સોશિઅલ આઇસોલેશન / સામાજિક અને વંશીય ઓળખની ઝંખના / કાફ્કાનું મેટામોર્ફોસિસ

ગદ્ય વિવેચન 4714

૩૧ મેના દિવસે ‘ધ સ્કૂલ ઓફ લાઇફ’ યુટ્યૂબ ચેનલ એક વિડીયો અપલોડ કરે છે: શા માટે બેશુમાર લોકો લેખક બનવા માગે છે? ઈન્ટરનેટ પર સામાજિક તથા અન્ય ઈ-ઠેકાણા પર આશરે એકાદ દાયકામાં આશ્વર્યજનક રીતે લેખક થવાની ઈચ્છા ધરાવનારા લોકોની વધેલી તાદાદ જોઈને આ પ્રશ્ન ઊઠવો વાજબી છે. પ્રથમ કારણ ઈન્ટરનેટ અને ડિજિટલ પ્રોડક્ટ સસ્તી તથા સુલભ બની છે એ નજરે આવે, કિંતુ આ યથાર્થ કારણ નથી. આ બંને સાધનો ઉપલબ્ધ થવાથી મનુષ્ય પાસે એનો વપરાશ કરવાના અન્ય તરીકાઓ પણ સામે આવ્યા  છે. તો શા માટે અગણિત લોકો લેખન તરફ ઢળતા જાય છે? એ વિડીયો જવાબ આપે છે: એકલતા!

અલબત્ત એ હકારાત્મક બાબત છે કે, ‘વી – ધ પીપલ’ હવે ડિજિટલ ચોકમાં પોતાનાં અંતરની અકળામણો કવિતાઓ, વાર્તાઓ અને કિસ્સાઓ સ્વરૂપે રજૂ કરવા મુક્ત છીએ, પરંતુ એની પાછળનું કારણ ખરેખર જો ઊધઈ જેમ કોરતી અને મહામારી જેમ ફેલાતી એકલતા હોય, તો એ બાબત વ્યક્તિ અને સમાજ બંને માટે વોર્નિંગ અલાર્મ છે. જો કે, આ વાત દરેક લેખનાભિલાષીઓને લાગું નથી પડતી. છતાં બિલ્યન્સની ભીડમાં અસ્તિત્વમાન સેંકડો મનેખો માને છે કે એમની લાગણી/પીડાની એમનાં સામાજિક વર્તુળમાં દરકાર કરનારું કોઈ નથી. છેવટે તેઓ પોતાનો અવાજ શબ્દોમાં પૂરીને વહેતો કરે છે જેથી એ વાત દૂરનાં અજાણ્યા લોકો સુધી પહોંચે, એવા લોકો સુધી જેની સાથે વ્યક્તિ પોતાની વેવલેન્થનું ટ્યૂનિંગ સાધી શકે.

એકલતા શબ્દ જ મોર્ડન એજની સાડા સાત મહાપદ્મ મનુષ્યથી ખદબદતી ધરા પર વિસંગત લાગે! ગ્લોબલ વિલેજનું સ્વપ્ન આંખમાં આંજીને આગળ વધી રહેલી નવસભ્યતા ખરેખર જાતિ-જૂથ-ભાષા-દેશ-વંશની ઓળખ ભૂલાવી ક્યારે ઐક્યમાં વિલિન થશે એ તો સમય જ ઉવાચશે. બહરહાલ, આ સર્વે ઓળખ ભૂંસીને વિશુદ્ધ મનુષ્યજાતિ બનવાનું સ્વપ્ન હ્યુમનની સાઇકોલોજી સાથે સીધું ઘર્ષણમાં આવે છે. આગળ કહ્યું એમ, મનુષ્ય ડે-બાય-ડે વધારેને વધારે એકલવાયો થઈ રહ્યો હોવાનો ખતરો તોળાઈ રહ્યો છે. એન્શન્ટ એજથી ટોળાવાદી મનુષ્ય અપવાદોને બાદ કરતા ભાગ્યે જ ગળામાં કોઈ પ્રકારનું લેબલ પહેર્યા વગર મુક્ત રહી શક્યો છે. આને દુવિધા કહો કે સુવિધા, પણ આ સત્ય છે. 

