ઝળહળતો દીવો – ગુજરાતનાં ઉદયનો (ભાગ-૧)

અન્ય ગદ્ય 4141

આજે મારે વાત કરવી છે અમદાવાદની, સુરતની અને આ ગુજરાત પ્રદેશના ઇતિહાસની, ખાસ એક એવી વ્યક્તિની કે જે આ પ્રદેશનો ન હોવા છતાં તથા ગુજરાતી પણ જાણતો ન હોવા છતાં કઈ રીતે પોતાની નિષ્ઠાથી આ સાંસ્કૃતિક વારસાને આગળ વધારી ગયો એ વિષયની. ચાલો તો શરુ કરીએ આપણી આ સફર…

૧૯૪૭ પહેલાં આપણાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અને એક વાત આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોની હુકુમત હોવા છતાં તેઓમાંથી જ કેટલાક અમલદારો આપણાં દેશ, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, ઇતિહાસ વગેરેના સંશોધક, પ્રશંસક અને અભ્યાસુ બની ગયાં હતાં.

અહીં એક વાત નોંધનીય છે કે હિન્દુસ્તાન ૧૯૪૭ પહેલાં અનેક રજવાડાઓ, રાજ્યોનો સમૂહ હતો. અને હું તો અત્યારે આઝાદીના પણ ૧૦૦ વર્ષ પહેલાંની વાત કરવા જઈ રહ્યો છું અને એ પણ ખાસ આપણાં ગુજરાત રાજ્ય માટેની….!!

ગુજરાત નામનું રાજ્ય તો આઝાદી પછી પણ લગભગ તેર વર્ષ પછી (૧૯૬૦) અસ્તિત્વમાં આવ્યું. પણ એનાંય ૧૦૦ વર્ષ પહેલાં ગુજરાત માટે ચિંતા કરવા વાળું કોઈ હતું! હા, અને એથી પણ આગળ વિચારીએ તો ગુજરાત રાજ્ય બન્યાના ૧૦૦ વર્ષ પહેલાથી કોઈએ એનું નામ ગુજરાત ભાખ્યું હતું અને એના ઇતિહાસ વિશેનું સૌ પ્રથમ અંગ્રેજી પુસ્તક પણ લખ્યું હતું! અને એ પુસ્તક પણ ભારતમાં નહિ, વિદેશમાં લખાયું અને વિદેશની ધરતી પરથી જ પબ્લિશ પણ થયું! અને એ પણ દ્રઢ નિશ્ચય ધરાવતી, માત્ર સાડા ચાર દશકનું આયખું ધરાવનાર એક કુશળ એડમિનિસ્ટ્રેટિવ વ્યક્તિ દ્વારા.  ગુજરાતની સંસ્કૃતિ જાળવવામાં, એનો અભ્યાસ કરવામાં અને વિશ્વને એ વિશે જાણકારી આપવામાં એણે કોઈ જ પાછીપાની કરી નહોતી. ઇતિહાસ આજે પણ એ વ્યક્તિને ગુજરાતનાં અર્વાચીનતાનાં સૂર્યોદય તરીકે જુએ છે!! જો એ વ્યક્તિ હજુંય થોડું વધુ જીવન પસાર કરી શક્યા હોત તો એવું કહેવાય છે કે, આજે ગુજરાત નામનો પ્રદેશ, એની સંસ્કૃતિ તથા સાહિત્ય કંઈક અલગ જ મુકામ પર હોત!!

કોણ હતું એ?  શું હતું એનું દૂરંદેશીપણું? શું ફાળો રહ્યો છે એમનો આપણી ગુજરાતી સંસ્કૃતિ આગળ ધપાવવામાં અને એ પણ આઝાદીના ૧૦૦ વર્ષ પહેલાં? આવો, જાણીએ એ મહાન હસ્તીને અને થોડું એના આ ટૂંકા જીવનકાળ વિશે!

આ વાત છે એ સમયની કે જ્યારે ગુજરાત એ કોઈ રાજકીય એકમ તરીકે સ્વતંત્ર નહોતું, પણ નાના મોટાં અનેક ૨૦૦ કરતાં વધુ દેશી રજવાડાઓમાં વિભજિત પ્રદેશ હતો. કેટલોક બ્રિટિશ તો કેટલોક રાજાઓના શાસનમાં હતો. અને એ મુજબ જ તેમનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું હતું. આ રજવાડાઓમાં આંતરિક કલહ પણ ચાલતો રહેતો. આ આંતરિક વિવાદ ઉપરાંત તેઓ બ્રિટિશ પદ્ધતિ મુજબનાં શિક્ષણ, મુદ્રણ, પ્રકાશન, અખબારો વગેરેનાં (અર્વાચીનતાના) પણ વિરોધી હતાં. 

આ બાજુ ૧૯મી સદીની શરૂઆત થઈ ચૂકી હતી અને મુંબઇ જેવાં શહેરનું તો એક નવા, અતરંગી, અર્વાચીન નગરમાં પરિવર્તન થવાનું શરૂ થઈ ચૂક્યું હતું. પણ હજું સુધી ગુજરાતમાં એક પણ નગર વિશે એમ કહી શકાય એમ ન હતું. અરે ગુજરાતમાં હું એમ કહું તો જરાય ખોટું નથી કે, એ સમયે એક પણ પુસ્તકાલય, કન્યા-શાળા, અખબાર કે તસ્વીરકાર પણ નહોતાં! છે ને વિચિત્ર વાત? મધ્યકાલીન યુગના ધારા-ધોરણ મુજબ જ જીવનનિર્વાહ થતો. ગોરાઓ ‘માઇબાપ’ કહેવાતા અને એમની જીવનશૈલી ગમતી તોય ગુજરાતીઓને અપનાવવા જેવી નહોતી લાગતી!

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી આપણે આ જ ૧૯મી સદીના શરૂઆતમાં વર્ષ ૧૮૨૧માં લંડન શહેરમાં જન્મેલ એક બાળકની વાત કરવી છે જે સાચા અર્થમાં ગુજરાતને ભવિષ્ય ઘડતરનો દિશા-નિર્દેશ કરવા જવાનો હતો. માતા-પિતાના છ સંતાનોમાં એ સૌથી નાનો હતો. માત્ર ૨૦ વર્ષની ઉંમરે એ સમયે સિવિલ સર્વિસમાં જોડાઈ અભ્યાસકાળ  દરમ્યાન સ્થાપત્યકલા ઉપરાંત હિન્દુસ્તાનના ઇતિહાસ અને સંસ્કૃતિના પરિચયમાં પણ આવ્યા. આ અભ્યાસ અને તાલીમ પૂર્ણ થયાં બાદ તેઓ બીજા જ વર્ષે બોમ્બે પ્રેસિડેન્સીમાં સિવિલ સર્વિસીઝમાં જોડાયા. બ્રિટિશ નિયમો મુજબ, હિન્દુસ્તાનમાં કામ કરવા આવનાર દરેક બ્રિટિશ અધિકારીને હિન્દુસ્તાની ભાષા શીખવી ફરજિયાત હતી.

મુંબઇ આવીને તેઓ અહમદનગર જઈ માત્ર બે મહિનામાં જ હિન્દુસ્તાની ભાષા શીખ્યા અને એની પરીક્ષા પણ પાસ કરી. પણ હિન્દુસ્તાનમાં તો પ્રાદેશિક ભાષાઓનું પણ એટલું જ વર્ચસ્વ હતું, એટલે બઢતી મેળવવા પાછળથી એક પ્રાદેશિક ભાષા શીખવું પણ ફરજિયાત થયું! આ યુવકે પ્રાદેશિક ભાષા તરીકે બીજા જ વર્ષે મરાઠી પણ શીખી લીધી અને એની પરીક્ષામાંય સફળ રહ્યા. અને ફલશ્રુતિ રૂપે બઢતી મળતી ગઈ અને ૧૮૪૬માં લગ્ન બાદ અમદાવાદ આસિસ્ટન્ટ જજ તરીકે નિમણૂક પામ્યા!!

અહીંથી શરૂ થાય છે એમના ગુજરાત તથા અમદાવાદ, સુરત વિગેરે નગરો સાથેનો એક ઐતિહાસિક હિતકારી સંબંધ. અમદાવાદ બ્રિટિશ હુકુમત નીચે આવ્યું છેક ૧૮૧૮માં. અને એથી જ મુંબઇ, પૂનાની સરખામણીમાં આધુનિકતાનો પવન અમદાવાદમાં હજુ ફૂંકાયો જ નહોતો. સંદર્ભો આ વાતનું પ્રમાણ આપતા એવું લખે છે,   હસ્તગત કર્યું ત્યારે તે એક મૃતપ્રાયઃ ખંડિયેર જેવું નગર(?) હતું! મકાનો, મંદિરો, મસ્જિદો બિસ્માર હાલતમાં હતાં, ત્યાં ચોર-લુંટેરાઓનો વસવાટ રહેતો અને આકરા કરવેરા (લગભગ ૨૫ ટકા જેટલા) હતા. ત્યાં સુધી કે, શાહુકારો સારાં કપડાં પહેરીને બહાર ફરી પણ ન શકે, એ બીકે કે, સરસુબો એમને પકડી સારી પૂંજી છે એમ માની સરકારને ૫૦૦૦-૧૦૦૦૦નું દાન ફરજિયાત માંગી લેતો! ધોળે દિવસેય ચોરીઓ થતી.”

આ બાજુ નવાસવા આવેલા ૨૫ વર્ષનાં આ ફૂટડા યુવકને અમદાવાદ આવતાંવેંત જ સમજાઈ ગયું કે, “આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે નાની હોય, કામ શરૂ તો કરવું જ પડશે. અને એ હું જાતે જ કરીશ.” ગજબની દીર્ઘદ્રષ્ટિ હતી એ યુવાનની. અને આ દ્રષ્ટિએ જ ઇતિહાસમાં એને અમર બનાવી દીધો છે! 

આ દિશામાં કામ શરૂ કરવાની સૌ પ્રથમ અડચણ હતી ભાષા-બોલી! ગુજરાતી જાણ્યા વગર ગુર્જર પ્રદેશમાં એક ડગલુંય આગળ વધાય એમ ન હતું. ને હવે તેઓ એ બાબતે પૂર્ણ સભાન પણ હતાં. આથી તેઓએ નક્કી કર્યું કે, સૌ પ્રથમ ગુજરાતી ભાષા શીખવી અને ગુર્જર પ્રદેશની રહેણીકરણી, રીતરિવાજો, અંધશ્રદ્ધાઓ, સાહિત્ય, ઇતિહાસ વિગેરેનો અભ્યાસ કરવો. છે ને ઉત્તમ વિચાર? આજથી લગભગ ૧૭૫ વર્ષ પહેલા કોઈ વ્યક્તિ ગુર્જર પ્રદેશમાં કામ કરતા પહેલા એ પ્રદેશને નખશિખ ઓળખવા માંગે અને પછી જ પોતાના આ કર્મયજ્ઞનો પ્રારંભ કરે એ અહોભાગ્ય છે આ પ્રદેશનું!! અત્યારે ક્યાં આવી ઇચ્છાશક્તિ રહી છે? અરે, આપણી પોતાની જ વાત કરીએ તો આપણને પણ આ પ્રદેશ વિશે એટલી ક્યાં સમજ છે? એથી જ મારો આ એક નાનકડો પ્રયત્ન આપને એ તરફ ચોક્કસ દિશાનિર્દેશ કરવામાં થોડી મદદ કરશે!! કઈ રીતે અને કોની પાસે એ યુવક ગુજરાતી શીખ્યો? એ કોણ પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતું કે જે એમના સેવક પણ બન્યા અને ઉત્તમ મિત્ર પણ? એ કોણ સાહિત્યકાર હતાં કે જેઓએ આ યુવકની સલાહ અવગણી શેરબજારમાં ઝંપલાવ્યું અને પછી જબરજસ્ત ખોટ ખાધી જેમાં એનો બંગલો ટાંચમાં લેવામાં આવ્યો. પછી પોતાનો બંગલો ટાંચમાંથી છોડવવા આ યુવકે તેઓની મદદ કરી? આ બે જણાએ કઈ રીતે ગુજરાતને પ્રગતિના પંથે મુકવાના પ્રયત્નો કર્યા? કોણ હતું એ કે જેણે આજથી લગભગ 165 વર્ષો પહેલા ઇડર જેવા રજવાડામાં દેશવ્યાપી શાયરો અને કવિઓનો મુશાયરો યોજ્યો?

આ બધી જ રોચક હકીકતો લઈને હું ફરી પાછો મળીશ.. આવતા અંકે. ત્યાં સુધી અલ્પવિરામ…

Avatar

Dr Kartik Shah ડૉ. કાર્તિક શાહ

Made with by cridos.tech