‘વાર્તા’નું પાત્ર!

Uncategorized ગદ્ય વાર્તા 4098

“તમારે સાંજને સામે કિનારે જાવું હો,

તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.”

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ગાડી નંબર ૧૯૦૧૫. જામનગર ભણતો હોવાથી વારેવારે જામનગર-અમદાવાદ વચ્ચે ફંગોળાયા કરતો. બસનું ભાડું એટલું બધું વધારે, કે દર મહીને બસમાં મુસાફરી કરવી પોસાય એમ નહોતી. પોસાય એમ તો હતી, પણ મનમાં થયા કરતું કે, ૩૫૦-૪૦૦ રૂપિયાનું બસભાડું બન્ને વખતે ચુકવવા કરતા સરકારની ટ્રેન-ફેસીલીટીનો લાભ લેવો. સાવ પૈસાને કારણે નહી, પણ પપ્પાના પોતાના પરના ઉપકારોનો બોજ ઓછો કરવા. હા મને ખબર છે, આવા બસો-પાંચસો રૂપિયાથી બોજમાં કોઈ ફરક ના પડે. પણ આમ આપણને મનમાં એમ થાય કે, આપણે બચાવ્યા એમ!

આઠ વાગ્યાની ટ્રેન આઠ વાગે આવે તો તો સિસ્ટમની ‘ભારતીયતા’ લાજે. ટ્રેન પંદર મિનીટ લેટ હતી, એવું એનાઉન્સમેન્ટ થયું. હું રાહ જોઇને ઉભો રહ્યો. કાલુપુર સ્ટેશન. આવતી જતી ટ્રેન, ઉતરતા અને ચડતા પેસેન્જરો, સામાન ઉંચકતા કૂલીઓ, ફૂડ અને બૂક-સ્ટોલ, એના પરના કસ્ટમરો, પ્લેટફોર્મ પર ઉભડક બેસીને ટોળટપ્પા કરતા માણસો, લાજ કાઢેલી સ્ત્રીઓ, કાનમાં હેન્ડ્સફ્રી ભરાવી સોંગ્સ સાંભળતા અથવા મોબાઈલ મચકોડતા યુવાનો, પાનની પિચકારી મારીને ગંદકી કરતા ‘અસ્વચ્છ’ ભારતીયો, પાટા પર દોડાદોડી કરતા ઉંદરડાઓ, ટ્રોલી ઢસડીને ક્યાંક ટૂરમાં જતી છોકરીઓનું ટોળું, આર્મીના જવાનો.. બધાને જોઇને મને મારું ‘વાર્તા’ સાથે મિલન થતું હોય, એવું લાગ્યું. પણ આમ અધૂરા મિલનથી ‘વાર્તા’ પ્રગટ ના થઇ. ક્યાંકને ક્યાંક મારી વાર્તા ગૂંચવાતી હોવાનું મને લાગ્યા કર્યું. ‘પાત્ર’ હતા, પણ ‘ફ્લો’ ન્હોતો આવતો. આગળ કઈ રીતે લઇ જવી મારે? મારે ના છૂટકે વાર્તા અધુરી મુકવી પડી. 

વાર્તા જતી રહી. હું નિરાશ થઇ ગયો. હું આજુબાજુ વાર્તાઓ શોધવા લાગ્યો. પણ મને ખાલી ‘પાત્રો’ જ કેમ દેખાય છે આજે? લોકો એક બસ-સ્ટોપના બેઝ પર જ કેવી સરસ વાર્તા લખી નાખે છે, ને હું તો બાર પ્લેટફોર્મવાળા એટલા મોટા રેલવે-સ્ટેશન પર એને પકડી ના શક્યો. મને મારી જાત પર શરમ આવવા લાગી.