‘બિલોગિંગનેસ’ યાને કે કોઈ ઓળખની માલિકી ધરાવવી કે કોઈ ઓળખથી બંધાયેલા હોવાની સામાજિક અને વ્યક્તિગત સંતૃપ્તિ સામે મનનો એકાંતભાવ હારી જાય છે. આખરે તો આપણે સામાજિક પ્રાણીઓ છીએ. અમુક સમયમર્યાદા પૂરતી એકલતા માણવી અલગ વાત છે, સાત્ત્વિક એકાંત કે સોલિટ્યૂડની શરણમાં જવું હકારાત્મક છે, પરંતુ કાયમ માટેનું ડીસ્કનેક્શન, ‘ભીડમેં તન્હા’વાળો રોગ માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે જ.

વીસમી સદીનાં લેખક-શિરોમણી કહેવાતા ફ્રાંઝ કાફ્કાનું ઉદાહરણ જોઈએ. ૧૮૮૩માં પ્રાગમાં જન્મેલા ફ્રાંઝ યહૂદી પરિવારનાં સંતાન હતા. ત્યારે યુવાન ફ્રાંઝ જે યુરોપિઅન સમાજમાં જીવતા હતા એમાં યહૂદીઓ પ્રત્યે ધિક્કારનો માહોલ સળગવાનો શરૂ થઈ ગયો હતો. ફ્રાંઝ વિચારશીલ અને વિદ્વાન મનુષ્ય હતા. એ સમયે યુરોપનાં ઘણા યહૂદીઓ જેમ ફ્રાંઝ પણ પોતાની વંશીય અને રાષ્ટ્રીય ઓળખ વચ્ચે પીસાતા હતા. એક તરફ તેઓ પોતાને નાસ્તિક ગણાવતા, તો બીજી તરફ યહૂદી સમાજ અને સંસ્કૃતિનો ભાગ બનવામાં તેમને સંતોષ મળતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાંઝે સૈન્યમાં સેવા આપીને દેશ પ્રત્યે ફરજ અદા કરવાની પણ તૈયારી બતાવેલી.

ફ્રાંઝનું બચપણ ત્રાસ આપતા પિતાના ખોફમાં બિહામણું વીત્યું હતું. પરિણામે ફ્રાંઝ પુખ્ત ઉંમરે પણ માનસિક અને શારીરિક વ્યાધિઓથી પીડાતા રહેતા. ફ્રાંઝ એવા દરિદ્ર મનુષ્ય બની ગયા હતા, જે ગમે એટલો પ્રયત્ન કરવા છતા સમાજમાં ક્યાંય પણ જોડાણ અનુભવી શકતા નહીં. ન તો યહૂદી સમાજમાં એમને પોતાનાપણું લાગતું, ન તો એની બહારના લોકો વચ્ચે એમને કશું કનેક્શન ફીલ થતું. ફ્રાંઝને એમની એકલતા એવા લેખક બનવા તરફ ધકેલી ગઈ જેની કલમમાંથી વાર્તાઓ નહીં પણ અંગત પીડાઓ અને આક્રંદ જન્મતા હતા. એમની વાર્તા/લઘુનવલ ‘મેટમોર્ફોસિસ’ આવું જ એક એકલતાનું કરૂણગાન છે. વાર્તા એક સવારે જાદૂઈ રીતે વિશાળ જંતુ બની જતા ગ્રેગોર સેમ્સાની છે. વાર્તામાં અન્ય થીમ પણ પ્રતિબિંબિત થાય છે, છતા સૌથી ધ્યાન ખેંચે એવી થીમ છે ‘એકલતા’. એ દાયકાઓમાં યુરોપિઅન સમાજમાં અનપ્રિવિલિજ્ડ બચપણ ધરાવતા એક યહૂદી મનુષ્યની માનસિક હાલત કેટલી ભયંકર હદે દરિદ્ર હશે એ મેટમોર્ફોસિસ વાંચ્યાં પછી ખ્યાલ આવે છે. એમાં ફ્રાંઝ પોતાની જાતને એવાં તુચ્છ જંતુ તરીકે રજૂ કરે છે જે પગ તળે કચડાઈ જવાને જ લાયક છે, વિશ્વમાં એનું તસુભારેય મહત્વ નથી!

ફ્રાંઝની એકલતાને વિકરાળ કરનાર અન્ય બાબતો હતી: એમની રૂંધાયેલી જાતિય ઈચ્છાઓ, વાંરવાર રોગમાં પટકાતું શરીર, આત્મસન્માનનો કચ્ચરઘાણ કરતી ટ્રાવેલિંગ સેલ્સમેનની નોકરી અને મિત્રોનો સદંતર અભાવ. લેખકમિત્ર મેક્સ બ્રોડને બાદ કરતા ફ્રાંઝ પાસે મન મોકળું કરવા માટે કોઈ ન હતું. ફ્રાંઝ પાસે કાગળ પર રક્ત વહેવડાવવા સિવાય કોઈ જ ઉપાય ન હતો.

ફ્રાંઝ કાફ્કા એ વાતનું પરફેક્ટ ઉદાહરણ છે, કે કેવી રીતે સામાજિક અને વ્યક્તિગત એકલતા માણસની માનસિક અવસ્થાને વિકૃત કરી નાખે છે. કોઈ જગ્યાએ બિલોંગ કરવા માટે તરસતા ફ્રાંઝ ક્ષયરોગના કારણે પોતાની આખરી વાર્તા ‘એ હંગર આર્ટિસ્ટ’ પૂર્ણ કરતી વખતે જ જહાંને અલવિદા કરી ચૂક્યા હતા. ‘એ હંગર આર્ટિસ્ટ’નું પાત્ર લોકો સામે જાહેરમાં, બંધ પાંજરે ઉપવાસ કરે છે. એ લોકોને દેખાડવા માંગે છે કે પોતે ભૂખ્યો રહેવા કેટલો સક્ષમ છે. શરૂઆતમાં લોકોને રસ પડે છે, કિંતુ પછી ભૂખ્યાં શરીરને જોવામાં કોઈનેય રોમાંચ ફીલ નથી થતો. ટોળું વિખરાવા લાગે છે.

એ પાત્ર અંતે પાંજરામાં જ મરી જાય છે. એને જોવા માટે ત્યાં કોઈ જ હાજર નથી હોતું. પાંજરામાંથી એને કાઢીને એક પેન્થરને પૂરવામાં આવે છે. ફરી લોકોના ટોળાં આ હિંસક પ્રાણીને જોવા ઉમટવા લાગે છે. વાર્તા શું સૂચવે છે એ અંગે વિધવિધ અર્થઘટનો મોજૂદ છે. કોઈને આ વાર્તામાં આજના સોશ્યલ માધ્યમો પર પોતાની અંગત જિંદગી ખુલ્લી મૂકીને સરાહના પ્રાપ્ત કરવાના લોકોના પ્રયાસો સાથે એનલોજિ દેખાઈ શકે. છતા આ મુદ્દો ઊડીને આંખે વળગે છે: સમાજ તરફથી સ્વીકૃતિ મેળવવાની, સરાહના અને પ્રોત્સાહન પામીને એનું જ એક અંગ બનવાનો ગર્વ અનુભવવાની ઝંખના. ફ્રાંઝ અંગત જીવનમાં આ માટે તરસતા હતા.

