“દ્રષ્ટિકોણ”

Uncategorized ગદ્ય વાર્તા 4015

સાંજની લાલિમા આભથી નીતરીને ધરતી પર ફેલાઈ રહી હતી.પંખીઓના ઝુંડ કલરવ કરતા કરતા ઝપાટાભેર પોતપોતાના માળા ભણી ઉડી રહ્યા હતા. કોઈ સનસેટ-પોઈન્ટને પણ શરમાવે એવો લાલઘૂમ સૂર્ય ક્ષિતિજમાં સમાઈ રહ્યો હતો. દ્રશ્ય એટલું આહલાદક હતું કે ઘરે પરત ફરનારા બે ઘડી વિચારમાં પડી જતા કે, “શું આ આપણું જ ઘોંઘાટીયું શહેર છે?”

રાહુલ પણ ઘરે જતા જતા બાઈક ચલાવતો વિચારમાં જ હતો. એ તો હજુ પણ માની નહોતો શકતો, જે આજે બન્યું તે.

ગંભીરતા,કઠોરતા અને ગુસ્સો આ ત્રણની જાડી ફ્રેમના ચશ્મા, હંમેશા મિસ પ્રિયા સંઘવીના ચહેરા પર ચઢેલા રહેતા. નામ ‘પ્રિયા’ પણ બધાને જ અપ્રિય એવા કોલેજના પ્રિન્સીપાલ. નવા તો ન કહી શકાય, કેમ કે એમને આવ્યાને લગભગ એક વર્ષ થવા આવ્યું, પણ આ બાર મહિનામાં ભાગ્યે જ કોઈએ એમને બાર વાર સ્માઈલ આપતા પણ જોયા હશે. ચાર્જ સંભાળ્યા પછી પહેલી જ મીટીંગમાં એમણે બધાને સપાટે લઇ લીધા ત્યારે  દરેકે અગાઉના પ્રિન્સીપાલને દિલથી યાદ કર્યા હતા. એનું કારણ એટલું જ કે, એમણે કાર્યકાળમાં કદાચ જ કોઈ સાથે સખ્તાઈથી કામ લીધું હશે અને આ મેડમે કદાચ જ કોઈ સાથે નરમાશથી કામ લીધું હશે. દસ દિવસમાં તો બધાને ખબર પડી ગઈ કે હવે પહેલા જેવી મોજથી કામ થવાનું નથી.

સમયની પાબંદ અને કામમાં અતિ ચોકસાઈ રાખનારા પ્રિયા મેડમે બધા પાસેથી સખત રીતે કામ લેવા માંડ્યું. છ મહિના થતા તો દરેકને ખ્યાલ આવી ગયો કે હવે કામમાં ઈમ્પ્રુવમેન્ટ નહી હોય તો ચાલવાનું નથી. એમના આવા કઠોર વલણને લીધે તેમની પીઠ પાછળ બધા જાત જાતની વાતો કરતા, પણ એક વાત તો સારી જ થઇ હતી કે, આટલા ઓછા સમયમાં એમણે કોલેજનું રીઝલ્ટ સુધારી દીધું હતું. દેખાવે ઘણા સુંદર કહી શકાય એવા એમણે એમની બ્યુટીને સખતાઈના એવા માસ્ક નીચે સંતાડી દીધી હતી કે લોકોને ખબર નહોતી પડતી કે એ ખરેખર મિસ છે કે મિસિસ. 

એવામાં છેલ્લા એક મહિનાથી એક યંગ એવા નવા પ્રોફેસર એપોઇન્ટ થયા હતા. મિસ્ટર રાહુલ જોષી. હેન્ડસમ, એકદમ મસ્ત મજાનો મિજાજ, હસમુખો સ્વભાવ અને લાજવાબ સેન્સ ઓફ હ્યુમર ધરાવતો રાહુલ થોડા દિવસોમાં તો બધાનો લાડકો પ્રોફેસર બની ગયો. કારણ કે બીજા બધા જ પ્રોફેસરો એનાથી મોટા અને અમુક તો રીટાયર થવાની તૈયારીમાં હતા. એણે પણ આવતાની સાથે મેડમ વિષે સાંભળ્યું. તેથી એ પણ ક્યારેય ફોલ્ટમાં ન અવાય તેની તકેદારી રાખતો. 

