બોલો બાંકેબિહારી લાલ કી જય

અન્ય ગદ્ય 3920

એમની અને એમણે સર્જેલી વાર્તાઓની વાત માંડીએ તો આજીવન મારી કોલમને વિષયવસ્તુ મળી રહે, એવું કહેવામાં અતિશયોક્તિ નથી. સમસંવેદનાની શાહીથી માનવમન અને જીવનની સંકુલતામાંથી જન્મેલી વાર્તાઓ સર્જી શબ્દસાધનામાં સર્વદા રત રહેલા ‘વર્ષા અડાલજાનું પ્રગલ્ભ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ પારકાંને ક્ષણભરમાં પોતીકા કરવાની ક્ષમતા ધરાવે છે. એમનાં વાર્તાસંગ્રહ ‘તું છે ને!’ની વાર્તા ‘બોલો, બાંકેબિહારી લાલ કી જય’ના શ્રીગણેશ કરીએ.

https://en.wikipedia.org/wiki/Varsha_Adalja

વર્ષો પહેલાં અત્યંત મનોરમ્ય હરિયાળા વન-ઉપવનમાં, વાવ બંધાવી, ઘેઘૂર વટવૃક્ષ નીચે, સાત્વિક રાજા-રાણીએ ભગવાનની મૂર્તિ ઘડાવી. ભાવ-ભક્તિથી અભિભૂત થઈ, પોતાની પ્રજાના કલ્યાણ અને રક્ષણ કાજે ભગવાનને આ વાવના ગોખલામાં પધરાવ્યા હતાં.

વર્ષોના વ્હેણ અને વાવના રૂપ બંને બદલાયા. વાવના વિશેષણમાં માત્ર ચીપકેલી ગરોળી, ચામાચીડિયાં અને ચીકણી લીલ શેષ રહયાં.

ભગવાન આવી અવાવરુ વાવનાં ગોખલામાં વર્ષોથી જકડાઈ ગયેલા પોતાના શરીરને મહાપરાણે બહાર કાઢે છે, એવી આશાએ કે ભલે અહીં પૂજાતો બંધ થયો, પણ જ્યારે હું સ્વયં મનુષ્ય સામે બહાર જઈશ પછી તો મારું ખરેખરું સ્વાગત થશે જ. 

બેસવા જેવું દેખાતા ભગવાન બેસી પડ્યા. જેવા બેઠા કે ભગવાને સ્વાગતનાં શબ્દો ઝીલ્યાં, “અબ્બે એય ટપોરી! ઊઠ સાલ્લા લારી પરથી, જોતો નથી જાણે બાપની ગાડી પર ચઢી બેઠો છે.” 

અવાક્ થયેલા ભગવાન માટે તો આ અભદ્ર શબ્દો સાવ નવા જ હતા. વળી આટલાં વર્ષોથી કોઈએ સ્નાન ઈત્યાદીએ કયાં કરાવ્યું હતું! એટલે ભિખારી જેવો વેશ લાગે એમાં ભગવાન પોતેય શું કરે?

ભગવાન જ્યાં બેસી પડયા હતા, એ ચાની રેંકડી હતી અને એના માલિકનું નામ મહેશ. ભગવાન મહેશને કહે છે, “વત્સ, હું પોતે ભગવાન છું.” મહેશને વિશ્વાસ તો ના થયો, પણ આ ભીખ માંગવાની રીત ગમી અને ભગવાનને એક કપ ચા પાય છે .એ દિવસે મહેશનો ગલ્લો બેન્ક જેવડી કમાણી કરે છે. અકલ્પ્ય વકરાથી ખુશ થયેલો મહેશ ભગવાનદાસને પોતાને ઘરે લઈ જાય છે અને પોતાની કર્કશ પત્ની તેમજ પોતાની મા સાથે ઓળખાણ કરાવે છે ત્યારે ભગવાન ફરી કહે છે, “હું સ્વયં ભગવાન છું.” ત્રણેયમાંથી કોઈને વિશ્વાસ નથી આવતો. ને આમેય આ વિશ્વમાં પાખંડી ઓછા છે? 

ભગવાન માને સંબોધી ને કહે છે, “મા, હું તો તમને ઓળખું છું. તમારે પુરાવો જોઇએ તો લો એવી વાત કહું, જે માત્ર તમે જાણતા હો. તમે ખૂબ સહન કર્યું છે મા. તમે તો વાવમાં પડતું મૂકવા તત્પર હતાં, પણ કોઈકે બચાવ્યા. મહેશનો જન્મ થયો ત્યારે ખીર અને નિશાળે બેઠો ત્યારે પતાસાં તમે મને જ તો ધરેલાં. હું એ ગોખલાનો ભગવાન છું મા.” 

