ટોરેન્ટ : અઘરી વાત સરળ શબ્દોમાં

ગદ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી 3885

છેલ્લા સળંગ ચાર આર્ટિકલમાં ટેકનોલોજીના સંદર્ભમાં પ્રાયવસી અને જાહેરાતોની ઘણી વાતો થઇ છે. લગભગ હવે એવું કશું નથી કે જે એ વિષય પર લખી શકાય. અને લખી શકાય તો પણ એના માટે ટેકનોલોજીના સંદર્ભમાં ખૂબ જટિલ શબ્દો પ્રયોજવા પડે. અને આવા શબ્દો વાપરીને લખેલ વાત ટેકનોલોજી સાથે ઊંડી નિસબત ના ધરવતા લોકો માટે અર્થહીન બની જાય છે. એટલે આજે એક એવા વિષય પર વાત કરવી છે જેનો ઉપયોગ આપણે બધાયે ક્યારેકને ક્યારેક કર્યો છે પરંતુ આપણે ક્યારેય એ ટેકનોલોજીને સમજવા પ્રયત્ન નથી કર્યો. આપણે માત્ર આપણા કામ પુરતું જ કામ રાખ્યું છે. હું અહીં વાત કરું છું – ‘ટોરેન્ટ’ની.

આપણે બધાએ ક્યારેકને-ક્યારેક એક કે વધુ વખત ઈન્ટરનેટ પરથી ફિલ્મ ડાઉનલોડ કરવા કે સોફ્ટવેરની પાયરેટેડ કોપી ડાઉનલોડ કરવા માટે આ ટોરેન્ટ ફાઈલ શેરીંગનો ઉપયોગ કર્યો છે, પણ આપણે ક્યારેય એ નથી વિચારતા કે એ ફિલ્મ કે સોફ્ટવેર આવે છે ક્યાંથી? આપણે કોશિશ કરીશું કે શક્ય એટલા ટેકનીકલ શબ્દોની ટાળીને આખી વાત સમજી શકાય.

આજ સુધીમાં તમે ટોરેન્ટ સિવાય પણ અન્ય સોર્સમાંથી ફિલ્મ-વિડીયો-ઓડિયો કે અન્ય ફાઈલ ડાઉનલોડ કરી જ હશે. હવે જો ઉદાહરણ લઈએ કે તમે એક વિડીયો ગીત યુટ્યુબમાંથી ડાઉનલોડ કર્યું છે તો આપણે કહી શકીએ કે જે-તે વિડીયો ફાઈલ યુટ્યુબના સર્વરમાં હતી ત્યાંથી તમે તમારા પોતાના કમ્પ્યુટરમા ડાઉનલોડ કરી. પરંતુ જયારે તમે ટોરેન્ટ ફાઈલનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરો છો ત્યારે તમે સાચે નથી જાણતા કે આ ફાઈલ આવે છે ક્યાંથી? સૌથી પહેલા યાદ કરો કે ટોરેન્ટ દ્વારા કોઈ ફિલ્મ ડાઉનલોડ કરવા માટે તમે યુ-ટોરેન્ટ કે બીટ-ટોરેન્ટ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હશે. જયારે અન્ય કોઈ સોર્સમાંથી ફાઈલ ડાઉનલોડ કરવા તમારે ખાસ પ્રકારના આવા કોઈ સોફ્વેરની જરૂર નહી પડી હોય. કેમ કે ટોરેન્ટ એ એકદમ અલગ જ પ્રકારની ફાઈલ શેરીંગ સીસ્ટમ છે. અને એનું ખાસ કારણ પણ છે.

ટોરેન્ટનો ઉપયોગ મોટે ભાગે પાઈરેટેડ અને કોપીરાઈટથી સુરક્ષિત ડેટાને મેળવવા માટે જ થાય છે. કેમ કે કોપીરાઈટસના આંતરરાષ્ટીય કાયદા મુજબ જેના અધિકારો આપણી પાસે ના હોય એવા ફિલ્મ કે સોફ્ટવેરને આપણે કોઈ વેબ-સર્વર પર મૂકીને ડાઉનલોડ માટે ના આપી શકીએ. આ સો ટકા ગુનાહિત પ્રવૃત્તિ જ છે. પણ ટેકનોલોજી પર ક્યારેય નિયંત્રણ લાવી જ ના શકાય કેમ કે જે-તે ટેકનોલોજી અસ્તિત્વમાં આવવવાનું કારણ જ અમુક મર્યાદાઓને પહોંચી વળવાનું હોય છે. અને ટોરેન્ટ ફાઈલ શેરીંગ આવા દરેક નિયમો અને કાયદાને બાયપાસ કરીને તમને એ દરેક મટીરીયલ ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે, યાદ રાખો સુવિધા આપે છે, આઝાદી નહી. ટોરેન્ટ દ્રારા પાઈરેટેડ મટીરીયલ ડાઉનલોડ કરવું એ પણ ગુનો જ છે, પણ જે રીતે ટોરેન્ટ કામ કરે છે એ પદ્ધતિ પર કન્ટ્રોલ કરવો અશક્ય છે. જ્યાં સુધી ઈન્ટરનેટ પોતે છે ત્યાં સુધી ટોરેન્ટ પર કાબુ ના કરી શકાય. આવો, આખી વાત વિગતવાર સમજીએ.