ટ્રેનની વ્હીસલ વાગી. પછી ટ્રેન પણ આવતી દેખાઈ. હું નીચે મુકેલી મારી બેગ પકડી તૈયાર થઇ ગયો. ટ્રેન આવી ગઈ. પેસેન્જર્સ ઉતરે એ પહેલા જ ઘણા ડફેરો ચડવા લાગ્યા. બે-ત્રણ જણા ઝઘડી પણ પડ્યા. એટલી બધી શું ઉતાવળ હશે? જગ્યા મળી જાય એમ જ હતું. ‘ઓફ’ સીઝન હતી. પણ પબ્લિક કોને કહેવાય? એ થોડી સમજે? હું ચપળતાથી અંદર ઘુસી ગયો. જનરલ’ ડબ્બામાં જગ્યા લેવામાં જેટલી ઉતાવળ કરવી પડે, એટલી મેં કરી. મને જગ્યા મળી પણ ગઈ. મારે જોઈતી એવી જ સીટ. 

‘સીટ’ ના મળી હોત તો મને ‘નવી’ વાર્તા મળત – ‘મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવતા એક યુવાનની કથા’. પણ મને તો સીટ મળી ગઈ! હવે? મેં આજુબાજુ નજર કરી. બાંદ્રા બાજુથી આવતા ડબ્બામાં નાહકનો અવાજ કરતા યુપી બાજુના હિન્દીવાસી લોકો, જોવામાં થોડા વ્યવસ્થિત લાગતા, પણ ફોનમાં જોરજોરથી વાત કરતા ધંધાદારી લોકો, સમોસા -પાણીની બોટલ – મસાલાવાળા ચણા – ચા – પાનમસાલા – બીડી – રમકડાં વેચતા ફેરિયાઓ, તાળી પાડીને પૈસા ઉઘરાવતા વ્યંઢળો.. આ બધું જોઇને એકસાથે કેટલીયે વાર્તાઓ મારા મનમાંથી ફટાફટ પસાર થઇ ગઈ.

ટ્રેન તો હજી ઉપડી જ હતી, એટલે એની સ્પીડ ઓછી હતી. પણ ‘વાર્તા’ શોધવાની મારી તાલાવેલીએ ટ્રેનને ક્યારનીય ઓવરટેક કરી લીધી હતી. મને આગળના કમ્પાર્ટમેન્ટમાંની સિંગલ સીટ પર એક ‘વાર્તા’ દેખાઈ. એક છોકરી બેઠી હતી. મારા કરતા થોડી મોટી લાગતી હતી. ગળા ફરતે સ્કાર્ફ વીંટાળેલો હતો. સિમ્પલ બ્લેક ટીશર્ટ અને બ્લ્યુ જીન્સ. છતાં એના હાવભાવ પરથી એ છોકરી બહુ મોડર્ન લાગતી હતી. કાનમાં હેડફોન હતા, હાથમાં કોઈક બૂક હતી. યેસ. આ જ છે મારી ‘વાર્તા’નું પાત્ર. પાત્ર તો મળી આવ્યું, પણ વાર્તા ‘આગળ’ વધારવા માટે મારે અમુક શક્યતાઓ વિચારવાની હતી.

લોકો ટ્રેનમાં મુસાફરી કરીને, સાથી મુસાફરો સાથે વાત કરીને, એના જીવનમાં ડોકિયું કરીને, એને વર્ણવતી વાર્તાઓ લખીને આખે આખી બૂક લખી નાખે છે. મને પણ ઈચ્છા થઇ આવી. મારે પણ એ છોકરી સાથે વાત કરવી હતી. પણ એની આજુબાજુ કોઈ સીટ ખાલી નહોતી. મારી વાર્તા મારી સામે બેઠેલા દાદાની બીડીના ધુમાડા સાથે જ ઉડી ગઈ. મેં બારી બંધ કરી દીધી. હવે તો હું ‘વાર્તા’ને જવા દેવાનો જ નથી. નહિ નહિ ભગવાન. પ્લીઝ રોકી લો એને.

