આધુનિક ગુલામી / ચલણી નાણું અને બેંકિગ સિસ્ટમ / છાપેલા કાગળ જ્યારે કાંડા કાપી નાખે

અન્ય ગદ્ય 4053

અર્થતંત્રના ‘અ’ સાથેય જે આમ આદમો-ઈવોને બાર ગાઉનું છેટું હોય, એમના કાન પર સતત એક વાક્યનો પ્રહાર કરાય છે, યા તો એમ કહો કે એ વાક્ય સતત બ્લેકમેઇલિંગની ભાષામાં વપરાય છે; અર્થતંત્ર તાજુંતમ રાખવા માટે પૈસો સતત ફરતો રહેવો જોઈએ. પરંતુ બિલ્યન ડોલર ક્વેશ્ચન એ કે, જનસામાન્યની તન વત્તા મન-દુરસ્તીનું શું? ચલણી નાણાનો અર્વાચીન ઇતિહાસ બોલે છે કે ચીનમાં વિકસેલું પેપરમની યુરોપમાં લઈ આવનાર મનેખ હતો, પ્રવાસી માર્કો પોલો. એ પહેલા નક્કર ધાતુના સિક્કાઓ વિશ્વભરમાં વેપાર-વ્યવહારનો મુખ્ય આધાર હતા. પરંતુ મોટા આંકડાની સંપત્તિનાં સ્થળાંતરમાં લૂંટારાઓના ડરને કારણે સમય જતા અધિકૃત સત્તાઓ વડે મુદ્રિત કાગળ વેપાર માટે અનુકૂળ થવા લાગ્યો.

યાદ રાખવાની વાત: પેલો મુદ્રિત કાગળ ખરી સંપત્તિ નથી. એ કાગળનું મૂલ્ય ત્યાં સુધી જ જળવાઈ રહે છે, જ્યાં સુધી છાપનાર સત્તા એને મંજૂર રાખે. (અહો નોટબંધી!) સદીઓથી માણસ સોના/ચાંદી/જમીનને ખરી સંપત્તિ ગણતો આવ્યો છે, એની પહેલા આદિકાળમાં મવેશો ખરી સંપત્તિ ગણાતા. વર્તમાનમાં નોટબંધી વખતે ઘણા ધનપતિઓ બ્લેકમની વ્હાઇટ કરવા સોનું ખરીદવા ધસી ગયેલા. કારણ કે, કુદરતમાં અત્યંત સીમિત માત્રામાં રહેલી આ ધાતુઓ કાયમ પોતાનું મુલ્ય જાળવી રાખે છે.

આ મુખ્ય તફાવત છે, ચલણી નાણા અને સંપત્તિમાં. પ્રિન્ટેડ કરન્સી મનુષ્યના પરિશ્રમ પ્લસ સમયને એવા કાગળમાં બાંધે છે જેની આવરદા ક્ષણજીવી છે. જ્યારે સોનું/ચાંદી/જમીન જેવી ચિરકાલીન સંપત્તિ મનુષ્યના પરિશ્રમ/સમયને સદીઓ સુધી સાચવી રાખવાની ખાત્રી આપે છે. કિંતુ, ધાતુઓ અને જમીનને રોજબરોજના પરચૂરણ વ્યવહારોમાં વાપરી નથી શકાતી અથવા વાપરવામાં અગવડ પડે છે. એના નિરાકરણ માટે પ્રજાએ ફરજિયાત બેંક અથવા સરકાર દ્વારા અધિકૃત પેપરમનીની શરણે જવું જ રહ્યું. આ પેપરમની આર્થિક વ્યવહારોને ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે, પ્રજા સુખેથી ખાઈ-પીને રાજ કરે છે!

સબૂર! ગોલમાલ ત્યાં જ શરૂ થાય છે. જાણે-અજાણે મનુષ્ય નામે માછલી આ પેપરમનીની જાળમાં એવી ફસાઈ ગઈ છે કે બહાર નીકળવાની સંભાવના શૂન્ય છે! ૨૧મી સદીનું કદાચ સૌથી મોટું ઓપન સિક્રેટ આ છે: યુએસએનાં અર્થતંત્રનો દોરીસંચાર કરતી ફેડરલ રિઝર્વ બેંક સરકારી નહીં બલકે સંપૂર્ણ ખાનગી છે. જી હાં, જગતનો ઘણોખરો આર્થિક વ્યવહાર જે ડોલર પર ચાલે છે એને મોનિટર કરતી સંસ્થા ખાનગી માલિકીની છે. બીજી તરફ, ભારતની રિઝર્વ બેંક જેવી સંપૂર્ણ સરકારી સંસ્થા પાવરફૂલ લોબિઇસ્ટોના પ્રભાવથી મુક્ત રહેતી હશે એ માનવામાં સમજદારી નથી. પાછલા વર્ષે સરકારે ડૂબતી બેંકોને ઉગારવા ૩૨ અબજ ડોલર/૨.૧૧ લાખ કરોડનાં બેઇલઆઉટનું આયોજન કર્યું છે. આટલું નાણું ક્યાંથી આવશે? હવામાંથી?! આ માટે સરકાર ઈચ્છે એટલી કરન્સી છાપી શકે છે, પરંતુ એક મહત્વનો સવાલ ઊભો થાય છે: આ પેપરમનીની બજારમાં કિંમત ન જળવાય તો શું? ‘ઇકોનોમિક ટાઇમ’ સરકારનાં આ પગલાને આમ નાગરિક માટે નુકસાનકારક ગણાવે છે. સ્પષ્ટ વાત છે. આ પેપરમની સીધું તો નાગરિકોના હાથમાં નથી જવાનું. એમાનો ઘણો હિસ્સો મોટી માછલીઓ આંચકી જશે!

સોનાનું મહત્વ સદીઓથી અકબંધ રહેવાનું કારણ એટલું જ કે, ચલણી નોટો જેમ છાપખાનામાં એનું સર્જન શક્ય નથી. જ્યારે મોર્ડન બેંકિગ સિસ્ટમની રગેરગમાં સંપૂર્ણપણે મુદ્રિત અધિકૃત કાગળો દોડી રહ્યા છે! સરકાર અને મોનિટરી બેંક આ રીતે હવામાંથી કરન્સી છાપે એને ‘ક્વોન્ટિટેટીવ ઇઝિંગ’ કહે છે. ૨૦૦૫ પછી આજ સુધીમાં ભારતનાં અર્થતંત્રમાં છાપેલી નોટોનો જથ્થો આશરે સાડા ચારસો ટકા જેટલો વધ્યો છે. આ ઘટના ચીન, અમેરિકા સહિત અન્ય નાના દેશોમાં પણ આજની તારીખે ઘટી રહ્યી છે. છાપેલી નોટોનું પૂર આવ્યું છે જાણે!

બજારમાં મુદ્રિત નાણાનો પ્રવાહ વધવાથી લાંબા ગાળે ફૂગાવો જન્મે જ. જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધે; ખોરાક, પાણી, વીજળી અને આરોગ્ય જેવી બાબતો પર તળના માણસે પહેલા કરતા વધારે ખર્ચ કરવો પડે. જ્યારે વાસ્તવમાં એમના હાથમાં એટલું બધું પેપરમની/વેતન પહોંચ્યું જ નથી હોતું. એ પેપરમની સીધી રીતે બેંકનાં અને આડકતરી રીતે મોટી માછલીઓનાં તાબામાં રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે ‘હેલિકોપ્ટર મની’ સંકલ્પના પણ વિકસી છે, જે પેપરમની સીધું જ અસરગ્રસ્ત લોકોના ખાતામાં જમા કરવાનું સૂચવે છે. ભાગ્યે જ કોઈ સરકાર વગદાર ધનપતિઓને નારાજ કરી આવું કરવાની હિંમત દેખાડે! તળના માણસને ક્યારેય હેલિકોપ્ટર મનીનો ફાયદો મળતો નથી, પણ ભાવવધારાનું કષ્ટ તો એને વેઠવું જ રહ્યું. આ ઘણી ગંભીર સમસ્યા છે, છતા વાંરવાર એનું રટણ થયું હોવાથી આ પ્રકારની દાલ-રોટીની ચિંતા આઉટ-ઓફ-ફેશન ગણાય છે!

