ઝેર જ ઝેરની દવા છે

ગદ્ય લેખ 3824

What doesn’t kill you, makes you stronger.

                                                                               –  Kelly Clarkson

ચાણક્ય. અખંડ ભારતના પ્રણેતા. મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યને જેમણે શોધ્યો, તૈયાર કર્યો અને સમ્રાટ થવાને લાયક બનાવીને મગધની ગાદીએ બેસાડ્યો, એવા મહાન ગુરુ. કુટનીતિમાં એમનો કોઈ જોટો જડે એમ નથી. ચાણક્ય ‘न भूतो, न भविष्यति’ છે. કેમ કે, મગધ જેવા વિશાળ સામ્રાજ્ય પર સત્તામાં મદહોશ બનેલા શક્તિશાળી રાજા ધનાનંદને હટાવી એક સાવ નવા ચહેરાને સ્થાપિત કરવો ને સિકંદર જેવા મહાન સમ્રાટ સામે લડત આપવી, એ કંઈ જેવું તેવું કામ નથી.

ચાણક્ય ચંદ્રગુપ્તને રોજ થોડું ઝેર એની જાણ વગર થોડી-થોડી માત્રામાં આપતા. જમવાની થાળીમાં પકવાનો જોડે જ એ ભેળવી દેતા. લોજીક એ હતું કે, ચંદ્રગુપ્ત આવડા મોટા સામ્રાજ્યનો માલિક હતો, એટલે એના દુશ્મનોનો કોઈ પાર નહોતો. મહેલમાં પણ અમુક ગદ્દાર હોય અને એ સમયની કોઈને મારવાની કોમન ટેકનીક ઝેર આપીને મારી નાખવાની હોવાથી ઝેર સામે લડી શકવાની તાકાત જોઈએ. ‘ઝેર ઝેરને મારે છે’ – એ ન્યાયે ચંદ્રગુપ્તના શરીરમાં ધીરે ધીરે કરીને એટલું ઝેર ભેગું થઇ ગયેલું કે, એને બીજા કોઈ ઝેરની અસર થાય એમ જ નહોતી.

કહેવાનું તાત્પર્ય એ છે કે, નાની નાની મુશ્કેલીઓથી જ માણસનું ઘડતર થાય છે અને જિંદગીમાં આગળ કંઇક મોટું ઘટી જાય, તો એ અગાઉથી ટેવાયેલો હોવાથી એને એ મુશ્કેલી એટલી મોટી લાગતી નથી, કે જેટલી એ છે. જરૂર છે બસ આપણે જાતે નક્કી કરેલા ‘કમ્ફર્ટ ઝોન’ ને ફાડીને-તોડીને બહાર આવવાની.

આ જ વાત રીલેશનશીપમાં પણ લાગુ પડે છે. એક એકઝામ્પલ આપું.

માનસીની જયારે કાર રસ્તા વચ્ચે અટકી પડે છે. નજીકમાં કોઈની હેલ્પ મળે, એવું લાગતું નથી. ગેરેજ થોડું દૂર છે. એ એના પતિ વિશાલને કૉલ કરે છે.

“વિશાલ, મારી કાર અચાનક બંધ પડી ગઈ છે, અને હું ફલાણી જગ્યાએ છું. તું જલ્દી આવી જા.”

“હું આવી શકું એમ નથી. થોડો કામમાં છું. તું જાતે મેનેજ કરી લે ને ડાર્લિંગ. પ્લીઝ.” વિશાલ ઠંડા કલેજે જવાબ આપે છે. પણ એની ‘ઠંડાઈ’ જોઇને માનસી ગરમ થઇ જાય છે. એની ઘણી જીદ પછી પણ, વિશાલ ત્યાં જતો નથી અને ઓફિસમાં નવરા બેઠા એ પોતાની ફેવરીટ ફિલ્મ જોવાનું ચાલુ રાખે છે. માનસી જાતે જ ગમે તેમ ગેરેજ પહોંચીને, મિકેનિકને એને બોલાવીને કાર ચાલુ કરાવે છે. પણ એનો ગુસ્સો હજી શાંત પડ્યો નથી.