ઈશ્વરે મારું સાંભળી લીધું. વિરમગામ સ્ટેશન આવવાની તૈયારી હતી. પેલી છોકરીની સામે બેઠેલા એક ભાઈ ઉતરવા માટે ઉભા થયા. મેં દોડીને એ સીટ પચાવી પાડી. હવે? વાત કરવા માટે કંઇક બહાનું તો જોઈએ ને? કોઈ છોકરો હોય તો, ગમે એમ કરીને વાત ચાલુ કરી શકાય. પણ છોકરીઓ સાથે વાત કરવા માટે ઘણી તૈયારી કરવી પડે છે. ટ્રેન સ્ટેશનેથી નીકળી. એણે સ્પીડ પકડી. મારા વિચારોએ પણ સ્પીડ પકડી. મારા મગજમાં ‘સ્પાર્ક’ થયું. બૂક. હા બૂક જ છે હવે મને, જે નેક્સ્ટ સ્ટેશન સુધી લઇ જશે. બૂક ધ્યાનથી  જોઈ. એનું શીર્ષક વાંચ્યું. એ છોકરી ડૉ શરદ ઠાકરની ‘રણમાં ખીલ્યું ગુલાબ’ બૂક વાંચતી હતી. વાહ, આમાં ભગવાનનો શુભ સંકેત હતો. આ વિષય પર તો હું વાતને ઘણી આગળ લઇ જઈ શકું એમ છું. મેં એને પૂછ્યું,

“શરદભાઈના શબ્દો આમ સીધા દિલમાં ઉતરી જાય એવા હોય છે નહીં?”

એને એવું લાગ્યું કે હું કંઇક બોલ્યો, પણ શું બોલ્યો એ સાંભળી ના શકી. એણે હેડફોન દૂર કર્યા અને મને પૂછ્યું,

“શું તમે મને કંઈ કીધું?”

“હું એમ કહેતો હતો કે, શરદભાઈના શબ્દો સીધા દિલમાં ઉતરી જાય એવા હોય છે..”

“હા. મારા ફેવરીટ ગુજરાતી રાઈટર છે આજના સમયના. તમને પણ વાંચવાનો શોખ છે?”

“હા. ક્યારેક ક્યારેક લખી પણ લઉં છું.”

“ઓહો. શેમા?”

“બ્લોગ. એવરી સન્ડે. રેગ્યુલર..” મને મારી ‘વાર્તા’ આગળ વધતી દેખાઈ.

“સારું કહેવાય.”

“આ ડૉ શરદ ઠાકર જ્યાંથી ભણેલા, એ જ કોલેજમાં છું હું. જામનગરમાં. ડોક્ટરની ડાયરીમાં તમે વાંચેલું હશે અમારી કૉલેજ વિશે..”

“હા. વાંચેલું છે ને. તમે પણ એમની જેમ ડોક્ટર છુઓ એમ ને. વાહ.”

“ના. હજી નથી. હજી તો થર્ડ યરમાં છું.” 

“નથી, તો થઇ જશો, બીજું શું!” મારી ‘વાર્તા’ હવે ડાયવર્ટ થઇ રહી હતી. મારે એમની ‘વાર્તા’ રચવાની હતી, એમની ‘વાર્તા’નું ‘પાત્ર’ નહોતું બનવાનું મારે. મેં વાત વાળવાનો પ્રયત્ન કર્યો,

“તમે શું કરો છો? ક્યાંના છુઓ તમે?”

“હું છું તો સુરતની. પણ અત્યારે પોરબંદર જાવ છું.”

“પોરબંદર? ફરવા? એકલા?”

“સાચું કહું તો હું ઘરેથી ભાગી આવી છું.” વાહ વાહ. મારી ‘વાર્તા’ હસવા લાગી. એક છોકરી એક અજાણ્યા છોકરાનો બે મિનીટ પહેલા જ ‘પરિચય’ થયો છે, એને પોતે ‘ભાગી આવી છે’, એમ કહેતા અચકાઈ નહીં.

“કેમ? કોની સાથે?”

“કોઈની સાથે નહી. જેને માટે ભાગી છું, એ અત્યારે પોરબંદર છે. મુસલમાન છે. હું હિંદુ છું.” એ હસવા લાગી. એને હસતી જોઇને મારી વાર્તા પણ ફરી હસવા લાગી. ‘ઇન્ટર રીલીજીયસ મેરેજ’ વિશે સાંભળીને તો એ કુદકા જ મારવા લાગી. 

મને ‘વાર્તા’ લખવાના નિયમો યાદ આવી ગયા. એટ ધી સેન્ટર ઓફ ધી સ્ટોરી – એક પાત્ર અથવા પાત્રોનો સમૂહ, જેનામાં કંઇક ઉણપ હોય; બળની, બુદ્ધિની, સુંદરતાની, શારીરિક, માનસિક, પૈસાની, વસ્તુની, ધ્યેયની. એને ગમે એમ કરીને અધૂરા/નબળા ચીતરો. પછી એ ઊણપ વિશે ઊંડાણપૂર્વક લખીને એની સાથે વાચકને ઓતપ્રોત કરી દો. પછી એકાદો વળાંક લાવો. પાત્રને સબળ કરતા જાવ અને છેલ્લે એને જીતાડો. ને જો સબળ થયા પછી પણ એ હારી જાય તો તો ‘વાર્તા’ સફળ. વાર્તાના ‘હીરો’ને છેલ્લે મારી નાખો તો એ સુપરહિટ સાબિત થાય. લોકોને એના માટે લાગણી અકબંધ રહે અને એમ ને એમ જ વાર્તા વાચકના મન પર છવાયેલી રહે. મને આ બધા ‘તત્વો’ આમાં દેખાઈ રહ્યા હતા.

મેં વાત આગળ વધારી. આઈ મીન ‘વાર્તા’ આગળ વધારી. બન્ને સુરત કોલેજમાં સાથે ભણતા. બન્ને પ્રેમમાં પડ્યા. ઘરેથી થોડા માને કોઈ? પહેલા પેલો આવી ગયો પોરબંદર અને હવે પેલી ઘરેથી કીધા વગર ભાગીને આવતી રહી. પછી તો અમે ઘણી વાતો કરી. મમ્મીએ સાથે બાંધી આપેલું ટીફીન પણ અમે બન્નેએ ભેગા થઈને ખાધું. એ ખાઈને મારી ‘વાર્તા’ પણ સંતૃપ્ત થઇ ગઈ.

ટ્રેન આંચકો મારીને ઉભી રહી. 

રાજકોટ સ્ટેશન આવી ગયું હતું. હું તો મારી જગ્યાએ જ બેઠો હતો, અમદાવાદથી બેઠો હતો ત્યાં જ. પેલી છોકરી પણ હજી ત્યાં જ બેઠી હતી, એની જ જગ્યાએ, આગળના કમ્પાર્ટમેન્ટમાંની સિંગલ સીટ પર. હજી એ બૂક વાંચતી હતી. પણ હેડફોન કાઢી નાખ્યા હતા. હું એની સામેની ખાલી સીટ પર જઈને બેસી ગયો. શરદ ઠાકરની બૂક નહોતી. પોલો કોએલોની ‘એકલવીર’ હતી. ઘણીવાર પછી મેં પૂછ્યું, “આમની ‘એલ્કેમિસ્ટ’ વાંચી છે તમે?”

એણે ‘સાઈન’ લેન્ગ્વેજથી મને સમજાવ્યું કે, એ બોલી નથી શકતી. અરે રે. મારી વાર્તા પણ મૂંગી થઇ ગઈ. પણ થોડીવાર માટે જ. અહીંયા તો મારે પાત્રને ‘દુબળું-નબળું-શારીરિક કે માનસિક ખોડખાંપણવાળું’ બનાવવાની જરૂર જ નથી. અહીં તો પાત્રમાં ઓલરેડી એક ઉણપ છે જ.

મેં એમણે સ્માઈલ આપ્યું. પછી હું આગળની શક્યતાઓ વિચારવા લાગ્યો. જામનગર આવી ગયું હતું. ટ્રેન ઉભી રહી. મેં એમને ‘બાય’ કહ્યું. સામાન લઈને હું નીચે ઉતર્યો. એને ફરીવાર ‘બાય’ કહેવા માટે મેં બારીની અંદર જોયું. અરે પણ આ શું? ત્યાં કોઈ હતું જ નહી. એ હતી કે નહી પહેલા? કે વાર્તાની જેમ એ પણ એક ઉભું કરેલું ‘પાત્ર’ માત્ર હતી. વાહ. જોયું? આમાં પ્રાસ મળ્યો.!

 SHUT DOWN

Only a writer can hold conversation between people, that don’t exist. We don’t talk to ourselves,  we talk to the people we created from nothing.

– JOSEPH EASTWOOD

(શીર્ષકપંક્તિ : ઉદયન ઠક્કર)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech