ છે. પણ યુવાનો ચેન્જ માટે ધીરજ નથી ધરી શકતા? કેમ? વધતું જતું ભણવાનું દબાણ, જોબ-સ્કીલ વગરનું ભણતર, એ પછી પણ બધે જ કમ્પેટીશનનો માહોલ, સામાજિક દબાણ,  બેરોજગારી, કરપ્શન, ને એ બધું ભેગું થાય ત્યારે અથવા ખરાબ સંગતને લીધે વ્યસન, એ વ્યસનને પરિણામે નોન-કમ્યુનિકેબલ ડીસીઝનું વધતું જતું પ્રમાણ… યુવાનો સામે સમસ્યાઓ ઘણી છે, ને સામા પક્ષે એમનો હાથ ઝાલવાવાળું કોઈ નથી. યંગ સ્કોલર્સ ઇન્ડિયા મુકીને બહાર જતા રહે છે, એમાં મને કોઈ બે મુખ્ય મુદ્દા લાગતા હોય તો એ છે : બેરોજગારી અને અનામત. બન્ને આમ જોવા જાવ તો એકબીજા સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલી છે. અનામતની વાત કરું તો, આ એક એવું ઘુસી ગયેલું દુષણ છે, જે કોઈને શાંતિથી જપ લેવા નથી દેતું. ઓપન કેટેગરીમાંથી આવતા યુવાનો ભણતરમાં અને નોકરીમાં, બન્ને જગ્યાએ ખેચાઈ જાય, છતાં તેઓ જેના માટે લાયક છે, એ એમને મળતું નથી. અનામત વિષે ઘણું લખાયું છે, એ વિષે મારે અત્યારે કોઈ ચર્ચા નથી કરવી.

પણ એક બાજુ સરકાર ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ની ડંફાશો મારવામાંથી ઉંચી નથી આવતી અને સ્કોલર સ્ટુડન્ટ આ સીસ્ટમથી કંટાળીને સારું ભણવા કે સારું કેરિયર સેટ કરવા વિદેશ ભાગી જાય છે. મારી જ વાત કરું તો, મારી સાથે સ્કૂલમાં ભણતા હતા, એવા ઓપન કેટેગરીમાંથી એન્જીન્યરીંગ અને ફાર્મસી કરેલા ૬૦% કરતા પણ વધુ કલાસમેટ અત્યારે ભારત છોડીને જતા રહ્યા છે. ને નવાઈની વાત એ છે કે, એમાંથી કોઈ એટલે કોઈ રિઝર્વ્ડ કેટેગરીમાં નથી આવતું. મારા મેડીકલ ફિલ્ડમાં પણ હવે ફોરેનનો ક્રેઝ વધવા લાગ્યો છે અને મને પણ રહી રહીને આ દેશ છોડી દેવાની ઈચ્છા થઈ છે.

તો શું અમે બધા દેશભક્ત નથી? ના એવું નથી. પણ એવું માની બેઠા છીએ કે, અહીં અમારું કંઈ ઉકળે એમ નથી. ‘A Wednesday’ ના નસીરુદ્દીનના શબ્દોમાં કહું તો, “હમે હમારા પેટ પાલના પડતા હૈ સાહબ..” આફ્ટરઓલ દેશની શરૂઆત પોતાના ઘરથી જ થાય છે. પહેલા તો થોડી ઘણી આશા પણ હતી, પણ એક બહુ મોટા નેતાએ જ્યારથી શિક્ષિત બેરોજગાર યુવાનોને શેરીના નાકા પર ઉભા રહી પકોડા વેચવાની સલાહ આપી, એ સાભળીને બધી આશા હવે ઠગારી નીવડી છે. 

હું ખાલી અનામતનો વાંક પણ આમાં ના કાઢી શકું. તાજું જ ઉદાહરણ આપું. વારેવારે સાંભળવા મળે છે કે, દેશમાં ડોક્ટરો ખૂટે છે, ખૂટે છે. પણ હકીકત એ છે કે, ડોક્ટરો ફક્ત અને ફક્ત નાનાનાના ગામડાઓના નાનાનાના હેલ્થ-સેન્ટરોમાં ખૂટે છે. એનું રીઝન એ છે કે, ત્યાં કોઈ ડોક્ટર રહી શકે કે બીજે રહીને ત્યાં અપ-ડાઉન કરી શકે (સરકારે નક્કી કરેલા પગારધોરણમાં) એવું વાતાવરણ જ નથી હોતું. એક તરફ અભણ નેતાઓ સરકારી ગાડીઓમાં મસ્ત થઈને ફરતા હોય, બીજી બાજુ કોઈ ડોક્ટર એટલી મજુરી કરીને ભણ્યો હોય, એ શું કામ આવા મામુલી (એ વાતાવરણ પ્રમાણે પચાસ હજાર મામુલી જ કહેવાય) પગારમાં સાવ અંતરિયાળ ગામડાઓમાં જોબ કરે? સરકારે કાં તો એમનો પગાર વધારવો જોઈએ અથવા તો ત્યાં એ શાંતિથી કામ કરી શકે, એવું વાતાવરણ ઉભું કરવું પડે.

ચાલો આ તો એક વાત થઈ. કદાચ એવું માની લઈએ કે, ડોક્ટરો ઘટે છે, એમની સીટ્સ ખાલી પડી છે, તોય એ લોકો જોબ નથી લેતા. પણ મારા મત મુજબ દેશમાં ફાર્માસિસ્ટનો તો એન્જિનિયરની જેમ રાફડો જ ફાટી નીકળ્યો છે અને ઘણા બેરોજગાર રખડે છે. હે ને? તો પણ હું જે પ્રાયમરી હેલ્થ સેન્ટર પર એક મહિના પહેલા પોસ્ટેડ હતો, ત્યાં અને બાજુના ગામના બીજા બે પ્રાયમરી હેલ્થ સેન્ટર – ત્રણેય વચ્ચે એક જ ફાર્માસિસ્ટ સરકારે નિયુક્ત કરેલો. સરકારે સીટો ખાલી હોવા છતાં ભરતી પણ બહાર નથી પાડી અને એ એક ફાર્માસિસ્ટ પાસે સરકાર ત્રણેય સેન્ટરોનું કામ કરાવી લે છે. આ છે સરકારનો એજન્ડા. અત્રે આ સેન્ટરો પર ફાર્માસિસ્ટનો પગાર પુરા એકત્રીસ હજાર હોય છે અને આટલા પગારમાં કોઈ પણ ફાર્માસિસ્ટ (બેરોજગાર ના હોય છતાંય) કામ કરવા તૈયાર થઈ જ જતો હોય છે. આમ લાયક યુવાનોની બેરોજગારી જ એમને અહીં પ્રત્યે અણગમો પેદા કરે છે અને એ લોકો ના ચાહવા છતાં બીજા દેશ તરફ ખેંચાય છે. આ સિવાય આ દેશ છોડી જનાર માટે એક કારણ અહીંનો (ખૂબ વધારે) ભ્રષ્ટ્રાચાર પણ છે. હવેના યુવાનો આ સાવ બગડી ગયેલા – સડી ગયેલા વાતાવરણમાં શ્વાસ લઈ શકે એટલા સક્ષમ નથી રહ્યા. એમને કંઈક નાવીન્ય જોઈએ છે, શાંતિ જોઈએ છે.

હું કોઈ પક્ષનો સમર્થક નથી. પણ હું એ પ્રત્યેક એજન્ડાનો વિરોધી છું, જે દેશને અધોગતિના માર્ગે લઈ જઈ રહ્યો છે.  પણ જ્યાં સુધી આ બધા રાજકારણીઓને એકસાથે ઉભા રાખીને ગોળી મારી દેવામાં નહી આવે, ત્યાં સુધી આગળ કંઈ થવાનું નથી, એ હકીકત છે. કમ સે કમ એ ના થઈ શકે તો કંઈ નહી, પણ કોઈ એક પક્ષનું પુંછડું પકડીને કુદવાનું તો બંધ થવું જ જોઈએ અને ન્યુટ્રલ વિચારવું જોઈએ કે, કોઈ આપણા કાકા-મામાના દીકરા નથી થતા અને કોઈ ‘નેતો’ મોટા દેશભક્તની ઔલાદ નથી, બધા (બધા એટલે બધા જ) સાવ ઉતરતી કક્ષાના છે. 

અંદર-અંદર ઝઘડા કરવાનું બંધ કરીને આપણે વિચારવું જોઈએ કે, જો આ રીતે દેશનું સબળ યુવાધન બહાર જતું રહેશે, તો સરવાળે અહીં વધશે કોણ? દેશ કોના ભરોસે ચાલશે? રામભરોસે કે અલ્લાહભરોસે? એ એક વાતમાં પણ આ મહાન દેશની મહાન પબ્લિક એકમત થાય તોય ઘણું… 

 આઝાદી મુબારક.  

 

PACK UP 

Leadership is not about the next election, 

but about the next generation.

– Simon Sinek

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech