હું વાંસ અને શ્ચાસની વચ્ચે છું રાધિકે, હું પ્રેમ અને પ્યાસની વચ્ચે છું રાધિકે. – શૈલેષ પંડ્યા ‘નિશેષ’
હું વાંસ અને શ્ચાસની વચ્ચે છું રાધિકે,
હું પ્રેમ અને પ્યાસની વચ્ચે છું રાધિકે.
.
કણમાં હું નિરાકાર, મદન સૌ મનનો તોય,
સંસારને સંન્યાસની વચ્ચે છું રાધિકે.
.
શોધે જે નજર રોજ સવારે રોટી ઉકરડે,
એ ભુખને ઉપવાસની વચ્ચે છું રાધિકે.
.
કાયમ ભુખથી ભાંભરડા દેતી ગૌરીના,
હું માંસ અને ઘાસની વચ્ચે છું રાધિકે.
.
હૂંડી પુરતો રોજ પિતા થૈ પુત્રીની એ,
શ્રદ્ધા અને વિશ્વાસની વચ્ચે છું રાધિકે.
.
પ્હેરો તમે ગોપીપણું તો પ્રગટે જ્યોતિ થૈ,
નરસિંહ અને રાસની વચ્ચે છું રાધિકે.
.
વાંગ્મય છું છતા શબ્દમાં ક્યાં બાંધ્યો બંધાઉ,
હું વેદ અને વ્યાસની વચ્ચે છું રાધિકે.
– શૈલેષ પંડ્યા ‘નિશેષ’