“બટાકા, ઇંડા કે કૉફી-બીન્સ?”
બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારામાં ઉગે, ને સૂર્યોદય થવા લાગે.
– ગની દહીંવાલા
એકવાર એક માણસ રસ્તેથી પસાર થતો હતો અને તેણે જોયું કે સામે બે-ચાર હાથીઓનું નાનું ટોળું હતું. આ ટોળામાંના હાથીઓને પગથી માત્ર એક દોરડા વડે બાંધીને રાખવામાં આવ્યા હતા. આ જોઇને એને ઘણું આશ્ચર્ય થયું કે આટલા કદાવર પ્રાણીને સાચવવા માટે કોઈ સાંકળ કે પાંજરું નહીં, માત્ર એક સામાન્ય દોરડાનો ઉપયોગ થયો હતો. એને થયું કે આ હાથીઓ કોઈ પણ ક્ષણે આ બંધન તોડી નાખવા સક્ષમ છે પણ કોઈ કારણોસર તેઓ પણ આવું કંઈ કરી નથી રહ્યા.
તેણે નજીકમાં જ એ હાથીના ‘ટ્રેનર’ને જોયો અને પૂછ્યું કે કેમ આ પ્રાણીઓ માત્ર દોરડા વડે બંધાયા હોવા છતાં અહીં ઉભા રહ્યા છે? તેઓ ભાગવાનો પ્રયત્ન પણ નથી કરતા? આ સાંભળીને ટ્રેનરએ વ્યક્તિ સામે સ્મિત કરતા કહ્યું કે, જયારે આ હાથી નાના હતા ત્યારે પણ અમે આ જ દોરડા વડે તેમને બાંધી રાખતા. અને એ ઉંમરે આ દોરડા એમને બાંધી રાખવા પૂરતા સક્ષમ હતા. જેમ-જેમ આ પ્રાણીઓ મોટા થતા ગયા તેમ-તેમ એમના મનમાં એક વાત ‘ફિક્સ’ થતી ગઈ કે, આપણે આ બંધનથી છૂટવા માટે અસક્ષમ છીએ. તેઓ એવું માનવા લાગ્યા છે કે તેઓ જે આ દોરડાથી બંધાયેલા છે એ તેમનાથી તૂટી નહીં જ શકે, અને એટલા માટે જ તેઓ આ દોરડાથી છૂટવાનો પ્રયત્ન પણ નથી કરતા! પેલો માણસ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ પ્રાણીઓ કોઈ પણ સમયે તેમના બંધનમાંથી છૂટી શકે તેમ છે પણ, “હું આમાંથી છૂટી શકીશ નહીં!” એ વિચારને કારણે હજુ પણ તેઓ એ જ બંધનમાં બંધાઈને રહ્યા છે.
આ હાથીઓની જેમ જ આપણામાંના જ કેટલા બધા હશે જે પોતાના જીવનમાં અટકીને ઉભા છે માત્ર ને માત્ર એ જ કારણથી કે, “હું કંઈ કરી શકીશ નહીં!” કે “મારાથી કંઈ થશે નહીં!” અને આવું પણ એ જ કારણોસર કહેતા હોઈએ છીએ કેમ કે આપણે પહેલા અમુક વસ્તુઓમાં આપણને ‘સક્સેસ’ ના મળી હોય, અમુક વાતોમાં આપણે સદંતર નિષ્ફળ ગયા હોઈએ.
નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે. નિષ્ફળતા એટલે પૂર્ણવિરામ નહીં પણ, સફળતા સુધી પહોંચતા પહેલાનો એક અલ્પવિરામ છે. પંખીને પણ રાખમાંથી ફરી બેઠા થવા માટે એકવાર બળવું તો પડે જ છે. રોબર્ટ કિયોસાકી કહે છે કે, “વિજેતાઓ ક્યારેય નિષ્ફળતાથી નથી ડરતા, નિષ્ફળતા એ સફળતા તરફની એક ‘પ્રોસેસ’ છે. જે લોકો નિષ્ફળતાને ટાળે છે એ લોકો સાથે-સાથે સફળતાને પણ ટાળી દે છે.”