છતાં એક દિવસ એનાથી ભૂલથી જ વાઘની બોડમાં ઘૂસી જવાયું. પ્રિયા મેડમને ત્યાં સાંજના છ પછી કોઈને પણ એન્ટર થવાની સખ્ત મનાઈ હતી.વળી, એને મેડમને ત્યાં જતાં સ્ટાફનું કોઈ જોઈ ગયું. આ તો આજના ‘બ્રેકીંગ ન્યુઝ’ કહેવાય, એટલે દરેક ચેનલ પર આવી ગયા! બધાને મેડમની ખબર હતી એટલે સ્વાભાવિક જ રાહુલની ચિંતા થઇ. વારાફરતી એના પર બધાના કોલ આવવા લાગ્યા.પણ, લો બેટરીના લીધે એનો મોબાઈલ બંધ થઇ ગયો હતો જેથી કોઈ સાથે વાત થઇ નહી. બધાને રાહુલના જીવનમાં ‘ત્સુનામી’એ કેવી તારાજી સર્જી હશે તે જાણવાની તાલાવેલી થઇ.

બીજે દિવસે રાહુલ ગેરહાજર હતો. એ પછીના દિવસે સવારે એ આવ્યો, ત્યારે કોલેજનો સ્ટાફરૂમ ફુલ હતો અને બધા રાહુલની ફરતે ગોઠવાઈ ગયા હતા, એની વાત જાણવા માટે. પણ, રાહુલે જે કીધું તેના પર કોઈને વિશ્વાસ નહોતો બેસતો. સૌના વડીલ એવા જયેશ સરે અને મીનાબહેને તો ત્રણ વાર ફરીફરીને પૂછી જોયું. પણ રાહુલનો એક જ જવાબ હતો કે, “સાચું કહું છું. હું મેડમના ઘરે અર્જન્ટ રજા જોઈતી હતી તે લેવા ગયો હતો.”

રાહુલના મમ્મી-પપ્પા ગામ રહેતા હતા અને અચાનક એના મમ્મીની તબિયત ઘણી ખરાબ થઇ ગઈ હોવાથી એને તરત જ જવું પડે એમ હતું. મેડમને કોલ કરવા કરતાં આ વાત જાતે જઈને કહેવાનું એને યોગ્ય લાગ્યું તેથી એ ફોન ન કરતાં એમના ઘરે પહોચી ગયો. પહેલા તો પ્રિયા મેડમે મોઢું બગાડયું, પણ એણે જે રીતે વાત રજૂ કરી તે સાંભળી મેડમ કઈ ન બોલ્યા અને રજા મંજુર કરી. 

બધાને એમ હતું કે પ્રિયા મેડમના કઠોરતાના કિલ્લાને કોઈ પાર કરી શકે એમ નથી, પણ આજે રાહુલે આ કિલ્લાની કાંકરી ખેરવી દીધી હતી. ને એટલે જ બધાને કુતૂહલ થયું. ખેર! થોડો સમય થયો ત્યાં ફરી એવી ઘટના બની કે આ વખતે તો રાહુલ મેડમના પ્રકોપથી બચી શકે એવી કોઈ શક્યતા જ નહોતી. અને છતાં, હા છતાં આ વખતે પણ વાવાઝોડું કિનારેથી જ પસાર થઇ ગયું, કોઈ પણ જાતની હાનિ કર્યા વગર. ધીમે ધીમે સમય વીતતા, લોકોની સાથે રાહુલને પણ એવું લાગવા માંડયું કે, ના, ખરેખર મેડમ એના પ્રત્યે કૂણી લાગણી રાખે છે. હવે તો ક્યારેક પ્રિયા મેડમ હસી પણ લેતા, થોડા સ્ટાફ પ્રત્યે પણ નરમ થયા હોય એવું બધાને ફીલ થવા માંડયું. ચિનગારીને તો હવાની જ જરૂર હોય છે. વર્તનમાં પરિવર્તનની નોંધ દરેકે લીધી. તેમાં બધા એમની પીઠ પાછળ વાતો કરવા લાગ્યા હતા. એને હવેથોડી ચિંતા પણ થતી હતી કે, એ મેડમને વાત કરે તો કેવી રીતે કરે? રાહુલ પોતે પણ એમના વર્તનથી થોડો કન્ફયુઝ હતો.

