હાય રે યે બુઢાપા / વૃદ્ધોની સમસ્યાઓ

ગદ્ય લેખ 4172

Age is an issue of mind over matter,

If you don’t mind, it doesn’t matter.

– Mark Twain

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયેલો. કોઈ એડ ફિલ્મ હતી કદાચ અથવા તો કોઈ શોર્ટ ફિલ્મ હશે. બરાબર યાદ નથી. પણ એમાં અંદાજે પિસ્તાલીસ વર્ષ આસપાસનો એક પુરુષ સાંજે નોકરી/ધંધેથી આવે છે અને પોતે સાથે લાવેલ દવા એક ખૂણામાં બેઠેલા એના વૃદ્ધ મમ્મીને આપે છે અને સમોસાનું પાર્સલ-પેક પોતાની સત્તર-અઢાર વર્ષની પુત્રીને આપે છે. સમોસા સાથે પીવા માટે એની પત્ની ચા તૈયાર કરે છે અને ત્રણેય સમોસા ખાવા બેસે છે. આ તરફ દૂરથી સમોસા જોઈને પલંગ પર બેઠા બેઠા પેલા માજીના મોઢામાં પાણી આવે છે અને તેઓની કેસેટ ચાલુ થાય છે.. “ક્યાંથી લીધા? પહેલા તો મોટા-મોટા મળતા, અસલી ઘીમાં તળાતા, અંદર બદામ પણ નાખતા.. હવે ખબર નહી કેવા બનતા હશે..” આવું બોલીને એ સમોસા ખાવાની પોતાની ઈચ્છા એ ત્રણેય સુધી પહોંચાડવાનો પ્રત્યન કરે છે, પણ એનાથી વાત ન બનતા છેલ્લે સીધું જ એવું કહે છે કે, “મને પણ એક ટુકડો આપ ને.”

પણ એમનો છોકરો એમને તતડાવી નાખે છે, “કંઈ જ નહી મળે તમને. આડું-અવળું કુચુર કુચુર ખાધા રાખો છો અને પછી બીમાર પડો છો. એક તો ઓલરેડી દવા ચાલુ છે. વધારે બીમાર પડશો, તો દોડા તો અમારે જ કરવાના ને. સમજમાં નથી આવતું તમને? નાના બાળક છો?” માજી પણ નારાજ થઈ જાય છે, ગુસ્સામાં બોલે છે કે, “હા. આખી દુનિયામાં તું એક જ સમજુ છે. આમ ના કરો, તેમ ના કરો – આખો દિવસ એવું જ સાંભળવાનું મારે…” માજી ભીની આંખે બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે.. ને પેલો છોકરો એમની સામે સમોસાની પ્લેટ લઈને આવે છે અને હસતા હસતા એમને ખાવા આપે છે. માજી ખુશ થઈ જાય છે. 

આ વીડિયોનો મેસેજ એવો છે કે, “અમુક હદ પછી ઉંમર વધવાની સાથે માણસની ઉંમર સાવ ઘટી જાય છે, એ નાના બાળક જેવા બની જાય છે. They are kids again.” તદ્દન સાચી વાત છે. તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વ્યક્તિ હશે, તો તમને પણ આવા અનુભવો થતા જ હશે. કદાચ આપણે એવું માની લીધું છે કે, દેશનું યુવાધન જ દેશના વિકાસનો પાયો છે. ને પાછું એ એટલી હદ સુધી માની લીધું છે કે, વૃદ્ધોને આપણે સમાજનો ભાગ ગણતા નથી અથવા સાવ ઇગ્નોર કરી દઈએ છીએ. ભૂલી જઈએ છીએ કે, તેઓ પણ પહેલા યુવાન જ હતા અને આપણે પણ વૃદ્ધ થવાના જ છીએ. મારે અહીંયા કોઈને સલાહો આપીને ‘બોર’ નથી કરવા. પણ જે ફેક્ટસ છે, એ મુદ્દાસર રજૂ કરવા છે.

ઉંમર વધવાની સાથે માનવશરીરમાં બદલાવ આવે છે, વિચારવાની ક્ષમતામાં બદલાવ આવે છે. વૃદ્ધોની સમસ્યાને બેઝીકલી પાંચ ભાગમાં ડીવાઈડ કરી શકાય – શારીરિક, માનસિક, આર્થિક, ભાવનાત્મક અને સામાજિક. એક પછી એક વિચારીએ. વૃદ્ધત્વ એ શારીરિક નબળાઈનો ફેઝ છે. શરીરમાં ‘AGING’ની પ્રક્રિયા એની ચરમસીમાએ હોય છે. વજન ઘટતું જાય છે, દાંત નબળા પડી જાય છે અથવા તો સાવ જતા રહે છે. આંખોમાં દેખાતું ઓછું થતું જાય છે, વાળ સફેદ થતા જાય છે, ચામડીમાં કરચલી પડી જાય છે, હાડકાં બોદા થઈ જાય છે, રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોવાથી સત્તર જાતના રોગો ઘર કરી જાય છે, હાથ-પગ-જડબામાં ધ્રુજારીઓ આવવા લાગે છે. હ્રદય બરાબર પંપ કરતું ના હોવાથી મગજ અને બીજા અગત્યના અંગો સુધી સરખું લોહી પહોચી શકતું નથી. શરીરની રેગ્યુલેટરી મીકેનીઝમ પણ બરાબર કામ કરી શકતી ના હોવાથી બાહ્ય વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય, તો એની સીધી અસર એમના શરીર પર થાય છે. ઉપરથી મોટી ઉંમરે લોકો ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા ખોઈ બેસે છે, આથી અકસ્માતો પણ આ ઉંમરે વધુ સર્જાય છે. ઉંમર વધવાની સાથે શરીરની જે આખી સીસ્ટમ ખોરવાઈ જાય છે, એના લીધે ખાધેલું જલ્દી પચતું નથી અને પાચનતંત્રને લગતા રોગો પણ થાય છે.

