ચલતી કા નામ ‘સ્ટોરી’ / ‘ટ્રાવેલ’ સ્ટોરી અને ફિલ્મો

ગદ્ય લેખ 4154

No matter what happens, travel gives you a story to tell.

  • Jewish Proverb 

વાર્તા-લેખનની પ્રેરણા લેખકને ઘણીવાર ટ્રાવેલિંગ દરમિયાન મળતી હોય છે. તો ક્યારેક થીમ તરીકે જ લેખક ‘ટ્રાવેલ-સ્ટોરી’ લખતો હોય છે, એટલે કે વાર્તા-લેખન (કે જેમાં ફિલ્મ-લેખન પણ સમાવિષ્ટ છે) નો એક પ્રકાર ‘ટ્રાવેલ-સ્ટોરી’ પણ છે. આપણે આજે બન્નેની વાત કરીશું. 

ટ્રાવેલ-સ્ટોરીની વાત કરું તો, થોડીઘણી વાર્તા/સ્ક્રીપ્ટ નબળી હોય છતાં પણ એ વાચકો (અથવા દર્શકો) ને જકડી રાખે છે, તેના મુખ્ય કારણો ગણવામાં આવે તો એમ કહી શકાય કે, સ્ટોરી એક પ્લોટ પર ભલે રચાયી હોય, પણ એક પ્લેસ પર રચાયી હોતી નથી. પ્લેસનું વેરીએશન, લોકોનું વેરીએશન અને વિચારોનું વેરીએશન તો હોય જ છે; એ ઉપરાંત એ સ્પેસિફિક ‘ટ્રાવેલ’ કે ટ્રિપ અચાનક શરૂ થતી નથી. બીજા અર્થમાં એની એક ચોક્કસ પૂર્વભૂમિકા હોય છે. વાચકો/દર્શકોને નવા પ્લેસ વિશે જાણવા મળે છે અને તેઓ એ પ્લેસ પર પહોંચ્યા વગર જ એ પ્લેસને તાદ્રશ્ય કરી શકે છે. 

નામ પ્રમાણે વાર્તામાં ‘ટ્રાવેલ’ થાય છે, પણ એના કેરેક્ટર માટે એ ફક્ત ટાઈમપાસ ના બની રહેતા, એની પોતાની લાઈફ માટે પણ એક ટ્રાવેલ બની રહે છે, કે જેમાં શરૂઆતમાં એ પોતે જ્યાં હોય છે, અંતમાં ત્યાં હોતા નથી. રસ્તામાં  એમને કંઈક જડે છે, જે એમની લાઈફની આખી દિશા ચેન્જ કરી નાખે છે. એ ‘જડવાની ઘટના’ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે : કાં તો વસ્તુરૂપે, કાં તો વ્યક્તિરૂપે, કાં તો વિચારો રૂપે. જો કે, દરેક ‘ટ્રાવેલ સ્ટોરી’ આમ ‘કંઈક જડશે’ના બેઝ ઉપર રચાયી હોય, એ જરૂરી નથી. ક્યારેક એમાં કંઈક ગુમાવવું પણ પડે છે. આમ આવી દરેક વાર્તા જાણે નિદા ફાઝલીના પેલા બહુ ફેમસ શેર ‘सफर में धूप तो होगी, जो चल सको तो चलो’ ના disclaimer સાથે શરૂ થતી હોય એવું લાગે. એટલે એ કથા/પ્રવાસ ક્યાં જઈને અટકશે, એ નક્કી કરવું કઠિન તો પડે જ!

ઘણી વાર્તાઓ આખી પ્રવાસમાં જ પૂરી થઈ જતી હોય છે. હમણાં હમણાં જ આવેલી ઈરફાન ખાનની

“KARWAAN” ફિલ્મ પણ હળવા મૂડવાળી, છતાં પણ સારી ફિલોસોફિકલ ફિલ્મ છે. એ જ રીતે “THE VIRAL FEVER (TVF)” ચેનલ હેઠળ બનેલી પાંચ એપિસોડમાં બનેલી “TVF TRIPPLING” પણ ભાઈ-બહેન વચ્ચેના સંબધને ઉજાગર કરતી એમની અને એમના સંબંધોની એક બ્લોકબ્લસ્ટર રોડ-ટ્રીપ છે, જેને ‘ASIAN TELEVISION’ માં ‘બેસ્ટ સ્ક્રીપ્ટરાઈટીંગ ફોર વેબ ફિલ્મ્સ/સીરીઝ’ કેટેગરીમાં એવોર્ડ પણ મળી ચુક્યો છે અને IMDB માં ૮.૭ જેટલું હાઈ-રેન્કિંગ પણ મળ્યું છે. એક રીતે એમ પણ કહી શકાય કે, ભલે ‘ટ્રાવેલ સ્ટોરી’નું મૂળ તત્વ ‘સસ્પેન્સ’ ના હોય, છતાં પણ સફરના દરેક મોડ પર કંઈક આશ્ચર્ય જન્માવે એવું તો મોટાભાગના કિસ્સામાં હોય જ છે. ને એમાંય જો ટ્રાવેલ સ્ટોરીનું મૂળ જ આમ ‘સસ્પેન્સ’ હોય, તો સોનામાં સુગંધ ભળવા બરાબર થઈ જાય. આવી ઘણી વાર્તાઓમાં આખી કથા ગાડીની અંદર જ રચાયી હોય છે,

એટલે બહારના લોકેશનનું કોઈ મહત્વ નથી રહેતું. એથી વિરુદ્ધ જેમ લોકેશન ઓછા હોય, એમ સ્ટોરી વધુ CATCHY પણ બની શકે. (આડવાત : “A WEDNESDAY”, “KNOCK OUT” અને “KAAFIRON KI NAMAZ” એવી હિન્દી ફિલ્મ છે, જે એક-બે કે મહદઅંશે ત્રણ લોકેશન પર ફિલ્માવવામાં આવેલ છે, છતાં પણ એના વિષયવસ્તુને લીધે રસપ્રદ બની છે.)     

સસ્પેન્સ સ્ટોરી અને મર્ડર મિસ્ટ્રી લખવામાં જેમની હથોટી છે, એવા અગાથા ક્રિસ્ટી “MURDER ON THE ORIENT EXPRESS” અને “THE MYSTERY OF THE BLUE TRAIN” નામની બે ટ્રેન-ટ્રાવેલ સસ્પેન્સ નોવેલ લખી ચુક્યા છે. એમાંય “MURDER ON THE ORIENT EXPRESS”ને  ‘વિશ્વની સૌથી શ્રેષ્ઠ ટ્રેન-નોવેલ’ તરીકે ગણવામાં આવે છે અને એના પરથી એજ નામથી ફિલ્મ પણ બની ચૂકી છે. જો કે, આપણા બોલીવૂડમાં પણ જીમી શેરગિલ અને કે.કે.મેનનને લઈને ટ્રેન-ટ્રાવેલ રીલેટેડ “THE STRANGERS” નામની એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બની ચુકી છે, જેનો ઘણાનાં મત મુજબ ‘ધી મોસ્ટ અન્ડરરેટેડ બોલીવૂડ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ્સ ઓફ ઓલટાઈમ’ લીસ્ટમાં સમાવેશ થાય છે.

વાર્તાકારોને મોટેભાગે વાર્તાઓની સ્ફૂરણા અવનવા લોકોને મળીને થતી હોય છે. પણ એક નિર્ધારિત સ્થળે બેસી રહેવાથી સંપર્કમાં આવતા ‘કેરેક્ટર્સ’ અમુક હદથી વધતા નથી. વાર્તા શોધવા માટેનું બેસ્ટ પ્લેસ મારા મત મુજબ તો ‘ટ્રેન’ છે. નાનો હતો, ત્યારે નિબંધમાળામાંથી ‘ગાડીના ત્રીજા વર્ગની મુસાફરી’ નામનો એક નિબંધ વાંચ્યો હતો, જે ક્યારેક પરીક્ષામાં પૂછાયેલો પણ હશે અને લખ્યો પણ હશે. પણ વિધિની વક્રતા એ હતી કે, ત્યાં સુધીમાં ટ્રેનમાં બેઠો જ ન્હોતો! ગાડીનો ત્રીજો વર્ગ (જનરલ કોચ) એ ભારતની ‘વિવિધતામાં એકતા’ના દર્શન કરાવવાની સાથે સાથે વાર્તા માટે અદ્ભુત મટીરીયલ પૂરું પાડે છે, એ થોડો મોટો થયા પછી સમજાયું. ત્યાં બેઠા-બેઠા પણ આપણી સામે અમુક વાર્તાઓ તો રચાતી જ હોય છે અને અજાણ્યા સાથે વાતો કરીને પણ વાર્તા મળી રહે છે. 

આમ, ઘણી વાર્તાઓની શરૂઆત જ ટ્રેનમાં મુસાફરીથી થતી હોય છે. ‘HARRY POTTER’ સીરીઝનું 9 ૩/4 પ્લેટફોર્મ તો કેમ કરી ભૂલાય? તો ઘણી વાર્તાઓ ટ્રેનમાં મુસાફરી દરમિયાન લેખકે જીલેલા પાત્રોથી રચાતી હોય છે. જેમ કે, અંકિત દેસાઈની “ટ્રેન ટેલ્સ”. ઘણી વાર્તાઓ ‘ટ્રેન’ છૂટી જવાથી આગળ વધતી હોય છે. ઈમ્તિયાઝ અલીની “JAB WE MET” યાદ છે ને? તો ઘણી વાર્તાઓ ‘પ્લેટફોર્મ’ છૂટી જવાથી આગળ વધતી હોય છે. રોહિત શેટ્ટીની “CHENNAI EXPRESS” ઓફકોર્સ. 