એ વિચારમાં સ્ટાફરૂમમાં બેઠો જ હતો ને જયેશભાઈ આવ્યા. “રાહુલ, ભાઈ તારી તો લોટરી જ લાગી ગઈ છે ને! તે એવો તો કેવો જાદુ કર્યો કે, પેલી પ્રિયાનો તું પ્રિય થઇ ગયો?”

“હા રાહુલ, તારે થોડી ટીપ્સ તો આપવી જ જોઈએ કે તારી જેમ બધા જ એને પ્રિય લાગવા માંડે.” મીનાબહેન બોલ્યા. 

ને પછી તો વારાફરતી બધાએ જ રાહુલની ફીરકી લેવા માંડી. ઠઠ્ઠામશ્કરીથી છલકાતા રૂમના બારણે ઉભેલા પ્રિયા મેડમ તરફ કોઈનું ધ્યાન જ ન ગયું. અચાનક રાહુલ એમને જોઇને ઉભો થઇ ગયો. રૂમમાં ‘પીન ડ્રોપ’ સાઈલન્સ છવાઈ ગયું. પ્રિયા મેડમ એ લોકો તરફ આગળ વધ્યા. આજે ઘણા દિવસે લોકોએ એમનો એ અગાઉનો અસલી ચહેરો ફરી જોયો. ક્રોધથી તપી રહેલો ચહેરો અને આંખમાં તગતગી રહેલા આંસુ.

“તમારા જેવા લોકો ક્યારેય સભ્ય સમાજ ન બનાવી શકે. સ્ત્રી અને પુરુષના સંબંધોને એક જ દ્રષ્ટિથી જોવાની લોકોને ટેવ પડી છે અને તેમાંથી ખૂબ ભણેલા અને કહેવાતા મોર્ડન લોકો પણ બાકાત નથી. આજથી દોઢ વર્ષ પહેલાં, મેં મારા નાના ભાઈને ગુમાવી દીધો. એ દિવસ પછી હું કે મારું ફેમીલી ક્યારેય એને ગુમાવ્યાના દુઃખમાંથી બહાર ન આવી શક્યા. રેગીંગ જેવા ભયાનક દૂષણે મારા નાના નિર્દોષ ભાઈનો જીવ લીધો. હું એટલે જ આટલી કડક રહી છું જેથી આ વસ્તુના લીધે કોઈ અન્ય યુવાને જીવ ન ખોવો પડે. રાહુલમાં મારા નાના ભાઈની છબી હું જોતી હતી અને મારા માબાપ પણ એને મળીને ખુશ થાય એટલે કાલે સાંજે જ મેં એમને પણ ગામથી બોલાવી લીધા. હું એ જ વાત રાહુલને કહેવા આવી હતી. પણ મને લાગે છે કે, તમે લોકો આવા પવિત્ર રીલેશનને સમજો એટલા સમજદાર નથી. અફસોસ છે મને કે મેં ફરી પહેલાંની જેમ જીવન જીવવાનો નિર્ધાર કર્યો હતો. હું ભૂલી ગઈ કે, ‘દ્રષ્ટિ’ મારી બદલાઈ છે, સમાજનો ‘દ્રષ્ટિકોણ’ નહી.” 

સ્ટાફ પ્રિયા મેડમને પીઠ ફેરવી જતા તાકી રહ્યો.

Uma Parmar (ઉમા પરમાર)

Uma Parmar (ઉમા પરમાર)

Made with by cridos.tech