તમને થશે કે, “આમાંનું મોટાભાગનું તો અમને ખબર છે. આમાં નવી વાત શું છે?” પણ તમને કદાચ એ નથી ખબર કે આ શારીરિક સમસ્યાઓને માનસિક સમસ્યાઓ સાથે કોઈકને કોઈક સંબંધ છે. વૃદ્ધો આખો દિવસ એવા વાતાવરણમાં રહે છે, કે એમને એમની આજુબાજુ પોતાની ઉમર કરતા પોતાથી નાની ઉંમર વાળા લોકો, યુવાન લોકો વધુ જોવા મળે છે, કે જેમને આવી કોઈ શારીરિક સમસ્યાઓ નથી. આથી સ્વાભાવિક રીતે જ એમના મનમાં ‘લઘુતાગ્રંથી’ (INFERIOITY COMPLEX) નો ભાવ જન્મે છે. હરપળ એમને લાગે છે કે, હું નબળો પડી ગયો છું, મારામાં આટલી આટલી ખામીઓ છે. ‘હું નબળો છું’ – એ હકીકત કરતા ‘હું નબળો છું’ – એ પ્રતીતિ જ વધારે નુકશાનકારક છે. એ અન્ય મનોવિકારોને પણ સાથે સાથે તાણી લાવે છે, ( માનસિક રીતે) જલ્દી થાકી જાય છે, સતત અસ્વસ્થ અને ચિંતિત જ લાગ્યા કરે છે. 

ઉંમર વધવાની સાથે શરીરના કોષોની એટ્રોફી (ખવાઈ જવું) પણ થવા લાગે છે. મગજ પણ એમાંથી બાકાત થોડું રહે? મગજ પણ નબળું પડતું જાય છે, પરિણામે અનિદ્રા અને ભૂલી જવાની બીમારી પણ ઘર કરી જાય છે. અનિદ્રાને કારણે મન ચકરાવે ચડે છે અને આથી ફરી ‘લઘુતાગ્રંથી’ વધતી જાય છે. ઉપરથી શારીરિક સમસ્યાઓ માટેની દવા પણ સમય પર લેવાનું યાદ ના આવતા, એ સમસ્યાઓ પણ વકરે છે. આમ આ એક આખું ચકરડું – VICIOUS CYCLE રચે છે, બધું એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલું છે.

 આ ઉંમરે ત્રીજી સમસ્યા ‘આર્થિક’ છે. શરીર સાથ આપતું નથી, કામ કરી શકાતું નથી. બેઝીક જરૂરિયાતો માટે કાં તો ઉમ્રભર કરેલી બચતનો સહારો લેવો પડે છે અથવા તો કોઈ પર આશ્રિત રહેવું પડે છે. હવે ભારતીય સમાજમાં તો મા-બાપે બધી કમાણી સંતાનો પર લુંટાવી દીધી હોય છે અને બધું એમના નામ પર કરી દીધેલું હોય છે. તમને નથી લાગતું કે, આખી જિંદગી ઊંચું માથું કરીને જીવનાર લોકોએ પાછલી જિંદગી કોઈના પર ડીપેન્ડ રાખવી પડે, એ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે?

 તેમણે આખી જિંદગી જે કંઈ કામ કર્યું હોય સમાજમાં રહીને, એ તેમણે મને-કમને બીજાને સોંપી દેવું પડે છે. તેમને બધે ભાગ લેવો હોય છે, કેમ કે ‘OLD AGE’ સાથે તેઓ ‘USED TO’ થઈ શકતા નથી, પોતે હવે વૃદ્ધ થઈ ગયા છે, એ હકીકત તેઓ સ્વીકારી શકતા નથી. તેમને હજી પણ બધે વર્ચસ્વ બનાવી રાખવું હોય છે, કે જેવું પહેલા હતું. સામાજિક વહેવારો, ધંધા વગેરેમાં તેમને યુવાનોને એ સલાહો આપે છે, પણ જનરેશન ગેપને લીધે યુવાનોને એ પસંદ નથી આવતી અને તેઓ માનતા નથી. એટલે તેઓનો અહમ સંતોષાતો નથી. ઉપરથી પોતાના લાઈફ-પાર્ટનર, સગા-સંબંધીઓ અને મિત્રોના મૃત્યુ થવા લગતા એમને મળતો ઈમોશનલ સપોર્ટ પણ નથી મળતો, સમય પસાર નથી થતો. ઉપરથી કામ કરી ના શકતા હોવાથી આખો દિવસ નવરા બેસી રહેવું પડે છે, એટલે વધુને વધુ આવા વિચારો આવતા જાય છે. 

તો તમારે શું કરવાનું છે? તમારે બસ ખાલી ધીરજ ધરવાની છે, અકળાઈ નથી જવાનું. એમની બાજુમાં પાંચ મિનીટ પણ બેસીને એમની વાત સાંભળશો અને ક્યારેક તો ક્યારેક એમની સલાહો લઈને એમના મન મુજબ કરશો તો પણ તેઓ ખુશ રહેશે અને એમને જિંદગી આસાન લાગશે. એટલું તો કરી જ શકો ને? 

 હવે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ સાથે ‘ડીલ’ કરતી વખતે આ આર્ટિકલ યાદ આવશે? યાદ કરી લેજો. 

PACK UP 

Forty is the old age for young and fifty is the young age for old.

Hosea Ballou

 

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech