લાલ ડાયરી

ગદ્ય વાર્તા 4121

સવારના નવ વાગ્યામાં જ શહેરી વિસ્તારના ભરચક રસ્તા ઉપર સડસડાટ ગાડીઓની આવન-જાવન શરૂ થઈ ગઈ હતી.

“જો જે…સાચવજે.” મનુ હાથ પકડી પત્ની ગુંજાને સાઈટ પર લઈ ગયો. ભીલ પહેરવેશમાંય દીપી ઉઠતી ગુંજા અકળાઈ ગઈ.

“તું તારે નાનકાને સાચવ. હું તો સરખી જ ચાલું છું.” મનુના હાથમાં રહેલ દીકરાને જોઈને તે બોલી.

“બર્યું આ શહેર.. આના કરતાં તો મારૂં ગામડું સારું. મન ફાવે ત્યાં ચાલવાનું, કોઈ રોકનાર નહીં કે કોઈ વાહનનો ડર પણ નહીં.” ગુંજા મનોમન બોલી ઉઠી. એક હાથમાં રોટલાની પોટલી ને માથે નાનકાના  થોડાં લુગડાંનું પોટલું મૂકી તે મનુની પાછળ ચાલવા લાગી.

મનુ અને ગુંજા એક કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરીનું કામ કરતા. સાઈટથી ચારેક કિલોમીટર દૂર તેઓ એક ઝૂંપડીમાં રહેતા. રોજરોજ  છેકથી ચાલીને કામ પર આવતા મોડું થઈ જાય એટલે કોન્ટ્રાક્ટર બંનેને ખૂબ ખખડાવે. હવે જો કે તેઓ કોન્ટ્રાક્ટરના આ વર્તનથી ટેવાઈ ગયા હતા. ક્યારેક ગુંજા અકળાઈ ઉઠતી. “આ શેઠને કે’ એક દિ’ ચાલીને જુએ… જાડિયો.. જાત તો માંડ હલાવે છે!” પણ મનુ કાયમ તેને છાની રાખતો. તેને મન તો ‘ગમે તેમ કરીને પૈસા મળે એટલે બસ..’ એ જ અગત્યનું હતું. 

મનુ શહેરમાં એક વર્ષથી કામ કરતો હતો. જ્યારે ગુંજા ગામડેથી દસ મહિનાના નાનકાને લઈને માંડ એકાદ મહિના પહેલા જ આવી હતી. તેને શહેરીજીવન ગમતું નહોતું, પણ મનુની જીદ આગળ તેને ઝૂકવું જ પડ્યું. ‘રોજનું કમાઈને રોજ ખાવું. કાલનું જોયુ જશે..’ આ નિયમથી બંને જીવતા હતા.

“આ વખત વરસાદે ય સારો છે નહીં! બાપુએ મકાઈ નાખ્યા હશે. તું એકાદ આંટો ગામડે મારતો તો…” મનુના ડોળા જોઈ એ બાકીનું વાક્ય ગળી ગઈ. મનુને ગામડાનું ઘર, ખેતીવાડી કે ત્યાંનું જીવન નહોતું ગમતું. એટલે જ એ શહેરમાં વસ્યો. એવા વિચારે કે થોડાક વધારે પૈસા કમાઈને દીકરાને શહેરમાં જ મોટો કરાય.

રોજની જેમ આજે ય થોડુંક મોડું તો થયું. શેઠના ડોળા જોઈને મનુ ફટાફટ કામે લાગ્યો. ગુંજાએ સહેજ દૂર એક ઝાડ જોડે ઘોડિયું બાંધી એમાં નાનકાને બેસાડી દીધો. મનુ તગારામાં પ્લાસ્ટરનો માલ ભરીને રાખતો અને ગુંજા તેને ઠાલવી આવતી. બને જણાએ છેક બપોર સુધી કામ ખેંચ્યું અને બપોરે રીસેસ ટાણે પોટલીમાં બાંધેલ રોટલો, ચટણી, મરચાં ને કોરું શાકનું ભોજન પતાવી થોડીક વાર આરામમાં બેઠા. મનુ બની રહેલ ઈમારત જોઈ ખુશ થતો હતો.

“શું વિચારે છે?” ગુંજાએ પુછ્યું.

“આ ઈમારત જો… આપણે બનાવી એને… કેમ?”

ગુંજા હસી પડી. “શું તે બનાવ્યું…ધૂળને ઢેફાં! તે તો મજુરી કરી કહેવાય ગાંડા… બનાવી તો કોન્ટ્રાક્ટરે કહેવાશે.”

“હા, પણ એમાં પસીનો તો આપણો જ રેડાયો કે…” મનુ બોલ્યો.