ટોરેન્ટ ફાઈલ શેરીંગ એ પીઅર-ટુ-પીઅર ફાઈલ શેરીંગ સીસ્ટમ છે. એટલે કે આ એવી વાત છે કે તમે કોઈ ફાઈલ તમારા મિત્ર પાસેથી મેળવો છો. એક સ્પષ્ટ ઉદાહરણ દ્વારા સમજીએ. આજે બજારમાં એક બ્લોકબસ્ટર ફિલ્મની ડીવીડી લોન્ચ થાય છે, જેની કિંમત પાંચ સો રૂપિયા છે. કોઈ એક વ્યક્તિ આ ડીવીડી ખરીદે છે અને એ ફિલ્મને પોતાના ઇન્ટરનેટ સાથે જોડાયેલા કમ્પ્યુટરમા કોપી કરી લે છે. ત્યારબાદ જે ‘ખાસ પ્રકાર’ના સોફટવેરની વાત કરી, જેને ખરેખર ટેકનીકલ ભાષામાં ‘ટોરેન્ટ ક્લાયન્ટ’ કહેવાય છે તેનો ઉપયોગ કરી એક ટોરેન્ટ ફાઈલ બનાવશે. આ એક ખાસ પ્રકારની ફાઈલ હશે. જેમાં ખરેખર ફિલ્મનો વિડીયો નહી હોય પણ ફાઈલનું નામ, ફાઈલ બન્યાનો સમય અને તારીખ, ફાઈલની સાઈઝ, ફાઈલનો પ્રકાર જેવી ઘણી નાની-નાની માહિતી હશે. આવી માહિતીને ટેક્નીકલ શબ્દોમાં “મેટાડેટા” કહેવામાં આવે છે. આ મેટાડેટામા જે-તે વ્યક્તિના કમ્પ્યુટરમાં એ ફાઈલની વિડીયો ફાઈલનું સ્થાન પણ હશે. એવું સમજો કે, “ટોરેન્ટ ફાઈલ ખજાનો નથી, પરંતુ ખજાનાનો એકદમ સહેલો નકશો છે, જેમાં તમારે કશું ઉકેલવાનું નથી.”

હવે જે વ્યક્તિએ પાંચ સો રૂપિયા ખર્ચ કર્યા વિના એ ફિલ્મ મેળવવી હોય, એમણે કોઇપણ રીતે એ મેટાડેટા ભરેલી ફાઈલ મેળવવાની રહેશે. માની લો કે હું મારા મિત્ર પાસેથી આવી ફાઈલ મેળવી લઉં છું. ત્યારબાદ મારે માત્ર એ ફાઈલને મારા ઈન્ટરનેટ સાથે જોડાયેલા કમ્પ્યુટરમા કોઈ ટોરેન્ટ કલ્યાન્ટમા ઓપન કરવાની રહશે અને ફાઈલમા પેહેલથી જ પડેલ માહિતીના આધારે મારું કમ્પ્યુટર મારા મિત્રના કમ્પ્યુટરમાંથી એ ફિલ્મ કોપી કરવાનું શરુ કરી દે છે.

આ હતું ઉપરછલ્લું અને સરળ ઉદાહરણ. હવે એક પગથિયું ઊંડા ઉતરીએ. અત્યારે જે-તે વ્યક્તિ દ્વારા બનાવાયેલ આવી ટોરેન્ટ ફાઈલ મૂકવા માટેની વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે. જે-તે લોકો ત્યાં આવી ટોરેન્ટ ફાઈલ્સ અપલોડ કરી દે છે અને જેમને જરૂર હોય તે આ ફાઈલ મેળવી લેતા હોય છે. એટલે જ દુનિયાના મોટાભાગના દેશોમાં આવી સાઇટ્સ ગેરકાનૂની ગણાય છે અને આવી સાઈટ ચલાવનારાઓને સરકરે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આમ છતાં એ બંધ કરવું શક્ય નથી. આજે ઈન્ટરનેટ પર ઓળખ છૂપાવવી ઘણી સહેલી વાત છે. સરકાર પોતાના દેશમાં માત્ર આવી ટોરેન્ટ સાઈટ નિયંત્રણ માટે અલગ ડીપાર્ટમેન્ટ બનાવે તો પણ એને સો ટકા બંધ ના કરી શકાય. કેમ કે આજે એબીસી.કોમ બંધ કરો તો આવતી કાલે એ જ સાઈટ એબીસી.એસઆઈ તરીકે લાઈવ થશે અને એ બંધ કરો તો કોઈ ત્રીજા નામે!

પણ વાત અહીં અટકતી નથી. ‘અ’ વ્યક્તિ પાસેથી ‘બ’ વ્યક્તિ ફાઈલ મેળવે છે અને હવે ‘બ’ વ્યક્તિના કમ્પ્યુટરનું સરનામું પણ પેલી ટોરેન્ટ ફાઈલમાં ઉમેરાય જાય છે કેમ કે હવે ‘અ’ અને ‘બ’ એમ બે વ્યક્તિ પાસે એ ફિલ્મની ફાઈલ છે. એટલે જયારે ‘ક’ વ્યક્તિ આવી ટોરેન્ટ ફાઈલ પોતાના કમ્પ્યુટરમા ઓપન કરશે ત્યારે એ અ અને બ બન્ને વ્યક્તિના કમ્પ્યુટરમાંથી આ ફાઈલના અલગ-અલગ ભાગ મેળવશે અને આખરે એમને જોડીને એક આખી ફાઈલ બનાવશે અને આ તબક્કે હવે તે ટોરેન્ટ ફાઈલમાં ત્રણ વ્યક્તિના સરનામાં છે. અને હવે એ ફાઈલ ચોથી વ્યક્તિ મેળવશે અને આ ચક્ર આગળ ચાલશે. તમે જયારે ટોરેન્ટ ક્લાયન્ટ ઓપન કરો છો ત્યારે એ માત્ર ડાઉનલોડ જ નથી કરતું, અપલોડ પર કરે છે. કેમ કે જેમ તમે કોઈ અન્યના કમ્પ્યુટરમાંથી ડેટા મેળવો છો એમ અન્ય વ્યક્તિ વળી તમારા કમ્પ્યુટરમાંથી ડેટા મેળવતું હોય છે.

તમે એ પણ અનુભવ્યું હશે કે ઘણી વખત ડાઉનલોડ વખતે સ્પીડ નથી મળતી પણ અચાનક ખૂબ સારી સ્પીડ મળવા લાગે છે કેમ કે જે કમ્પ્યુટરમા ફાઈલ્સ હોય એ કમ્પ્યુટર શરૂ હોય અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય એ જરૂરી છે અને એના કરતા પણ જરૂરી એ કે એ કમ્પ્યુટરમા ટોરેન્ટ કલાયન્ટ શરુ હોવું પણ જરૂરી છે.

આખી વાતમાં ફાઈલ કોઈ એક એક સર્વર પર હોતી જ નથી. એક શું એ કોઈ સર્વર પર હોતી જ નથી એ માત્ર તમારા ‘પીઅર્સ’ના કમ્પ્યુટરમાં જ હોય છે, જ્યાંથી તમે કોપી મેળવો છો. એટલે આવા સંજોગોમાં કોઈ એક વ્યક્તિને કોપીરાઈટના ઉલ્લંઘન બદલ પકડી શકાય નહી કેમ કે તમે ખરીદેલી ડીવીડી તમે તમારા મિત્રને આપો એ કોઈ ગુનો નથી. હા, આવી ટોરેન્ટ ફાઈલ ફેલવવા વેબસાઈટનું પ્લેટફોર્મ પૂરું પાડવું એ ચોક્કસ ગુનો છે. છેલ્લા ત્રણ વર્ષથી આવી સાઈટ્સ બંધ થઇ રહી છે પણ સામે નવી-નવી સાઈટ્સ ઉગી પણ નીકળે છે. આ ટેકનોલોજી રામબાણ જેવી છે એ મિથ્યા નથી જવાની, કોઈના કોઈ સ્વરૂપે એ ફેલાતી જ રહેશે. એના પર નિયંત્રણની વાતો કરી શકાય, એને નિયંત્રિત ના કરી શકાય. બસ ફિલ્મ અને સોફ્ટવેર ઉત્પાદકોએ ત્યાં સુધી એ ખોટ ભોગવવાની છે જ.

Vipul Hadiya (વિપુલ હડિયા)

Vipul Hadiya (વિપુલ હડિયા)

Made with by cridos.tech