રાજ કપૂર દ્વારા નિર્મિત ૧૯૮૫ માં આવેલી ક્લાસિક ફિલ્મ “RAM TERI GANGA MAILI” પણ એક મોડીફાઈડ ટ્રાવેલ સ્ટોરી છે. “DIL CHAHTA HAI”, “YEH JAWAANI HAI DEEWANI” અને “ZINDAGI NA MILEGI DOBARA” પણ એવી જ બેસ્ટ ટ્રાવેલ-ફિલ્મ ગણી શકાય, જેને જોઈને આપણને પણ ક્યાંક ફરવા ઉપડી જવાની ઈચ્છા થઈ જાય, એ પણ બેગ પેક કર્યા વગર. ઈમ્તિયાઝની “HIGHWAY” અને “TAMASHA” પણ અલગ-અલગ પ્લોટ પર રચાતી રોડ-ટ્રિપ બેઝ્ડ ફિલ્મો છે. રોડ-ટ્રિપની વાત નીકળી જ છે, તો અમિતાભ-ઈરફાન-દીપિકા અભિનીત “PIKU” પણ ચોક્કસ યાદ આવે. એકબીજાથી સાવ અલગ એવા છ કપલ પોતપોતાની બેક-સ્ટોરી અને સામાન લઈને હનીમૂન કરવા માટે ગોવા ભેગા થાય, એવા એક અલગ જ વિષય પર બનેલી ટ્રાવેલ- સ્ટોરી “HONEYMOON TRAVELS PVT LTD.” પણ એક માણવાલાયક ફિલ્મ કહી શકાય.

નવલકથા અને ફીચર-ફિલ્મો જો આવી વાર્તાઓ અપનાવતા હોય તો શોર્ટ ફિલ્મોનો શું વાંક? એ શું કામ પાછળ રહે? એક વૃદ્ધ વ્યક્તિ કૃષ્ણકાંત જુનજુનવાલા (ફીટ ‘દર્શન જરીવાલા’) ની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી અને ‘ઈશ્વરની મરજી જ સત્ય છે’ એવો પાઠ ભણાવી જતી શોર્ટ ફિલ્મ “MUMBAI VARANASI EXPRESS” પણ IMDB માં હાઈ રેટિંગવાળી અવ્વલ દરજ્જાની હિન્દી શોર્ટ ફિલ્મ છે. આખી કોમેડી થીમ પર પણ ટ્રાવેલ-ફિલ્મ બની ચુકી છે. “THE DARJEELING LIMITED” ૨૦૦૭ માં આવેલી અમેરિકન-કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જે એક ભારતીય વેપારીની ટ્રેન ચુકી જવા પછીની સિક્વન્સ પર રચાયી છે.

ગુજરાતીમાં ધ્રુવદાદાએ સૌરાષ્ટ્રના દરિયાકિનારા પરથી રચેલ “સમુદ્રાન્તિકે”, ગીરની આસપાસ આકાર લેતી “અકૂપાર” અને નર્મદા(રેવા)ની આસપાસ ફરતી “તત્વમસી” લખીને આપણને ઉત્તમ ટ્રાવેલ-નવલકથાઓ આપી છે. ટ્રાવેલ આર્ટિકલ કે બ્લોગ વાંચવો કંટાળાજનક લાગે, પણ જો એને વાર્તાસ્વરૂપે ઢાળી દેવામાં આવે તો વાચકો ‘બોર’ થતા નથી. જો કે આપણે ત્યાં તો બે સાવ નજીકના સ્ટોપ વચ્ચે AMTS અને BRTS માં મુસાફરી કરતા કરતા પણ ટ્રાવેલ-લવ-સ્ટોરી રચાતા વાર નથી લાગતી! સું કિયો છો?

 PACK UP

“ટ્રાવેલિંગ; શરૂઆતમાં તો તમને નિઃશબ્દ કરી દે છે, પણ છેલ્લે વાર્તાકાર બનાવીને છોડે છે.”   

ઇબીન બત્તુદા (અરેબિયન વિચારક અને ટ્રાવેલર. ઈ.સ. ૧૩૦૪-૧૩૭૭)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Yagnik Vaghasia (યાજ્ઞિક વઘાસિયા)

Made with by cridos.tech