વારુ, આ વાત થઈ કાફ્કાના ખાસ કિસ્સાની. વર્તમાનનું શું? કાફ્કાના સમયની સ્થિતિ એવીને એવી નહીં, તો અમુક અંશે બદલાયેલા સ્વરૂપમાં આજેય પ્રસ્તુત છે. બહુધા લોકોને લાગે છે, ટેક્નોલોજીનો વધતો જતો ઉપયોગ એવો ભ્રમ ફેલાવે છે કે મનુષ્ય-મનુષ્ય એકબીજાથી વધારે પ્રમાણમાં જોડાઈ રહ્યા છે. સામાન્ય સમજણ એવી છે કે વર્ચ્યૂઅલ વિશ્વ રીઅલ જગત પર હાવી થઈને માણસને ખરા સોશિઅલાઈઝેશનથી દૂર કરીને એને એકલતાની ખાઈમાં ધકેલી રહ્યું છે. આજે દરેક ગરદન અને ચહેરા હથેળીના આકારના રમકડાનાં બ્લેક હોલમાં ખેંચાઈ રહ્યા છે. ઇંટરનેટનો સાગર સોશિઅલ મીડિયાથી થતા નુકસાન પરના લેખથી ભરેલો છે. પરંતુ જો ધ્યાનથી મંથન કરીએ તો સમજાશે કે માણસ પોતાની ખામીને સાધનો પર દોષારોપણ કરીને ઢાંકી રહ્યો છે. સાધન નિર્જીવ છે, મસ્તિષ્ક અને નિર્ણયક્ષમતા મનુષ્ય પાસે છે!

પ્રચલિત ધારણાથી વિરુદ્ધ ઇંટરનેટ/સોશિઅલ માધ્યમોએ ઘણા કિસ્સામાં માણસોને નજીક લાવીને ફેસ-ટૂ-ફેસ ઇન્ટરેક્શનની તક પૂરી પાડી છે અને સોશિઅલ આઇસોલેશનનાં ભયસ્થાનમાં ઘટાડો કર્યો છે. ઈન્ટરનેટ થકી જે પહેલાથી જ આઈસોલેટ હતા તે મનુષ્યને બીજા મનુષ્યનો સથવારો કોઈક રીતે મળ્યો છે. વાસ્તવિક જીવનનાં અણગમતા માણસોની અવેજીમાં લાઈક-માઇન્ડેડ નવા માણસો મળ્યા છે. મનુષ્યની એકલતા વધતી જવા પામી હોય એની પાછળ અન્ય કારણ પણ રહ્યાં હશે જેની તપાસ થવી જરૂરી છે.

સોશિઅલ આઇસોલેશન માણસને ડિપ્રેશન અને માદક વ્યસનનો શિકાર બનાવી શકે છે. ટોળાથી અલગ પડી જતી સામાન્ય કીડી પણ એકલતાને કારણે મૃત્યું પામે છે, આપણે તો ફિર ભી હોમો સેપિઅન્સ છીએ! સમસ્યા એ છે કે એકલતાની થીઅરીને જનરલાઇઝ નથી કરી શકાતી. સૌની પોતપોતાની એકલતા અને એના અનોખા કારણ છે. એને મૂળથી સમજ્યા પછી જ કોઈ ઉકેલ શોધવામાં સફળતા મળી શકે. સોશિઅલ આઇસોલેશન અમુક હદમાં વ્યક્તિની રચનાત્મકતાને ફાયદો કરી શકે, પરંતુ એ પસંદગીથી ઊભું કરેલું હોય એ વધારે આવકાર્ય છે, નહીં કે મજબૂરીનાં સ્વરૂપમાં ત્રાટકેલું.

 

કૉફિ સ્ક્રિપ્ટ

હું પિંજરું છું, જેને પંખીની તલાશ છે.

– ફ્રાંઝ કાફ્કા

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Sparsh Hardik (સ્પર્શ હાર્દિક)

Made with by cridos.tech