એકવાર એક છોકરી પોતાના પિતાને ફરિયાદ કરે છે કે એ પોતાના જીવનમાં મૂંઝાઈ ગઈ છે. એને એ પણ નથી ખબર પડી રહી કે એ ક્યારેય કોઈ કામ કરી પણ શકશે કે નહીં! પોતાના જીવનમાં એ ‘સ્ટ્રગલ’ કરી-કરીને કંટાળી ગઈ હતી. હજુ તો એક ‘પ્રોબ્લમ’ સોલ્વ ના થયો હોય ત્યાં તો બીજો કોઈ પ્રશ્ન ઉભો ને ઉભો જ હોય તેની લાઇફમાં
તેણીના પિતા કે જે વ્યવસાયે એક ‘શેફ’ હતા, તે તેને પોતાની સાથે ‘કિચન’માં લઇ જાય છે. ત્યાં જઈને એ ત્રણ વાસણ લે છે અને દરેક વાસણમાં પાણી ભરી દે છે. અને એ ત્રણે વાસણમાંનાં પાણીને ઉકાળવા માટે ‘સ્ટવ’ પર મુકે છે. જેવું પાણી ઉકળવાનું શરુ થાય છે એવા તેના પિતા એક વાસણમાં બટાકા, એક વાસણમાં ઈંડા અને એક વાસણમાં કોફી-બીન્સ નાખી દે છે. ત્યારબાદ તે કંઈ પણ બોલ્યા વગર એ ત્રણે વાસણમાંના પાણીને ઉકળવા દે છે, આ બાજુ તેની દીકરી એકદમ ઉત્સુકતાથી જોઈ રહી હોય છે કે એના પિતા આખરે કરી શું રહ્યા છે!બરાબર વીસ મિનીટ પછી એના પિતા ‘સ્ટવ’ બંધ કરે છે. પહેલા પાત્રમાંથી બટેકા કાઢીને એક બાઉલમાં લે છે. બીજા પાત્રમાંથી ઈંડા કાઢીને બીજા એક બાઉલમાં લે છે અને જે પાત્રમાં કોફી-બીન્સ નાખેલા હતા એ પાણીને એક કપમાં કાઢીને મુકે છે.
આટલું કર્યા પછી તે પોતાની દીકરીને પૂછે છે કે, “તને આ સામે શું દેખાય છે?” એ ઝડપથી કહે છે કે, “ બટાકા, ઈંડા અને કોફી-બીન્સ!” હવે તે કહે છે કે નજીકથી જો અને બટાકાને અડ! તેણીએ એમ કર્યું અને નોંધ્યું કે બટાકા ‘સોફ્ટ’ થઇ ગયા હતા. ત્યારબાદ તેના પિતાએ તેણે ઈંડું લઈને તોડવાનું કહ્યું, તેણે એવું કર્યું અને નોંધ્યું કે ઈંડું ઉકાળ્યા પછી કઠણ થઇ ગયું હતું. ત્યારબાદ તેના પિતાએ તેને કોફી-બીન્સ નાખેલું એ પાણી ચાખવા કહ્યું, કોફીની એ સુગંધથી એ છોકરીના મુખ પર એક મંદ સ્મિત રમવા લાગ્યું.
એ છોકરી પછી એના પિતાને પૂછે છે કે, “આ બધાનો મતલબ શું નીકળ્યો?”
એના પિતા તેને સમજાવતા કહે છે કે બટાકા, ઈંડા કે કોફી-બીન્સ ત્રણે સામે એક જ સરખી પ્રતિકૂળતા હતી અને એ હતું ઉકળતું પાણી. એ છતાં પણ ત્રણે એ પ્રતિકૂળતા સામે ‘રિએક્ટ’ અલગ-અલગ રીતે કર્યું. બટાકા શરૂઆતમાં ઘણા મજબૂત અને કઠણ હતા પણ ઉકળતા પાણીમાં નાખ્યા બાદ એટલે કે પ્રતિકૂળતા આવ્યા બાદ તે ‘સોફ્ટ’ અને નબળા પડી ગયા. ઈંડા શરૂઆતમાં ખૂબ બરડ હતા અને તેના બહારના કોચલાએ અંદરના પ્રવાહીને સાચવીને રાખ્યું હતું પરંતુ જયારે ગરમ પાણીમાં ઉકાળવામાં આવ્યા ત્યારે તે અંદરથી એકદમ મજબુત થઇ ગયા. આ બન્ને બાદ, જે કોફી-બીન્સ હતા એ આ બન્નેથી કંઇક અલગ નીકળ્યા, જયારે કોફી-બીન્સને પાણીમાં ઉકાળવામાં આવ્યા ત્યારે તેમણે પાણીને બદલીને કંઇક નવું જ પીણું બનાવી નાખ્યું. આટલું સમજાવ્યા બાદ પિતાએ પોતાની દીકરીને પૂછ્યું કે, “હવે આ ત્રણમાંથી તું શું છે? જયારે કોઈ ખરાબ પરિસ્થિતિ સર્જાય ત્યારે તું કોની જેમ ‘રિએક્ટ’ કરે છે, એક બટાકાની જેમ, એક ઈંડાની જેમ કે પછી એક કોફી-બીનની જેમ?”
બસ આ જ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો કે જયારે જીવનમાં કોઈ ખરાબ પરિસ્થિતિ સર્જાય, કોઈ જગ્યાએથી નિષ્ફળતા મળે, કોઈ પ્રતિકૂળતા સર્જાય ત્યારે આપણે બટાકાની જેમ ઢીલા પડી જઈએ છીએ, ઈંડાની જેમ કઠણ થઇ જઈએ છીએ કે પછી કોફી-બીનની જેમ એ વિષમ પરિસ્થિતિમાં પણ કંઇક અલગ સુંદર વાતાવરણ રચીએ છીએ?
આફટર-શોક
લગભગ દરેક સફળ વ્યક્તિ બે વિશ્વાસ સાથે કામની શરૂઆત કરે છે : મારું ભવિષ્ય મારા વર્તમાનની સરખામણીમાં વધુ ઉજળું હોઈ શકે છે અને હું તે ભવિષ્યને બનાવવાની પુરેપૂરી તાકાત રાખું છું.
– અજ્ઞાત