પણ એનો અર્થ એ નથી કે, વિશાલ માટે માનસી કરતા એની ફેવરીટ ફિલ્મ વધુ અગત્યની છે કે એને ત્યાં જવાની આળસ આવે છે. એનું સીધું કારણ એ છે કે, જયારે કાર ખરાબ થઇ અને માનસીનો કૉલ આવ્યો, ત્યારે બપોરના ૧૨ વાગ્યા હતા. જો રાતના ૧૨ વાગ્યા હોત તો, બધા કામ પડતા મુકીને પણ એ માનસીની હેલ્પ કરવા માટે પહોંચી જાત. ને આમ માનસીને જાતે જ ‘તકલીફ’ આપવાનો બેનીફીટ એ છે કે, ઇન ફ્યુચર, જયારે પણ ફરીવાર આવી કોઈ પ્રોબ્લેમ આવશે માનસીની લાઈફમાં અને ત્યારે વિશાલની ગેરહાજરી હશે, ત્યારે એને એટલી હિંમત રહેશે કે, “હું આ જાતે હેન્ડલ કરી શકું એમ છું.”

તમે તમારા પ્રિયપાત્રની ‘કેર’ કરતા હોઉં, એ અલગ વાત છે. પણ એ ‘કેર’ ના ભાગરૂપે તમે એની સામે આવતી દરેક મુશ્કેલીઓ, દરેક પ્રોબ્લેમ્સમાં જો દર વખત ઢાલ બનીને ઉભા રહો, તો એને એક ‘ખરાબ’ આદત પડી જશે, તમારી પાછળ ઉભું રહેવાની. તમે એને એના હાલ ઉપર છોડી દો, અને સિચ્યુએશન એની રીતે જ હેન્ડલ કરવા દો, તો એને શરૂઆતમાં તો એવું જ લાગશે કે, તમે સાવ બેદરકાર છો અને તમને એની કોઈ પડી જ નથી. પણ લાંબા ગાળે એ વાત એના માટે ફાયદાકારક છે. અમુક સમય એવો પણ આવે કદાચ. કે જયારે તમે એ પ્રોબ્લેમમાં હોય, અને તમે ત્યારે ‘અવેઈલેબલ’ રહી શકો એમ ના હોઉં, તો જાતે એ બધું હેન્ડલ કરી શકે.

પોતાના સંતાનો માટે પણ આ વાત લાગુ કરી જ શકાય ને. એમને પણ આપણે એ રીતે ઉછેરીએ કે, આપણી ગેરહાજરીમાં પણ એ અહીં સારી રીતે ‘સર્વાઈવ’ કરી શકે. એક સાથે કંઇક મોટું આવી પડે એ પહેલા, આમ ‘છોટા પેકેટ’માં સતત ડોઝ આપવાથી એની ‘ઇમ્યુનિટી’ વધે છે.

કોઈ રોગ માટે દેવાતી રસીમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. રોગ આપણી પર અસર કરે એ પહેલા જાતે જ એ રોગને નાના પ્રમાણમાં શરીરમાં દાખલ કરી, અગાઉથી જ રોગપ્રતિકારક શક્તિ ઉભી કરી દેવામાં આવે છે. બીજા શબ્દોમાં, શરીરને એના માટે તૈયાર કરી દેવામાં આવે છે.

કેમ કે, ‘પડશે એવા દેવાશે’ અને ‘થશે ત્યારે જોયું જવાશે’ – હંમેશા અસરકારક નથી.

PACK UP 

मंजिल तो हासिल कर ही लेंगे किसी दिन,

ठोकरे ज़हर तो नही, जो खा के मर जायेंगे |

– अज्ञात

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech