કોઇ પણ ધોરણ અને ધારા વગર, ભક્તને ઈશ્વર મળે માળા વગર! – નિનાદ અધ્યારુ

ગઝલ પદ્ય 3916

કોઇ પણ ધોરણ અને ધારા વગર,

ભક્તને ઈશ્વર મળે માળા વગર!

.

ચાલશે પીધા વગર, ખાધા વગર,

પણ તું જીવી નહિ શકે ભાષા વગર.

.

એ વિચારે દીકરી તૈયાર થઇ, 

બાપ કેવો લાગશે સાફા વગર!

.

એવું તો હાલરડે હિલ્લોળે ચડ્યું, 

છોકરું પોઢી ગયું હાલા વગર!

.

પાણી જો ઓછું હશે તો ચાલશે,

પણ નદી શોભે નહિ પાણા વગર.

.

આજ રીક્ષા સાવ ભૂખી સૂઈ જશે,

ઝોળી ખાલી રહી ગઈ ભાડા વગર.

.

છે પરસ્પર બેઉની કિંમત ‘નિનાદ’,

ચાવીનું શું મૂલ્ય છે તાળા વગર?

 

– નિનાદ અધ્યારુ

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech