સંવેદનશીલતા
ડીયર ડાયરી,
કલમ હાથમાં લઉં અને સંવેદનાઓ જાણે ટેરવા પર ઝંકૃત થઈ ઉઠે છે. એવું લાગે છે જાણે લાગણીશીલ હોવું એ માત્ર એકાંતમાં ભજવાતો ભાગ છે, સંવેદનશીલ હોવું એ દુનિયાદારીનો હિસ્સો નથી માત્ર ડાયરી પર આવતી સચ્ચાઈ છે.. શું ખરેખર સંવેદનશીલ હોવું એ નબળાઈ છે?
એક-એક ક્ષણ જાણે એક દિવસ જેવી વીતે છે, લાંબી લાગે છે એમ નહિ, પણ જ્યારથી સંવેદનાની આંખે દુનિયા જોઉં છું ત્યારે બધું જ સુંદર, વિસ્મયપ્રેરક, ભવ્ય લાગે છે, હા એક ક્ષણ પણ ખરા અર્થમાં કેટલી ભવ્ય હોય શકે એ સમજાય છે… ક્ષણના પણ ભાગમાં કેટલી ક્ષણો હોય છે ને.. જો આ એક-એક પળને ભેગી કરીએ તો એક મોટો દિવસ બને, અને આ એક-એક દિવસનો અર્થપૂર્ણ ઉપયોગ કરીએ તો આપણી મનગમતી જિંદગી બને, બધું આ એક ક્ષણ પર નિર્ભર છે, વીતી ગયેલી કે આવનારી ક્ષણ નહિ પણ આ જ ક્ષણ, અત્યારની, જે તમારી પાસે છે, તમારા ખોળામાં બેઠી છે, જાણે રાહ જોઈ રહી છે કે તમે એને કઈ રીતે શણગારશો..! તમારી કલ્પનાના, મહેનતના, જ્ઞાનના ક્યાં વાઘા પહેરાવશો આ ક્ષણને?
જે પળ આપે તે કોઈ જ ના આપી શકે, જયારે તમે અત્યારની ક્ષણનું મૂલ્ય સમજવા લાગો અને આજની સ્વયં ઘડીમાં જીવનને ભરપુર જીવવા લાગો ત્યારે તમને લાગે કે જીવન ક્ષણભંગુર છે, બધી જ સજીવ-નિર્જીવ વસ્તુને વાચા છે, સંવેદના છે, બધું જ બોલે છે, તમે પૃથ્વી સાથે સાચા અર્થમાં તાદ્દાત્મ્ય સાધી શકો. જીવન જીવવાની આ દ્રષ્ટિ કોઈ શાળા-કોલેજમાં કે ટ્રીપમાં નથી મળી મને, પરંતુ પુસ્તકોએ આપી છે..!
પુસ્તકો, કે જે તમારી ભીતરના આનંદને વહેણ આપે છે, તમારા આત્માને સુંદર વિચારકણિકાઓથી તૃપ્ત કરે છે, પુસ્તકો કે જે તમારામાં ચઢેલા બહારી દંભી કોચલાને ઉખેડીને તમને ખુદ સાથે મળાવે છે, એ પુસ્તકો જ કે જે તમારી અંદરના ખાલીપણાને પણ વિસ્મ્યાનંદમાં પરિવર્તિત કરે છે, જે જીવનની મુંજવણને શબ્દોથી શબ્દસ્થ કરીને ઉકેલ આપે છે. મારે મન પુસ્તક એટલે શબ્દોથી મઢેલું સાચુકલું કુદરત!
હું જાણું છું મારી અંદર એક શાંત નદી પણ છે અને ખળખળ વહેતો દરિયો પણ. સ્વભાવ નદીના પાણી જેવો છે, જયારે હું જીવું છું વહેતા દરિયાની જેમ – ફાસ્ટ અને ફ્યુરીયસ. એક ક્ષણને પૂરી જીવી ના હોય ત્યાં હું આવનારી ક્ષણમાં પહોંચી જાઉં છું અને પછી ફરિયાદ કરું છું કે દિવસ તો કેટલા જલ્દી પસાર થઈ જાય છે, જીવન તો ખુબ નાનું છે, દિવાળી તો કેટલી જલ્દી આવી જાય છે. લાગે છે ને આ તમારી પણ વાત? કારણ આ મારું જ નહિ, કદાચ બધાનું જ જીવન છે. એક ક્ષણમાં કેટલી ભવ્યતા હોય છે એ જોવાની આપણી દ્રષ્ટિ જ નથી!
આ એક ક્ષણ જીવાડી પણ શકે અને મૃત્યુના મુખમાં પણ ખેંચી લઈ જઈ શકે. એથી વધુ તો ક્ષણની મહત્તા શું હોય શકે?
છાલક
કેવું હશે એ હૃદય?
જયારે
ખુશી,
પીડા,
લાગણી,
શબ્દો,
ગીત,
ને
મન
બધું જ
એક ક્ષણમાં ખાલી થઈ જતું હશે?
કેવો હશે એ પાંગળા હૃદયનો ચહેરો?
ખરેલા પાન બાદની ડાળી જેવો,
કે નૂર વિનાના સ્મિત જેવો?
જયારે હૃદય ખાલી થઈ જતું હશે,
એ ભાવને શું ચહેરો ઝીલી શકતો હશે?
– મીરા જોશી