વેશભૂષા
વૈભવી અને રંગીન રાજવી જીવન જીવતો રાજા એટલે વેન. તેના શાસનમાં સજ્જનોને ધિક્કારવામાં આવતા અને દુર્જનોને સત્કારવામાં આવતા.
એક વખત ઋષિઓએ કહ્યું, “મહારાજ.. જો અમે દોષી જ હોઈએ તો આજથી કર્મકાંડ પણ છોડી દઈએ, પણ અમને હવે શાંતિનો રોટલો ખાવા દો.”
વેનનો ત્રાસ યથાવત રહ્યો. શિકાર માટે નીકળેલો વેન એક સાંજે પાછો ફરતો હતો ત્યારે ડાકુઓથી ઘેરાઈ ગયો. તેના અંગરક્ષકો પણ એ ટોળી સાથે ભળી ગયા. અંધકાર તેના અંગોને લીંપતો લાગ્યો, આકાશ કાજળ વરસાવતું લાગ્યું. ચીસ ગળામાં જ અટકી ગઈ અને એક સાથે તમામની તલવારો તેના ગળા પર વીંઝાયી. તેનું મસ્તક ઉડીને એકબાજુ પડ્યું. શરીર પર અનેક ઘા પડ્યા.
મસ્તકની મીંચાઈ રહેલી આંખો સામે ડાકુના વેશમાં એ જ ઋષિઓ હતા. વેનની આંખ ફાટી જ રહી ગઈ.