સરેરાશ મનુષ્યને કહેવામાં આવે છે: પૈસો ફરતો રહેવો જોઈએ! બિટ્વીન ધ લાઇન્સ એમ વાંચવાનું છે કે, ચિરકાલીન સ્વરૂપમાં પૈસાનો યાને કે શારીરિક/માનસિક પરિશ્રમનો સંગ્રહ ન કરવો! મુદ્રિત કરન્સીની કિંમત સમયાંતરે નીચે આવતી જાય છે. શારીરિક/માનસિક પરિશ્રમની કમાણીમાંથી કરેલી બચતને સામાન્ય મનેખો મહદંશે સરકાર દ્વારા અધિકૃત છાપેલા કાગળનાં સ્વરૂપમાં સંગ્રહે છે, નહિં કે ખરું મૂલ્ય ધરાવતી સંપત્તિમાં. બેંક એકાઉન્ટમાં સંઘરેલું એ નાણું રીઅલ મની નથી, એનું મૂલ્ય તકલાદી છે.

૨૦૦૮ની મંદી વખતે અમેરિકામાં હોમલોન બાબતે જે થયેલું, કંઈક એવું જ વર્તમાનમાં ભારતમાં બન્યું છે. બેંકો વગદાર લોકોને આંખ મીંચીને લોન આપવા માંડે છે, પૂર્ણ સભાનતા સાથે કે એ બધી ‘બેડ-લોન્સ’ છે, જેનાથી બેંક નાદાર થશે. બેંક ડૂબમાં જાય એટલે ખાતાધારકનાં એકાઉન્ટમાં સંઘરાયેલી, ખાતાધારકે જેનાં પર જિંદગીભરનો ભરોસો મૂક્યો હોય એ અધિકૃત કરન્સી પણ હવા થઈ જાય! એ પછી બેઇલઆઉટ વડે સરકાર દ્વારા ફરીથી પૈસા આખરે તો એ જ મોટી માછલીઓના હાથમાં આવે જે આ સમસ્યા પાછળ દોષી હોય! ટૂંકમાં મોર્ડન ઇકોનોમિક્સ એક એવું મહા-બ્લન્ડર છે જે સામાન્ય માણસને, ભલે એ ગમે એટલો શ્રમ કેમ ના કરે, કરન્સી અને બેંકિગ સિસ્ટમ વડે સતત ગુલામીની અવસ્થામાં રાખે છે.

વાત પચાવવી અઘરી લાગે, પણ આ હકીકત છે. ધનપતિઓ અને વંચિતો વચ્ચેની ખાઈ વિશાળ થઈ રહી છે. જનસામાન્ય આભાસી મૂલ્ય ધરાવતી કરન્સી માટે પરસેવો વહાવે છે, ત્યાં બીજી તરફ ખરી સંપત્તિ અને કુદરતી સંસાધનો પર વગદાર વર્ગનો સાપ કુંડલી મારીને બેઠો છે! લંડનનાં ‘ટેક્સ જસ્ટિસ નેટવર્ક’ જૂથનું એક સંશોધન જણાવે છે કે, કુલ ૧૩૯ વિકાસશીલ રાષ્ટ્રોનાં ધનાઢ્ય લોકોએ ૧૯૭૦થી ૨૦૧૦ સુધી આશરે ૭ થી ૯ લાખ કરોડ ડોલરની સંપત્તિ ટેક્સ-હેવન દેશોમાં સંઘરી રાખી છે. આ સંપત્તિ એટલે નકામું પેપરમની નહીં, પણ રિઅલ એસ્ટેટ, સોનું, લક્ઝરી યૉટ, રેસ માટેના ઊંચી જાતના ઘોડાઓ એટસેટરા!

 વિકાસશીલ દેશો લોન આપનાર વર્લ્ડ-બેંક કે આઇએમએફની દેવાદાર છે. એવા દેશમાં જન્મતો દરેક નાગરિક અનિચ્છાએ પણ આંતરરાષ્ટ્રીય બેંકોનો કર્ઝદાર બને છે! નાગરિક જિંદગીભર સીધા અને આડકતરા ટેક્સ ભરીને ભ્રષ્ટ સરકારોનું દેવું ભર્યા કરે છે. વાસ્તવમાં આ દેવું ક્યારેય ભરાતું જ નથી. મુદ્દલ છોડો, ફક્ત વ્યાજનો જ આંકડો એટલો વિકરાળ બની જાય છે કે, એટલું કુલ ચલણી નાણું તો બજારમાંયે અસ્તિત્વ નથી ધરાવતું હોતું! અર્થતંત્ર આખરે આંકડાઓનો ખેલ બની જાય છે. આમ આદમી ગમે એટલું કમાઈને ઘસાઈ જાય, એનું જીવનધોરણ એક હદથી વધારે ઊંચે નથી આવતું!

આજે ઘણા જાગૃત નિષ્ણાંતો મનુષ્યને આધુનિક બેંકિગ સિસ્ટમ અને પ્રિન્ટેડ કરન્સીનાં ગુલામ ગણાવે છે; પ્રાચીનકાળની ગુલામી પ્રથા લુપ્ત થયા પછી મુઠ્ઠીભર સાંમતવાદીઓએ બેંકિગ સિસ્ટમના દુરુપયોગ વડે ઊભી કરેલી અદૃશ્ય વેઠપ્રથા! વિચારો, શા માટે અમુક વર્ષ પછી પેપરમનીનું અવમૂલ્યન થઈ જાય છે? અમુક દાયકા પહેલા મનુષ્યે પોતાનો જે પરિશ્રમ નિશ્ચિત કરન્સી સ્વરૂપે સંગ્રહ કર્યો હોય, એ પરિશ્રમ વર્તમાનમાં કરન્સીનાં મૂલ્યનાં ધોવાણને કારણે શા માટે કોડીના દામનો થઈ જાય છે? શા માટે કોઈ પણ દેશની સરકાર એવું ચલણી નાણું સર્જવામાં સફળ નથી રહી જેનું મૂલ્ય લાંબા ગાળા સુધી સ્થિર રહે?

અર્થશાસ્ત્રને ઘણો પેચીદો વિષય બનાવી દેવામાં આવ્યો હોવાથી સામાન્ય માણસને આવા કેટલાયે પ્રશ્નોના જવાબ તરત નથી મળતા. બેંકિગ સિસ્ટમ એક સાધન છે જેનો ઉપયોગ કરીને ટોચ પર રહેલો વર્ગ તળના વર્ગને પરોપજીવી જેમ ચૂસી રહ્યો છે!  ખ્યાતનામ ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’ના ડોક્ટરેટ, ૧૯૨૮માં બ્રિટનની રાષ્ટ્રીય બેંકના ડિરેક્ટર બનેલા જોશાયા સ્ટેમ્પ કહે છે: બેંકિગનો વિચાર દુષ્ટતા અને પાપમાં ઊછરેલો છે. બેંક વિશ્વની સંપત્તિની માલિક છે. એ સંપત્તિ એમની પાસેથી છીનવી લો, પણ પૈસા છાપવાની સત્તા રહેવા દો. અને પેનના ઘસરકા માત્રથી બેંકો એટલા પૈસા કાગળ પર ઊભા કરશે જેનાથી તેઓ પેલી સંપત્તિ પાછી ખરીદી શકે! એમની પાસેથી પૈસા છાપવાની સત્તા લઈ લેવામાં આવે તો એમની બધી જ સમૃદ્ધિ નષ્ટ પામશે, વિશ્વ રહેવા માટે આદર્શ જગ્યા બની જશે. પરંતુ જો તમારે બેંકિગ સિસ્ટમના ગુલામ જ થવું હોય તો એમને પૈસા સર્જવાનો અધિકાર આપજો.

 

કૉફિ-સ્ક્રિપ્ટ

 પૈસો ગુલામીનું નવું સ્વરૂપ છે, જેને જૂનાં સ્વરૂપથી એ રીતે જૂદું પાડી શકાય કે, એમાં વ્યક્તિગત ભાવ ગેરહાજર છે. પૈસાની બાબતમાં માલિક અને ગુલામ વચ્ચે કોઈ સંબંધ નથી રહેતો. 

– ટોલસ્ટોય

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Made with by cridos.tech