આખું કુટુંબ સાષ્ટાંગ પ્રણામ કરી પ્રભુના ચરણમાં ઢળે છે. 

“દીનાનાથ હુકમ, શી સેવા કરીએ?”

“સેવા તો ઠીક, મારી રહેવાની સમસ્યાનો ઉકેલ લાવો. એકલાઅટૂલાં ગોખલામાં નથી જાવું.

મહેશ કહે છે, “ભગવાન તમને રેઢા તો કઈ મુકાય?”

પુષ્પાવહુ ભગવાનને ચાની રેંકડીએ બેસાડવાની વાત કરે છે પણ મા એ વાતને રદિયો આપે છે એમ કહીને કે, બચાડા પાસે કયાં કામ કરાવવું?

પુષ્પાવહુ બીજી યુક્તિ શોધી કાઢે છે અને એ મુજબ આખા ગામમાં ખબર ફેલાઈ જાય છે કે મહેશના મા, કુંવરબાઈને સ્વપ્નમાં આવીને ભગવાને કહ્યું છે, “હું ધરતીમાં દટાયેલો ગૂંગળાઉં છું , મને બહાર કાઢો.”

ભગવાનનું નામકરણ પણ પુષ્પાએ જ કરી આપ્યું – ‘બાંકેબિહારી’. નામ વગરના ભગવદ-તત્વને પૂછે છે જ કોણ!

સ્વપ્નની જગ્યાએ ખોદકામ કરતાં હરખ અને પરીવર્તનનો વાયરો વાયો. દેશદુનિયામાં લાઈવ ટેલિકાસ્ટ, ભૂમિપૂજન વખતે મુખ્યપ્રધાન અને મંદિરના ઉદ્ઘાટનમાં સુપર સ્ટાર. દાનનો અવિરત પ્રવાહ, પુષ્પાદેવી-મહેશજીનો ભવ્ય બંગલો, ભક્તો માટે આવાસો ને પડીકે બંધાઈ વેચાતા પ્રસાદો.

ભગવાનનેય આમ તો ક્યાં ખોટ હતી. મોટો આવાસ, સુગંધી દ્રવ્યોની મહેક, કિંમતી આભૂષણો, અન્નકૂટ, આરતી. પણ સાથેસાથે એમને મળી ચાંદીના ગરભારાની ગૂંગળામણ અને એકલતા. ભગવાનને ધંધા પર બેસાડવાની વાતને રદિયો આપનારે ભગવાનનો જ ધંધો કરી નાખ્યો!

ખૈર, છેવટે ભગવાન કંટાળીને હળવા થવા વાવ પાસે આવી ‘બાંકેબિહારી ટ્રસ્ટ તરફથી ભેટ’ લખેલા બાંકડે મોકળાશથી નિદ્રાધીન થયા. સવારે આરતી-પૂજાનો સમય થતાં ભગવાન મંદિર તરફ પ્રયાણ કરે છે પણ હોળીના ઉત્સવ પર ધજા પતાકા લઈ ઉમટેલી ભક્તોની ભીડ વચ્ચે ભગવાનને એવો હડસેલો  વાગ્યો કે ભગવાન મંદિર સુધી પહોંચી જ ન શક્યા! હવે? નથી વાવના ગોખલે જવાય એવું, ને ન તો મંદિરે.

પૂજા, કર્મ-કાંડ, સંધ્યાઆરતી, નામજપ.. બધું જ જરૂરી છે, એ બ્રહ્મ-તત્વ સુધી પહોંચવા. પણ સાખ્યભાવે એની સાથે થયેલા અનુસંધાનની એક ક્ષણ પૂરતી છે એના સામીપ્ય – સાક્ષાત્કારને માણવા  -પામવા. ધ્યાન રાખજો ક્યાંક તમારા ‘બાંકેબિહારી’ એકલા ના પડે! વાર્તાના ‘બાંકેબિહારી’ ક્યાં ગયા એ જાણવા તો વાર્તા જ વાંચવી રહી.

કટાક્ષની આ કરુણાપુર્ણ કૃતિ આપનાર વર્ષાબેનને ધન્યવાદ.

 વાર્તાનો અંત જાણવા અથવા અભિપ્રાય માટે,

mail at [email protected] 

Avatar

Tejal Shah (તેજલ શાહ)

Made with by cridos.tech