“તોય શું..? તારું અહીં કંઈ નહીં. એના કરતા આટલો જ પસીનો પાડીને ખેતી કરે ને ધાન ઉગાડેતો ખાવાનું તો સરખું મળે.” એ મનુની સામે જોયા વિના જ બોલતી ગઈ. મનુ મનમાં અકળાયો ખરો પણ કંઈ બોલ્યો નહીં.

“આ ઉંચે જો… કાળા ભમ્મર વાદળાં ઘેરાયા છે, ને પાછું શેઠ આજે મોડે સુધી રોકાવા કહે છે. સાંજે ઘેર કેમના જઈશું?” ગુંજા ચિંતીત સ્વરે બોલી.

“થઈ પડશે.” મનુ મૂંઝાતો તો હતો જ છતાંય ગુંજાને આશ્વાસન આપ્યું.

સાંજના સાડા સાત વાગ્યા સુધી કામ કરાવ્યા પછી શેઠે બંનેને છૂટા કર્યા. હજુ બધું સમેટે એ પહેલા જ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો. ગુંજા ઝડપભેર બાંધેલ ઘોડિયું છોડી નાનકાને લઈને બની રહેલ ઈમારતમાં જ જતી રહી. વિજળીના કડાકા અને વાદળોના ગડગડાટથી ડરીને નાનકો રડવા લાગ્યો. ગુંજા અને મનુ એકબીજા સામે જોઈ સહેજ હસ્યા પણ બંનેને એકબીજાના મનની ચિંતા સ્પષ્ટ જણાઈ આવી.

“એને રોટલાનો ટુકડો આલ.” મનુએ કહ્યું.

“રોટલો તો ખલાસ.” ગુંજા ઉદાસ થઈને બોલી.

“હવે શું થશે?” એ વિચારથી તે વધુ ગભરાઈ.

સાઈટથી નજીકમાં રહેતા બધાં મજૂરો એક પછી એક કરીને નીકળી ગયા. દૂરથી આવનારામાં આ એક જ જોડું હતું. હવે ઈમારતમાં મનુનુ પરિવાર અને બે બીજા યુવાન હતા. એ બંને પણ ‘થઈ પડશે’ કરીને નીકળી ગયા. મનુને તો અહીં રોકાવા સિવાય છૂટકો જ નહોતો. આવા ધોધમાર વરસાદમાં માંડ દસ મહિનાનું બાળક અને પત્નીને લઈને છેક ચાર કિલોમીટર દૂર જવાય જ કઈ રીતે! મનુ અસમંજસમાં હતો.

થોડીકવારે બની રહેલ ઈમારતનો ચોકીદાર આવ્યો. મનુને જોઈ બોલ્યો; “સાહેબનો ઓર્ડર છે. અહીં કોઈએ નહીં રોકાવાનું.”

“પણ ભાઈ, આટલા ભારે વરસાદમાં આ બૈરી-છોકરું લઈને જવું ક્યાં? થોડીકવારમાં રહી જાય એટલે નીકળી જઈશું.” મનુએ કહ્યું.

“જો ભઈલા. મને તો ઓર્ડર મળે એટલે કહેવું જ પડે. નહીં તો મારીય નોકરી જાય. તારે જે કરવું હોય તે. પણ અહીંથી નીકળો.” ચોકીદારની માનવતા જાણે મરી પરવારી હતી.

મનુ હવે બરાબરનો મૂંઝાયો. “રાત આટલી થઈ ગઈ. વરસાદ તો જાણે રોકાવાનું નામ નથી લેતો. પોતાને તો ઠીક…નાનકાને ય ખવડાવવાનું કંઈ નથી ને એમાંય આ ચોકીદાર અહીંથી હડસેલે છે. હવે કરવું શું?”

“ચાલ ભાઈ જલ્દી કર. એમ કંઈ રહી ના પડાય અહીં. આ કંઈ જેવું તેવું બિલ્ડીંગ નથી, મોલ છે મોલ. ખબર પડી? અહીં રાત રોકાવાની છૂટ ના મળે. લે આ સાહેબનો ફરી ફોન આવ્યો.  ચાલ જલ્દી. ચાલતો થા.” ચોકીદાર હવે અકળાયો.

મનુની ખૂબ આજીજી સામેય ચોકીદાર પીગળ્યો નહીં. મનુ રડતાં છોકરાને કાખમાં લઈ પત્નીને સાથે રાખીને ઘૂંટણસમા પાણીમાં ચાલતો થયો. અત્યાર સુધી કેટલાય ધાબા ભર્યા પણ એ છતનું મહત્ત્વ આજે તેને સમજાતું હતું.

માંડ એકાદ દુકાન ખુલ્લી હતી, ત્યાંથી તેણે બ્રેડનું પેકેટ ને બિસ્કીટ લઈ ખાધું અને બૈરી-છોકરાને ખવરાવ્યું. હજુ ત્યાં ઉભા રહેવા વિચારે ત્યાં જ દુકાનવાળો બોલ્યો,

“ચાલ ભાઈ, પત્યું હોય તો નીકળ. મારે દુકાન બંધ કરવી છે.” જે કૃત્રિમતાથી અંજાઈને પોતે શહેરમાં આવ્યો હતો, એ જ શહેરમાં લોકોના મન પણ કૃત્રિમ જ મળ્યા.

નાનકાને ખભે બેસાડી ગુંજાનો હાથ પકડી વળી તે ચાલતો થયો.

“હવે શું ?” ચિંતીત ગુંજાના મનમાં સવાલ ઉઠતો.

સહેજ આગળ એક સોસાયટી જોવાઈ અને મનુ ઝડપભેર એમાં પેઠો. પહેલા જ બંગલાનો ઝાંપો ખખડાવી તે બૂમ પાડવા લાગ્યો. “શેઠ.. ઓ શેઠ.. જરી ખોલો…. ઓ બેન..” થોડીક વારે બારણું ખૂલ્યું. મનુએ ઝાંપે ઉભા રહીને જ હાથ જોડ્યા, “સાહેબ…દૂરથી આવ્યો છું. આ વરસાદ ખમતો નથી ને આ નાનું છોકરું ને મારી ઘરવાળી બેય જોડે છે. દયા કરો શેઠ.. આજની રાત આ છત વાળા કમ્પાઉન્ડમાં રહેવા દો. ભગવાન ભલું કરશે સાહેબ…” તે કરગરવા લાગ્યો.

પતિને આમ આજીજી કરતો જોઈ ગુંજા રડી પડી. ગુંજાના આંસુ જોઈ વળી શેઠ પીગળ્યો. અને રહેવા દેવાની ‘હા’ પાડી.

“હા..શ..” મનુએ ઉંડો રાહતનો શ્વાસ લીધો. સાથે લાવેલ પોટલાના કપડાંય પલળી જ ગયા હતા. એટલે ભીના કપડે જ રાત વિતાવવાની હતી. સવારે નાનકો માંદો પડવાનો હતો એ નક્કી હતું. મનુના મગજમાં ચિંતાઓની સાથે સતત પેલો કોન્ટ્રાકટર, ચોકીદાર અને પેલો દુકાનદાર ભમતા હતા.

“અહીંના લોકોના મનમાં દયા નામનો છાંટો ય નહીં હોય!”

ત્યાંજ વળી ગુંજા બોલી, “શું આપી દીધું તારા શહેરે તને? કાલ સવારે આપણી ઝૂંપડીય હેમખેમ હશે કે નહીં એ સવાલ છે. હારૂ-ભલુ ગામડાંનું ઘર-ખેતર છે.. ને તું અહીં આવા નિર્દયી શહેર પાછળ ગાંડો છે. અહીંના લોકોના મન તો જો પથ્થર જેવા!.. એક બાઈ માણસ કે નાના બાળકનીય દયા ના ખાય.” હજુ આગળ એને ઘણું કહેવું હતું પણ મનુ ચિડાઈ જશે એ ડરથી એ ચૂપ થઈ ગઈ.

બીજા દિવસે સવારે મેઘરાજાએ સવારથી જ ખમૈયા કર્યા. બધા મજૂરો પોતપોતાના સમયે આવીને કામે લાગ્યા.

“આ મનીયો ને એની ઘરવાળી કેમ હજુ ના આવ્યા?” સાલાને રોજ મોડા આવવાની ટેવ પડી ગઈ છે.” કોન્ટ્રાક્ટર ગુસ્સે થઈને બોલ્યો. થોડી વારે બીજા મજૂરને કહ્યું, “એ મંજી…. પેલા મનીયાને કહી દેજે કાલથી આવે જ નહીં. એને જ લાયક છે આવા નફ્ફટ લોકો…”

ગુંજાએ સ્વપ્ને ય ધાર્યું નહોતું કે કાલની રાત પછી આજનો દિ’ આવો ઉગશે. એક કાખમાં નાનકાને તેડી માથે ભાથું લઈ તે ખેતર ભણી ચાલતી થઈ. ઝાડના છાંયે શાક, દાળ ને રોટલો ખાઈ રહેલા પતિને જોઈ તેનો હરખ માતો નહોતો. એણે પાલવના છેડેથી મનીયાના માથે પસીનો લૂછ્યો. મનુ પ્રેમથી એની સામે જોઈ રહ્યો.

ઉંચે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ મનુએ કહ્યું,

“આજેય તૂટી પડશે કે શું?”

દૂર દેખાઈ રહેલા ઘર તરફ ગુંજાએ આંગળી કરી અને બોલી, 

“તૂટી પડવા દે.. આજ તો એ રહ્યું આપણું ઘર.. છત વાળું ઘર!”

Avatar

Parmi Desai (પાર્મી દેસાઈ)

Made with by cridos.tech